હું જન્મે હિંદુ છું ને હિંદુ હોવાનું મને ગૌરવ છે, પણ હું કટ્ટર અને ધર્માંધ નથી. એક તબક્કે વિધર્મીઓએ તેમની કટ્ટરતા ને વટાળ પ્રવૃત્તિઓનો હિંસક પ્રચાર કર્યો ને આપણાં મંદિરો તોડ્યાં. આપણી આસ્થા પર એટલા પ્રહારો થયા કે હજી સુધી એમાંથી બહાર આવવાનું પૂરું નથી થયું. એ જો ખરાબ હતું તો હિંદુ ધર્માંધતા પણ બરાબર નથી. આપણી અત્યારની આસ્થા કુદરતી ઓછી ને રાજકીય વધારે છે. આ સાચું હોય તો તે પુનર્વિચારને પાત્ર છે.
રામ મંદિર અયોધ્યામાં થઈ રહ્યું હોય તો તેનો અપાર આનંદ જ હોય કે કાશી કે મથુરાનાં મંદિરો વિવાદમાં હોય તો તેનો કાનૂની રાહે ઉકેલ આવે ને મંદિરોનું સ્વતંત્ર અસ્તિત્વ નિર્માણ થાય તે જોવાવું જ જોઈએ, પણ રામ મંદિર કેટલું ભવ્ય હોય તે અંગે પણ વિચારવાનું રહે. જ્યાં લાખો ગરીબો બે ટંકનો રોટલો પામવા કૂતરાંબિલાડાંથી પણ બદતર જીવન જીવતાં હોય ત્યાં કેટલી ભવ્યતા શોભે તે નક્કી કરવાનું રહે. રામ મંદિર ભવ્યાતિભવ્ય હોય, તેની ના જ નથી, પણ રાજા તરીકે જે મહેલમાં રહ્યા તેનાથી ભવ્ય મંદિર તો રામ પણ ન જ ઇચ્છે ને ! ધોબી જેવા સામાન્ય માણસનો અપવાદ કરીને રામે પ્રાણથી પણ અધિક પ્રિય એવી અર્ધાંગિનીનો ત્યાગ કરી સાધારણ ધોબીનો મહિમા કર્યો હોય એ રામ એ મંદિરમાં રહેવા તૈયાર થશે જેની પ્રજા ભૂખ તરસથી પીડાતી હોય? આ આખો વ્યાયામ આપણે રામ કરતાં વધારે મહાન સાબિત થવા તો નથી કરી રહ્યાંને એ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે.
એક સમય હતો જ્યારે ગાંધીને નામે રાજકીય પક્ષોએ રાજનીતિ કરી એ પછી ઇન્દિરા ગાંધીને નામે કે સરદારને નામે સત્તા મેળવવાની રાજરમતો ચાલી ને અત્યારે રામને નામે મત માંગવાનું ચાલે છે. વડા પ્રધાન ને મુખ્ય મંત્રી, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં “જય શ્રી રામ“ના નારાથી હજારોની ભીડને આકર્ષી રહ્યાં છે ને વિજયી થવાનો દાવો કરી રહ્યાં છે. એનાં પરિણામો તો આવતાં આવશે, પણ ત્યાં સુધીમાં કોરોનાને નામે કેટલાંનું રામ નામ સત્ય થઈ જશે તે નથી ખબર. વડા પ્રધાન ને ગૃહ મંત્રી તો ભૂલી જ ગયા છે કે તેઓ ભારતના વડા પ્રધાન અને ગૃહ મંત્રી છે. એટલી હદે બંને બંગાળી ચૂંટણી પ્રચારમાં ઓતપ્રોત છે. દેશમાં બે લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ને મરણનો આંક રોજનો હજારને પાર થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન કોઈ બીજા જ દેશમાં હોય તેમ તટસ્થ ભાવે મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં ટીકા ઉત્સવ કે કોરોના કરફ્યુની વધામણી ખાઈને સંતુષ્ટ છે. વડા પ્રધાનનું તાટસ્થ્ય કોઈ સંતને શરમાવે એવું છે. જો કે એ કેટલું બોદું છે તે એ રેલીને સંબોધે છે ત્યારે ખબર પડે છે. એમને એ પણ ખબર છે કે લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ અપાય છે ત્યારે સામે જ હજારો લોકો સભામાં જોખમ લેવા ને જોખમ વધારવા ઊભા દેખાય છે. વડા પ્રધાન એ પણ જાણે છે કે લગ્ન કે મૃત્યુ કે મેળાવડામાં નિયત સંખ્યાથી વધુ લોકો ભેગા થવા પર બંધી છે, પણ સામે હજારો લોકો ભેગા થાય છે તો તે સંખ્યા જોઈને સંકોચાવાને બદલે પોરસાય છે. એવે વખતે સીધું પૂછવાનું થાય કે ચૂંટણીસભામાં નિયમો પાળ્યા વગર ભેગા થતાં લોકોની કોઈ ગાઈડલાઇન નક્કી થઈ છે ખરી? ને તે મુજબ જ ભીડ ભેગી કરવામાં આવે છે કે એ પણ રામ ભરોસે જ ચાલે છે? સામાન્ય માણસ માટે માસ્ક ન પહેરવા માટે દંડની જોગવાઈ છે ને રેલી, સભા માટે કોઈ નિયમ નથી, એ બરાબર છે?
તાજેતરમાં જ ચૂંટણી પંચે ફરમાન કાઢ્યું હતું કે હવે પછી ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો સભા-રેલી પર પ્રતિબંધ મૂકાશે. એ ફરમાન પછી પણ પશ્ચિમ બંગાળમાં ઘણી રેલીઓ – સભાઓ થઈ પણ પંચને એની ખબર જ ન હોય તેમ ભેદી રીતે મૌન છે.
કોરોનાએ એટલું તો સાબિત કરી જ આપ્યું છે કે રાજકારણીઓ અને તેનાં તંત્રો વિશ્વાસ તોડીને જ શ્વાસ લેતા હોય છે. એ જીવ બચાવવા ઇન્જેક્શનો આપતાં નથી, પણ પક્ષના લાભાર્થે આપે છે, એમાં કોઈનો જીવ બચી જતો હોય તો ઠીક છે, બાકી એમની કોઈ પણ મદદ ગણતરી વગરની નથી. ટૂંકમાં, એમાં સેવા સિવાય બધું જ છે. ગુજરાતનું આખું રેમડેસિવિર પ્રકરણ લોકોને કારણ વગર દોડાવવા જ ઊભું થયું હોવાનો વહેમ પડે છે. હાઇકોર્ટે પણ સરકારને પૂછ્યું છે કે જો ઇન્જેક્શનો પૂરતાં છે તો દરદીને તે મળતાં કેમ નથી? કોર્ટે સરકારની કામગીરી સામે ઘણા સવાલો ઉઠાવ્યા છે. સવાલ તો એ પણ છે કે ઇન્જેકશનો દરદીને જ આપવાના હોય તો હોસ્પિટલો દ્વારા તે સીધા દરદીને જ અપાય એ વધુ યોગ્ય નથી? જો સંબંધીઓ તે ન આપવાના હોય તો એમને દોડાવવા કરતાં એ જથ્થો સીધો ખાનગી કે સરકારી હોસ્પિટલોને પહોંચે એટલું જોવાય તો ય ઘણું !
એ પણ છે કે ગુજરાતમાં રોજના સાતેક હજાર કેસ નોંધાય છે. ગુજરાતની કુલ વસતિના પ્રમાણમાં આ ટકાવારી નગણ્ય છે. આ હાલતમાં અત્યારથી જ જો હોસ્પિટલોમાં જગ્યા ન રહે, ઇન્જેક્શનો ખૂટી પડે, ઓક્સિજનનો પૂરતો જથ્થો ન હોય, એમ્બ્યુલન્સ મળતી ન હોય ને સ્મશાનમાં ચોવીસ કલાક અગ્નિ સંસ્કારોમાં ચીમનીઓ પીગળી જતી હોય તો આનાથી વધુ કેસ આવતાં શું થશે તેની કલ્પના જ કાળજું કંપાવી દે તેવી છે. જો પ્રશાસન અને લોકો ગંભીર નહીં થાય તો જીવવાનું મુશ્કેલ થવાનું છે. થોડો વખત રાજકારણ બાજુ પર નહીં મૂકાય તો મત આપનારા જ નહીં રહે એમ બને. મત માટે પણ મતદારો તો જોઈશે ને ! અત્યારે સૌથી વધારે ખૂટે છે તે માણસાઈ. એની અપેક્ષા કેન્દ્રથી માંડીને સ્થાનિક સુધીના તમામ અધિકારીઓ પાસેથી રહે છે ને એ જ અપેક્ષા પ્રજા પાસેથી પણ રહે જ છે. નકલી નોટો, નકલી દવાઓ, કાળાબજાર આ બધું પ્રજાને નામે ચડે છે. પ્રજા ભ્રષ્ટ હોય તો સરકારની ભ્રષ્ટતા વકરે એમાં નવાઈ નથી ને અત્યારના સંજોગોમાં તો વ્યવહાર પારદર્શી હશે તો જ ટકી શકાશે એમ લાગે છે.
એમ પણ લાગે છે કે કોરોના મહારાષ્ટ્રની જેમ ઉત્તર પ્રદેશમાં વધુ તીવ્રતાથી પંજો ફેલાવી રહ્યો છે. ખુદ મુખ્ય મંત્રી ને પૂર્વ મુખ્ય મંત્રી કોરોનાગ્રસ્ત છે ને રોજના વીસ હજારથી વધુ સંક્રમિતો ઉમેરાતા જાય તો હાલત કફોડી જ થાય એમ છે. એમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બકવાસ કરે તો એમ થાય કે આટલું જ બાકી હતું ! માણસ ધાર્મિક હોય તે સમજી શકાય, પણ અંધશ્રદ્ધાળુ હોય ને તે પાછો મુખ્ય મંત્રી હોય તો કેવો દાટ વાળે તે જોવા જેવું છે. સાહેબ, દસ માર્ચે મુખ્ય મંત્રીપદ સંભાળે છે ને બે જ દિવસમાં કહે છે કે કોરોના જેવું કૈં નથી ને કુંભમેળાનું આયોજન થશે તો ગંગામાં ડૂબકી મારતાં જ વાઇરસ મરી જશે. હસવું એ વાતે આવે કે એમના કહેવા પ્રમાણે કોરોના જેવું કૈં હોય જ નહીં, તો તે મરી કેવી રીતે જાય? ગમે તેમ પણ કુંભનું આયોજન થયું જ અને લાખો લોકોએ શાહી સ્નાન પણ કર્યું ને સાધુસંતો સહિત હજારો લોકો સંક્રમિત પણ થયાં. એ વળી પોતાના વિસ્તારમાં જઈને બીજાને પણ સંક્રમિત કરશે તે નફામાં ! આ જ મુખ્ય મંત્રીએ મહિલાઓનાં જિન્સ પહેરવા અંગે પણ ટિપ્પણી કરેલી ને પછી માફી માંગવી પડેલી, એટલું ઓછું હોય તેમ 16મી માર્ચે એમણે એમ પણ કહ્યું કે હાલના વડા પ્રધાન તો રામ અને કૃષ્ણના અવતાર છે. ધન્ય છે આ અવતારને ! આટલું થાય છે પણ કોઈ એમને એ નથી પૂછતું કે વડા પ્રધાનને ભગવાન જાહેર કરવાની સત્તા તમને આપી કોણે? આવો જ લવારો હિમાચલ પ્રદેશના શહેર વિકાસ મંત્રીએ પણ કરેલો, એમણે તો વડા પ્રધાનને મહાદેવ કહી દીધેલા. સારું છે કે વડા પ્રધાન સુદર્શનધારી થઈને કહેતા નથી કે સાહેબ, સો ગુના પછી આ સુદર્શન તમારું સગું નહીં થાય.
આવા મંત્રીઓ હોય તો કોરોના ન વકરે તો જ આશ્ચર્ય થાય. આમાં ધર્મ નથી, ધર્માંધતા છે. ગયે વરસે બે હજાર તબલીગીઓ મરકસમાં ભેગા થયેલા તો તેમને સુપર સ્પ્રેડર તરીકે જવાબદાર ઠેરવીને પસ્તાળ પાડેલી ને હવે કુંભમાં લાખો લોકો સ્નાન કરે તો કોરોના મરી જાય એમ કહીએ તો એ વાજબી છે? એનો અર્થ એવો પણ નથી કે તબલીગી જમાતનું એ પગલું વાજબી હતું. એ બનાવથી શરૂઆત થયેલી એ ભૂલવાનું નથી. જેમ એ ખોટું હતું એમ જ આ પણ ખોટું છે.
આજે જ્યારે બધું જીવ પર આવી ગયું છે ને અનેક લોકો વિશ્વભરમાં જીવ ગુમાવી રહ્યા છે ત્યારે એક પણ એવું ખોટું પગલું ન ભરીએ જે જિંદગી છીનવી લે. આજનો સમય બચવાનો તો છે જ, બચાવવાનો પણ છે એટલું સમજીએ તોય ઘણું ….
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ઍપ્રિલ 2021