ગાંધી ફાઉન્ડેશન દ્વારા એનાયત થતું ‘આંતરરાષ્ટ્રીય શાંતિ પારિતોષિક’ 2017માં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે રામઝી અબુ રેડવાન અને તેમના સંગઠન અલ કમનડયાટીને અર્પણ કરવામાં આવ્યું. ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુ પારેખે પોતાના વાકકૌશલ્ય વડે મહેમાનોના સ્વાગત સાથે પારિતોષિકે વિજેતાઓનો પરિચય આપ્યો.
કાર્યક્રમની શરૂઆત કરતાં ઓમાર હયાતે કલ્પના શક્તિ અને સંગીત – કે જે પોતે પણ કોઈની કલ્પના શક્તિનું એક શ્રાવ્ય માધ્યમ છે તેના પ્રભાવની વાત કરી. આ વર્ષના પારિતોષિક માટે રામઝી અબુ રેડવાનની વરણી શા માટે કરવામાં આવી તે સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે રામલ્લાહની નિર્વાસિતોની છાવણીમાં અત્યન્ત વિષમ પરિસ્થિતિમાં જીવતાં તમામ લોકો, અને ખાસ કરીને બાળકોને એક સૂત્રે બાંધવા રામઝીએ એક અનન્ય સાધનનો ઉપયોગ કર્યો.
દાયકાઓથી જે પ્રજા દુશ્મનાવટ અને હિંસાના બોજ નીચે કચડાઈ રહી છે તેને સંગીતના સૂરોથી એકત્ર કરવા રામઝીએ પ્રયાસ કર્યો. ઓમાર હયાતે કેટલાંક વિધાનો ટાંકીને કહ્યું કે સંગીત માનવીની માનસિક સીમાઓને ઉલ્લંઘીને તેને એક ઉચ્ચ સ્તર પર લાવી મૂકે છે, જેનાથી આપણને ‘બીજા’ના ‘અંતરના અવાજ’ને સંભાળવાની શક્તિ કેળવાય છે અને તેનાથી માનવ-માનવ વચ્ચે એક સામાન્ય સંબંધોનું અસ્તિત્વ હોય છે એ હકીકત ઉજાગર થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના સંઘર્ષગ્રસ્ત પ્રદેશના લોકમાનસમાં પરિવર્તન આવશે અને સહુની નિયતિ સમાન છે એવી પ્રતીતિ થશે એવી આશા સેવાઈ રહી છે.
રામઝી અબુ રેડવાનનો જન્મ બેથલેહામમાં. ઉછેર અલ આમરી નિર્વાસિત છાવણીમાં. તેમણે ઇઝરાયેલની કબજો જમાવવાની આક્રમક રીતનો સામનો કરવા અને દરેક વ્યક્તિમાં માનવતાનું પાસું હોય છે તે બતાવવા સંગીતનો આશરો લીધો. આટલી મોટી સંખ્યાના લોકોનું ઐક્ય સાધવું એ ખૂબ કપરું કામ છે અને ઘણો સમય માગી લે તેવું છે, પરંતુ કમનડયાટી મ્યુિઝક સ્કૂલમાં સંગીત શીખવા આવતાં બાળકો પર તેની તત્કાલ સુંદર અસર પડેલી દેખાય છે. એ બાળકો નિર્વાસિત છાવણીમાંથી અને નાનાં નાનાં ગામડાંઓમાંથી આવે છે અને તેમણે પોતાના દેશ પર કબજો જમાવવા આચરાઈ રહેલી હિંસા નજરોનજર જોઈ હોય છે. મ્યુિઝક સ્કૂલ બાળકોને સંગીતનાં સાધનો શીખવાં અને તેના દ્વારા પોતાની લાગણીઓને સંગીતનાં માધ્યમથી વ્યક્ત કરવા અને સાથેસાથે પોતાના કલાના વારસાને સાચવવાની તક પૂરી પાડે છે. લગભગ 100 જેટલાં બાળકો સુધી આ સૂર સંવાદ પહોંચે છે, જેની અભિવ્યક્તિ સંગીત પરિષદ અને સંગીત સમારોહમાં થાય છે.
રામઝી અબુ રેડવાન અને તેમના અદ્વિતીય સાહસ વિષે વધુ ઝાંખી તેમના પારિતોષિક સ્વીકૃતિ સમયે આપેલ વક્તવ્ય પરથી મળશે. રામઝીએ આ શાંતિ પારિતોષિક પોતાના દાદાને સમર્પિત કરતા કહ્યું, “મારો 1987ની સાલનો ફોટો જુઓ તો વિમાસણ થશે કે ઇઝરાયેલના સૈનિકો પર પથ્થર ફેંકનાર શખ્સને આજે શાંતિ પારિતોષિક કેવી રીતે મળી શકે? હું રામાલ્લાહના અલ આમરી નિર્વાસિત છાવણીમાં મોટો થયો. મારા દાદા ત્યાં નહોતા રહેતા. તેઓ અલ રામલેહ – કે જે અત્યારે ઇઝરાયેલમાં આવેલું છે ત્યાં રહેતા. 1948માં જુઇશ મિલિશ્યાએ ત્યાંના રહીશોને વિસ્થાપિત કર્યા. મારા દાદાને પોતાના વતનના નારંગીના ફૂલોની સુગંધ અને નાની (Naani) જાતના નારંગીના સ્વાદની યાદ અલ આમરી નિર્વાસિત છાવણીમાં બહુ સતાવતી.
તે સમયના મોટા ભાગના પેલેસ્ટીનિયન બાળકોની માફક મારું બાળપણ પણ ટીયર ગેસ અને મશીનગનના ધુમાડાઓની દુર્ગંધ વચ્ચે જ વીત્યું હતું. નાનપણથી શાળા પૂરી થયે ઘરની બહાર છાનામાના સરકી જઈને ઇઝરાયેલી સૈનિકોને અમારી છાવણી તરફ રોજના હલ્લા કરતા રોકવાનો પ્રયાસ અમે કરતા. શાળાના સમય પહેલાં મળસ્કુ થતાં પરિવારને મદદરૂપ થવા હું છાપાં વેંચવા જતો. એક બનાવે મારી જિંદગીનો રૂખ બદલી નાખ્યો. સોરિદા હુસૈન કે જેને ઘેર હું છાપું નાખતો તેણે મારામાં છુપાયેલી સંગીત પ્રત્યેની રુચિને પહેચાની. તરતમાં જ તેણે મને પોપ્યુલર આર્ટ સેન્ટરના વર્કશોપમાં ભરતી કરાવી દીધો.
અહીં મને વાયોલિનનો પરિચય થયો. ત્યારથી સંગીત મારા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું. બે વર્ષ બાદ મને ફ્રાન્સમાં સંગીતનો આગળ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવ્યો. સંગીતની મારા જીવન પર જે અસર પડી તેના પરથી પેલેસ્ટાઇનનાં બાળકોને સંગીત શીખવાની તક મળે તેની જરૂર મને જણાઈ. અહીં Al Kamandjati Associationનો (અર્થ: વાયોલિનિસ્ટ) જન્મ થયો. આ સંસ્થાના પાયા મેં ફ્રાન્સમાં નાખ્યા. જેવો મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો કે તરત પેલેસ્ટાઇન આવીને નવું સાહસ શરૂ કર્યું.
Al Kamandjati Associationનો હેતુ પેલેસ્ટીનિયન સમાજના દરેક સભ્યને સંગીતના સંસ્કાર આપવાનો છે, જેનાથી તેઓ પોતાને સશક્ત અને સર્જનશક્તિથી સજ્જ થયેલ અનુભવે, તેમને પોતાની રાષ્ટ્રીય ભાવના વિષે ભાન થાય. અને એવા લોકો – ખાસ કરીને બાળકો એક કોમી એખલાસવાળો સમાજ રચવામાં મદદ કરે કે જે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આદર કરતો હોય, એકબીજા માટે સહિષ્ણુતા દાખવતો હોય, તથા સમાનતા અને સહકારને પોષતો હોય.
આ સંસ્થાની નિશ્રામાં પેલેસ્ટાઇન અને લેબેનોનમાં દર વર્ષે હજારો બાળકો સંગીત શીખે છે. તેમનો પ્રયાસ રહે છે કે દરેક પ્રકારના લાભથી વંચિત રહી ગયેલાં બાળકો સુધી પહોંચીને તેમને સહુથી વધુ આ કલાનો વારસો પહોંચાડવો. એ બાળકોને પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે નવી રીતો શીખવાય છે, તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મભાન કેળવાય છે, પાયાની સામાજિક કુશળતાઓ શીખવે છે અને સહુથી વધુ તો પોતાનામાં છુપાયેલી શક્તિઓને વ્યક્ત થવા માટેની બારી બતાવીને એક નવી ક્ષિતિજ ખોલી આપે છે. સંગીત શીખવવા ઉપરાંત આ સંસ્થા વર્ષમાં સોએકથી વધુ સંગીત સમારોહનું આયોજન કરે છે. આ પ્રવૃત્તિઓનો મકસદ છે સંગીત કલાનો પેલેસ્ટીનિયન સમાજમાં પ્રસાર કરવો અને તેના દ્વારા પોતાના સંગીત અને સાંસ્કૃિતક વારસા અને પરંપરાના કમાડ ઉઘાડી આપવાં.
સંગીતે મને પરિસ્થિતિઓનો સામનો કરતાં શીખવ્યું, સાથે સાથે મારા સાંસ્કૃિતક વારસા વિષે ગૌરવ અનુભવતાં અને તેનું રક્ષણ કરતાં પણ શીખવ્યું. આથી જ તો આપણે સંગીતને હિંસાની સામે શાંતિમય પ્રતિકારનું સાધન ગણી શકીએ.”
આ વક્તવ્યમાં બીજાં રાજકીય પાસાં પણ આવરી લેવામાં આવેલ. કદાચ વાચકો એ હકીકતથી અજાણ હશે કે ગયા વર્ષના એપ્રિલ માસ દરમ્યાન, 1500થી વધુ પેલેસ્ટીનિયન કેદીઓ 40 દિવસના ઉપવાસ પર ઉતરેલા, તેમના માનવ અધિકારની રક્ષા ખાતર. રામઝીનું મંતવ્ય છે કે આપણે ‘શાંતિ’ શબ્દનો દુરુપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. આપણને ન્યાય જોઈએ છે, શાંતિ એ ન્યાયનું કુદરતી રીતે નીપજેલ ફળ છે જે ન્યાય મળવાથી આપોઆપ મળી રહેશે.
ગત વર્ષના શાંતિ પુરસ્કાર વિજેતા Peter Tatchellના હસ્તે આ વર્ષનો શાંતિ પુરસ્કાર રામઝીને એનાયત કરવામાં આવ્યો.
હાઉસ ઓફ લોર્ડ્સમાં સંગીત ગાવા-વગાડવાની મંજૂરી નથી આપવામાં આવતી, પરંતુ તે વિષે અપવાદ કરીને વિશ્વમાં ખ્યાતિ પામેલ રામઝીના વાયોલિન વાદનથી એ કાર્યક્રમનું સમાપન થયું.
વધુ રસ ધરાવતા વાચકો નીચે ઉલ્લેખ કરેલ પુસ્તક વાંચીને આવા અદ્દભુત કાર્ય વિષે માહિતી મેળવી શકશે.
Children of the Stone: The Power of Music in a Hard Land by Sandy Tolan
આ પુસ્તકમાં સંગીત, સ્વતંત્રતા અને સંઘર્ષ, મક્કમ નિર્ધાર અને ધ્યેય પ્રાપ્ત કરવા માટેની દ્રષ્ટિનો ચિતાર છે. ચેક પોઈન્ટ્સ અને લશ્કરી કબજા હેઠળ જીવતી જિંદગીઓનો, અહિંસક લડતની વધતી જતી સીમાઓનો, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભૂતકાળમાં બનેલ અને ભવિષ્યમાં બની શકે તેવા સંગીત આધારિત સહકારનો, અને સહુથી વધુ તો બાળકોને પોતાના જીવનને નવી સંભાવનાઓ સાથે જોવાની શક્યતાઓનો આબેહૂબ ચિતાર આપે છે આ વાર્તા.
રામઝી અબુ રેડવાન અને Al Kamandjati Association સાથે સંકળાયેલ તમામ હસ્તીને હિંસાત્મક પગલાંનો જવાબ આવી અહિંસક અને કલાત્મક રીતે આપવાનું નવી પેઢીને શીખવીને હિંસાની સાંકળ તોડવા બદલ શત શત નમન.
e.mail : 71abuch@gmail.com
(ગાંધી ફાઉન્ડેશન યુ.કે. દ્વારા પ્રકાશિત થતા સમાચાર પત્ર ‘Gandhi Way’માંથી અનુવાદિત લેખ તંત્રીની અનુમતિથી સાભાર અત્રે પ્રસ્તુત)