ચંપારણ સત્યાગ્રહ : ગાંધીજીએ ચંપારણપ્રવેશ કર્યો અને માત્ર એક અઠવાડિયામાં સમયે કરવટ બદલી

રમેશ ઓઝા
10-05-2017

ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી - ૧ :

ગાંધીજી નસીબદાર છે. તેમના ખભા પર ચડીને કોઈ સમાજવિશેષ સુધી પહોંચી શકાતું નથી. ઊલટું તેમના ખભા પર ચડવાથી માનવીયતાની ક્ષિતિજ વિસ્તરે છે જેને કારણે આપણી સામે માણસાઈનો તકાદો પેદા થાય છે. એટલે તો લોકોને ગાંધીજીના ખભા પર ચડવામાં કે તેમનો નિસરણી તરીકે ઉપયોગ કરવામાં ડર લાગે છે. અંતરાત્માને મારીને નીંભર જિંદગી જીવતા હોઈએ એમાં એની પાસે ક્યાં જવું જે અંતરાત્માને જગાડે અને ઢંઢોળે પણ

શુક્રવારે [14 અૅપ્રિલ 2017] આંબેડકર જયંતીના દિવસે અમૃતસરમાં ડૉ. આંબેડકરના પૂતળાને હાર પહેરાવવાની વાતે કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ટીવી-ચૅનલોના કૅમેરામેનો ઉપસ્થિત હતા અને હાર પહેરાવવામાં બન્નેમાંથી કોઈ નેતા પાછળ રહેવા માગતા નહોતા. તેઓ કૅમેરાની સામે એકબીજાને ધક્કો મારતા હતા એ દૃશ્યો કેટલાક વાચકોએ જોયાં હશે. તમે એવું નહીં સમજી બેસતા કે તેઓ આંબેડકરપ્રેમથી પ્રેરાઈને ઝપાઝપી કરતા હતા. જો ડૉ. આંબેડકર માટે સાચો પ્રેમ હોત તો તેમનું વર્તન અદબપૂવર્‍કનું હોત. તેઓ તો દલિતોને એમ બતાવવા માગતા હતા કે તેઓ બીજા કરતાં ડૉ. આંબેડકરને વધારે ચાહે છે અને માટે દલિતોએ તેમને ટેકો આપવો જોઈએ. આંબેડકર દલિતો સુધી પહોંચવાની નિસરણી છે.

ગાંધીજી આ બાબતમાં નસીબદાર છે. તેમના ખભા પર ચડીને કોઈ સમાજવિશેષ સુધી પહોંચી શકાતું નથી. ઊલટું તેમના ખભા પર ચડવાથી માનવીયતાની ક્ષિતિજ વિસ્તરે છે જેને કારણે આપણી સામે માણસાઈનો તકાદો પેદા થાય છે. એટલે તો લોકોને ગાંધીજીના ખભા પર ચડવામાં કે તેમનો નિસરણી તરીકે ઉપયોગ કરવામાં ડર લાગે છે. અંતરાત્માને મારીને નીંભર જિંદગી જીવતા હોઈએ એમાં એની પાસે ક્યાં જવું જે અંતરાત્માને જગાડે અને ઢંઢોળે પણ.

બરાબર સો વરસ પહેલાં આજના દિવસોમાં ગાંધીજી ઉત્તર બિહારના ચંપારણમાં હતા. એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમીમાં ક્યારેક હાથી પર, ક્યારેક ગાડામાં અને જો કોઈ વાહન ન મળે તો ચાલીને ચંપારણનાં ગામડાંઓમાં ફરતા હતા. તેઓ ચંપારણમાં ગળી ઉગાડનારા શોષિત ખેડૂતોનો ઉદ્ધાર કરવા ગયા હતા. એ ખેડૂતોની કઈ જાત હતી? ખબર નથી. ગાંધીજીને મન એ ખેડૂતોની માત્ર એક જ જાત હતી : તેઓ બધા જ અન્યાયપીડિત હતા.

ગાંધીજી એ વાતની પીડા અનુભવતા હતા કે અન્યાયપીડિતો મૂંગા મોઢે અન્યાય સહન કરી લેતા હતા. તેમને એ વાતની પીડા હતી કે પોતાને ઈશુના સંતાન તરીકે અને જગતના સૌથી સભ્ય સમાજ તરીકે ઓળખાવનારા નીલવર ગોરાઓ ભારતીય પ્રજાનું અમાનવીય શોષણ કરતા હતા. તેમના મનમાં એ વાતનો રોષ હતો કે બ્રિટિશ સરકાર પીડિત રૈયતનો પોકાર સાંભળવાની જગ્યાએ ગોરાઓના સ્વાર્થની વાત સાંભળતી હતી. શાસન શોષિતની જગ્યાએ શોષકની સાથે હોય એ વાત જ ગાંધીજીને સ્વીકાર્ય નહોતી. ગાંધીજીને એ વાત પણ સ્વીકાર્ય નહોતી કે ચંપારણના લોકો ગંદકી અને માંદગીની વચ્ચે બાપડા બનીને જીવતા હોય. અન્યાય હોવો, અન્યાય કરવો, અન્યાય સહન કરવો, અન્યાય થવા દેવો અને બાપડા બનીને ભયગ્રસ્ત જિંદગી જીવવી એમાંનું કંઈ જ ગાંધીજીને સ્વીકાર્ય નહોતું. આમ ગાંધીજી આંતર-બાહ્ય સાવર્‍ત્રિક જેહાદ સાથે ચંપારણ ગયા હતા.

૧૯૧૫ના જાન્યુઆરી મહિનામાં ગાંધીજી સાઉથ આફ્રિકા છોડીને કાયમ માટે ભારત પાછા ફર્યા હતા. તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સલાહ આપી હતી કે એક વરસ સુધી તેઓ ભારતનો પ્રવાસ કરે, ભારતીય સમાજને સમજવાનો પ્રયાસ કરે અને ત્યાં સુધી કોઈ રાજકીય નિવેદન ન કરે. ગાંધીજીએ એ સલાહ નિષ્ઠાપૂવર્‍ક અનુસરી હતી. એક વરસનું દેશાટન કર્યા પછી પહેલું મહત્ત્વનું રાજકીય પ્રવચન તેમણે બનારસમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં કર્યું હતું જે બૉમ્બ-વિસ્ફોટ જેવું હતું. તેમણે ભારતના ગવર્નર જનરલની સિક્યૉરિટીનો તામજામ જોઈને કહ્યું હતું કે જો તેમને આટલો બધો ડર લાગતો હોય તો તેમણે ડરીને જીવવાની જગ્યાએ સ્વદેશ પાછા જતા રહેવું જોઈએ. પદ અને પ્રતિષ્ઠા કરતાં ભયરહિત મુક્ત જીવન વધારે મૂલ્યવાન છે. તેમણે ભારતીય પ્રજાને કહ્યું હતું કે ગવર્નર જો આપણા કારણે ડરતો હોય તો એ આપણા માટે શરમજનક છે. કોઈને ડરાવ્યા વિના પણ આંખમાં આંખ નાખીને માગણી કરી શકાતી હોય છે અને મનાવી પણ શકાતી હોય છે. તેમણે મોંઘાં આભૂષણો પહેરીને આવેલા રાજા-મહારાજાઓને કહ્યું હતું કે તેમણે આભૂષણોમાં ખોટી શાન શોધવાની જગ્યાએ પ્રજાવત્સલ બનીને સાચી શાન રળવી જોઈએ.

કોઈ પણ પ્રકારના દ્વેષભાવ વિના અને કોઈ પણ પ્રકારના શાબ્દિક કે આંગિક આર્વિભાવ વિના અત્યંત નમ્રતા સાથે પણ મોઢામોઢ સત્યનું ઉદ્ઘાટન થયું હતું. પાછું આવું બોલનારો એક નેતા હતો અને નેતાઓ અનેક મોઢે, અનેક પ્રકારના આર્વિભાવ સાથે, ક્યારેક મભમ અને મોટા ભાગે અર્ધસત્ય બોલવાની ખ્યાતિ ધરાવતા હોય છે. આવો એકવચની અને ટેકીલો માણસ ખેડૂત જેવાં કપડાં પહેરે છે, પગમાં જોડા નથી પહેરતો, ત્રીજા વર્ગમાં પ્રવાસ કરે છે, લોકોની ભાષામાં વાત કરે છે, તેમના આશ્રમમાં ઝૂંપડીમાં રહે છે અને સૌથી મહત્ત્વની વાત કે પાછો સાઉથ આફ્રિકામાં રાજકીય લડાઈ જીતીને આવ્યો છે. આ માણસ વેવલો સંત નથી, પરંતુ કહે એ કરી બતાવે એવો ભડવીર છે એવો મેસેજ બનારસને કારણે ભારતભરમાં જનસાધારણ સુધી પહોંચ્યો હતો.

મેસેજ ચંપારણમાં બેતિયા રાજમાં સતવરિયા નામના ગામમાં ગળી ઉગાડનારા એક શોષિત ખેડૂત રાજકુમાર શુક્લ સુધી પણ પહોંચ્યો હતો. રાજકુમાર શુક્લને લાગ્યું કે છેલ્લા પ્રયાસ તરીકે ગાંધીજીનો સંપર્ક કરવો જોઈએ. તેમની જમીન પર એ. સી. એમ્મન નામના એક ગોરા નીલવરનું આધિપત્ય હતું અને એમ્મન સૌથી વધુ ક્રૂર નીલવર હતો. રાજકુમાર શુક્લએ એમ્મનની જોહુકમીનો વિરોધ કર્યો ત્યારે એમ્મનના માણસોએ તેમના ખેતરમાં ઊભા પાકને આગ લગાડી દીધી હતી. રાજકુમાર શુક્લએ એ દિવસે ચાણક્યની શિખાની માફક સંકલ્પ કર્યો હતો કે તેઓ જ્યાં સુધી નીલવરોની જબરદસ્તીનો અંત નહીં લાવે ત્યાં સુધી જંપીને નહીં બેસે.

નેતાની અને સંગઠનની ખોજ ચાલુ હતી. નેતાઓને મળવા પટના જઈ આવ્યા, કલકત્તા જઈ આવ્યા, રાંચી જઈ આવ્યા, કૉન્ગ્રેસનાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક અધિવેશનોમાં તેઓ ચંપારણની યાતના વર્ણવવા અને મદદ માગવા પહોંચી જતા હતા. રાજકુમાર શુક્લને દરેક જગ્યાએ એક જ જવાબ મળતો હતો : શું થાય? ગોરાઓનું રાજ છે એટલે શોષણ કરે છે. આઝાદી મળવા દો, એ પછી શોષણનો અંત આવી જશે. કોઈ વળી તેમને (તેમને એટલે બાપડી રૈયતને) આઝાદીની લડતમાં ભાગ લેવાની સલાહ આપતા હતા તો બીજા કેટલાક કૉન્ગ્રેસ આ વિશે સરકારનું ધ્યાન દોરશે કે ઠરાવ કરશે એવાં વચનો આપતા હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સહિત બિહાર પ્રદેશ કૉન્ગ્રેસના નેતાઓ એ જમાનામાં સવર્‍ત્ર જોવા મળતું હતું એમ વકીલો હતા. બિહારના કૉન્ગ્રેસી વકીલો ગરીબ શોષિત ખેડૂતોના ગોરા નીલવરો સામેના કેસ રાહતના દરે લડતા હતા, પરંતુ તેમની આવકનું અને સુખસાહ્યબીનું મુખ્ય સાધન તો રૈયતની લાચારી હતી. 

૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસનું અધિવેશન લખનઉમાં મળવાનું હતું. રાજકુમાર શુક્લ લખનઉ પહોંચી ગયા. તેમણે ગાંધીજીને ચંપારણની સ્થિતિ વિશે માહિતી આપી અને કૉન્ગ્રેસના અધિવેશનમાં નિંદા કરતો ઠરાવ રજૂ કરવા કહ્યું. એ જમાનામાં મિયાંની દોટ મસ્જિદ સુધી એમ ઠરાવથી આગળ કોઈ કૃતિ હોઈ શકે છે એવો વિચાર પણ કોઈને નહોતો આવતો. ગાંધીજીએ રાજકુમાર શુક્લને કહ્યું કે તેઓ પોતે રૈયતની દાસ્તાન નહીં સાંભળે અને તેમની સગી આંખે તેમની સ્થિતિ નહીં જુએ ત્યાં સુધી ન તો ઠરાવ રજૂ કરશે કે ન અનુમોદન આપશે. આ પણ નવું. કૉન્ગ્રેસનાં અધિવેશનોમાં સેંકડો ઠરાવ સંબંધિત ધરતી પર પગ મૂક્યા વિના અને લોકોને સાંભળ્યા વિના રજૂ થતા હતા અને પસાર થતા હતા. ઠરાવ કોઈક બીજાએ રજૂ કર્યો અને અનુમોદન કોઈક ત્રીજાએ આપ્યું અને ગાંધીજી ચૂપ રહ્યા.

રાજકુમાર શુક્લએ ગાંધીજી પાસેથી એટલું વચન લઈ લીધું કે તેઓ નજીકના ભવિષ્યમાં ચંપારણ આવશે. ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે કે લખનઉ અધિવેશન પહેલાં તેમણે ચંપારણનું નામ પણ સાંભળ્યું નહોતું અને ગળીની ખેતી થાય છે એની પણ તેમને જાણ નહોતી. રાજકુમાર શુક્લ આદું ખાઈને ગાંધીજીની પાછળ પડી ગયા. લખનઉથી કાનપુર સુધી ગાંધીજી સાથે ટ્રેનમાં પ્રવાસ કર્યો જેથી હજી વધુ સમજાવી શકાય. એ પછી વચનની યાદ અપાવવા અમદાવાદ પણ જઈ આવ્યા. ૧૯૧૭ની ૨૭ ફેબ્રુઆરીએ બેતિયાથી રાજકુમાર શુક્લ આ મુજબનો એક પત્ર ગાંધીજીને લખે છે:

માન્યવર મહાત્મા,

.....

.....

હમ ઔર અધિક ન લિખકર આપકા ધ્યાન ઉસ પ્રતિજ્ઞા કી ઔર આકૃષ્ટ કરના ચાહતે હૈં જો લખનઉ કૉન્ગ્રેસ કે સમય ઔર ફિર વહાં સે લૌટતે સમય કાનપુર મેં આપને કી થી, અર્થાત્ મૈં માર્ચ-એપ્રિલ મહિને મેં ચંપારણ આઉંગા. બસ, અબ સમય આ ગયા હૈ. શ્રીમાન, અપની પ્રતિજ્ઞા કો પૂર્ણ કરેં. ચંપારણ કી ૧૯ લાખ દુખી પ્રજા શ્રીમાન કે ચરણ-કમલ કે દર્શન કે લિએ ટકટકી લગાએ બૈઠી હૈ ઔર ઉન્હેં આશા હી નહીં પૂર્ણ વિશ્વાસ હૈ કિ જિસ પ્રકાર ભગવાન શ્રીરામચન્દ્રજી કે ચરણસ્પર્શ સે અહલ્યા તર ગઈ, ઉસી પ્રકાર શ્રીમાન કે ચંપારણ મેં પૈર રખતે હી હમ ૧૯ લાખ પ્રજાઓં કા ઉદ્ધાર હો જાએગા.

રાજકુમાર શુક્લ 

(વાચકે નોંધ્યું હશે કે રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધે એ પહેલાં ચંપારણના ખેડૂતે ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધ્યા હતા. એમ તો ગાંધીજીના મિત્ર પ્રાણજીવન મહેતાએ સૌપ્રથમ વાર ૧૯૦૯માં ગોપાલ કૃષ્ણ ગોખલેને લખેલા પત્રમાં લખ્યું હતું કે ગાંધી દરેક અર્થમાં મહાત્મા છે અને મહાત્માઓ વિશેની આપણી પરંપરાગત સમજ કરતાં વિશેષ છે.)

ગાંધીજી કલકત્તા જવાના હતા. તેમણે રાજકુમાર શુક્લને ખબર કરી કે તેઓ કલકત્તા પહોંચી જાય અને ત્યાંથી ચંપારણ લઈ જાય. ગાંધીજીને એમ લાગતું હતું કે લોકોની દાસ્તાન સાંભળવા ત્રણ દિવસ ઘણા થશે. એ પ્રમાણે તેમણે આગળનો કાર્યક્રમ પણ ઘડ્યો હતો. જીવતરામ કૃપલાની નામના પ્રાધ્યાપકનો ગાંધીજીને આછો-પાતળો પરિચય થયો હતો જે એ સમયે બિહારમાં મુઝફ્ફરપુરમાં ગ્રીયર ભૂમિહાર બ્રાહ્મણ કૉલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક હતા. મુઝફ્ફરપુરની ઉત્તરે આવેલા મોતિહારીથી ચંપારણનો પ્રારંભ થતો હતો અને મુઝફ્ફરપુર એનું વડું મથક હતું.

૧૦ એપ્રિલે ગાંધીજી પટના પહોંચે છે. રાજકુમાર શુક્લ તેમને પટનામાં વકીલાત કરતા બાબુ રાજેન્દ્ર પ્રસાદના ઘરે લઈ જાય છે. રાજેન્દ્રબાબુ એ દિવસે ઘરે નહોતા અને તેમના નોકરે ગાંધીજીને અને રાજકુમાર શુક્લને કોઈ ગ્રામીણ ખેડૂત સમજીને ઘરમાં અંદર આવવા નહોતા દીધા. છૂતાછૂતની ભાવના એટલી તીવ્ર હતી કે તેમણે ફળિયામાં બેસવું પડ્યું હતું, વાડામાં શૌચ માટે જવું પડ્યું હતું અને ખુલ્લામાં સ્નાન કરવું પડ્યું હતું. નોકરે તેમને જમવાનું પણ નહોતું આપ્યું. આ બાજુ રાજકુમાર શુક્લ આગળની વ્યવસ્થા નહોતા કરી શકતા. ગાંધીજીને સમજાઈ ગયું કે શોષણનો માર એટલો તીવ્ર હોય છે કે શુક્લ અટકધારી બ્રાહ્મણની પણ ભદ્ર સમાજમાં વગ ઓછી પડે છે. આ પણ ભારતના સામાજિક વાસ્તવ વિશેનો એક પાઠ હતો.

ગાંધીજી પોતાની આત્મકથામાં લખે છે કે એ પછી તેમણે ચંપારણનો દોર પોતાના હાથમાં લઈ લીધો અને એ જ દિવસે પટનાથી મુઝફ્ફરપુર જઈને ચંપારણપ્રવેશ કર્યો. આધુનિક ભારતના ઇતિહાસની એ પહેલી સુવર્ણક્ષણ હતી. રાજકુમાર શુક્લે લખ્યું હતું એમ ભારતીય શિલા અહલ્યા બનવાની હતી. માત્ર એક અઠવાડિયામાં; જી હા, માત્ર એક અઠવાડિયામાં સમયે કરવટ બદલી.

ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી - ૨ :

ગાંધીજી જુદી માટીના હતા. તેમનો ભરોસો રાજ્ય પર અને રાજકીય આઝાદી પર નહોતો, પરંતુ લોકોની અંદર રહેલી ચેતના પર હતો -

જીતેલી જમીન પર વિજેતા રાજકીય કાબૂ ધરાવતો હોય એવાં તો ઇતિહાસમાં સેંકડો ઉદાહરણ મળશે, પરંતુ કરોડો એકર જમીન પર ઉત્પાદકીય કાબૂ હોય એવું પહેલી વાર જોવા મળ્યું હતું. એ સમયની બ્રિટિશ રાજધાની કલકત્તામાં બેસીને ચંપારણના ખેડૂતે શું વાવવું, કેટલા પ્રમાણમાં વાવવું, કઈ જમીનમાં ગળી વાવવી, ઉત્પાદિત માલ કયા ભાવે ખરીદવો એ નક્કી થતું હતું. ન લશ્કર, ન સૂબો, ન પસાયતો, ન પહેરેગીર. આર્થિક-રાજકીય શોષણની વ્યવસ્થા જ એવી વિકસાવવામાં આવી હતી કે એના લાભ ઇંગ્લૅન્ડ સુધી પહોંચતા હતા. એક બાજુ શોષણની જડબેસલાક સાંકળ અને બીજી બાજુ લાભોની ધોરી નહેર

•••

ચંપારણના સત્યાગ્રહ પહેલાં ગાંધીજીને જેમ જાણ નહોતી એમ ભારતમાં અનેક લોકોને જાણ નહોતી કે ગળી વનસ્પતિજન્ય નૈસર્ગિક પદાર્થ છે અને એની ખેતી થાય છે. ઘણા લોકો એમ માનતા હતા કે ગળી એક રસાયણ છે અને એ કપડાંને રંગવા માટે વપરાય છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ અને કાપડમિલો સ્થપાવા લાગી એ પછી ગળીનો ખપ વર્તાયો હતો. જાવા અને સુમાત્રામાં ગળીના છોડ ઊગતા હતા અને લોકો વાપરી-વાપરીને કધોણિયાં થઈ ગયેલાં કપડાંને રંગવા માટે ગળીનો ઉપયોગ કરતા હતા, પરંતુ એની ખેતી નહોતો થતી. ગળીની રીતસર ખેતી ઔદ્યોગિક ક્રાન્તિ પછી શરૂ થઈ. ડાઇંગ માટે રસાયણની શોધ જર્મનીમાં ૧૮મી સદીના અંત ભાગમાં થઈ હતી.

ગળીને ખૂબ પાણી અને ભીનું હવામાન જોઈએ. જ્યારે યુરોપમાં ગળીની ડિમાન્ડ વધવા માંડી ત્યારે અંગ્રેજોએ વિચાર્યું હતું કે બંગાળમાં હિમાલયમાંથી આવતી નદીઓના ડેલ્ટામાં અને ઉત્તર બિહારમાં હિમાલયની નીચે તરાઈને લાગીને આવેલા પ્રદેશમાં ગળી ઊગી શકે. ત્યાં પુષ્કળ પાણી અને ભીનાશ બન્ને છે. જાવા અને સુમાત્રામાંથી ગળીનાં બી મગાવવામાં આવ્યાં અને ભારતમાં ઊગે છે કે નહીં એનો પ્રયોગ કરવામાં આવ્યો. પ્રયોગ સફળ નીવડ્યો અને ૧૮૪૦ પછીથી બંગાળ અને ચંપારણમાં ગળીની ખેતી થવા લાગી. આમાં ચંપારણમાં ઉગાડવામાં આવતી સુમાત્રા ગળી વધારે સારી સાબિત થઈ હતી. 

હવે શોષણનો યુગ શરૂ થયો અને શોષણ કરવા માટેની પૂરી અનુકૂળતા હતી. ગળીનું વાવેતર અંગ્રેજો કરાવતા હતા અને અંગ્રેજો જ ગળી ખરીદતા હતા. એ સિવાય ગળીને અન્યત્ર વેચવા માટેનો કોઈ વિકલ્પ નહોતો. એકાદ-બે વરસ હરખે ગળી ઉગાડ્યા પછી ખેડૂતોને સમજાઈ ગયું કે આ ખોટનો ધંધો છે. એક તો ગોરા વેપારીઓ સરખો ભાવ નથી આપતા અને ઉપરથી ગળી જમીન બગાડે છે. આ ઉપરાંત ગળીની ખેતીમાં મહેનત પણ બહુ પડતી હતી અને પાછું ગોરાઓ ગળીનું પ્રોસેસિંગ પણ તેમની પાસે કરાવતા હતા. ચંપારણમાં ઠેર-ઠેર ગોરાઓની માલિકીની ગળીની કોઠીઓ સ્થપાવા લાગી. ગોરા માલિકો એમાં રહે, તેમના માણસો ખેતી કરાવે, ખેતીનું નિયમન કરે અને પ્રોસેસિંગ કરાવે અને તૈયાર માલ કલકત્તાથી યુરોપ મોકલે. અમાનવીય શોષણ અને અત્યાચારના દસ્તાવેજરૂપ કોઠીઓ આજે પણ ચંપારણમાં ખંડેર અવસ્થામાં જોવા મળે છે.

ખેડૂતોમાં અસંતોષ વધવા માંડ્યો, પરંતુ અંગ્રેજોએ શોષણની વ્યવસ્થા જ એવી કરી હતી કે એ બાપડો જાય ક્યાં? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં જમીનદારી લાગુ કરી હતી જેમાં બાંધેલી રકમ સામે હજારો એકર જમીનના પટ્ટા જમીનદારોને આપવામાં આવ્યા હતા. જમીનદારો ખેડૂતો પાસે ખેતી કરાવે અને બાંધેલી રકમ કંપનીને આપે. આમ જમીનદારો કંપનીના તાબામાં હતા અને ખેડૂતો જમીનદારોના તાબામાં હતા. વ્યવસ્થા એવી વિકસાવી હતી કે થોડીઘણી નહીં, ભારતની કરોડો એકર જમીન પર અંગ્રેજોનો ઉત્પાદકીય કાબૂ હતો. જીતેલી જમીન પર વિજેતા રાજકીય કાબૂ ધરાવતો હોય એવાં તો ઇતિહાસમાં સેંકડો ઉદાહરણ મળશે, પરંતુ કરોડો એકર જમીન પર ઉત્પાદકીય કાબૂ હોય એવું પહેલી વાર જોવા મળ્યું હતું. એટલે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી ભારતનો કબજો લઈ લીધા પછી પણ અંગ્રેજ સરકારે જમીનદારીની આ પદ્ધત્તિ કાયમ રાખી હતી. કલકત્તામાં (એ સમયની બ્રિટિશ રાજધાની) બેસીને ચંપારણના ખેડૂતે શું વાવવું, કેટલા પ્રમાણમાં વાવવું, કઈ જમીનમાં ગળી વાવવી, ઉત્પાદિત માલ કયા ભાવે ખરીદવો એ નક્કી થતું હતું. ન લશ્કર, ન સૂબો, ન પસાયતો, ન પહેરેગીર. આર્થિક-રાજકીય શોષણની વ્યવસ્થા જ એવી વિકસાવવામાં આવી હતી કે એના લાભ ઇંગ્લૅન્ડ સુધી પહોંચતા હતા. એક બાજુ શોષણની જડબેસલાક સાંકળ અને બીજી બાજુ લાભોની ધોરી નહેર.

આ સાંકળ તોડવી કઈ રીતે? જે લોકો ભણેલા હતા, શહેરમાં રહેતા હતા અને જાહેર જીવનમાં રસ ધરાવતા હતા એ લોકોને શોષણની સાંકળની જાણ તો હતી; પરંતુ તોડવાનો તેમની પાસે કોઈ ઉપાય નહોતો. શોષિતોને તેઓ એકધારો એક જ જવાબ આપતા હતા કે: થોભો, આઝાદી મળવા દો, અમે કાંઈક કરીએ છીએ, નિવેદન આપીએ છીએ, ઠરાવો કરીએ છીએ વગેરે. ક્રાન્તિકારીઓ તો વળી શોષિતોની વચ્ચે ગયા વિના શહેરમાં રહીને આસેતુ હિમાલય સશસ્ત્ર ક્રાન્તિ કરવાનાં સપનાં જોતા હતા.

ટૂંકમાં દરેકને એમ લાગતું હતું કે જ્યાં સુધી ઉપરથી પરિવર્તન નહીં થાય, અર્થાત્ બ્રિટિશ શાસનનો અંત નહીં આવે અને આપણને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સાંકળ તૂટવાની નથી. આ બાજુ શોષિતો જ્યારે અકળાતા હતા ત્યારે તેઓ સાંકળ તોડવા માટે બળવો કરતા હતા. અંતે સહનશક્તિની પણ એક હદ હોય છે. સમસ્યા એ હતી કે શોષણની સાંકળ શિવજીના ધનુષ જેવી મજબૂત તેમ જ લોખંડી હતી અને વધારામાં તેમને બહારથી કોઈ મદદ નહોતી મળતી. બહારથી તેમને કેવળ સહાનુભૂતિ અને આશ્વાસનો મળતાં હતાં. ધીરજ ધરવાની સલાહ આપવામાં આવતી હતી. આપણે જેની વાત કરી રહ્યા છીએ એ ચંપારણમાં પણ શોષિતોએ ૧૮૫૦થી ૧૯૦૭ સુધીમાં અનેક વાર બળવા કર્યા હતા અને દરેક વખતે પરાજિત થયા હતા. માત્ર પરાજિત નહોતા થતા, બળવો કરનારના જીવનને કંપારી છૂટી જાય એ રીતે ઉધ્વસ્ત કરી નાખવામાં આવતું હતું કે જેથી બીજા લોકો બળવો કરનારથી દૂર ભાગે.

અંગ્રેજો નિશ્ચિંત હતા. જ્યાં સુધી ભારતની ભોળી, શોષિત, ગરીબ ગ્રામીણ પ્રજા સુધી આઝાદીની એષણા નહીં પહોંચે ત્યાં સુધી ભારતને આઝાદી આપીને જતા રહેવું પડે એવી સ્થિતિ પેદા થવાની નથી. આઝાદીની એષણાને છેલ્લા માણસ સુધી પહોંચાડવી હોય તો તેમની વચ્ચે જવું પડે, તેમના પ્રશ્નો હાથ ધરવા પડે, શિવજીના ધનુષ જેવી શોષણની સાંકળને તોડવાનું સાહસ કરવું પડે, લોકોની મૂરઝાઈ ગયેલી ચેતના જગાડવી પડે અને તેમની વચ્ચે તેમના થઈને રહેવું પડે. કૉન્ગ્રેસ પાસે એવો કોઈ નેતા નહોતો. એટલે તો ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લ દર-દર ભટકતા હતા અને દરેક જગ્યાએથી તેમને એક જ જવાબ મળતો હતો: થોભો અને ધીરજ ધરો. શાસન અંગ્રેજોનું છે એટલે શોષણ કરવામાં આવે છે અને જ્યાં સુધી શાસન નહીં બદલાય ત્યાં સુધી શોષણનો અંત આવવાનો નથી. શાસન બદલાશે અને સ્વરાજ આવશે ત્યારે શોષણનો અંત આવશે.

સુજ્ઞ વાચકને વિનંતી કે છેલ્લું વાક્ય ફરી વાંચે- શાસન અંગ્રેજોનું છે એટલે શોષણ કરવામાં આવે છે અને જ્યાં સુધી શાસન નહીં બદલાય ત્યાં સુધી શોષણનો અંત આવવાનો નથી. શાસન બદલાશે અને સ્વરાજ આવશે ત્યારે શોષણનો અંત આવશે. આ કથન એમ સૂચવે છે કે એ સમયના નેતાઓનો ભરોસો રાજ્ય પર હતો. એમાં તેમનો વાંક નહોતો, જગત આખાના નેતાઓનો ભરોસો રાજ્ય પર હતો અને હજી કેટલાક પ્રમાણમાં આજે પણ છે. રાજ્ય પરિવર્તનનું સાધન છે એટલે શાસનની ધુરા હાથમાં હોવી જરૂરી છે એવી સમજ ત્યારે પ્રવર્તતી હતી.

ગાંધી આમાં જુદી માટીનો હતો. તેમનો ભરોસો રાજ્ય પર અને શાસકો પર અને રાજકીય આઝાદી પર નહોતો, પરંતુ લોકોની અંદર રહેલી ચેતના પર હતો. સ્વ-રાજ. જો એમ ન હોત તો તેમણે સાઉથ આફ્રિકામાં ન્યાય મેળવવા માટે સત્યાગ્રહ કર્યો જ ન હોત. સાઉથ આફ્રિકામાં ભારતીયોની વસ્તી નગણ્ય હતી અને સાઉથ આફ્રિકાને જેદીતેદી આઝાદી મળી હોત તો પણ તે ત્યાનાં વતની કાળાઓને મળવાની હતી, ભારતીયોને નહીં. અત્યારે થોભો, ધીરજ રાખો, શું થાય ગોરાઓનું રાજ છે એટલે તેઓ શોષણ કરે છે, આઝાદી મળવા દો એ પછી આપણે શોષણનો અંત લાવીશું એવી દલીલ કરવાની કોઈ ગુંજાઈશ ગાંધીજી પાસે નહોતી. ગાંધીજી પાસે સાઉથ આફ્રિકામાં ત્રણ જ વિકલ્પ હતા. અન્યાય ન જોવાતો હોય તો સાઉથ આફ્રિકા છોડીને ભારત પાછા આવી જાય અથવા ભારતીયોને થઈ રહેલા અન્યાય તરફ નજર ન કરે અને તેમની સમસ્યામાં રસ લેવાનું બંધ કરે. તેમની પાસે ત્રીજો વિકલ્પ હતો; પોતાની ચૈતસિક તાકાત પર ભરોસો રાખીને ભારતીયોની ચેતના જગાડે. ભલે મુલક પરાયો હોય અને ભલે ભારતીયોની વસ્તી નગણ્ય હોય. આત્મબળ કરતાં વધારે મોટું બળ નથી અને એ કોઈ પણ બળને ઝુકાવી શકે છે એમ ગાંધીજી માનતા થયા હતા. ૧૯૦૯માં તેમણે લખેલા ‘હિન્દ સ્વરાજ’ નામના પુસ્તકમાં ગાંધીજીએ આત્મબળ અને આત્મબળ આધારિત સત્યાગ્રહની માંડણી કરી છે.

ચંપારણની પ્રજાને ગાંધીજીના સાઉથ આફ્રિકાના પ્રયોગ વિશે કોઈ જાણકારી નહોતી. તેમને એ વાતની પણ જાણકારી નહોતી કે ગાંધીજીએ આત્મબળ આધારિત સત્યાગ્રહનું કોઈ લડતનું સાધન શોધી કાઢ્યું છે. મોટા ભાગના ચંપારણના ગળી ઉગાડતા ખેડૂતોએ તો ગાંધીજીનું નામ પણ સાંભળ્યું નહોતું. રાજકુમાર શુક્લ જેવા ઉજળિયાત જ્ઞાતિના ખેડૂતોએ ગાંધીજીનું નામ સાંભળ્યું હતું અને એ પણ મુખત્વે ગાંધીજીના બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભના વ્યાખ્યાન પછી. કોઈ મરદ માણસ ભારતમાં આવ્યો છે જેણે સાઉથ આફ્રિકાની જુલમી ગોરી સરકારને ઝુકાવી હતી એટલી જ જાણકારી તેઓ ધરાવતા હતા. એટલે તો રાજકુમાર શુક્લ આદું ખાઈને ગાંધીજીની પાછળ પડી ગયા હતા. લખનઉ કૉન્ગ્રેસ વખતે આ એક માણસે એવું નહોતું કહ્યું કે થોભો, આઝાદી મળવા સુધી રાહ જુઓ અથવા હું ઠરાવ માંડીશ કે અનુમોદન આપીશ. ઊલટું તેમણે એમ કહ્યું હતું કે જ્યાં સુધી હું સ્વયં આવીને સ્થિતિની જાણકારી નહીં મેળવું ત્યાં સુધી હું કોઈ ખાતરી તમને નહીં આપું. લખનઉમાં અને એ પછી રાજકુમાર શુક્લ સાથેની વાતચીતના પરિણામે ગાંધીજીને એટલી વાત સમજાઈ ગઈ હતી કે સ્થિતિ હસ્તક્ષેપ કરવો પડે એટલી ગંભીર તો છે જ.

ગયા અઠવાડિયે કહ્યું હતું એમ સાવર્‍ત્રિક જેહાદ સાથે ૧૦મી એપ્રિલે ગાંધીજી પટના જાય છે. એ જ દિવસે મોડી રાતે તેઓ મુઝફ્ફરપુર પહોંચે છે. ગાંધીજીના આગમનનો સંદેશો મળતાં આચાર્ય કૃપલાણી તેમના કેટલાક વિદ્યાર્થીઓને લઈને ગાંધીજીના સ્વાગત માટે સ્ટેશને જાય છે, પરંતુ વિદ્યાર્થીઓ ગાંધીજીને ઓળખી શકતા નથી. તેઓ ફસ્ર્ટ ક્લાસના ડબ્બાની બહાર કોઈ મોટો નેતા બે-ચાર અનુયાયીઓ સાથે ઊતરશે એની રાહ જોઈને ઊભા હતા અને ગાંધીજી ત્રીજા વર્ગના ડબ્બામાંથી ઊતરીને રાજકુમાર શુક્લ સાથે બહાર નીકળી ગયા હતા. બન્ને ખેડૂત જેવા દેખાતા હતા અને એમાં ગાંધીજી તો પગમાં ચંપલ વિનાના કોઈ અજનબી જેવા દેખાતા હતા. વિદ્યાર્થીઓ કોઈને શોધતા હોય એમ દોડાદોડી કરતા હતા એ જોઈને રાજકુમાર શુક્લને શંકા ગઈ હતી કે તેઓ કદાચ ગાંધીજીને શોધી રહ્યા છે. જીવતરામ કૃપલાણી નામના કોઈ ગાંધીજીના પરિચિત મુઝફ્ફરપુરમાં પ્રાધ્યાપક છે એની રાજકુમાર શુક્લને જાણ હતી.

મુઝફ્ફરપુર એટલે ચંપારણના તિરહુત ડિવિઝનનું વડું મથક. ઉત્તરે મોતિહારી અહીંથી ઢૂંકડું હતું જ્યાં ભારતનો પહેલો અહિંસક સત્યાગ્રહ થવાનો હતો. ગાંધીજી ત્યાંથી બિહારના કેટલાક નેતાઓને લઈને મોતિહારી જવા નીકળે છે. નેતાઓને ગાંધીજીના સાઉથ આફ્રિકાનાં કારનામાંઓની જાણ હતી, પરંતુ ગાંધી નામના અનોખા માણસની ખાસ જાણ નહોતી. તેમનો પરિચય થઈ રહ્યો હતો અને પરિચય વિસ્મય પેદા કરનારો હતો. તેમની સમક્ષ કઈ રીતે ગાંધીજી ધીરે-ધીરે પ્રગટ થાય છે અને કઈ રીતે કામ કરે છે એની વાત હવે પછીના લખાણમાં …

ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી - ૩ :

દસ દિવસનું જાગરણ અને વિજયાદશમી

ચંપારણના મૅજિસ્ટ્રેટને ઉપરથી આદેશ આવ્યો કે મિ. ગાંધીને જેલમાં મોકલવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે માટે તેમને ચંપારણમાં ફરવા દેવામાં આવે. માત્ર દસ દિવસમાં જેને હાથ લગાડતાં ડર લાગે એવા શક્તિશાળી નેતા ગાંધીજી બની ગયા હતા અને એ પણ ચંપારણમાં જ્યાં ગાંધીજીએ પહેલી વાર પગ મૂક્યો હતો અને ડર બ્રિટિશ સામ્રાજ્યને લાગ્યો જેનો સૂરજ કોઈ દી આથમતો નહોતો. માત્ર દસ દિવસમાં તેઓ રૈયત માટે ઈશ્વરનો અવતાર બની ગયા હતા અને એ પાછો એવો માણસ જેનું દસ દિવસ પહેલાં ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હતું. માત્ર દસ દિવસમાં તેમણે રાજકુમાર શુક્લની ભાષામાં કહીએ તો શિલા(રૈયત)ને અહલ્યા (ચેતનવંતી) બનાવી દીધી હતી અને એમ જુઓ તો તેમણે હજી બે જ ગામમાં પગ મૂક્યો હતો

ગયા સપ્તાહમાં કહ્યું હતું એમ જીતેલી જમીન પર વિજેતા રાજકીય કાબૂ ધરાવતો હોય એવાં તો ઇતિહાસમાં સેંકડો ઉદાહરણ મળશે, પરંતુ કરોડો એકર જમીન પર ઉત્પાદકીય કાબૂ હોય એવું પહેલી વાર જોવા મળ્યું હતું. આર્થિક-રાજકીય શોષણની વ્યવસ્થા જ એવી વિકસાવવામાં આવી હતી કે એના લાભ ઇંગ્લૅન્ડ સુધી પહોંચતા હતા. એક બાજુ શોષણની જડબેસલાક સાંકળ અને બીજી બાજુ લાભોની ધોરી નહેર.

ભારતના નેતાઓને આ શોષણની જડબેસલાક સાંકળ કઈ રીતે તોડવી અને લાભોની ધોરી નહેર કઈ રીતે અટકાવવી એનો કોઈ ઉપાય જડતો નહોતો. તેમનો મદાર રાજકીય આઝાદી પર હતો, પરંતુ જ્યાં સુધી શોષિત ગરીબ પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવામાં ન આવે અને તેમની અંદર રહેલી ચેતના જગાડવામાં ન આવે ત્યાં સુધી આઝાદી પણ મળે એમ નહોતી. કામ વિકટ હતું અને ગાંધીજી એ કરી શકશે કે કેમ એ વાત પર તેમનો ભરોસો બેસતો નહોતો. બિહારના એક નેતાએ તો ગાંધીજીને કહ્યું પણ હતું કે ચંપારણમાં તમને બહુ સફળતા મળશે એમ લાગતું નથી. બીજી બાજુ ગાંધીજીને પૂરો ભરોસો હતો. તેમનો ભરોસો તેમની કૃતનિશ્ચયતા પર હતો, તેમની કથની અને કરણી પરની એકવાક્યતા પર હતો અને સૌથી વધુ તો લોકોની અંદર રહેલી ચેતના પર હતો. એ ચેતના મરેલી નથી, પણ સુષુપ્ત છે અને એને જગાડી શકાય છે એમ ગાંધીજી માનતા હતા.

એ સમયના બિહારના સર્વોચ્ચ કૉન્ગ્રેસી નેતા બ્રજકિશોરબાબુએ ગાંધીજીને પૂછ્યું હતું કે તેમની બિહારના નેતાઓ પાસેથી શી અપેક્ષા છે? ગાંધીજીએ તેમને કહ્યું હતું કે અહીં તેમને વકીલોની કોઈ જરૂર નથી. એ સમયે કૉન્ગ્રેસના મોટા ભાગના નેતાઓ વકીલ હતા. તેમણે લોકોની આપવીતી લખી આપનારા લહિયાનું કામ કરવાનું અને દુભાષિયાનું કામ કરવાનું છે. જો જરૂર પડે તો લડાઈ એની અંતિમ પરિણતિ સુધી લઈ જવાની છે અને એમાં સૈનિક અને સરદાર બનવાનું છે, હિંસા કરવાની નથી, લોકોને ઉશ્કેરવાના નથી, અસત્ય કે અર્ધસત્યનો માર્ગ અપનાવવાનો નથી અને નીલવરો (ગળીની કોઠીના ગોરા માલિકો) કે અંગ્રેજ અફસરોને અંધારામાં રાખવાના નથી કે ગેરમાર્ગે દોરવાના નથી. બ્રજકિશોરબાબુએ માત્ર એટલું જ કહ્યું હતું કે હમ કોશિશ કરેંગે.

૧૨ એપ્રિલે ગાંધીજીએ તિરહુત ડિવિઝનના કમિશનર એલ.એફ. ર્મોશેડને પત્ર લખીને મળવાનો સમય માગ્યો. પત્રમાં તેમણે લખ્યું કે તેઓ નીલવરો દ્વારા ચંપારણના ખેડૂતોના થઈ રહેલા શોષણનું સ્વરૂપ જાણવા આવ્યા છે અને એમાં સરકારના સહયોગની જરૂર છે. તેઓ સત્ય જાણ્યા વિના કોઈ કદમ ઉઠાવવાના નથી અને સત્ય જાણ્યા વિના પાછા જવાના નથી. તેમણે આવો જ એક પત્ર બિહાર પ્લાન્ટર્સ અસોસિયેશનના જનરલ સેક્રેટરી જે.એમ. વિલ્સનને પણ લખ્યો હતો. વિલ્સને તેમને જવાબ આપ્યો હતો કે આ પ્રદેશમાં ગળીની ખેતી અને એની પ્રક્રિયા નીલવરો અને રૈયત વચ્ચે આપસી સહયોગ અને સૌહાદર્‍પૂર્ણ વાતાવરણમાં ચાલે છે એટલે તપાસની કોઈ જરૂર નથી. તમારા આવવાથી અશાંતિ પેદા થવાનો ભય છે જેના કારણે જેમના કલ્યાણ માટે તમે અહીં આવ્યા છો તેમને જ નુકસાન પહોંચશે. ગાંધીજીએ વિલ્સનનો અભિપ્રાય પણ ર્મોશેડને કહી બતાવ્યો હતો. બધું જ સ્પષ્ટ અને ખુલ્લું.

૧૩ એપ્રિલે સાંજે ગાંધીજી ર્મોશેડને મળવા ગયા ત્યારે મુઝફ્ફરપુરના કલેક્ટર ડી. વેસ્ટન ઉપસ્થિત હતા. વેસ્ટને ગાંધીજીને પ્રશ્ન પૂછ્યો કે તમે અહીં કયા અધિકારથી આવ્યા છો અને તમને કોણે બોલાવ્યા છે? અને પછી સલાહ આપી હતી કે તેઓ તરત પાછા જતા રહે. ગાંધીજીએ શાંત ચિત્તે કહ્યું હતું કે તેઓ અહીંની રૈયતના અને કૉન્ગ્રેસના નેતાઓના આમંત્રણથી આવ્યા છે અને જ્યાં સુધી તેઓ પોતે સત્ય શું છે એની તપાસ નહીં કરે ત્યાં સુધી પાછા જવાના નથી. ગાંધીજીના ગયા પછી ર્મોશેડે મોતિહારી ખાતેના ચંપારણના મૅજિસ્ટ્રેટને સલાહ આપી હતી કે મિ. ગાંધી ચંપારણ આવે તો તેમની સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની ધારા ૧૪૪ અંતર્ગત ફોજદારી કારવાઈ કરવામાં આવે.

૧૫ એપ્રિલે બપોરની ટ્રેનમાં ગાંધીજી કેટલાક કૉન્ગ્રેસી વકીલ નેતાઓ સાથે મુઝફ્ફરપુરથી મોતિહારી જવા નીકળે છે. ગાંધીજીની ધારણા એવી હતી કે તેમને મોતિહારી જવા નહીં દે અને તેમની ધરપકડ કરવામાં આવશે. તેમણે જેલમાં લઈ જવાનો સામાન અલગ કર્યો અને સાથીઓને જરૂરી સૂચના આપી દીધી. ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચંપારણના સત્યાગ્રહમાં એક જુનિયર નેતા તરીકે ગાંધીજીની સાથે હતા. તેમણે ૧૯૧૮માં ‘ચંપારણ મેં મહાત્મા ગાંધી’ નામનું પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે મુઝફ્ફરપુરથી મોતિહારી જતા દરેક સ્ટેશને લોકો તેમનાં દર્શન કરવા જમા થતા હતા. આટલા ટૂંકા સમયમાં ગાંધીજીના આગમનની અને આગળના પ્રવાસની લોકોને જાણ કઈ રીતે થઈ એ વિસ્મય પેદા કરનારી ઘટના હતી. તેમણે એ પુસ્તકમાં લખ્યું છે કે મોતિહારીમાં ગાંધીજીના ઉતારે સરકારી કર્મચારીઓ પણ દર્શન કરવા આવતા હતા અને ડરના માર્યા દૂરથી દર્શન કરીને જતા રહેતા હતા.

હજી ગાંધીજીની ધરપકડ કરવામાં નથી આવતી. ૧૬ એપ્રિલે ગાંધીજીએ જસવલપટ્ટી નામના ગામમાં જવાનો નિર્ણય લીધો, જ્યાં ગળી ઉગાડતા ખેડૂતો પર અત્યાચાર કરવાની ઘટના બની હતી. ગાંધીજી કેટલાક સાથીઓ સાથે હાથી પર બેસીને જસવલપટ્ટી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે આંદોલનમાં સ્ત્રીઓના સહભાગની વાત કરી હતી અને સાઉથ આફ્રિકામાં કઈ રીતે સ્ત્રીઓએ મોરચો સંભાળ્યો હતો એની વાત કરી હતી. તેમણે અંગત સફાઈ અને સામૂહિક ગ્રામસફાઈની જરૂરત પર ભાર મૂક્યો હતો. સ્વરાજ માટે સ્વચ્છતા જરૂરી છે વગેરે. કૉન્ગ્રેસના નેતાઓ માટે આ બધી નવી વાતો હતી.

ગાંધીજી જસવલપટ્ટી હજી તો પહોંચે એ પહેલાં એક સરકારી માણસ આવીને ગાંધીજીને કહે છે કલેક્ટરસાહેબે તમને મોતિહારી આવીને તેમને મળવાની સલાહ આપી છે. ગાંધીજી રાતે મોતિહારી પાછા ફરે છે અને બીજા દિવસે સવારે ચંપારણના કલેક્ટર ડબ્લ્યુ. બી. હિકોકને મળે છે. હિકોક તેમના પર ક્રિમિનલ પ્રોસીજર કોડની ધારા ૧૪૪ મુજબ સમન્સ ઇશ્યુ કરે છે. એ સમન્સમાં પહેલી ગાડીમાં મોતિહારી છોડીને પાછા ચાલ્યા જવાનો હુકમ હતો. ગાંધીજી સાથેની વાતચીત દરમ્યાન હિકોકે યુદ્ધની સ્થિતિમાં ઘડવામાં આવેલા આકરા કાયદાઓ લાગુ કરવાની પણ ધમકી આપી હતી. એ સમયે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને સરકારે અમર્યાદિત સત્તા આપનારા કેટલાક કાયદાઓ ઘડ્યા હતા. ગાંધીજીએ તેમને મોઢામોઢ અને એ પછી પત્ર લખીને જણાવી દીધું કે તેઓ સત્ય જાણ્યા વિના પાછા જવાના નથી. સરકારી આદેશનું ઉલ્લંઘન કરવા માટે જે કોઈ સજા કરવામાં આવે એ ભોગવવા તેઓ તૈયાર છે. 

હવે ગાંધીજીની ધરપકડ કરવા સિવાય અને ખટલો ચલાવવા સિવાય સરકાર પાસે કોઈ માર્ગ નહોતો બચ્યો. સરકાર હજી પણ ગાંધીજીની ધરપકડ નથી કરતી. સાંજ સુધી રાહ જોયા પછી ગાંધીજીએ જિલ્લા મૅજિસ્ટ્રેટને જણાવી દીધું કે તેઓ આવતી કાલે લોકોને મળવા પરસૌની ગામમાં જવાના છે. સરકાર ઇચ્છે તો હું શું કરી રહ્યો છે અને કેવી રીતે તપાસ કરી રહ્યો છું એ જોવા કોઈ અમલદારને મોકલી શકે છે. હિકોકે તરત જ ગાંધીજીને જવાબ લખ્યો કે ૧૮ તારીખે બપોરે સાડાબાર વાગ્યે મોતિહારીની ડિસ્ટિૃક્ટ મૅજિસ્ટ્રેટની અદાલતમાં તેમની સામે ખટલો દાખલ કરવામાં આવશે એટલે તેઓ ઉપસ્થિત રહે. ગાંધીજી મોતિહારી રોકાઈ ગયા અને કૉન્ગ્રેસી નેતાઓને પરસૌની જવાની સલાહ આપી. ઉદ્દેશ ભય દૂર કરવાનો હતો.

૧૮ એપ્રિલની સવારથી જ અદાલતના વિશાળ પ્રાંગણમાં લોકો ઠલવાઈ રહ્યા હતા. એ દિવસનું તાદૃશ્ય વર્ણન કરતાં રાજેન્દ્રબાબુ લખે છે - ગ્રામીણ જનતાની એટલી મોટી ભીડ હતી કે ઊભા રહેવાની જગ્યા નહોતી. ગાંધીજી અદાલતના ખંડમાં ગયા તો તેમની પાછળ-પાછળ બે હજાર લોકોની ભીડ હતી. દરેક જણ અદાલતમાં ઘૂસવાનો પ્રયાસ કરતો હતો જેમાં અદાલતના દરવાજાના કાચ તૂટી ગયા હતા. એક સરકારી કર્મચારીએ ગાંધીજીને પ્રતીક્ષાખંડમાં બેસવાનું કહ્યું હતું કે જેથી સલામતીનો બંદોબસ્ત થઈ શકે. પ્રતીક્ષાખંડની અંદર અને બહાર મોટી સંખ્યામાં લોકો એકટશે ગાંધીજીને જોતા હતા અને કેટલાક લોકોની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. થોડા સમય પછી ગાંધીજીને અદાલતમાં બોલાવવામાં આવે છે અને ખટલો શરૂ થાય છે.

સરકારી વકીલો કાનૂનને લગતા મોટાં-મોટાં થોથાં લઈને આવ્યાં હતા. તેમને એમ હતું કે ગાંધીજી મોટા બૅરિસ્ટર છે અને તેઓ અનેક કાયદાઓ અને ચુકાદાઓ ટાંકીને દલીલો કરશે. વળતી દલીલો કરવાની તેઓ તૈયારી કરીને આવ્યા હતા. અદાલતના ખંડમાં કાંઈક આ રીતનો સંવાદ થયો હતો.

અદાલત : તમારા વકીલ કોણ છે?

ગાંધીજી : કોઈ નહીં.

અદાલત : ૧૬ તારીખે મોતિહારી છોડીને જતા રહેવાનો તમને આદેશ આપવામાં આવ્યો હતો જેનું ઉલ્લંઘન કરવાનો તમે ગુનો કર્યો છે.

ગાંધીજી : ગુનો મને માન્ય છે. મેં એ જ દિવસે જણાવી દીધું હતું કે હું સત્યની તપાસ કર્યા વિના જવાનો નથી. એ મારો ધર્મ છે, પરંતુ સરકારને મન જો એ ગુનો હોય તો મને સજા કરી શકે છે. મને ગુનો પણ મંજૂર છે અને જે સજા કરવામાં આવે એ પણ મંજૂર છે. આદેશના પાલનનો પ્રશ્ન ઉપસ્થિતિ નથી થતો.

મૅજિસ્ટ્રેટ મૂંઝાઈ ગયા. તેઓ અને વકીલો એકબીજાની સામે જોવા લાગ્યા. વચ્ચે તેઓ ગાંધીજી તરફ નજર કરતા હતા. આ ખામોશી તોડતાં ગાંધીજીએ કહ્યું કે હું એક નાનકડું નિવેદન કરવા માગું છુ. નિવેદન આ મુજબ હતું -

ફોજદારી કામ ચલાવવાની રીતના કાયદાની ૧૪૪મી કલમ મુજબ કરેલા હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું એ વિશે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ અનાદરનો સવાલ નથી, પણ સ્થાનિક સરકાર અને મારી વચ્ચે મતભેદનો સવાલ છે. હું આ પ્રદેશમાં જનસેવા અને દેશસેવા કરવાના જ હેતુથી દાખલ થયો. રૈયત સાથે નીલવરો ન્યાયથી વર્તતા નથી એ કારણે તેમને મદદ કરવા આવવાનો ભારે આગ્રહ થયો એટલે જ મારે આવવું પડ્યું છે. … કાયદાને માન આપનાર પ્રજાજન તરીકે તો મને આપવામાં આવેલા હુકમને સ્વીકારવાનું સ્વાભાવિક મન થાય, અને થયું હતું, પણ એમ કરવામાં હું જેમને માટે અહીં આવ્યો છું તેમના પ્રતિ મારા કર્તવ્યનો ઘાત કરું એમ મને લાગ્યું. મને લાગે છે કે તેમની સેવા તેમની મધ્યમાં રહીને જ આજે થઈ શકે. એટલે સ્વેચ્છાએ ચંપારણ છોડી શકું એમ નથી. આવા ધર્મસંકટમાં મને ચંપારણમાંથી ખસેડવાની ફરજ હું સરકાર પર નાખ્યા વિના ન રહી શકું.

હિન્દના લોકજીવનમાં મારા જેવી જેની પ્રતિષ્ઠા છે એવા માણસે અમુક પગલું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હું બરાબર સમજું છું, પણ મારી દૃઢ માન્યતા છે કે આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલા છીએ એમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વમાની માણસની પાસે બીજો એક સલામત અને માનભર્યો રસ્તો નથી સિવાય કે હુકમનો અનાદર કરી એ બદલ જે સજા થાય એ મૂંગે મોઢે ખમી લેવી.

મને જે સજા કરવા ધારો એ ઓછી કરવાના હેતુથી આ બયાન હું નથી રજૂ કરતો, પણ હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોવાથી મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે એટલે કે અંતરાત્માનો અવાજ એને અનુસરવાનો મારો ઉદ્દેશ છે એ જ મારે જણાવવું હતું.

ખચાખચ ભરાયેલી અદાલતમાં નીરવ શાંતિ હતી. મૅજિસ્ટ્રેટને સમજાતું નહોતું કે આમ માત્ર ગણતરીની મિનિટોમાં ખટલાની સુનાવણી પૂરી થઈ જશે અને ચુકાદો આપવો પડશે. તેમણે (મૅજિસ્ટ્રેટે) ગાંધીજી (આરોપી) પાસે આદેશ આપતાં પહેલાં બપોરે અઢી વાગ્યા સુધીનો સમય માગ્યો. અદાલતે આરોપી પાસે સમય માગ્યો હોય એવી કદાચ આવી પહેલી ઘટના હશે. અઢી વાગ્યે અદાલત ફરી મળી અને મૅજિસ્ટ્રેટે બીજા બે દિવસનો સમય લઈને ૨૧ તારીખે આદેશ આપશે એવી જાહેરાત કરી.

૨૧ તારીખે અદાલત ચુકાદો આપે એ પહેલાં ૨૦ તારીખે ઉપરથી આદેશ આવ્યો કે મિ. ગાંધીને જેલમાં મોકલવાથી કે બળજબરીથી હદપાર કરવાથી ફાયદા કરતાં નુકસાન વધુ છે માટે તેમને ચંપારણમાં ફરવા દેવામાં આવે અને તેમના પર નજર રાખવામાં આવે. માત્ર દસ દિવસમાં જેને હાથ લગાડતાં ડર લાગે એવા શક્તિશાળી નેતા ગાંધીજી બની ગયા હતા અને એ પણ ચંપારણમાં જ્યાં ગાંધીજીએ પહેલી વાર પગ મૂક્યો હતો અને ડર બ્રિટિશ સામ્રાજ્યને લાગ્યો જેનો સૂરજ કોઈ દી આથમતો નહોતો. માત્ર દસ દિવસમાં તેઓ રૈયત માટે ઈશ્વરનો અવતાર બની ગયા હતા અને એ પાછો એવો માણસ જેનું દસ દિવસ પહેલાં ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હતું. માત્ર દસ દિવસમાં તેમણે રાજકુમાર શુક્લની ભાષામાં કહીએ તો શિલા(રૈયત)ને અહલ્યા (ચેતનવંતી) બનાવી દીધી હતી અને એમ જુઓ તો તેમણે હજી બે જ ગામમાં પગ મૂક્યો હતો.

આ તાકાત ક્યાંથી આવતી હતી?

ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી - ૪ :

ચંપારણમાં એક ઇન્દ્રધનુષે આકાર લીધો જે નિર્ભયતા, નિર્વૈર અને કરુણાનું હતું

પશ્ચિમે અમદાવાદમાં બ્રીજ રમતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે મિત્રોને કહ્યું હતું કે દેશમાં મરદનો દીકરો આવ્યો જે આઝાદી અપાવી શકે એમ છે. એ જ વખતે પૂર્વે ચંપારણમાં ગળી ઉગાડતા શોષિત ખેડૂત રાજકુમાર શુક્લને લાગ્યું હતું કે દેશમાં કોઈ મહાત્મા આવ્યો છે જે મરદનો દીકરો પણ છે અને ગરીબો-શોષિતો માટે માયાળુ પણ છે. આ મહાત્મા શિલાને અહલ્યા કરી શકે એમ છે.

૯મી જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ગાંધીજીએ મુંબઈમાં પાલવા બંદરે (હાલનું ગેટવે ઓફ ઇન્ડિયા) પગ મુક્યો ત્યારે ભારતની સામાન્ય જનતાને ગાંધીજીનો પહેલો પરિચય થયો હતો. ધોતી, પહેરણ અને કાઠિયાવાડી ફેંટો પહેરેલા ગાંધીજી ઉઘાડે પગે બોટમાંથી ઉતર્યા હતા. મુંબઈના પ્રતિષ્ઠિત નાગરિકો સાથે ગાંધીજીનો પરિચય કરાવવા વોર્ડન રોડ પર જહાંગીર પીટિટના બગલે પાર્ટી રાખવામાં આવી હતી. હમણાં કહ્યું એવાં કપડાંમાં જ્યારે ઉઘાડપગા ગાંધીજી પીટિટના બંગલે આવ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત પારસી બાનુ ગાંધીજીને જોઇને ખડખડાટ હસી પડીને બોલ્યાં હતાં: આન્ના કરતા તો મારો ઢન્નો ડરજી સારો ડેખાય છ. કનૈયાલાલ મુનશી આ ઘટનાના સાક્ષી હતા.

ભારતની જનતાને હજુ વધુ પરિચય બેલગામમાં મળેલી મુંબઈ રાજ્ય પ્રાંતીય પરિષદમાં થયો હતો, જ્યાં ગાંધીજીએ ધર્મ, જ્ઞાતિ, ભાષા, પ્રાંત એમ દરેક નાની અસ્મિતાઓનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. આવી નાની અસ્મિતાઓ તાત્કાલિક લાભ આપે છે, લોકોને આસાનીથી જોડી આપે છે; પરંતુ લાંબે ગાળે એ જ અસ્મિતાઓ દેશને જોડવામાં અને રાષ્ટ્રનિર્માણમાં બાધારૂપ બને છે. અહીં પણ મુંબઈના પારસીબાનું જેવા એક કોંગ્રેસી નેતા (દાદાસાહેબ ખાપરડે) ઉપસ્થિત હતા જેમણે લોકમાન્ય તિલકના કાનમાં કહ્યું હતું કે માણસ દમદાર છે, પરંતુ આપણા કામનો નથી. કોણ અલગ અલગ કોમ અને નાત જાતની દાઢીમાં હાથ નાખતા ફરે અને એ પછી પણ શું તેઓ માનવાના છે! તેમને (ગાંધીજીને) કેટલી વિસે સો થાય છે એનું એક દિવસ ભાન થઈ જશે. લોકમાન્ય  તિલકના અખબાર ‘કેસરી’ના તંત્રી ન. ચી. કેળકરે તો તંત્રી લેખ લખીને ગાંધીજીને વણમાગી સલાહ પણ આપી હતી કે ભારતમાં રાજકારણ કરવું હોય તો નાત-જાત કે કોમનો કોઈ એક ખભો જરૂરી છે અને પછી ઉમેર્યું હતું કે લાંબો સમય વિદેશમાં રહીને તેઓ તાજા ભારત આવ્યા છે એટલે તેમને ભારતની રાજકીય વાસ્તવિકતાનું ભાન નથી. થોડા દિવસમાં તેમની સાન ઠેકાણે આવી જશે.

ભારતની જનતાને ગાંધીજીનો હજુ વધુ પરિચય ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદમાં થયો હતો જ્યાં તેમણે મહમ્મદ અલી ઝીણાને ગુજરાતીમાં અને લોકમાન્ય તિલકને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું. ઝીણા ભાંગી-તૂટી ગુજરાતીમાં બોલ્યા હતા અને તિલક મરાઠીમાં બોલ્યા હતા જેનું દુભાષિયો ગુજરાતીમાં તરજુમો કરતો જતો હતો. ઝીણાએ ગુજરાતીમાં કરેલું એ કદાચ પહેલું અને છેલ્લું ભાષણ હતું. વર્ષો પછી ઝીણાના પારસી પત્ની રત્તી ઝીણાને લખેલા પત્રમાં ગાંધીજીએ સલાહ આપી હતી કે રત્તીએ ઝીણાને ગુજરાતી ભાષા શીખવવી જોઈએ. જે બેલગામમાં ભાષાકીય અસ્મિતાનો વિરોધ કરે એ થોડા દિવસ પછી રાષ્ટ્રભાષા અને માતૃભાષાનો આગ્રહ કરે? આનું નામ ગાંધીજી. અસ્મિતા જાળવી રાખવાની હોય, અસ્મિતાને સમૃદ્ધ બનાવવાની હોય; રાજકીય હથિયાર કે સાધન તરીકે વાપરવાની ન હોય. જો આટલો વિવેક કરવામાં આવે તો અનેક ફૂલોથી મઘમઘતો બગીચો વિકસી શકે છે. ગાંધીજીનો આ પાછો વળી નવો પરિચય હતો. 

ગાંધીજીનો હજુ વધુ ધડાકાબંધ પરિચય બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે થયો હતો. સુરક્ષાકર્મીઓની વચ્ચે ફરતા ગવર્નર જો ડરતા હોય તો તેમણે પોતાના વતન પાછા જતા રહેવું જોઈએ. ડરીને જીવવા કરતાં પાછા જતા રહેવું બહેતર છે. જો તેઓ આપણા કારણે ડરતા હોય તો એ આપણા માટે શરમની વાત છે. મંચ પર ઉપસ્થિત આભૂષણોથી લદાયેલા રાજા-મહારાજાઓને તેમણે કહ્યું હતું કે આટલાં આભૂષણો પહેરીને તમે શેનું પ્રદર્શન કરી રહ્યા છો? તમારા વૈભવનું કે તમારી રૈયતના શોષણનું?

આવી ઘટનાઓ કાને પડ્યા પછી પશ્ચિમે અમદાવાદમાં બ્રીજ રમતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે મિત્રોને કહ્યું હતું કે દેશમાં મરદનો દીકરો આવ્યો જે આઝાદી અપાવી શકે એમ છે. એ જ વખતે પૂર્વે ચંપારણમાં ગળી ઉગાડતા શોષિત ખેડૂત રાજકુમાર શુક્લને લાગ્યું હતું કે દેશમાં કોઈ મહાત્મા આવ્યો છે જે મરદનો દીકરો પણ છે અને ગરીબો-શોષિતો માટે માયાળુ પણ છે. આ મહાત્મા શિલાને અહલ્યા કરી શકે એમ છે. આગળ જતા સરદાર બનેલા વલ્લભભાઈ પટેલને અને આગળ જતા ભુલાઈ ગયેલા રાજકુમાર શુક્લને એક વેવલેન્ગ્થ પર ગાંધીજી લઈ આવે છે એનો સુચિતાર્થ સમજાય છે? સરદાર અને શોષિતની નિ:શંક  અક્ષુણ શ્રદ્ધાનું ધનુષ ગાંધીજી રચે છે જેના કારણે ભારતને આઝાદી મળી હતી. વલ્લભભાઈ સંપન્ન પાટીદાર હતા એટલે તેમને માત્ર મર્દાનગીનો ખપ હતો અને રાજકુમાર શુક્લ ગરીબ શોષિત ખેડૂત હતા એટલે તેમને મર્દાનગી અને મમતા એમ બન્નેનો ખપ હતો અને એ બન્ને ગાંધીજીમાં મળી રહેતા હતા. જે ધનુષે આકાર લીધો હતો એ નિર્ભયતા, નીર્વૈરતા અને કરુણાનું હતું.

રાજકુમાર શુક્લ ગાંધીજીને ચંપારણ લઈ આવે છે જ્યાં ફરી એકવાર દેશની જનતાને અને બિહારના નેતાઓને ગાંધીજીની વિલક્ષણતાનો નવો પરિચય થાય છે.

બિહારમાં પગ મુકતાની સાથે જ ગાંધીજી પામી ગયા હતા કે ભારતના બીજા પ્રાંતોની તુલનામાં બિહારમાં મધ્યકાલીન સામંતશાહી વ્યવસ્થા વધારે અકબંધ છે. જે લોકો કોંગ્રેસના નેતાઓ છે એ લોકોનો પણ પ્રજા સાથેનો અનુબંધ બહુ ઓછો છે. ગાંધીજીને પોતાને ડૉ. રાજેન્દ્ર પ્રસાદના ઘરે આનો અનુભવ થયો હતો જ્યારે રાજેન્દ્રબાબુના નોકરે ગાંધીજીને ઘરમાં પ્રવેશ આપ્યા વિના વાડામાં બેસાડ્યા હતા. સૌથી પહેલા તો બિહાર કોગ્રેસના નેતાઓમાં સાદગી, સમાનતા, સાથીપણું અને લોકાભિમુખતા વિકસાવવાની જરૂર છે; પરંતુ એ કેવળ ભાષણ આપવાથી કે સલાહ આપવાથી થવાનું નથી. ગાંધીજીએ મુઝફ્ફરપુર પહોંચીને પહેલી આખી રાત ગુજરાત અને મહારાષ્ટ્રના કાર્યકર્તાઓને તેમ જ આશ્રમવાસીઓને પત્રો લખીને ચંપારણ બોલાવ્યા હતા. આ એવા લોકો હતા જેમણે સાદગી, સમાનતા, સાથીપણું અને લોકાભિમુખતાના ગાંધીચીંધ્યા સંસ્કાર અપનાવી લીધા હતા. ગાંધીજીને ખાતરી હતી કે બિહાર કોંગ્રેસના કાર્યકર્તાઓને કેળવવા માટે ઉપદેશ કરતાં તેમના કેળવાયેલા કાર્યકર્તાઓનું આચરણ વધારે અસરકારક નીવડવાનું છે અને એમ જ બન્યું.

બિહારના નેતાઓ પોતપોતાના રસોયા અને નોકરો લઈને ચંપારણમાં મોતીહારી ગયા હતા. તેઓ પોતાનું કામ પોતે કરતા નહોતા અને એકબીજાના હાથનું જમતા નહોતા. થોડા દિવસ તેઓ પોતપોતાના ઉતારે પોતાની રીતે રહેતા હતા. જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રના કાર્યકર્તાઓ આવી ગયા ત્યારે ગાંધીજી યજમાનની વિદાય લઈને એક ભાડાના મકાનમાં રહેવા ગયા. ત્યાં બિહારના નેતાઓએ ગાંધીજીને રસોઈમાં મદદ કરતા, શાક સમારતા, પોતાના કપડાં ધોતા, વાસણ ધોતા અને એક પંગતમાં બધાની સાથે જમતા જોયા હતા. આની વચ્ચે તેઓ રાજકીય ચર્ચા કરતા હોય અને પ્રશ્નને એકધ્યાન થઈને સાંભળતા હોય. થોડા દિવસમાં જ બિહારના નેતાઓ શરમ અનુભવવા લાગ્યા. તેમણે નોકરો અને રસોયાઓને રવાના કરી દીધા અને કમ્યુનમાં ગાંધીજી જોડે રહેવા આવી ગયા.

ગાંધીજીએ બિહાર કોંગ્રેસના તમામ નેતાઓને લોકોની આપવીતી નોંધવાના કામે લગાડ્યા હતા. પોસ્ટ ઓફિસની બહાર જેમ કાગળ લખી આપનારા ટેબલ લઈને બેસતા હોય છે એમ બિહાર કોંગ્રેસના નેતાઓને લાઈનમાં બેસાડવામાં આવ્યા હતા. પહેલા તો ધીકતી વકીલાત કરતા નેતાઓને આ બધું અટપટું લાગ્યું હતું. એની પરિણામકારકતા વિષે પણ તેમના મનમાં શંકા હતી. જે મોટા વકીલોને રૈયત અદાલતોમાં નોકરો અને જુનિયરો સાથે જોતા હતા એ વકીલો ઓટલા પર ટેબલ લઈને બેઠા હતા. રાજેન્દ્ર પ્રસાદ નોંધે છે કે દિવસમાં ૧૨થી ૧૪ કલાક સુધી ગાંધીજીએ અમને આપવીતી નોંધવા બેસાડ્યા હતા. તેઓ પોતે પણ જમીન પર બેસીને કલાકોના કલાકો કામ કરતા હતા. આનાં બે પરિણામ આવ્યાં. એક તો લોકો સાથે તાર જોડાઈ ગયો. સફળ વકીલ કે ઉચ્ચ કુલીન હોવાની ઓળખ ઓગળી ગઈ અને તેઓ લોકોના નેતાઓ બની ગયા. બીજું પરિણામ એ આવ્યું કે શોષણનો આખો કેસ નેતાઓને આકંઠ સમજાઈ ગયો. આ નેતાઓઓએ આગળ જતા ભારતના રાષ્ટ્રપતિ, બિહારના મુખ્ય પ્રધાન અને બીજા એવા મોટા હોદ્દાઓ શોભાવ્યા હતા.

ગાંધીજીએ તેમના મિત્ર દેશબંધુ સી.એફ. એન્ડ્રુઝને પણ ચંપારણ બોલાવ્યા હતા. એન્ડ્રુઝ બ્રિટિશ પાદરી હતા. બિહારના કોંગ્રેસના નેતાઓની માફક તેઓ પણ શોષણનું સ્વરૂપ સમજવાના કામમાં લાગ્યા હતા. નીલવરોને મળવાનું, સરકારી દફતરોમાં અંગ્રેજ અધિકારીઓને મળવાનું, અંગ્રેજી દસ્તાવેજોની ચકાસણી કરવાની એમ જાતજાતના કામમાં એન્ડ્રુઝ બિહારના નેતાઓને મદદ કરતા હતા. પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ થોડા દિવસ પછી એન્ડ્રુઝે વિદેશ જવાનું હતું. તેમણે જ્યારે બિહારના નેતાઓની વિદાય લીધી, ત્યારે બિહારના નેતાઓએ તેમને રોકાઈ જવા આગ્રહ કર્યો હતો. એન્ડ્રુઝે કહ્યું હતું કે ગાંધીને પૂછી જુઓ, તે કહે તો હું રોકાઈ જવા તૈયાર છું. બિહારના નેતાઓએ ગાંધીજીને મળીને કહ્યું કે એન્ડ્રુઝ બહુ ખપમાં આવે છે એટલે તેમને રોકી દેવા જોઈએ. ગાંધીજી બિહારના નેતાઓની માનસિકતા સમજી ગયા. તેમણે કહ્યું કે મને ખબર છે કે તમને એન્ડ્રુઝનો કઈ વાતે ખપ છે. મુક્તિ માત્ર રાજકીય નથી હોતી. ગોરી ચામડીની સર્વોપરિતાની માનસિકતાથી પણ મુક્તિ મેળવવાની છે. તમારામાં ગોરા લાટસાહેબો સામે આંખમાં આંખ મેળવીને સત્ય બોલવાની નિર્ભયતા હોવી જોઈએ. તમે એન્ડ્રુઝનો ઢાલ તરીકે ઉપયોગ કરવા માગો છો એટલે એન્ડ્રુઝ કાલે જતા હોય તો આજે જ જતા રહે.

ગાંધીજી મુઝફ્ફરપુરથી મોતીહારી જતા હતા ત્યારે જ તેમને લાગતું હતું કે તેમને કદાચ સરકાર મોતીહારી નહીં જવા દે અને તેમની ધરપકડ થશે. તેમણે જેલમાં લઈ જવાનો સામાન અલગ કરીને રાખ્યો હતો. તેમણે રસ્તામાં બિહારના નેતાઓને પૂછ્યું હતું કે માનો કે તેમની ધરપકડ થાય તો તમે શું કરશો? નેતાઓએ કહ્યું હતું કે તેઓ શું કરી શકે? તેઓ અદાલતમાં વકીલાત કરવા પાછા જશે અને ગાંધીજીના છુટવાની રાહ જોશે. માત્ર બે દિવસ પછી ૧૮મી તારીખે મોતીહારીની અદાલતમાં લોકોની ભીડ જોઇને, તેમની શ્રદ્ધા જોઇને, રૈયતની આંખમાં વહેતા આંસુ જોઇને, સરકારી નોકરોને પણ છુપાઈને ગાંધીજીને પ્રણામ કરતા જોઇને, અદાલતમાં તેમણે કરેલા નિવેદનને જોઇને, જજની હતપ્રભતા જોઇને કહ્યું હતું કે ‘મહાત્માજી, સરકાર આપ કો જેલ ભેજેગી તો હમ સત્યાગ્રહ જારી રખેંગે ઔર જેલ જાયેંગે.’ ગાંધીજીએ કહ્યું હતું: અબ વિજય નિશ્ચિત હૈ.

ગાંધીજીએ ચંપારણમાં શાળા અને સફાઈનું કામ હાથ ધર્યું હતું. શુદ્ધ રાજકારણ જેવું કાંઈ હોતું જ નથી એમ ગાંધીજી માનતા હતા. સફાઈ અને શિક્ષણ પણ રાજકારણ છે. લોકોની વચ્ચે પહોંચવું, ખાસ કરીને સ્ત્રીઓની વચ્ચે જવું, તેમની ચેતના જગાડવી, માતાઓ દ્વારા બાળકોની અંદર નવા વિચારના છોડ વાવવા, માતાઓને માળી બનાવવી એ બધું જ નવજાગૃતિનાં સાધનો છે અને એ રીતે રાજકરણ છે. ગાંધીજી પ્રવાસ દરમ્યાન આવા વિચારો બિહારના નેતાઓને સમજાવતા જાય, દક્ષિણ આફ્રિકાનો અનુભવ કહેતા જાય, ગુજરાત-મહારાષ્ટ્રના સાથીઓને રચનાત્મક કામમાં જોતરતા જાય, ગામડાંઓમાં સ્ત્રીઓને પડદામુક્ત કરતા જાય, નવજાગૃતિના યજ્ઞમાં જે મળે તેને સમિધ બનાવતા જાય અને એમાં કસ્તૂરબાને પણ ભીતીહરવા નામના અંતરિયાળ ગામમાં મુકતા જાય. એ બધું અદ્ભુત હતું. બિહારના નેતાઓએ અનુભવ કર્યો હતો કે તેઓ કોઈ ફરિશ્તાના સાનિધ્યમાં છે.

માર્ચ મહિનાના અંતમાં મેં ચંપારણનું તીર્થાટન કર્યું હતું. એમાં છેક નેપાળની સરહદે તરાઈની નજીક આવેલા આ ભીતીહરવા ગામની પણ મુલાકત લીધી હતી, જ્યાં શાળા અને આશ્રમ છે અને એ કસ્તૂરબા ચલાવતા હતા. મેં અમારા સાથી શત્રુઘ્ન ઝાને ભીતીહરવાનો અર્થ સમજાવતા કહ્યું હતું કે જ્યાં ભયનું હરણ થાય એ ભીતીહરવા. ગાંધીજીએ ચંપારણમાં આવીને માત્ર ચંપારણની પ્રજાના જ નહીં, ભારતની પ્રજાના ભયનું હરણ કર્યું હતું. કેવો યોગાનુયોગ! એ ગામને ભીતીહરવા નામ ગાંધીજીએ નહોતું આપ્યું, પણ ગાંધીજી એવા ગામે પહોંચી ગયા હતા જેનું નામ ભીતીહરવા છે.

e.mail : ozaramesh@gmail.com

*******

સૌજન્ય : ’ નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 16 અૅપ્રિલ 2017, 23 અૅપ્રિલ 2017, 30 અૅપ્રિલ 2017 તેમ જ 07 મે 2017

Category :- Gandhiana