જો ચાર સિનિયર ન્યાયમૂર્તિએ ઉઠાવેલા પ્રશ્નોનું હાર્દ પકડીએ તો કટોકટીકાળ ક્યારે પેંધી જશે તે કહી શકાય નહીં !
સમજાતું નથી, આસારામને સજાના અદાલતી નિર્ણયના રાજીપે ઝૂમવું કે પછી ઉત્તરાખંડના વડા ન્યાયમૂર્તિ જોસેફને સર્વોચ્ચ અદાલતની દેવડીએ ધરાર નહીં પહોંચવા દેવાની કેન્દ્ર સરકારની વ્યૂહરચના વિશે પુણ્યપ્રકોપે વિમાસવું. ખરું જોતાં, આસારામની સજા ઉપરના સ્તરે ક્યાં સુધી ટકશે તે આપણા સંમિશ્ર અનુભવો જોતાં સવાલિયા દાયરામાં છે. અને વાત માત્ર આટલી જ નથી. આસારામને પકડતાં આટલો વખત કેમ થયો, ગુજરાતમાં તો હજુ ન્યાયમૂર્તિ ડી.કે. ત્રિવેદીનો તપાસ હેવાલ ઓઝલ જ ઓઝલ છે, જ્યારે આસારામ પકડાયા ત્યારે એમના બચાવમાં રામ જેઠમલાની ને સુબ્રમણ્યમ સ્વામી સહસા ખડા થઈ ગયા એવું કેમ કરીને બન્યું: જાગ્રત પ્રજામત અને એને વિધાયક પ્રતિસાદ આપતી સરકાર, બેઉ કેમ જાણે વખતોવખત એક સાથે ગાયબ ન થઈ જતાં હોય!
રાજીપે ઝૂમવું જો હજુ વહેલેરું લાગતું હોય તો પેલા પુણ્યપ્રકોપ વિશે શું કહેશું વારું. ન્યાયમૂર્તિ જોસેફ દિલ્લીશ્વરો વા જગદીશ્વરો તરેહનાં સત્તાવર્તુળોની દાઢમાં, ખાસ કરીને એમણે ઉત્તરાખંડની કૉંગ્રેસ સરકારની બારોબાર બરતરફીને ગેરકાનૂની ઠરાવી ત્યારથી હશે એમ સમજાય છે. કૉલેજિયમે એડ્વોકેટ ઇન્દુ મલહોત્રાનું અને એમનું નામ સરકારને મોકલ્યું ત્યારે સરકારે બેમાંથી એકનું (મલહોત્રાનું) નામ બહાલ રાખ્યું. કૉલેજિયને ન્યાયમૂર્તિ જોસેફને પસંદ તો ધારાધોરણસર કર્યા હતા, પણ ઉત્તરાખંડ ચુકાદા વાટે એમણે ધારાધોરણનો જે કાનૂની એટલો જ નૈતિક આગ્રહ દાખવ્યો હતો, તે સરકારનાં મનોબંધારણગત ધારાધોરણોના મેળમાં નહોતું એ સાફ છે. એટલે મલહોત્રા અને જોસેફ બેઉની નિયુક્તિ વચ્ચે અંતર રાખીને જોસેફની સર્વોચ્ચ અદાલત ખાતેની સિનિયોરિટીને પાછી પાડવાની અગર તો જોસેફને સર્વોચ્ચ અદાલતમાં ધરાર નહીં આવવા દેવાની સરકારી વ્યૂહરચના ન જોવી હોય તો જ ન દેખાય એમ છે. વસ્તુત: કૉલેજિયમે તત્ક્ષણ ન્યાયમૂર્તિ જોસેફની ભલામણ દોહરાવવાની દક્ષતા દાખવી હોત તો સરકાર પાસે તે પુન: નકારવાનો વિકલ્પ ન રહેત અને મલહોત્રા ને જોસેફ બેઉ સન્માન્ય જનો એક સાથે શપથ લઈ શક્યાં હોત. લાગે છે, આ કિસ્સો એક પા જો સરકારી દોંગાઈ અને દિલચોરીનો છે તો બીજી પા કૉલેજિયમને છેડે – એટલે કે અદાલતી નેતૃત્વને છેડે કર્તવ્યદક્ષ પહેલકારીના અભાવનો છે. મે 2014માં હાલની કેન્દ્ર સરકાર સત્તારૂઢ બની કે તરત જ આ બધાં ચિહ્નો દેખાવા લાગ્યાં હતાં એમ પાછળ નજર કરતાં સમજાય છે. વાચકને યાદ હોવું જોઈએ કે કૉલેજિયમે વરિષ્ઠ કાનૂનવિદ ગોપાલ સુબ્રમણ્યમને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ તરીકે નીમવા સૂચવ્યું ત્યારે કેન્દ્ર સરકારે એ પુનર્વિચાર માટે પાછું મોકલ્યું હતું. તે વખતના વડા ન્યાયમૂર્તિ લોધા સુબ્રમણ્યમનું નામ દોહરાવશે એવી ખાતરી નહીં હોવાથી અગર તો કેન્દ્ર સરકારના વલણ વિશેની નારાજગીવશ સુબ્રમણ્યમે પોતે જ ખસી જવાનું પસંદ કર્યું હતું. જો કે, જોસેફ પ્રકરણમાં પૂર્વ વડા ન્યાયમૂર્તિ લોધાએ દો ટૂક વાત કરી છે.
અહીં જે માંડણી કરી છે એમાં ગલીકૂંચીમાં જવાનો અવકાશ અવશ્ય છે અને કેટલીક વિગતો વિશે છાયાફેરને પણ અવકાશ હોઈ શકે છે. પણ મુદ્દાની વાત એ છે કે સર્વોચ્ચ અદાલત હાલના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા હસ્તક વધુને વધુ વિવાદી દાયરામાં મુકાઈ રહી છે, અને સરકાર પોતાની પકડ વાસ્તે ખાસી લાલાયિત છે. કદાચ, બહુ જ ઝડપથી આપણે એવી પરિસ્થિતિમાં મુકાઈ રહ્યા છીએ જેવી કટોકટીમાં હતી. અખબારો વિશે અડવાણીના યાદગાર ઉદ્્ગારો સંભારીએ તો જ્યારે લગરીક વળવાનું કહ્યું ત્યારે સાષ્ટાંગ પ્રણિપાત કરવા માંડ્યા હતાં. કેન્દ્ર સરકાર સર્વોચ્ચ અદાલતને આવી જ કોઈ પરિસ્થિતિમાં મૂકવા માગે છે એવું તો નથી ને?
અલબત્ત, શાલીન અને સંયત્ ધોરણે પણ સામાન્યપણે ઠીક ન લાગે અગર તો ઉચિત ન જણાય એવી ચર્ચામાં ચોક્કસ મર્યાદામાં જવાનું નાગરિક છેડેથી અનિવાર્ય બની રહ્યું છે. મહાઅભિયોગનો જે વિવાદ છે તે આ સંદર્ભમાં તપાસવા જેવો છે. ફલી નરીમાન અને સોલી સોરાબજી સરખા શીર્ષ ધારાશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે એવો મત જરૂર વ્યક્ત કર્યો છે કે આવી કોઇ કોશિશમાં વિપક્ષે જવાપણું નહોતું. નરીમાનને એક ધાસ્તી એવી પણ છે કે ખાસી બહુમતી ધરાવતો ભાજપ સત્તાપક્ષ વળતા પ્રહારરૂપે ક્યારે ય આવી કોશિશ હાથ ધરે અને કામિયાબ બની રહે. ઉપરાષ્ટ્રપતિ વેંકય્યા નાયડુએ વિપક્ષની વાતને નામંજૂર કરી, એ મુદ્દાને પક્ષીય વલણથી વિશેષ વજન ધારો કે ન પણ આપીએ. પણ સામસામા પેચપવિત્રા વચ્ચે આપણા ધ્યાનમાંથી એ એક બુનિયાદી વિગત કેમ છૂટી જાય છે કે આ ક્ષણે સામસામા રાજકારણનો જણાતો મુદ્દે ખરેખાત એકે છેડાના રાજકીય પક્ષે મૂળે ઉપાડ્યો જ નહોતો.
પ્રશ્નના મૂળમાં પડેલી વિગત તો એ છે કે સર્વોચ્ચ અદાલતના સર્વાધિક વરિષ્ઠ ચાર ન્યાયમૂર્તિઓએ વડા ન્યાયમૂર્તિની નીતિરીતિ વિષયક જાહેર ધા નાખવાપણું જોયું હતું. જ્યારે વડા ન્યાયમૂર્તિ સમક્ષની રજૂઆત સતત વણસાંભળી રહી ત્યારે આ ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ રાજકીય સાર્વભૌમ એટલે કે જનતાને વિશ્વાસમાં લેવાની એક રીતે પ્રણાલિબાહ્ય એવી અસાધારણ કોશિશ કરી હતી. સિનિયોરિટીની એસીતેસીને ધોરણે ઇંદિરા ગાંધીની સરકારે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂકનો રાહ લીધો ત્યારે ત્રણ ન્યાયમૂર્તિઓએ રાજીનામાં આપવાનું પસંદ કર્યું હતું. વડાપ્રધાન ઇંદિરાજીની આ આઘાતચિકિત્સા પછી ન્યાયતંત્ર કટોકટીકાળે મૂળભૂત અધિકારોની સ્થગિતતાથી માંડીને હેબિયસ કોર્પસની અપ્રસ્તુતતા લગી ખેંચાઈ ગયું હતું. ચાલુ દોરમાં જો ચાર સિનિયર ન્યાયમૂર્તિએ ઉઠાવેલા પ્રશ્નોનું હાર્દ નહીં પકડીએ તેમ જ જોસેફ ઘટના અને એવા બીજા દાખલાઓનો માયનો કાળજે નહીં ધરીએ તો કટોકટીકાળ, કટોકટીની કશી જાહેરાત વગર ક્યારે પેંધી જશે તે કહી શકાતું નથી, જેને સામાન્યપણે અઘોષિત કટોકટી તરીકે ઓળખવામાં આવે છે તે જો આ નથી તો શું છે.
એક એવી પરિસ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ જેમાં ‘કાયદાનું શાસન’ (રુલ ઑફ લૉ) અપ્રસ્તુત બની રહે છે. તમે જુઓ કે રાજ્ય સ્તરે કે સંઘીય સ્તરે ચુંટાયેલા લોક પ્રતિનિધિઓ પૈકી 58ની પૃષ્ઠભૂમાં ગુનાઇત સંડોવણી (નફરત પ્રેરતાં વક્તવ્યો) સબબ કેસ ઊભા છે. એમાંથી 27 એટલે કે અરધોઅરધથી અંશ જ ઓછા તો ભાજપના છે. ભાજપનું નેતૃત્વ આ સંદર્ભે નૈતિક દાયિત્વની કસોટીએ ક્યાં ઊભું છે તે તપાસ માગી લે છે.
એકદમ ઉલટાઈ જઈ સત્તાપક્ષને ‘મુક્તિ’નો અહેસાસ કરાવતો નરોડા ચુકાદો જુઓ કે પછી સોરાબુદ્દીન કેસમાં એક પછી એક ફરી જતા ખાસા પચાસ સાક્ષીઓનો સિલસિલો જુઓ: ક્યાં શોધીશું કાયદાનું શાસન? બીજી પાસ, યોગી સરકાર કેટલી આશ્વસ્ત રીતે મુઝફ્ફર નગરમાં તેર જેટલી હત્યાઓ માટે જવાબદાર લોકો પરના કેસ પાછા ખેંચી રહી છે. ન્યાયતંત્રનો પગ કુંડાળામાં પડી ગયા જેવો હોય અને શાસન જ્યારે દુ:શાસન કે નિ:શાસન એવી અનવસ્થાની યાદ તાજી કરાવતું હોય ત્યારે કાયદાનું શાસન શોધવું ક્યાં.
સૌજન્ય : ‘સમય સંજોગ’, “દિવ્ય ભાસ્કર”, 28 અૅપ્રિલ 2018