
રવીન્દ્ર પારેખ
એવું કેમ છે કે સ્વમાની માણસ અતડો રહે છે ને ખુશામતખોર, માણસોમાં જ ફરતો રહે છે. આ બંને પ્રકારના માણસો ઇચ્છનીય નથી, પણ તે હોય છે ને હોય જ છે. માણસને સ્વમાન વહાલું હોય, તે અપેક્ષિત છે. એ જ રીતે લોકોમાં ભળે એ માણસ પણ જરૂરી છે. પણ સ્વમાની માણસ અતડો રહે ને કોઈમાં ભળે જ નહીં, તો તેનો કોઈને શો ખપ હોય? સ્વમાન એ અભિમાનનો પર્યાય નથી. સ્વમાની માણસ અતડો હોય તો તે અહંકારી હોઈ શકે છે. એવું હોય તો, તેનું સ્વમાન જ ખપનું નથી. જે સ્વમાની કોઈને ખપનો જ ન હોય, તો તેવી વ્યક્તિ ભલે પોરસાતી રહે, પણ તેનો સમાજને કશો ખપ નથી. તે જ રીતે જે માણસ લોકોમાં ભળતો હોય, પણ તેમાં તેનો સ્વાર્થ જ હોય તો તે બીજાને મદદ કરવાને બહાને પોતાનું જ કલ્યાણ કરતો રહેશે. પોતાનું કામ કઢાવવા તે ખુશામત કરવી પડે તો તે પણ કરશે. વળી કોઈનું કામ પણ કરી આપશે, પણ હેતુ તો પોતાનું હિત સાધવાનો જ હશે. સ્વમાની કોઈની ખુશામત ન કરે કે કોઈને ન મળીને કોઈનું અહિત પણ નહીં કરે કદાચ, તો એમાં પણ કેન્દ્રમાં તો તે જ રહેવા માંગે છે. એ રીતે કેવળ અતડો સ્વમાની ને લોકભોગ્ય ખુશામતખોર, બંને સમાજનું હિત કરતા નથી એ સ્પષ્ટ છે.
એક સમારોહમાં જવાનું બન્યું. એમાં બંને પ્રકારના માણસોનો પરિચય થયો. એ કાર્યક્રમનું સંચાલન કરનાર ખુશામતખોર વ્યક્તિએ મને કહ્યું કે કોઈને કહેતા નહીં, પણ પેલા સ્વમાની ને અતડા સજ્જનને એક મોટું પારિતોષિક ન મળે એને માટે મેં એડીચોટીનું જોર લગાવી દીધેલું ને ઉપર સુધી એ કોશિશ કરેલી કે પાત્રતા હોવા છતાં તેમને ઇનામ ન જ મળે. મેં એમને પૂછ્યું કે આ તમે ઠીક કર્યું છે? યોગ્યને અયોગ્ય ને અયોગ્યને યોગ્ય ઠેરવવામાં ન્યાય કોઈને થતો નથી. તમે એ વાતે જરૂર પોરસાઈ શકો કે તમે તમારું ધાર્યું કરીને રહ્યા, પણ એ ક્યારેક બૂમરેંગ પણ બની શકે છે એ ના ભૂલવું જોઈએ.
એવી જ રીતે એ સમારોહમાં પેલા સ્વમાની સજ્જન પણ મળ્યાં. એમને ક્યાંકથી ખબર પડી કે પેલા ખુશામતખોર સજ્જને ઇનામ પોતાના સુધી ના પહોંચવા દીધું. મેં એમને આશ્વસ્ત કર્યા. તો, એ સામે ઉછળ્યા. મને તો એની કંઇ પડી નથી. એક ઇનામ ના મળે તેથી કંઇ દુનિયા પૂરી થઇ જતી નથી. જેનામાં વિત્ત ના હોય, તે જ કોઈની ખુશામત કરતાં હોય છે. હું તો એવા પર થૂંકું પણ નહીં. મેં એમને યાદ અપાવ્યું કે તમે થૂંકવા રાજી નથી એ માણસે તમારું ઇનામ અટકાવ્યું, એટલે વિત્ત નથી જ એમ તો કેમ કહેવાય?
એ ખરું કે એવું કરવા જેવું ન હતું. એ જ રીતે તમે એ મિત્રને સાવ ક્ષુલ્લક ગણો એ પણ બરાબર નથી. મને એ જ વાંધો છે. મિત્ર ઉકળ્યા. તમારા જેવા તટસ્થ માણસો પણ ઉપયોગી નથી. કોઈ પણ પક્ષે તમે ઊભા જ ના રહો એથી કોઈ હેતુ સરતો નથી. બંને પક્ષ સાચા ના હોય, એમ જ બંને ખોટાં પણ ના હોય, ત્યાં તમે તમારી તટસ્થતાથી જે પક્ષ સાચો છે, ત્યાં પણ ના રહો તે સાચને અન્યાય કરવા બરાબર છે. એ ભાઈ કદાચ સાચા હતા. હું કોઈનો જ પક્ષ ના લઉં તો તેનો અર્થ એ થયો કે હું ખોટાને પક્ષે નથી, તો સાચાને પક્ષે પણ નથી. બધાં આમ જ કરતાં રહે તો સત્ય કદી બહાર જ ના આવે. એમ થવા દેવા જેવું નથી.
આમ બને છે, એમાં સ્પર્ધાભાવ કરતાં ઇર્ષાભાવ વધારે સક્રિય હોઈ શકે છે. સ્પર્ધાભાવ હોવો સારી બાબત છે. તંદુરસ્ત સ્પર્ધા ઇચ્છનીય છે. તેથી સામાને પરાસ્ત કરી વિજયી બનવાની તક ઊભી થાય છે. પરાસ્ત કરવામાં સ્પર્ધકે પોતાની તમામ શક્તિ કામે લગાડવાની રહે છે, તેનો અર્થ એવો નથી કે સામેવાળાને હરાવવા આસુરી શક્તિ કામે લગાડવાની છે. સામેવાળાને છેતરીને કે છળકપટ કરીને જીતવામાં સ્પર્ધા નથી. દગો છે. બદમાશી છે. લુચ્ચાઈ છે. જીતી જવું તેમાં બહાદુરી નથી. કેવી રીતે જીતો છો, એમાં હોય તો હોય. કોઈને માટે દુર્ભાવ હોય ને તેને બેઠો થવા જ ના દેવો હોય, તેમાં ખેલદિલી નથી, ઈર્ષા છે. ઈર્ષા હોય ત્યાં સ્પર્ધા નથી રહેતી, શત્રુતા જ બચે છે. શત્રુતા ને સ્પર્ધા એક નથી. ધારો કે કારની સ્પર્ધા છે. એક સ્પર્ધક ખેલદિલીથી સ્પર્ધા જીતવા આવ્યો છે ને તેની સામેનો સ્પર્ધક તે ના જીતે એ માટે હવા કાઢી નાખે કે કારમાં પંક્ચર પાડી દે, તો તેમાં સ્પર્ધા નથી, ઈર્ષા છે.
આવું કેમ થાય છે? સ્પર્ધામાં ખેલદિલી હોવી ઘટે, પણ કેટલીક વ્યક્તિઓ કોઈ પણ રીતે જીતવા માંગે છે. આવું ત્યારે જ બને જો સ્પર્ધક અશક્ત હોય. તેને પોતાનામાં ભરોસો ના હોય, તે જ ખોટી રીતે જીતવા મથે. એમાં કદાચ તે જીતી પણ જાય, પણ તે બરાબર જાણતો હોય છે કે તે કેવી રીતે જીત્યો છે. કેટલાક વિજેતાઓને તો જીત જ મહત્ત્વની છે. તે કેવી રીતે જીત્યો એ તરફ તે જાણી જોઇને ધ્યાન જ નથી આપતો. તે એટલે કે તે સાધન શુદ્ધિમાં નથી માનતો. એમાં માનતો હોય તે આવું કરે જ નહીં.
ઘણીવાર ઈર્ષાની વાત સ્પર્ધા પૂરતી સીમિત નથી હોતી. તે સામાન્ય માણસથી લઈને અબજોપતિમાં પણ હોય છે. એક પટાવાળાને પ્રમોશન મળે તો બીજાને તેની ઈર્ષા થાય છે. તે સાહેબની સામે તેનું ભૂંડું બોલવામાંથી નથી ચૂકતો. આવી ઈર્ષા અબજોપતિ કે ઉદ્યોગપતિઓમાં પણ હોય છે. તેમાં સ્પર્ધા એટલી તીવ્ર હોય છે કે બધું હોવા છતાં સામેવાળાને કેમ પછાડવો એ ઝનૂન કામ કરતુ હોય છે. એમાં ઈર્ષા ને સ્પર્ધા એક સાથે ને સમાંતરે હોય છે. ઘણી વાર તો આ ઈર્ષા એટલી તીવ્ર હોય છે કે હિંસા ને હત્યા સુધી પણ વાત પહોંચતી હોય છે. આવી ઈર્ષા કોઈ રીતે ઇચ્છનીય નથી, પણ તે હોય છે ને ઘણી બધી હોય છે. જગતમાં બધા જ ખરાબ કે ઈર્ષાળુ નથી હોતા. કેટલાક સારા અને ઈર્ષાભાવથી પર પણ હોય છે. તે સ્પર્ધામાં હારવાનું પસંદ કરશે અથવા તો સ્પર્ધામાંથી ખસી જવાનું પસંદ કરશે, પણ બદઇરાદાથી સ્પર્ધામાં રહેવાનું પસંદ નહીં કરે.
આવું કેમ છે? કેમ જગતમાં ઈર્ષા, વેરઝેર, હિંસા બહારથી ઘર સુધી આવી ગઈ છે. સત્યનું મહત્ત્વ બધા જ સમજે છે, પણ મહિમા અસત્યનો થાય છે. સલાહ સદ્દભાવ દાખવવા અપાય છે, પણ પ્રભાવ દુર્ભાવનો વધુ છે. વાત અહિંસાની થાય છે, પણ છાપાં, હિંસા, અનાચાર, હત્યાથી ભરેલાં હોય છે. ઉપદેશ સતનો અપાય છે ને વર્તનમાં અસત પ્રગટ્યાં કરે છે. આપણે રામની, કૃષ્ણની પૂજા કરીએ છીએ. ક્યારે ય રાવણની, દુર્યોધનની નથી કરતા. કેમ? શક્તિશાળી ખલનાયકો હોય છે, જયારે નાયકો સૌમ્ય અને ઋજુ સ્વભાવના હોય છે, પણ જીત રાવણની થતી નથી. દુર્યોધન હારે જ છે. સ્પર્ધા કે યુદ્ધ ગમે એટલાં આસુરી તત્ત્વો તરફનાં હોય, તો પણ કૃષ્ણ ગીતા ઉપદેશે છે અર્જુનને, દુર્યોધનને નહીં ! ગમે તે સ્થિતિ હોય પરિણામ સત્યમાં આવે છે. તો દુર્યોધન, રાવણની જરૂર કેમ ઊભી થઈ? તે એટલે કે આસુરી તત્ત્વો વચ્ચે ટકવામાં સત્યની કસોટી સૌથી વધુ થાય છે ને એમ થાય છે તો સત્યની કિંમત સમજાય છે. સત્ય કસોટી વગર પુરવાર થતું નથી ને આ બધા વગર તે પુરવાર કરવાનું મુશ્કેલ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જૂન 2026
![]()

