૧૯૫૫માં સત્યજિત રાયે તેમની પહેલી ફિલ્મ ‘પાથેર પાંચાલી’ બનાવી હતી, જે બિભૂતીભૂષણ બંદોપાધ્યાયની એ જ નામધારી નવલકથા પર આધારિત હતી. એ ફિલ્મ રીલીઝ થઈ અને ભારતમાં અને આખા જગતમાં તે ખૂબ વખણાઈ. સ્વાભાવિકપણે તેને ઑસ્કર એવોર્ડના નોમિનેશન માટે મોકલવાની હતી. આ બાજુ ભારતમાં કેટલાક લોકો એ ફિલ્મને વિદેશમાં મોકલવામાં આવે તેનો વિરોધ કરતા હતા. સત્યજિત રાયે ભારતની ગરીબી બતાવીને દેશને નીચો દેખાડ્યો છે એવો તેમનો પ્રવાદ હતો. આ પ્રશ્ન જ્યારે સંસદમાં ઊઠ્યો ત્યારે વિદેશ ખાતામાં નોકરી કરતા પી.એન. હકસરને વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પૂછ્યું હતું કે તેમણે આ ફિલ્મ જોઈ છે કે કેમ? હકસરે કહ્યું હતું કે તેમણે એ ફિલ્મ જોઈ છે અને અદ્ભુત છે. ભારતીય ફિલ્મને સત્યજિત રાયે એક નવી ઓળખ આપી છે. નવાં પરિમાણ આપ્યાં છે.
નેહરુ માટે આટલું પૂરતું હતું. તેમણે હકસરને ત્યાંને ત્યાં જ કહ્યું કે ‘પાથેર પાંચાલી’ને ઑસ્કર માટે મોકલવામાં આવશે. એમાં ભારતની ગરીબી બતાવવામાં આવી છે તો એમાં છૂપાવવા જેવું શું છે? ભારત એક ગરીબ દેશ છે એ હકીકત છે અને દુનિયા જાણે છે. બીજું ભારતની ગરીબી માટે ભારત જવાબદાર નથી, સંસ્થાનવાદી શોષણ જવાબદાર છે; જ્યારે સત્યજિત રાય જેવા તેજસ્વી સર્જકો માટે ભારત જવાબદાર છે અને તેમને માટે આપણે ગૌરવ લઈ શકીએ. ગરીબી છૂપાવવા સત્યજિત રાય જેવા સર્જકને ઢબૂરી રાખવાના ન હોય. આ પ્રસંગ જયરામ રમેશે લખેલાં પી. એન. હકસનાં જીવનચરિત્રમાં વર્ણવ્યો છે.
આ પ્રસંગ યાદ આવવાનું કારણ અમદાવાદમાં બંધાયેલી ઐતિહાસિક દીવાલ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાના છે અને તેમને અમદાવાદમાં સત્કારવાના છે. બધી તૈયારી થઈ ગઈ પછી સરકારના ધ્યાનમાં આવ્યું કે સામે ભારતને ભૂંડું બતાડનારી ઝૂંપડપટ્ટી છે, જેમાં ગરીબો વસે છે. હવે? આદેશ આપવામાં આવ્યો કે વચ્ચે દીવાલ ચણી દો. એટલી ઊંચી દીવાલ ચણો કે ભારતની ગરીબી નજરે ન પડે.
આત્મરતિ (વૅનિટી) અને નાનપ એક સિક્કાની બે બાજુ જેવાં હોય છે. ૨૦૧૫માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે વડા પ્રધાને કપડાંની દરેક ધારી પર નરેન્દ્ર દામોદરદાસ મોદી લખાવેલો સુટ પહેર્યો હતો અને અત્યારે જ્યારે પ્રમુખ ટ્રમ્પ આવી રહ્યા છે ત્યારે દીવાલ બંધાવવામાં આવી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ અલબત્ત ખુલાસો કર્યો છે કે દીવાલ બાંધવાને પ્રમુખ ટ્રમ્પની મુલાકાત સાથે સંબંધ નથી. આ વાત ગળે ઊતરે એવી એટલા માટે નથી કે સરકારી તંત્ર કોઈ કામ યુદ્ધના ધોરણે કરવાની ખ્યાતિ કે સંસ્કાર ધરાવતું નથી. અમદાવાદમાં દીવાલ યુદ્ધના ધોરણે બાંધવામાં આવી રહી છે. બીજું, અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે દીવાલ શા માટે બાંધવામાં આવી રહી છે, અને ત્રીજું જ્યાં દીવાલ બાંધવામાં આવી રહી છે ત્યાં લોખંડની જાળી તો છે જ.
પણ પ્રાસંગિક મુદ્દો જવાહરલાલ નેહરુએ ‘પાથેર પાંચાલી’ને ઑસ્કરમાં મોકલતી વખત ઉઠાવ્યો હતો એ છે. ભારત ગરીબ દેશ છે એ દુનિયા જાણે છે એટલે વાસ્તવિકતાથી ભાગવાની શી જરૂર છે? બીજું ભારતની ગરીબી માટે ભારત જવાબદાર નથી, પરંતુ બસો વરસ લાંબો શોષણકેન્દ્રી સંસ્થાનવાદી ઢાંચો જવાબદાર છે. હા, એક ફરક છે. ૧૯૫૫માં દેશ હજુ તાજો આઝાદ થયો હતો એટલે નેહરુ આવી દલીલ આસાનીથી કરી શકતા હતા. અત્યારે આઝાદ થયે સાત દાયકા વીતી ગયા છે અને છતાં દેશ ગરીબ છે એટલે થોડી જવાબદારી આપણી પણ બને છે. આપણે આપણી નિષ્ફળતા કબૂલ કરવી જોઈએ. અલબત્ત જે લોકો સંસ્થાનવાદી શોષણનો વિકરાળ ચહેરો જાણે છે તેમને ખબર છે કે શોષણ કેવું ભયાનક હતું અને તેનાં પરિણામોનો ઈલાજ કેટલો અઘરો છે. આમ છતાં ય આપણે ગરીબીનિર્મૂલનમાં નિષ્ફળ નીવડ્યા છીએ એમાં કોઈ શંકા નથી. દુનિયા આ જાણે છે એટલે તેને છૂપાવવાનો કોઈ અર્થ નથી. વાસ્તવિકતા છૂપાવ્યે છૂપાતી નથી. ઊલટું દીવાલ બાંધવાના ટાઈમિંગના કારણે જે લોકોની નજર નહોતી ગઈ એ લોકોની પણ નજર જઈ રહી છે અને ભારતની ગરીબી ઊલટો ચર્ચાનો વિષય બન્યો છે.
નેહરુએ કહેલી બીજી વાત એનાથી પણ વધારે પ્રાસંગિક છે. આપણી પાસે આપણા હિસ્સાની શરમ છે તો પોરસાવા માટે પણ ઘણું છે. સત્યજિત રાયની કૃતિ માટે શરમાવું જોઈએ કે સત્યજિત રાય જેવા સર્જક માટે પોરસાવું જોઈએ? આ તો એક વાત થઈ. આનાથી પણ ઘણાં વધારે પ્રબળ કારણો આપણી પાસે છે જેને માટે આપણે સગર્વ પોરસાઈ શકીએ. સદીઓનું શોષણ, ગરીબી અને નિરીક્ષરતા છતાં ભારતે લોકતંત્ર જાળવી રાખ્યું છે. ભારત જગતમાં આવો એકમાત્ર દેશ છે અને જગત એ જાણે છે. જગત તેની કદર પણ કરે છે. ભારત જો જગતમાં પ્રતિષ્ઠાનું સ્થાન ધરાવે છે તો એનું મુખ્ય કારણ એનો લોકતંત્રનો પ્રયોગ છે અને નાગરિકોને આપવામાં આવેલા અને અત્યાર સુધી સુરક્ષિત રાખવામાં આવેલા મૂળભૂત અધિકારો છે. ભારતે લોકતંત્ર જાળવી રાખીને જેટલો બની શકે એટલો વિકાસ સાધ્યો છે. જગત ભારતની વિકાસની કૂચ અને તે કૂચમાં લોકતંત્રના કારણે આવતી અડચણો પણ જાણે છે.
અત્યારે જગત આખામાં નરેન્દ્ર મોદીની સરકારની ટીકા થઈ રહી છે તે પોતે જ આનું પ્રમાણ છે. ઈકોનોમિસ્ટ, ટાઈમ, ગાર્ડિયન, વોશિંગ્ટન પોસ્ટ જેવાં અખબારો અને સામયિકો, બી.બી.સી., અલ ઝઝીરા જેવી ન્યુઝ ચેનલો અને યુરોપિયન પાર્લામેન્ટ, યુનો જેવી સંસ્થાઓ અને બીજા અનેક વિચારકો અને નેતાઓ ભારતમાં લોકતંત્રના થઈ રહેલા ક્ષય વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ઊહાપોહ કરી રહ્યા છે. રણમાં મીઠી વીરડીને સૂકવવામાં આવી રહી છે તેની તેઓ ટીકા કરી રહ્યા છે. વિકાસના મોરચે નરેન્દ્ર મોદીએ કશું નથી કર્યું તેની તેમને ચિંતા નથી, પણ ભારતીય સમાજને અસહિષ્ણુ બનાવવામાં આવી રહ્યો છે, લઘુમતી કોમના લોકોને નાગરિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે, ન્યાયતંત્ર ઘૂંટણિયે પડી રહ્યું છે એની ચિંતા જગત આખામાં કરવામાં આવી રહી છે. શા માટે? કારણ કે એ ભારતનું ગૌરવ છે. ભારત એના થકી માથું ઊંચું રાખીને જગતમાં ફરે છે. અંગ્રેજીમાં આજની માર્કેટિંગની પરિભાષામાં કહીએ તો ભારતનો એ યુનિક સેલિંગ પોઈન્ટ (યુ.એસ.પી.) છે.
ભારતનો બીજો યુ.એસ.પી. વિવિધતામાં એકતા છે. જ્યાં મોટા પ્રમાણમાં વિવિધતા નથી ત્યાં એકતા ઓછી છે. શ્રીલંકા જેવા દેશમાં ત્રણ દાયકા લાંબા લોહિયાળ સંઘર્ષ થયાં છે અને તો કેટલાક દેશનાં વિભાજન પણ થયાં છે, જેમ કે પાકિસ્તાન. ભારતે જગતમાં ક્યાં ય જોવા ન મળે એટલી વિવિધતા હોવા છતાં દેશની અખંડતા જાળવી રાખી છે. શરમથી માથું નીચું કરવું પડે એવા દાયકાઓ લાંબા, સિવિલ વૉર જેવા લોહિયાળ સંઘર્ષ ભારતમાં નથી થયા. ભારતની પ્રજાને લક્ષ્મણરેખાનું ભાન છે. અત્યારે એ રેખાને ભૂંસવાના પ્રયાસો થઈ રહ્યા છે એ વાતે પણ જગત નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નિંદા કરી રહ્યું છે. આવડી મોટી વિવિધતા વચ્ચે ભારતે શક્ય એટલો વિકાસ કર્યો છે એ વાતની પણ જગતને જાણ છે અને જગત તેની કદર કરવાનું ચૂક્યું નથી.
ભારતનાં બીજાં યુ.એસ.પી. છે મહાત્મા ગાંધી, ભારતીય દર્શન અને બુદ્ધ. ગાંધીજીએ આત્મબળની અને અહિંસાની તાકાત બતાવી આપી. પ્રજાને નિર્ભીક કરી. ગાંધીજીએ વિકાસના કે પ્રગતિના પાશ્ચાત્ય ઢાંચાને હિંસક, શોષણકેન્દ્રી અને ભૂખાળવા ઢાંચા તરીકે ઓળખી બતાવ્યો. એ ઢાંચો ચાલે એમ નથી અને તૂટવાનો જ છે એમ કહીને ગયા. ગાંધીજીએ એમ પણ કહ્યું કે આ સૃષ્ટિ દરેકની જરૂરિયાત પૂરી કરી શકે એમ છે, પણ લોભ પૂરો કરી શકે એમ નથી. આજે ગાંધીજીનાં વચનો તેમની હૈયાતીમાં જેટલાં પ્રાસંગિક હતાં તેનાં કરતાં વધારે પ્રાસંગિક લાગે છે. જગત ગાંધીજીનું પુનર્વાંચન કરી રહ્યું છે એવે સમયે ભારતમાં ગાંધીજીને ગાળો આપવામાં આવી રહી છે એ વાતે પણ જગત અત્યારના શાસકોને નિંદી રહ્યું છે. અને આખી સૃષ્ટિને બાથમાં લેનારું ભારતીય દર્શન અને બુદ્ધની કરુણા ક્યાં કોઈ દિવસ અપ્રાસંગિક બનવાનાં છે!
પણ આ બધું ટ્રમ્પ મહાશયને નહીં સમજાય. તેઓ આ બધી ચીજની કદર નહીં કરી શકે કારણ કે તેમનું એટલું બૌદ્ધિક અને સાંસ્કૃતિક ગજું નથી. અમેરિકા અને મેક્સિકો વચ્ચે દીવાલ બાંધવાની હિમાયત કરનારા ટ્રમ્પને નોખાં તારવતી દીવાલ બહુ ભાવે છે. ન ગમે તેને નોખાં તારવો, પછી તે ગરીબ હિંદુ કેમ ન હોય.
દીવાલ ગરીબ ભારતને ઢબૂરવા માટે બંધાતી હોય કે ન બંધાતી હોય, નરેન્દ્ર મોદીએ વિચારવું જોઈએ કે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં નાનેરાઓનો તાયફો યોજવા પાછળ ૧૩૦ કરોડ રૂપિયા ન ખર્ચાય. શરમ આ વાતની આવવી જોઈએ. દુનિયા આ પણ જોઈ રહી છે અને નોંધ લઈ રહી છે. વડા પ્રધાને અત્યાર સુધીમાં અંદાજે દસેક હજાર કરોડ રૂપિયા પૂતળાં પાછળ, તાયફાઓ યોજવા પાછળ, કારણ વિનાના વિદેશપ્રવાસો પાછળ અને જાહેરાતો પાછળ ખર્ચ્યા છે. કોઈ વડા પ્રધાને આટલી આત્મપ્રસિદ્ધિ કરી નથી. બીજું, નરેન્દ્ર મોદીએ એ પણ સમજી લેવું જોઈએ કે ભારત કઈ વાતે જગતમાં પ્રતિષ્ઠા ધરાવે છે અને કઈ વાતે જગત તેમને એટલે કે નરેન્દ્ર મોદીને નિંદી રહ્યું છે. અને છેલ્લે નરેન્દ્ર મોદીએ એ વાત પણ સમજી લેવી જોઈએ કે વાસ્તવિકતા છુપાવવાથી વાસ્તવિકતા છાપરે ચડીને પોકારે છે. જગતમાં આદરણીય માણસોનો આદર મેળવવો એ ખરું રળતર છે. ભારતે આ રળતર મેળવ્યું છે. ટકોરાબંધ આબરૂ કેમાં રહેલી છે અને કેમ રળી/જાળવી શકાય એટલું સમજાય તો ઘણું!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2020