“ભૂમિપુત્ર”ના સંપાદક તરફથી ફોન આવ્યો, કહ્યું, “સુધાબહેન વિષે કંઈક લખો ….”

સુધાબહેન ‘સુન્દરમ્’
સહેજે પ્રશ્ન થાય, સુધાબહેન કોણ ? આપણા મૂર્ધન્ય કવિ ‘સુન્દરમ્’નાં પુત્રી; એમને ગુજરાત કેટલું જાણે ? માત્ર ‘સુન્દરમ્’નાં પુત્રી એટલું જ ? હા, આમ તો એટલું જ પણ સૌથી વધારે તો એક પુત્રી પિતાનું, અનેક પુત્રો કરતાં ય અધિક સાર્થક, તર્પણ કેવી રીતે કરી શકે તેનું ઉત્તમ દૃષ્ટાંત એટલે સુધાબહેન !!
ગુજરાત જેમના નામથી ઓળખાવામાં ગૌરવ અનુભવે એવા સર્જકોની પ્રથમ પંક્તિ જેમના વિના અધૂરી એવા સાદ્યંત સારસ્વત એટલે ‘સુન્દરમ્’ (ત્રિભુવનદાસ પુ. લુહાર, ૧૯૦૮-૧૯૯૧).
૧૯૪૫માં ‘સુન્દરમ્’ પોતાના પરમ ગુરુદેવ શ્રીઅરવિન્દના ચરણે, પોંડિચેરીમાં જઈને બેસી ગયા. તેમના પરિવાર, પત્ની-બાળકોને પણ આશ્રમમાં રહેવાની પરવાનગી આપવામાં આવી. બાલિકા વસુધા ૭-૮ વર્ષની, જેનું નામ શ્રી માતાજી*એ ‘સુધા’ કરી આપ્યું. બાલિકા સુધાનો શ્રીમાતાજી સાથે અંતરનો સંબંધ. તેમણે પોંડિચેરી આવતાં પહેલાં શ્રીમાતાજી સાથે પત્ર દ્વારા અનુસંધાન સાધેલું. શ્રી માતાજીની દેખરેખમાં આ બાલિકા ઊછરી, મોટી થઈ. આશ્રમની શિસ્ત અને આદર્શો તેના જીવનમાં વણાઈ ગયાં હતાં.
હવે આપણે તેને સુધાબહેન કહીશું. ૧૯૬૧માં આશ્રમશાળાનો અભ્યાસ પૂરો થયો. શ્રી માતાજીએ તેમને આશ્રમ પ્રેસના ગુજરાતી વિભાગમાં કામ સોંપ્યું, ‘સુન્દરમ્’ના હાથ નીચે.
૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સાથે જ શ્રીઅરવિન્દના દર્શનનું અનુશીલન કરતા ત્રૈમાસિક ‘દક્ષિણા’નો પ્રારંભ થઈ ચૂક્યો હતો. સુધાબહેન ‘દક્ષિણા’ કાર્યાલયમાં ‘સુન્દરમ્’ના સહાયકની ભૂમિકામાં આવી ગયાં. ‘દક્ષિણા’ના ગ્રાહકોના લવાજમ નોંધવાથી માંડી તેની રવાનગી સુધીની સૌ કામગીરીમાં સામેલ થતાં ગયાં. સાથે સાથે આશ્રમ શાળામાં શિક્ષક તરીકેની જવાબદારી સંભાળી, સૌથી પહેલો વિષય એમણે ભણાવ્યો બાયોલોજી (જીવવિજ્ઞાન).
એમને ફોટોગ્રાફીનો બહુ શોખ. એ જમાનાનો સૌથી મોંઘો કેમેરો મામિયા (Mamiya) એમને ભેટમાં મળ્યો …. પછી તો દૂર-સુદૂર પોંડિચેરીનાં ભૂભાગો, જંગલો, સમુદ્ર કિનારા, ઝરણાં, ઉદ્યાનો, સાયકલ અને કેમેરાની સંગાથે ખૂંદવા માંડ્યાં. પ્રકૃતિ અને માનવજીવનના વિવિધ ભાવોને કેમેરામાં કંડારવા માંડ્યાં. એમની પાસે સૌંદર્યની સૂક્ષ્મ દૃષ્ટિ હતી. દરેક સામાન્ય ફોટો તેના ભાવજગતના સંદર્ભમાં એક વિશિષ્ટ ફોટો બની રહેતો. ફોટોગ્રાફર તરીકે આશ્રમના વિવિધ કાર્યક્રમોના ફોટા પાડવાની ફરજ પણ તેમણે બજાવી. શ્રી માતાજીના ‘બાલ્કની દર્શન’ના ફોટાઓ તેઓ પાડતાં અને તેમણે બનાવેલા ડાર્ક રૂમમાં રાત્રે જ નેગેટીવ ડેવલપ કરી, ફોટા યોગ્ય સાઈઝમાં પ્રિન્ટ કરી, બીજે દિવસે સવારે તો શ્રી માતાજી પાસે પહોંચાડી દેતાં.
આમ શ્રીઅરવિન્દ આશ્રમમાં તેઓ અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતાં. તા. ૧૩-૧-૧૯૯૧ પછી, ‘સુન્દરમ્’જીની વિદાય પછી આશ્રમની ઉપરોક્ત પ્રવૃત્તિઓ ઉપરાંત ‘ૐપુરિ’(ખેડા જિ.માં માતર પાસે શ્રી અરવિન્દના યોગના અનુશીલન માટે તૈયાર થતું નગર, જેને શ્રી માતાજીએ નામ આપ્યું હતું – ૐપુરિ – અને ‘સુન્દરમ્’જી હતા સૌથી સક્રિય કાર્યવાહક)ની ગતિ-વિધિઓમાં પણ સક્રિય રસ લેવાનું બનતું.
‘સુન્દરમ્’જીની વિદાય પછી તેમની સામે જે મહાભગીરથ કાર્ય હતું તે, ‘સુન્દરમ્’જીના અપ્રકાશિત સાહિત્યને પ્રગટ કરવાનું. સૌ પ્રથમ તેમણે ‘સુન્દરમ્’ દ્વારા અનુવાદિત ‘સાવિત્રી’ મહાકાવ્યના ખંડોને બે ભાષામાં, મૂળ અંગ્રેજી કાવ્ય અને સામે ગુજરાતી અનુવાદ એ રીતે, પ્રગટ કરવાનું સાહસ કર્યું. તે ‘સાવિત્રીના કાવ્યખંડો’ પછી ‘સુન્દરમ્’ની કાવ્યગંગા એ શ્રેણીમાં એકવીશ દળદાર કાવ્ય સંગ્રહો પ્રગટ કર્યાં. આ કામ માટે તેમને અવારનવાર અમદાવાદ આવવાનું બનતું. આ માટેનું તેમનું કાર્યાલય રહેતું ‘માતૃભવન’, ૮૭, સ્વસ્તિક સોસાયટી નવરંગપુરા, અમદાવાદ-380 009. આ સ્થળ અત્યારે શ્રીઅરવિન્દ કેન્દ્ર તરીકે વિકસિત થઈ ચૂક્યું છે, તેમાં પણ સુધાબહેનની દૃષ્ટિ અને માર્ગદર્શન કારણભૂત છે. સુધાબહેન અમદાવાદ આવતાં ત્યારે અનેક ભાવિકો, શ્રીઅરવિન્દના ભક્તો/અનુયાયીઓ, ‘સુન્દરમ્’જીના સહકાર્યકર્તાઓ, સાહિત્યકારો, વિવેચકો, પ્રકાશકો બધાંને મળવાનું થતું. તેમના સ્નેહાળ સ્વભાવને કારણે સુધાબહેન દરેકને આત્મીય લાગતાં, સૌ કોઈ તેમની સાથે હંમેશ માટે જોડાઈ જતા.
તેમના જીવનમાં સાહિત્યસર્જન / પ્રકાશનની દૃષ્ટિએ છેલ્લું સોપાન એટલે ‘દક્ષિણા-પથ’**ના દળદાર ત્રણ ગ્રંથો. લગભગ ૨૦૦૭માં જેનો વિચાર અંકુરિત થયેલો તે મહાપ્રકાશન શ્રીઅરવિન્દની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે પ્રકાશમાં આવ્યું, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના અગ્રેસર મનુભાઈ શાહના પ્રયાસથી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તે પ્રકાશન પામ્યું અને સુધાબહેનની તીવ્ર અભીપ્સાને આમ, શ્રી માતાજીએ ‘તથાસ્તુ’ કહીને વધાવી લીધી.
સુધાબહેનના દરેક પ્રકાશનમાં ભાષાની ચોકસાઈ, છાપકામની સુઘડતા અને સૌંદર્યદૃષ્ટિ ધ્યાનાકર્ષક રહેતી. આશ્રમમાં શ્રી માતાજીએ આપેલા પૂર્ણતાના આદર્શને ચુસ્ત રીતે વળગી રહેવાનું હંમેશનું તેમનું ધ્યેય, અને એ જ એમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેતી.
હવે જ્યારે સુધાબહેન ભૌતિક શરીરમાં નથી ત્યારે ….
શ્રી માતાજીનાં ચરણોમાં એક જ પ્રાર્થના …. ‘અમે હંમેશાં આપની કૃપાને લાયક બનીએ.’
સંદર્ભ :-
- શ્રી માતાજી : શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરીનાં અધિષ્ઠાત્રી, માદામ મીર્રા અલ્ફાસા, એક ફ્રેન્ચ યોગિની.
- * દક્ષિણા-પથ : આશ્રમના ગુજરાતી ત્રૈમાસિક ‘દક્ષિણા’ના 108 (એકસો આઠ) તંત્રી લેખો અને તેમાં ઉલ્લેખિત અન્ય લેખોનો સંગ્રહ, ત્રણ ભાગમાં. કુલ પૂ. સંખ્યા લગભગ 1,800
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ઑક્ટોબર 2023; પૃ. 16 તેમ જ 07