જેમ તમારા હાથ-પગ-આંખ વગેરે બધું જ સાબૂત છે એમ મારાં બધાં અંગ સાબૂત છે. જેમ તમે એક પૂર્ણ પુરુષ છો એમ હું પણ એક પૂર્ણ પુરુષ છું. તમે પણ સમર્થ છો, હું પણ સમર્થ છું. હવે આપણે બંને હાથમાં હાથ પરોવીને પરસ્પર સહયોગ કરીએ, તો તેને સમર્થોનો સહયોગ કહેવાશે. જો એવું હોત કે ભગવાન કોઈ એકને ચાર આંખો આપત, પણ કાન ન આપત અને બીજા કોઈને ચાર કાન આપત, પણ આંખ ન આપત અને ત્યારે જે પરસ્પરાવલંબન ચાલતું હોત તો એક સાંભળવાનું કામ કરત અને એક જોવાનું કામ કરત. તો આને સમર્થોનું પરસ્પરાવલંબન ન કહેતાં આને ‘અંધ-પંગુ ન્યાય’ કહેવાત.
આપણે જ્યારે એમ કહેતા હોઈએ કે અમે સ્વાવલંબનવાદી છીએ તો આપણે એકદમ સંકુચિત થઈ જઈએ છીએ. અને એટલા માટે આપણે પરસ્પરાવલંબનમાં માનીએ છીએ. આપણે દરેક પૂર્ણ છીએ અને બીજાને પણ પૂર્ણ રાખીશું. અને પૂર્ણોનું પરસ્પરાવલંબન ચાલશે. પેલી જે યોજના છે એમાં બંને અપૂર્ણ છે, અને બંને મળીને પૂર્ણ બને છે. જ્યારે આપણી યોજનામાં આપણે પણ પૂર્ણ છીએ અને તમે બધાં પૂર્ણ છો અને બંને મળીને પરિપૂર્ણ બનીએ છીએ.
આપણે પરસ્પર સહયોગ ચાહીએ છીએ. જ્યાં સારા ઘઉંની પેદાશ નથી થતી, ત્યાં આપણે ઘઉંને ઉગાડીશું નહીં અને દરરોજ ઘઉં ખાવાનો આગ્રહ નહીં રાખીએ. આપણી જમીનમાં જે ઊગે તે – ચોખા અને જુવાર પેદા થાય છે, તો તે રોજ ખાઈશું. એવું પણ નથી કે ઘઉં ખાવા એ પાપ છે. માટે ઘઉં ખાવાની ક્યારેક ઇચ્છા થાય તો જરૂર ઘઉં ખરીદશું. આપણે આટલું કરવું જોઈએ કે આપણી જે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ છે કે જેના વગર ક્ષણ પણ ન ચાલે, તેવી ચીજવસ્તુઓ માટે આપણે બીજા પર આધાર ન રાખવો જોઈએ. આનું નામ છે અહિંસાની રચના. અને આને જ ‘સ્વદેશી’ કહે છે.
વળી એવું પણ નથી કે સ્વદેશીમાં બહારના લોકો સાથે વેપાર-વ્યવહાર નહીં ચાલે. સ્વદેશી વ્રતમાં પરસ્પર વ્યવહાર માટે ઘણો અવકાશ છે. સમજવું એ જોઈએ કે જે કામ આપણાથી સારી રીતે કરી શકાતું હોય તો એ કામનો બોજો બીજા પર લાદવો એ સદંતર ખોટું છે. ગામડાઓમાં આપણે જે વસ્તુ સારી રીતે બનાવી શકીએ તેમ છીએ, તે ત્યાં ન બનાવીએ અને બીજાની ચીજવસ્તુઓ ખરીદતા રહીએ, તો આનો શું અર્થ છે ? કપડાં શહેરોની મિલમાં બને છે. અને કપાસ ક્યાં ઉત્પન્ન થાય છે ? જો કપાસ શહેરમાં પેદા થતો હોત તો આપણે ગામડાઓ માટે ખાદીનો આગ્રહ ન રાખત. અને આપણે ગામવાળાઓને આ જ કહેતા હોત કે તમારે ત્યાં કપાસ નથી થતો, તમારે ત્યાં અનાજ પેદા થાય છે તો તમારે અનાજ જ ઉગાડવું જોઈએ. પણ જ્યારે ગામડામાં કપાસ પેદા થાય છે, તો અહીંનો કપાસ ત્યાં મોકલો અને ત્યાંનાં કપડાં અહીં લાવો – આ બધું છે શું ?
આજે તો દુનિયામાં વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થઈ જશે, કાંઈ કહી શકાતું નથી. કેમ કે આખી દુનિયાનું બધું ભલુંબૂરું કરવાનો અધિકાર બે-ચાર વ્યક્તિઓના હાથમાં છે. જો એમનાં દિમાગ બગડે, તો લડાઈ શરૂ થઈ જશે. આપણે બધાંએ આખી દુનિયાની પ્રવર્તમાન રચના એવી બનાવી દીધી છે કે અહીંની વસ્તુ ત્યાં મોકલો અને ત્યાંની વસ્તુ બીજે ક્યાંક મોકલો. આવી પરિસ્થિતિને લીધે દુનિયામાં ક્યારે સંતુલન ખોરવાશે – કહેવાય નહીં. પછી માની લઈએ કે વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય છે, તો હિંદુસ્તાન એમાં જોડાવા ઇચ્છે કે ન ઇચ્છે, તે એમાં શામિલ છે જ, એવી પરિસ્થિતિ થશે. મોટાં મોટાં મહાનગરો પર બોમવર્ષા થશે, ત્યારે મિલો ચાલી ન શકે. આવા સંજોગોમાં બધાને નિર્વસ્ત્ર રહેવાની સ્થિતિ આવી શકે. માટે જ આપણી રોજિંદી વપરાશની વસ્તુઓ બહારથી ખરીદવી ખતરનાક છે.
સારું યંત્ર એને કહેવાય કે જે સ્વયમેવ ચાલતું રહે. સમાજ-રૂપી યંત્ર પણ ત્યારે સારું માનવામાં આવે જ્યારે તે પોતાની મેળે ચાલતું રહે. આપણે ત્યાં દરેક ગામમાં ત્યાંના સ્થાનિક લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો જેમ કે અન્ન-વસ્ત્ર વગેરેની વ્યવસ્થા પોતાના ગામમાં અથવા દસ-પાંચ ગામ મળીને પેદા કરે. અને જે આપણા દરરોજના ઉપયોગની વસ્તુ ન હોય તો તે જ્યાં પેદા થાય છે, ત્યાંથી ખરીદાય તો એક સારી વ્યવસ્થા ઊભી થશે. વળી મને આ વિચાર પણ પસંદ નથી કે આપણે હિંદુસ્તાનમાં ખૂબ વધારે પ્રયત્ન કરીને નાહક ઘડિયાળ બનાવીએ. સ્વીટ્ઝર્લેન્ડ ઘડિયાળોનું સારું ઉત્પાદન કરે છે. હું તો એટલું કહેવા માગું છું કે લોકો પણ નાહક ઘડિયાળ ન પહેરે. આજકાલ તો દરેકના હાથમાં ઘડિયાળ જોવા મળે છે. અને આનો ઉપયોગ પણ એ જોવામાં થાય છે કે કેટલો સમય આળસમાં પસાર થયો, એની ખબર પડે. વળી ગુણવત્તાની દૃષ્ટિએ કોઈ ઘડિયાળ બીજી ઘડિયાળથી મેળ ખાતી નથી. કોઈની ઘડિયાળ કાં તો દસ મિનિટ આગળ હોય તો કોઈની ઘડિયાળ દસ મિનિટ પાછળ.
એટલું જ નહીં, આજે દુનિયામાં એક બીજો બહુ મોટો પ્રશ્ન એ છે કે ક્યાં ય શુદ્ધ ચીજવસ્તુ મળતી નથી. દવાઓ સુધ્ધાં શુદ્ધ મળતી નથી. આ ભયંકર દશા છે. આમાં માણસની નિષ્ઠુરતાની કોઈ સીમા નથી. આ બધી ભેળસેળ, મિશ્રણ એટલા માટે થાય છે કે લોકો સ્વદેશી ધર્મને ઓળખતા નથી. માટે જ આપણે આપણું પોતાનું કામ જાતે કરતા રહેવું જોઈએ. જેટલું આપણાથી થઈ શકે એટલું કર્યા પછી જે નથી થઈ શક્યું, તે કામનો બોજો બીજા પર નાખી શકીએ છીએ. એ જ રીતે બીજાં પણ જે કામ કરી શકતાં નથી, તે અધૂરાં કામની જવાબદારી આપણે ઉપાડવી જોઈએ.
આમ, આવી રીતે એકબીજાની મદદ લેવા-કરવામાં પાપ કે સંકોચ ન હોવા જોઈએ. આ ‘ઉપકાર’ શબ્દમાં જ એક ખૂબી છે. થોડીક મદદને ઉપકાર કહે છે. આપણે આપણું પોતાનું મુખ્ય કામ જાતે જ કરીએ અને કાંઈક એવી થોડીક વસ્તુઓ કે જે આપણે બનાવી શકતા નથી, તે બીજાઓ પાસેથી લઈએ. આપણે એમનો એટલો ઉપકાર લઈએ અને આપણે પણ એટલો ઉપકાર એમના પર કરીએ. જો કોઈ લંગડો છે, તો તેને ખભા પર બેસાડ્યો. તે પ્રેમનું કર્તવ્ય હશે. સવાલ આ જ છે કે પ્રેમ અને કરુણા શું કરે છે ? આપણા નજીક રહેનારા માણસે જે ચીજવસ્તુ બનાવી, તેને ન ખરીદતાં આપણે દુનિયાની ચીજવસ્તુ ખરીદીએ તો તે સંકુચિત સ્વાર્થ અને નિષ્ઠુરતા છે.
આમ, સ્વદેશી ધર્મ એટલે દયાભાવને જીવનમાં ઉતારીને વ્યવહારમાં તેને ઉતારવો. આપણે આટલું સમજી લઈશું તો સ્વદેશી ધર્મ વિષયમાં જે આપણને મૂંઝવતા પ્રશ્નો ઊભા થાય છે, તેનો હલ આવી જશે. દયાની જેમ કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી એમ સ્વદેશી ધર્મની કોઈ એક ચોક્કસ નીતિ બનાવવી અઘરી છે. માનું હૃદય તેના બાળક માટે હંમેશાં પ્રેમથી ભરેલું હોય છે, તેથી બાળકનો ‘ભૂખ’ શબ્દ સાંભળતાં જ તે મા એને જમવાનું બનાવીને જમાડે છે. પણ અહીં માની દયાની પરિ-સમાપ્તિ પૂરી થતી નથી. આપણે સમજીએ કે બાળક ખાવાનું માંગે તો માનું એને ખવડાવવું એ તેનું ‘દયાળુ’ કર્તવ્ય છે એવી જ રીતે બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ એના ખાવાનું માંગવા છતાં ખાવાનું ન આપવાનું પણ એટલું જ દયાળુ કર્તવ્ય હોય છે. મા આ કડવું કર્તવ્ય કરવા માટે તૈયાર નથી. એની પાસે ‘દયા’ નહીં, પણ ‘માયા’ છે. સ્વદેશી ધર્મ ‘માયાળુ’ નથી ‘દયાળુ’ છે.
આપણે ત્યાં ભક્તો-સંતો-સજ્જનોનું વર્ણન કરતાં કહેવાય છે કે તેઓ મીણની જેમ અત્યંત મુલાયમ અને વ્રજને પણ તોડી શકે તેવા કઠોર હોય છે. દયાનું પણ આવું જ સ્વરૂપ છે. દયાનો કોઈ એક જ પ્રકારનો નિયમ નથી. માયાનો નિયમ એક જ પ્રકારનો હોય છે. જેમ અંધજન માટે પૂર્ણિમા કે અમાસ વચ્ચે અંતર નથી હોતું. એનું પોતાનું એક જ સરળ ‘અદ્વૈત’ રહેતું હોય છે. દયાભાવ માટે ન્યૂનાધિક્ય (સારા-ખરાબને ઓળખવાનો વિવેકભાવ) દૃષ્ટિ જરૂરી છે. કેમ કે તે આંખ ધરાવે છે. સ્વદેશી ધર્મ એ દયાભાવનો વિનિયોગ છે. એટલા માટે સ્વદેશી ધર્મમાં મેંચેસ્ટરથી કપડાં ખરીદવાનો નિષેધ છે એમ ચીનને અફીણ પીવડાવવાનો નિષેધ છે. જેવી રીતે સ્વદેશી ધર્મને દેશી શરાબ ગમે તેટલી ‘દેશી’ હોય, છતાં તે ગ્રાહ્ય નથી. ઊલટું, સ્વિટ્ઝર્લેન્ડની ઘડિયાળો વિદેશી હોવા છતાં ખરીદવામાં કોઈ વાંધો નથી.
આજે બહારનો પ્રવાહ એટલો બધો વેગીલો છે કે આપણે સ્વદેશીનું નામ પણ ભૂલી ગયા છીએ. આ સ્થિતિ જોતાં મને ક્યારેક કયારેક રડવું આવી જાય છે. સ્વરાજ્ય આવ્યાને હજી માંડ પાંચ વરસ થયાં, અને આપણા બજારમાં વિદેશી માલ આવવા લાગ્યો છે. અને દુ:ખ એ છે કે આપણે વગર વિચાર્યે એ માલને ખરીદવા પણ લાગ્યા છીએ. કહીએ છીએ કે ખાદી મોંઘી પડે છે, મિલનાં કપડાં સસ્તાં પડે છે. પરંતુ આપણને એ ખબર પડતી નથી કે મિલનાં કપડાં ખરીદવાથી તે પૈસા ક્યાં જાય છે – કોની પાસે જાય છે. ખાદી ખરીદવાથી આ પૈસા ગામડાંની બહેનો પાસે જાય છે કે જે પોતે સૂતર કાંતે છે. આપણા પૈસા એક રીતે ગુપ્તદાન થઈ જાય છે. વળી આપણે ત્યાં તો ગુપ્તદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. જે દાન જાહેર થાય છે, જે દાનનો ઢંઢેરો પીટવામાં આવે છે, એ દાનની કોઈ કિંમત રહેતી નથી. તો જો ખાદીનાં કપડાં માટે વધારે પૈસા આપવા પડતા હોય તો સમજવું કે એટલા પૈસા એ ગરીબને મળે છે. દરિદ્રને બીજું દાન ન આપો, પણ એને રોજીરોટી મળતી રહે તેવું દાન આપવું જોઈએ.
ગામમાં જો ગામનો તેલી ગામના જ વણકરનાં વણેલાં કપડાં ખરીદતો નથી અને એ બંને બહારથી અનાવશ્યક વસ્તુઓ ખરીદે છે તો ગામ આખું દરિદ્ર બની રહે છે. અભાવગ્રસ્ત હાલતમાં દુ:ખી થાય છે. આવું ન થાય એટલા માટે આપણે ગામડાંનો માલ વધુ પૈસા આપીને પણ કેમ ન ખરીદવો પડે, છેવટે એ મોંઘો નથી રહેતો. ગામડામાં ઉત્પન્ન થયેલ વસ્તુ ખરીદવાથી એકબીજાને મદદ પહોંચાડાય છે. આમ ગામનાં બધાં જ લોકો ગામમાં જ પેદા થયેલી વસ્તુઓ વાપરે અને બહારની ચીજવસ્તુને ગામમાં બિલકુલ ન આવવા દે અને ગામમાં ને ગામમાં ઉત્પન્ન થયેલ કાચા માલને પાકો માલ બનાવશે તો આ સ્વદેશી ધર્મનું પાલન થશે.
આપણે એવો સમાજ ઇચ્છીએ છીએ જેમાં ગામ સ્વાવલંબી બને. જે રોજિંદી જરૂરિયાતો છે તે ગામમાં ને ગામમાં જ નાના નાના ઉદ્યોગો દ્વારા નિર્માણ પામે. અને જે મોટા મોટા ધંધાઓ છે – જેનો સંબંધ કેવળ દેશ પૂરતો નહીં પણ આખી દુનિયા સાથે છે – એ ધંધા-ઉદ્યોગો ખાનગી વ્યક્તિની માલિકીના નહીં, સમાજની માલિકીના હોવા જોઈએ. આના વગર સર્વોદય સમાજ ન રહી શકે. આ સાથે આપણે આ પણ સમજવું જોઈએ કે જે મોટા મોટા ધંધા અને વ્યવસાયોમાં ઘણી મોટી સંખ્યામાં આપણા મજૂરો કામ કરે છે – તેવા મજૂરોને ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં સોંપી દેવા એ ભયંકર છે. ઉપરથી એવો આક્ષેપ કરાય છે કે ખાનગી માલિકી નહીં રહે તો લોકો એમાં પોતાની અક્કલ નહીં લગાવે. આજે એ લોકો સ્વાર્થ-ભાવે એ ધંધામાં દિમાગ ચલાવે છે, માટે તે ધંધા ઓછા ખર્ચાથી ચાલે છે. જો તે ધંધા સરકારના થઈ જશે તો દેશને ઉદ્યોગપતિઓની બુદ્ધિનો લાભ મળશે નહીં. આ જો સાચું હોય તો આપણે બધાં ધર્મવિહોણાં થઈ જઈશું. પછી ભલેને આપણે સાચ્ચા હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી હોઈએ, આપણો દાવો ખોટો સાબિત થશે. જે કામ સમાજ માટે કરવાનું છે, તે સંપૂર્ણ નિષ્ઠાથી કરવાનું છે – આને ધર્મ કહે છે.
(ક્રમશ:)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 01-02 તેમ જ 21