2014ની સાલથી, પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દી ઠેકઠેકાણે અવનવી રીતે ઉજવાઈ રહી છે. અભિન્ન ભારતના ભૂતપૂર્વ સૈનિકોના એસોસિયેશન તરફથી Battle of Neuve Chapelleમાં (ફ્રાંસ), ભારતીય સૈનિકોના પ્રદાનને બિરદાવવા, તેની શતાબ્દીને દિવસે જ એટલે કે 10મી માર્ચની સંધ્યાએ, ઈમ્પીરિયલ વોર મ્યુિઝયમ નોર્થ – સોલફર્ડ ખાતે એક શાનદાર સાંસ્કૃિતક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું.
મ્યુિઝયમના પ્રવેશ દ્વાર પાસે શીખ અને ગુરખા રેજિમેન્ટના સૈનિકો પોતાના દરવેશમાં સજ્જ થઈને ખરેખર 100 વર્ષ પહેલાંનું દ્રશ્ય ખડું કરતા હતા. કાર્યક્રમ શરૂ થયો તે પહેલાં એ લડાઈમાં ભાગ લીધેલા સૈનિકોના બીજી-ત્રીજી પેઢીના કુટુંબીજનો, વર્તમાન સમયમાં લશ્કરની ત્રણેય પાંખોમાં હાલમાં સેવા આપતા સૈનિકો, નિવૃત્ત થયેલા અધિકારીઓ, અને અન્ય અનુબંધ ધરાવતા સંગઠનોના પ્રતિનિધિઓ મળીને કુલ લગભગ પાંચસોથી વધુ લોકો એકબીજા સાથે પરિચય કેળવતા હતા. તે વખતે પીરસાયેલો અલ્પાહાર તમામ શાકાહારી હતો અને પીણાંમાં પણ માત્ર ફળોના રસનો જ સમાવેશ હતો, તેની મેં ખાસ નોંધ લીધી. ઈમ્પીરિયલ વોર મ્યુિઝયમ – સોલફર્ડના મુખ્ય પ્રદર્શન ભવનની દીવાલો પ્રથમ વિશ્વયુદ્ધમાં લડતા પાયદળ અને હયદળના બહાદુર જવાનોની લડતના ફોટાઓથી છવાયેલી હતી, જેને કારણે એ વાતાવરણ ખૂબ તાદ્રશ્ય ભાસ્યું.
મુખ્ય મહેમાનો અને વક્તાઓમાં બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ સાજિદ જાવીદ, મ્યુિઝયમના ડાયરેક્ટર, નોર્થ-વેસ્ટની ઇન્ફન્ટ્રી બ્રિગેડના કમાન્ડર, શીખ, હિંદુ અને મુસ્લિમ કોમના પ્રતિનિધિઓ (ભાઈઓ, બહેનો અને બાળકો) અને શિક્ષણ ખાતાના કર્મચારીઓનો સમાવેશ થયેલો. લંડનના પેડીંગટન સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પર એક શીખ અનામી સૈનિકની પ્રતિમા છે, જેની માતાનો કાલ્પનિક પત્ર વાંચવામાં આવ્યો, અલ્લામા ઇકબાલની ભારતના ભવ્ય ભૂતકાળની યાદ કરાવતી, ભાઈચારા અને એકતાને કોઈ સીમાઓ નથી નડતી એ મતલબની એક ઉર્દૂ કવિતાનું પઠન થયું અને બ્રાઈટનની મિલિટરી હોસ્પિટલમાં ઘવાયેલા સૈનિક ભારતમાંના પોતાનાં ગામડાનું જીવન, ફ્રાન્સમાંની તેણે લડતાં ભોગવેલી ઈજાઓ યાદ કરી, એવા એક હિંદુ સૈનિકની ડાયરીમાંથી એક નોંધનો સંક્ષેપ રજૂ કરવામાં આવ્યો. ભારતમાં જન્મેલા અને ઉછરેલા સિપાહી પોતાની ફરજ બજાવવા દરિયા પારના દેશમાં અન્ય દેશના સિપાહીઓ સાથે રણસંગ્રામમાં લડ્યા અને જાન ફના કરી તે કહાણી અરુનીમા કુમાર ડાન્સ કંપનીની ત્રણ નૃત્યાંગનાઓએ અદ્દભુત નૃત્ય દ્વારા રજૂ કરી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની The Trumpet રચનાનું પઠન ઘણું હૃદયસ્પર્શી નીવડ્યું. વિશેષ આનંદ થાય એવી બાબત તો એ હતી કે નોર્થ-વેસ્ટની કેટલીક શાળાઓના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓએ જલંધર બ્રિગેડ વિષે સંશોધન કરીને શાળાઓમાં ભણાવી શકાય એવો એક અભ્યાસ સંપુટ તૈયાર કર્યો છે, જે તમામ શિક્ષકો માટે ઉપલબ્ધ થશે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 1.5 મિલિયન સૈનિકોએ પોતાની સેવા આપેલી. કુલ માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 9,000 જેટલી થવા જાય છે, જેમાં માત્ર Battle of Neuve Chapelleમાં (ફ્રાંસ) આશરે 4,200 જેટલા સૈનિકો માર્યા ગયા અથવા ઘવાયા. વતનથી દૂર શહાદત વહોરનારા સૈનિકોને સલામ કરવા સૌ એકઠા મળેલા.
આ હકીકત હું મનમાં વાગોળતી હતી ત્યાં બ્રિટનના લશ્કરના એક ભૂતપૂર્વ ઓફિસર મારી સાથે વાતે વળગ્યા. આ કાર્યક્રમની અગત્ય અમે બંનેએ સ્વીકારી. મેં સહેજે કહ્યું કે આપના જેવા અસંખ્ય ભૂતકાળના અને વર્તમાન કાળના સૈનિકોની સેવાઓ માટે મને અપાર આદર છે, તો બીજી બાજુ દુનિયાના રાજકીય પ્રશ્નોનો ઉકેલ લડાઈ અને નાના મોટા સશસ્ત્ર સંઘર્ષો નથી, એમ મારું નમ્રપણે માનવું છે. જો લડાઈ કરવાથી દુષ્ટ શાસન ખતમ થઈ જતું હોય, તો વીસ વર્ષની અંદર બબ્બે વિશ્વયુદ્ધો ખેલાયાં અને તે પછીના છ દાયકા દરમ્યાન અસંખ્ય હિંસક લડાઈઓ ચાલ્યા જ કરે છે, એ બતાવે છે કે શસ્ત્રોથી શાંતિ ન સ્થાપી શકાય. ભાઈ માલકમનો મત હતો કે “માનવ સ્વભાવથી હિંસક પ્રાણી જ છે, દેશની રક્ષા કાજે લશ્કર જરૂરી છે અને લડાઈ વિના દેશના આંતરિક કે બે દેશો વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ શક્ય નથી. વળી મોટા ભાગની લડાઈઓ પાછળ રાજ્યકર્તાઓના નિર્ણયો જવાબદાર હોય છે. આ દુનિયામાં મોટા ભાગના સવાલોની શાંતિમય ઉકેલ સંભવ નથી કેમ કે એ બહુ અઘરું છે.”
તેમના આ મતને મેં જરૂર માન સાથે સ્વીકાર્યો, પરંતુ સાથે સવાલ પણ કર્યો કે છેલ્લા કેટલાક દાયકાઓથી ભૌગોલિક સીમાઓની રક્ષા માટે લડાઈઓ થયાનું નથી નોધાયું. મોટા ભાગની લડાઈઓ કોઈ દેશના આંતરિક પ્રશ્નોમાં માથું મારવા કે જે તે દેશના રાજ્યકર્તા આપણી શાસન પદ્ધતિને અનુકુળ ન હોવાને કારણે અથવા ખરું કહીએ તો અન્ય દેશની પડતીમાં આ દેશને આર્થિક લાભ હોવાને બહાને સૈન્ય મોકલવામાં આવે છે. અને જો માણસ સ્વભાવે હિંસક હોય તો આપણે પોતાની જાતને ‘સંસ્કારી’ ન કહેવડાવી શકીએ. ખરું જોતાં દરેકને પોતાને જોઈતી વસ્તુ કેવી રીતે મેળવવી કે જેથી અન્યના અધિકાર અને હિતની રક્ષા થાય અને જો એ ન મળે તો અહિંસક માર્ગો લેવાની તાલીમ આપવી જરૂરી બન્યું છે કેમ કે હિંસક પ્રતિક્રિયાથી ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ નથી થતી, એ સાબિત થઈ ચુક્યું છે. જો માનવ ચન્દ્ર પર પહોંચી શકે, ઘાતક રોગને દૂર કરવા ઈલાજ શોધી શકે અને કુદરતી આફતોથી બચવા ઉપાયો કરી શકે તો પ્રજાના આંતરિક અને બે દેશો વચ્ચેના પ્રશ્નોનો શાંતિમય ઉકેલ લાવવો શું તેનાથી પણ મુશ્કેલ બાબત છે ખરી? દરેક દેશના વડાની ફરજ પોતાની પ્રજાનું પોષણ અને રક્ષણ કરવાનું છે. એને નાહકની લડાઈઓમાં મોકલીને શહીદ બનાવવાનું હરગિજ નથી. કોઈ વેપારી પોતાના ગ્રાહકો, શિક્ષક પોતાના શિષ્યો કે ડોક્ટર પોતાના દર્દીઓને કદી હાનિ પહોંચાડે ખરા? તો રાજકારણીઓને પોતાના કે અન્યના દેશની પ્રજાને હાનિ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી. વળી યુદ્ધની વિફળતા હવે ઘણાને સમજાવા લાગી છે. માનવ માત્ર આજે શસ્ત્રો બનાવવા, વેંચવા અને વાપરવા પાછળની દોટ મૂકીને જરા ઊભો રહીને વિચારવા માંડ્યો છે, એટલે જ તો જુઓને અણુ શસ્ત્રો વાપરવાને બદલે તેનો નાશ કરવાની સદ્દબુદ્ધિ સૂજી. ઈરાક અને અફઘાનિસ્તાનમાં જે હોંશથી લડવા નીકળી પડેલા એ જ દેશની સરકારો તે પછીના બીજા સંઘર્ષોમાં પોતાના હાથ લાલ થવા નથી માંગતા. માટે આજે બધા શહીદોને શ્રદ્ધાંજલિ જરૂર આપીએ પણ હવે ‘No more War’ એવો નિર્ણય લેવાય અને એ દિશામાં સક્રિય બનીએ તે બધાના લાભમાં છે. મારી વાતો ખૂબ રસપૂર્વક સંભાળીને “બહેન, તમારા વિચારો પાછળ ઘણું તથ્ય છે, ઇચ્છું કે તમે કહો છો એ દિશામાં માનવ જાત પગલાં ભરે અને તેમ થશે તો હું અત્યંત ખુશ થઈશ.” એમ કહી ભાઈ મલકમ વિદાય થયા.
આજથી સો વર્ષ બાદ ઇ.સ. 2115માં લોકો શાંતિ સૈનિકોને બિરદાવવા આવા સમારંભો કરી શકે તે માટે આપણે અહિંસાની કેડી કંડારી આપીએ એવું ઇચ્છું.
e.mail : 71abuch@gmail.com