લાભશંકર ઠાકરના અવસાનને આજે એક અઠવાડિયું થયું. મારે શોકસભામાં જવું’તું પણ મન ખંચકાયું ને એણે મારા પગને ડગ ભરવાની ના પાડી…ખૅર…
એ ૧૯૮૮ની સાલ હતી, ૨૮ વર્ષ વીતી ગયાં. લાભશંકર એમનાં ૬ કાવ્યોનો સંગ્રહ “કાલગ્રન્થિ” પ્રગટ કરી રહેલા. મને એમણે એને વિશે લેખ કરવા કહ્યું. કહે, સંગ્રહની આગળ મૂકીશ. મેં લેખ કર્યો ને એ “કાલગ્રન્થિ”-માં તેમજ મારા પુસ્તક “કાવ્યપદ”-માં પ્રકાશિત છે. ત્યારે મારા નાના દીકરા મદીરે આર્કિટૅક્ચરનું ભણવાનું શરૂ કરેલું. એ સમયગાળામાં એણે એક સ્પેશ્યલ માટીનાં પેપરવેઇટ્સ બનાવેલાં. દરેક પર ત્રસ્ત મનુષ્ય-ચ્હૅરા ઉપસાવેલા. લાભશંકરને બહુ ગમી ગયેલાં. એટલે નક્કી કર્યું કે “કાલગ્રન્થિ”-ના ટાઇટલ પેજ પર એક પેપરવેઇટનું ચિત્ર મૂકવું. એ મુકાયું છે. ઉપરાન્ત, મદીરે ‘કાલગ્રન્થિ’ અક્ષરાંકન પણ કર્યું. પાર્શ્વ પ્રકાશન, ૧૯૮૮.
આ સંગ્રહની ૬ રચનાઓને લાભશંકરે પોતાની ‘તે તારીખે’ ‘અન્તિમ કાવ્યરચનાઓ’ કહેલી. પછી તો ઘણું લખ્યું. પણ એવું એમનું સર્જક તરીકેનું એક આસ્વાદ્ય ઍટિટ્યુડ હતું.
સંગ્રહ એમણે અમારા બન્નેના જિગરી મિત્ર રાધેશ્યામ શર્માને અર્પણ કર્યો છે. નિવેદન રૂપે કવિએ મિત્ર માટે લખ્યું છે : ‘ઇન્ટર આર્ટ્સમાં રા. અને લા.-નું મળવું અને પ્રગાઢ મૈત્રીમાં પરિણમવું -એમનાં ગદ્યચક્રો અને મારાં પદ્યચક્રો પ્રતિદિન રચાય અને પરસ્પર દ્વારા આસ્વાદાય, કડક નિર્મમ પરીક્ષણથી ચકાસાય. અમારી ગોષ્ઠિના એ દિવસો વિરલ સંપદા રૂપે સ્મૃિતકોષમાં હજુ અકબંધ ચમકે છે.’
હું એમની સાથે મતમતાન્તર કાજે ઠીકઠીક લડાઇઓ કરતો. મારે માટે લખ્યું : “જેની સાથે કડક યુદ્ધના ધોરણે બાખડી શકાય અને એક કપમાંથી ગરમ ગરમ અર્ધી અર્ધી ચા પી શકાય એવા સહૃદય સમકાલીન સુમન આ ષડ્ રચનાઓના પ્રકાશન-કાર્ય(ઇફૅક્ટ)માં નિમિત્ત કારણ( કૉઝ) છે તે મને આનન્દ આપે છે.’
મારા એ લેખનું શીર્ષક છે : ‘ત્રસરેણુઓ જેમ ઊડતી સમ્પ્રજ્ઞતા’. મારે મન લાભશંકર સર્વ અર્થોમાં એક સમ્પ્રજ્ઞ સર્જક હતા. એક એવી અન્તહીન તોષહીન સમ્પ્રજ્ઞતા, જેને હું કલાકારજીવનો મહત્તમ ગુણ ગણું છું. એણે એમને જંપવા નહીં દીધેલા. બીજું, આ માણસ ભાષાથી ભાષા જોડે જીવનભર ઝડતો રહ્યો. અને એ ઝઘડાઓએ જે કંઇ સુઝાડ્યું તેને કવિ નિરન્તર આપણી સામે મૂકતા રહ્યા. આ પદ્ધતિને હું આધુનિક સર્જકનો જીવલેણ વિશેષ ગણું છું. આ બન્ને બાબતે લાભશંકર એક સદાવિચારણીય સાહિત્યવસ્તુ રૂપે ગુજરાતી કાવ્યજગતમાં હમેશાં યાદગાર રહેશે. પછી તો લાભશંકરમાં એક ક્રિએટિવ લૅબિરિન્થ રચાતી ગયેલી : સમ્પ્રજ્ઞતાને વિશેની સમ્પ્રજ્ઞતા; શંકાને વિશેની શંકા; ભાષાસમેત સભ્યતામાત્રને વિશેની અશ્રદ્ધા; છતાં સર્જક-શબ્દને જોતર્યા કરવાની હંગામી શ્રદ્ધા; વળી, કલ્પન-પ્રતીક પ્રાસ-લય ટાઇપોગ્રાફી વગેરે અંગેની ચાલુ સર્જનલાચારી; વગેરે. આ સઘળાં લાભશંકરનાં જાણીતાં થીમ છે. એ “કાલગ્રન્થિ”-માં તો છે જ પણ કવિ લાભશંકર સમગ્રમાં છે. એ વડે એમણે પોતાની શબ્દસૃષ્ટિમાં એક ઊંચી સમ્પ્રજ્ઞતાને તાકી છે. જોઇ શકાય તો એમાં આનન્દની પેલે પારનું ઇંગિત છે, સંભળાય તો પેલે પારનું ઇજન છે.
આ અદ્વિતીય કાવ્યપુરુષાર્થી હવે આપણી વચ્ચે નથી પણ કોઇપણ નિષ્ઠાવાન સર્જક માટે એ હમેશાં દીપ અને દર્પણ હશે અને સદા રહેશે…પ્રભુ એમના આત્માને શાન્તિ અર્પો …