શિક્ષણ એટલે યોગ-ઉદ્યોગ-સહયોગની કેળવણી. શિક્ષણ દ્વારા સાક્ષરતા જ નહીં, જીવનની સાર્થકતા સાધવી છે. માણસના સર્વ ગુણોનો વિકાસ કરવો છે. મૂલ્યોબદલીને સમાજને બદલવો છે. સહુને ઉદ્યોગશીલ ને વિચારશીલ બનાવવા છે. અર્થશુચિ ને સામ્યયોગના સંસ્કાર આપવા છે.
‘હું એક શિક્ષક છું’ – એમ કહેવામાં કાંઈ ખોટું તો નથી. હું શિક્ષક છું જ. અને તેમ છતાં મને લાગે છે કે ‘હું એક વિદ્યાર્થી છું’ – એમ કહેવું વધારે ઠીક થશે. અધ્યાપન કરતાં અધ્યયનની પ્રેરણા મારા માટે વધુ સહજ રહી છે. અધ્યાપન કરતાં-કરતાંયે મારું અધ્યયન જ ચાલ્યું છે. ખરું જોતાં, મારા વિદ્યાર્થીઓ પાસેથી હું જેટલું શીખ્યો છું, તેની તુલનામાં મેં તો એમને કાંઈ જ નથી શીખવ્યું. મારો વિદ્યાર્થી મારી પાસે આવીને જેવો બેસે છે કે મારા હૃદયમાં જે કાંઈ મલીનતા હોય, તે બધી સાફ થઈ જાય છે. આ હૃદય ધોવાની ક્રિયા મારા માટે તીર્થસ્નાન છે. મેં મારા વિદ્યાર્થીઓ પાસેથી જ વધુ મેળવ્યું છે.
ખરું કહું તો, કોઈના શિક્ષક કહેવડાવવું મને બહુ પસંદ નથી. હું કોઈને શિક્ષણ આપી રહ્યો છું, એ વિચાર જ મને જચતો નથી, ઠીક લાગતો નથી. વાસ્તવમાં, શિક્ષક અને વિદ્યાર્થી અન્યોન્ય શિક્ષક હોય છે, જેમ અન્યોન્ય મિત્ર એક બીજાના મિત્ર હોય છે, બે ભાઈ એકબીજાના ભાઈ હોય છે, તેમ શિક્ષક ને વિદ્યાર્થી એકબીજાના શિક્ષક હોય છે. આપણે કોઈને શીખવી રહ્યા છીએ, તે વિચાર જ છોડી દેવો જોઈએ. જે કંઈ શીખવાય છે અને શીખાય છે, તે સહજ ભાવે થતું રહે છે. શિક્ષક પોતે શિક્ષણનું કેન્દ્ર છે અને તેની સમીપ રહેવાથી શિક્ષણ મળતું રહે છે.
વળી, શિક્ષક કાંઈ નવું નથી કરતો. પોતે નિમિત્ત માત્ર બને છે, એમ તેણે માનવું. વિદ્યાર્થીને જ્ઞાન શિક્ષક નથી આપતો, જ્ઞાન તો વિદ્યાર્થીના દિમાગમાં ભર્યું જ છે. શિક્ષક તે જ્ઞાનને પ્રગટ કરવામાં મદદગાર થાય છે. શિક્ષકે વિદ્યાર્થીમાં જ્ઞાન ભરવાનું નથી, તેણે એનામાં જ્ઞાન માટેની પિપાસા પેદા કરવાની છે, જ્ઞાન મેળવવાની શક્તિ ઊભી કરવાની છે. બાકી તો વિદ્યાર્થી પોતે જ શીખતો હોય છે.
આજકાલ વિદ્યાલયોમાં જે શિક્ષણ અપાય છે, તેમાં વિદ્યાર્થીઓને કાંઈ ને કાંઈ જાણકારી આપવામાં આવે છે, પણ સ્વતંત્રપણે જ્ઞાન-પ્રાપ્તિ કેવી રીતે કરવી, તે નથી શીખવાતું. ખરું જોતાં, શિક્ષણમાં એવી પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓની પ્રજ્ઞા સ્વયંભૂ બને અને તેઓ સ્વતંત્ર વિચારક બને, તેઓ જાતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. દુનિયામાં અનંત જ્ઞાન છે. તે બધાની તો કાંઈ જરૂર નથી પડતી. છતાં જીવન માટે પર્યાપ્ત જ્ઞાન મેળવી લેવું પડે છે. પરંતુ જીવન માટેનું આ ઉપયોગી જ્ઞાન કોઈ સ્કૂલ-કૉલેજમાં નથી મળી શકતું. જીવન માટેનું ઉપયોગી જ્ઞાન તો જીવનમાંથી જ મળે છે. વિદ્યાર્થીઓમાં તે મેળવી શકવાની શક્તિ જાગૃત કરવી, એટલું જ વિદ્યાલયોનું કામ છે. વિદ્યાલયોમાંનું તમારું શિક્ષણ પૂરું થયું, તો તેનો અર્થ એટલો જ કે હવે તમે તમારા પોતાના પ્રયત્નથી વિદ્યા પ્રાપ્ત કરી શકશો. હવે તમે નિજ-આધાર, નિજાધાર બન્યા, નિરાધાર ન રહ્યા. અન્ય આધારોથી, અન્ય આલંબનોથી મુક્તિ, એ જ ખરું સ્વાવલંબન કહી શકાય. વિદ્યાર્થીને આવો સ્વાવલંબી બનાવવો, એ જ શિક્ષણનો ઉદ્દેશ છે. એવી જ રીતે વિકારવશતાયે ઉચિત નથી. જે માણસ પોતાની ઇંદ્રિયોનો ગુલામ છે અને વિકારોને કાબૂમાં નથી રાખી શકતો, તે પણ સ્વાવલંબી નહીં કહેવાય. એટલા વાસ્તે શિક્ષણમાં સંયમ, વ્રત, સેવા આદિનોયે સમાવેશ થવો જોઈએ.
સ્વાવલંબનનો આવો ઊંડો અર્થ છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું મુખ્ય ત્રણ પ્રકારનું સ્વાવલંબન સધાવું જોઈએ. શિક્ષિત માણસે પોતાના ઉદર-નિર્વાહ માટે બીજાઓ ઉપર આધાર રાખવો ન પડે. બીજું એ કે જ્ઞાન મેળવવાની સ્વતંત્ર શક્તિ એનામાં જાગૃત થાય. અને ત્રીજી વાત એ કે પોતાની જાત ઉપર કાબૂ રાખવાની શક્તિ એનામાં આવે, ઇન્દ્રિયો અને મનને વશમાં રાખવાની શક્તિ આવે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનું આવું ત્રિવિધ સ્વાવલંબન સધાવું જોઈએ.
વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે તે પોતાનું દિમાગ એકદમ સ્વતંત્ર રાખે. એ સાચું કે વિદ્યા શ્રદ્ધા વિના નથી મળતી. એટલે શ્રદ્ધા તો જાણે જોઈએ જ. પરંતુ શ્રદ્ધાની સાથોસાથ બૌદ્ધિક સ્વાતંત્ર્યનીયે એટલી જ જરૂર છે. ઘણાને એમ થાય છે કે શ્રદ્ધા અને બુદ્ધિ અલગ છે અને એકબીજાની વિરોધીયે છે, પણ તે ખોટો વિચાર છે. જેમ કાન અને આંખ બે અલગ-અલગ શક્તિઓ છે તથા બંને વચ્ચે કોઈ વિરોધ નથી, એવી જ રીતે શ્રદ્ધા અને બુદ્ધિનું પણ છે. શ્રદ્ધા વિના વિદ્યાની પ્રાપ્તિ અસંભવ છે. મા બાળકને ચાંદો દેખાડીને કહે છે કે, ‘‘જો બેટા, આ ચાંદ છે.’’ હવે બાળકને જો માતામાં શ્રદ્ધા ન રહી અને તેના મનમાં શંકા ઊઠી કે મા દેખાડી રહી છે તે ચાંદ છે કે નહીં, કોણ જાણે, તો તેને જ્ઞાન નહીં થાય. જ્ઞાન-પ્રાપ્તિ માટે શ્રદ્ધા એક પાયાની ચીજ છે. જ્ઞાનનો આરંભ જ શ્રદ્ધાથી થાય છે. પરંતુ જ્ઞાનની પરિસમાપ્તિ બુદ્ધિમાં છે. શ્રદ્ધાથી જ્ઞાનનો આરંભ થાય છે અને સમાપ્તિ સ્વતંત્ર ચિંતનશક્તિ ખીલવાથી થાય છે.
વિદ્યાર્થીની બાળ-અવસ્થા અને કિશોર-અવસ્થા એવી છે કે જ્યારે તેને ‘હીરો-વરશિપ’ —વીરપૂજાની આદત હોય છે અને શિક્ષક સ્વાભાવિક જ તેનો ‘હીરો’ બની શકે છે. પરંતુ શિક્ષક પણ એવો હોવો જોઈએ. જે શિક્ષક વિદ્યાર્થીને પૂરતી સ્વતંત્રતા ન આપતો હોય, તેના ઉપર જબરદસ્તી કરતો હોય, તે શિક્ષક જ નથી, એમ હું કહીશ. શિક્ષક તો એવો હોય, જે વિદ્યાર્થીઓને એમ કહે કે મારી વાત તમને ગળે ઊતરે તો જ માનજો, નહીં તો હરગિજ નહીં માનતા. આવી રીતે જ પોતાના વિદ્યાર્થીઓને પૂરેપૂરું બુદ્ધિ-સ્વાતંત્ર્ય આપે, એ જ સાચો શિક્ષક છે. બુદ્ધિ-સ્વાતંત્ર્ય એ જ ખરું સ્વાતંત્ર્ય છે. આને માટે બહેતર શબ્દ ચિંતન-સ્વાતંત્ર્ય છે. વિદ્યાર્થીનું ચિંતન-સ્વાતંત્ર્ય કદાપિ છીનવાઈ જવું ન જોઈએ.
જ્ઞાનની બાબતમાં આજ્ઞા ને હુકમ ચાલી જ ન શકે. બીજા કોઈ કામમાં હુકમ હોઈ શકે અને તેનું પાલન પણ થઈ શકે. પરંતુ જ્ઞાનની બાબતમાં તો નહીં જ. કોઈ વસ્તુ ગોળ છે, તો હું તમને એવી આજ્ઞા નહીં કરી શકું કે તમે તેને ત્રિકોણ માનો. તેમાં આજ્ઞા કામ ન કરી શકે. જે વસ્તુિસ્થતિ છે, તે છે જ અને તેનું જ્ઞાન વસ્તુગત (ઑબ્જેક્ટિવ) છે. આજ્ઞાથી તેને બદલી ન શકાય. શિસ્તના કે અનુશાસનના નામે તેને બદલી ન શકાય. હા, વિદ્યાર્થી અનુશાસન જરૂર પાળશે, પણ તે સ્વયં-અનુશાસન હશે. કૃત્રિમ કે જબરદસ્તીનું અનુશાસન નહીં. વિદ્યાર્થી વિનયી હોવો જોઈએ એનો અર્થ એ કે તે સેવા-પરાયણ હોય, આજ્ઞા-પરાયણ નહીં.
વળી, વિદ્યાર્થીઓને અમુક વિચારસરણીમાં ઢાળવાનીયે કોશિશ થતી હોય છે. આ પણ ન થવું જોઈએ. આવું દિમાગનું યંત્રીકરણ ચિંતન-શક્તિને કુંઠિત કરનારું છે. માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ યંત્રના પૂર્જા બની જવાનું નથી. વિદ્યાર્થી તો સત્યનો ઉપાસક છે. એ કોઈ પંથમાં ભળી જઈ શકે નહીં. વિદ્યાર્થી તો સાવધાન રહીને દુનિયામાં જે બધી હલચલો ચાલતી હશે, તેનું અધ્યયન કર્યા કરશે. જે કાંઈ વિચારો અને વાદો સમાજમાં હશે, તે બધાનું એ તટસ્થ બુદ્ધિથી અવલોકન ને અધ્યયન કર્યા કરશે. વિદ્યાર્થીએ તો સર્વવ્યાપક થવાનું છે, પોતાની બુદ્ધિને સંકુચિત થવા દેવાની નથી. ધર્મના, ભાષાના, પ્રાંતના, દેશના, કોઈ પણ વાડામાં તેણે પુરાઈ જવાનું નથી. એનામાં લગીરે સંકીર્ણતા આવવી જોઈએ નહીં. તેણે તો વ્યાપક બુદ્ધિએ જ વિચારતા રહીને પોતાને વિશ્વ-નાગરિક જ માનવો જોઈએ. પોતે વિશ્વમાનવ છે, વિદ્યાનો ઉપાસક છે, તટસ્થ બુદ્ધિથી વિચારનારો છે, એવી જ અનુભૂતિ એને નિરંતર થવી જોઈએ.
તેથી જ વિદ્યાર્થીઓ રાજકારણમાં નહીં પડે. રાજકારણની બાબતમાં વિદ્યાર્થી સાક્ષી અને અધ્યક્ષ બનીને રહેશે. ‘અધ્યક્ષ’ એટલે જેની આંખ દુનિયા આખી ઉપર રહેતી હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં તમે જીવનને સંબંધિત બધા પ્રશ્નોનું અધ્યક્ષની ભૂમિકાથી નિરીક્ષણ-પરીક્ષણ કરતા રહેશો અને તમારો સ્વતંત્ર અભિપ્રાય બાંધતા રહેશો. આજે સૌથી વધુ જરૂર છે, વિશ્વવ્યાપક દૃષ્ટિની, વિશ્વમાનવની વૃત્તિની. આજે આપણે વિજ્ઞાનયુગમાં જીવી રહ્યા છીએ. આજે સૌથી મોટી સમસ્યા એ છે કે માણસનું દિમાગ તો અત્યંત વ્યાપક બની ગયું, પણ એનું દિલ નાનું જ રહી ગયું. એટલા વાસ્તે નવી પેઢીએ દિમાગની સાથે પોતાના દિલને ય મોટું બનાવવું પડશે, વ્યાપક બનાવવું પડશે. વ્યાપક દિમાગ, એવું જ વ્યાપક દિલ પણ. નવી પેઢી હોય છે જ કંઈક નવું કરવા માટે, જૂનું પુરાણું ચાલુ રાખવા માટે નહીં. ઋગ્વેદમાં એક બહુ સુંદર મંત્ર આવે છે : ‘અચિત્તં બ્રહ્મ જુજુષુર્યુવાનઃ’ —યુવાન એ બ્રહ્મનું ચિંતન કરે છે, જે બ્રહ્મનું અગાઉ ચિંતન નથી થયું.
વિદ્યાર્થીની સ્વતંત્ર ચિંતનશક્તિ ખીલતી રહે, તેની સાથોસાથ તેનો પોતાની જાત ઉપરનો કાબૂ પણ વધતો જવો જોઈએ. જેનો પોતાનાં દેહ, મન, બુદ્ધિ ઉપર કાબૂ રહેશે, એ જ પોતાના સંકલ્પમાં દૃઢ રહી શકશે તથા દુનિયામાં સ્વતંત્ર રીતે વિચરી શકશે અને ટકી શકશે. જેની સંકલ્પ-શક્તિ દૃઢ હશે, એ જ સ્થિતપ્રજ્ઞ બની શકશે. સ્થિતપ્રજ્ઞ એટલે જેની પ્રજ્ઞા સ્થિર છે, જેનામાં સ્વસ્થ ને દૃઢ નિર્ણયશક્તિ છે. અને એવી નિર્ણયશક્તિની આજના જમાનામાં તાતી જરૂર છે. વિદ્યાર્થીએ પોતાનાં દેહ, મન, બુદ્ધિ પર કાબૂ મેળવીને આવી સ્થિતપ્રજ્ઞતા કેળવવાની છે.
ઉપનિષદમાં યુવાનનાં આવાં લક્ષણો ગણાવવામાં આવ્યાં છે — ચારિત્ર્યવાન, શીલવાન, ઉત્તમ અધ્યયનશીલ, દૃઢ નિશ્ચયી અને બળવાન. હૃદયમાં આશા અને હાથમાં બળ હોય, એવા યુવાનથી કામ થાય છે. યુવકોમાં ઉત્સાહ તો હોય જ છે, તેની સાથે ધૈર્યનીયે આવશ્યકતા છે. જોશ અને હોશ, બંને જોઈએ. અને કર્મયોગી બનવા માટે યુવકોએ કાંઈ ને કાંઈ નિર્માણકાર્ય કરતા રહેવું જોઈએ. નિર્માણ વિના, પ્રયોગ વિના સંશયરહિત જ્ઞાન નહીં થાય. ટૂંકમાં, દરેક વિદ્યાર્થીના હાથને કામ મળવું જોઈએ, એના હૃદયને પોષણ મળવું જોઈએ, અને તેની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ.
સરવાળે, બે વાતનું ખાસ ધ્યાન રહે. વિદ્યાર્થી દસ-પંદર વરસનું શિક્ષણ લઈને જ્યારે જીવનમાં પ્રવેશ કરે, ત્યારે બે શક્તિ તેણે પ્રાપ્ત કરી લીધી હોવી જોઈએ, જેના વિના વ્યક્તિનું તેમ જ સમાજનું જીવન સારી રીતે ચાલી નથી શકતું. તે બે શક્તિ છે, એક પ્રાણશક્તિ અને બીજી જ્ઞાનશક્તિ. આ બે શક્તિ જેણે મેળવી લીધી, તેને પછી જીવનમાં કોઈ વાંધો નહીં આવે, એ જીવનમાં સફળ થઈ શકશે. આમાંથી એક પણ શક્તિ ઓછી પડશે, તો જીવનમાં એટલી ઓછપ રહી જશે.
પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ, બંનેથી જ્યારે માણસ સંપન્ન બને છે, ત્યારે તેનું જીવન સમર્થ બને છે. પ્રાણશક્તિના વિકાસ માટે શરીરને સારું પોષણ જોઈએ, ઉત્તમ વ્યાયામ જોઈએ અને સંયમ જોઈએ. આ ત્રણ ચીજ જો હોય, તો પ્રાણશક્તિનો વિકાસ થાય છે.
જ્ઞાનશક્તિનો વિકાસ કરવા માટે જોઈએ મનનશક્તિ. કાંઈક વાંચીએ, નિરીક્ષણ કરીએ, સાંભળીએ. આપણી ચિંતનશક્તિ વધવી જોઈએ. આપણને સારાસાર વિવેક કરતાં આવડવું જોઈએ. તેને માટે ચિત્તમાં સમત્વ જોઈએ, વિવેક અને તટસ્થતા જોઈએ. આપણી બુદ્ધિ સ્વતંત્ર હોય. આ રીતે બુદ્ધિમાં સ્વતંત્રતા, સમત્વ અને વિવેક, એ ત્રણ ચીજ જો હોય, તો જ્ઞાનશક્તિનો વિકાસ થાય છે.
આખાયે જીવનની બુનિયાદ વિદ્યાર્થી-જીવન છે. જેમ છોડને શરૂમાં ઉત્તમ ખાતર-પાણી મળે, તો તે પરિપુષ્ટ થાય છે, તેમ માણસને પણ બાળપણમાં ને વિદ્યાર્થી-જીવનમાં ઉત્તમ ખાતર-પાણી મળવાં જોઈએ. આને માટે બ્રહ્મચર્યથી બહેતર બીજું કાંઈ નથી. પાછળથીયે તે કલ્યાણકારક જ છે. પરંતુ વિદ્યાર્થી-અવસ્થા માટે તો બ્રહ્મચર્ય અનિવાર્ય છે.
એવી જ રીતે વિદ્યાર્થી-અવસ્થામાં જેને વિદ્યાની લગન છે, તેણે નિરંતર ચિંતન-મનન કરતા રહેવાનું છે. દિમાગ જ જીવનમાં આપણું મુખ્ય માર્ગદર્શક છે. તેનો વિકાસ નહીં કરીએ, તો ઘણું બધું ખોઈ બેસીશું. માટે વિદ્યાર્થીએ સતત અધ્યયનશીલ રહેવાનું છે.
અધ્યયનમાં લંબાઈ-પહોળાઈ મહત્ત્વની ચીજ નથી, મહત્ત્વ છે, ગંભીરતાનું ને ઊંડાણનું. બહુ વખત સુધી, કલાકના કલાક જાતજાતના વિષયોનું અધ્યયન કરતા રહેવું, તેને હું લાંબું-પહોળું અધ્યયન કહું છું. સમાધિસ્થ થઈને નિત્ય નિરંતર થોડો વખત કોઈક નિશ્ચિત વિષયના અધ્યયનને હું ગંભીર ને ઊંડું અધ્યયન કહું છું. દસ-બાર કલાક પથારીમાં સૂતા રહેવું, પાસાં ફેરવતાં રહેવાં, સપનાં જોતાં રહેવાં — આવી નીંદરથી કાંઈ વિશ્રાંતિ નથી મળતી. પરંતુ પાંચ-છ કલાક જ સૂઈએ અને ગાઢ નિદ્રા આવે, તો તેનાથી પૂર્ણ વિશ્રાંતિ મળી જાય છે. આવું જ અધ્યયનનુંયે છે. ‘સમાધિ’ અધ્યયનનું મુખ્ય તત્ત્વ છે.
આવા સમાધિયુક્ત ગંભીર અધ્યયન વિના જ્ઞાન નથી. અધ્યયનથી પ્રજ્ઞા, બુદ્ધિ સ્વતંત્ર ને પ્રતિભાવાન થવી જોઈએ, બુદ્ધિમાં નવી-નવી કૂંપળો ફૂટતી રહેવી જોઈએ. નવી-નવી કલ્પના, નવો ઉત્સાહ, નવી ખોજ, નવી સ્ફૂિર્ત, આ બધાં પ્રતિભાનાં લક્ષણ છે.
અધ્યયન તો કરીએ, પણ તે વર્તમાન જીવનમાં આવશ્યક એવા કર્મયોગ માટે પૂરતું સ્થાન રાખીને કરીએ. નહીં તો અધ્યયન જીવન માટે કલ્યાણકારક સિદ્ધ નહીં થાય. અધ્યયન માટે બુદ્ધિ હંમેશાં તાજી રહેવી જોઈએ. અને ખુલ્લી હવામાં કાંઈક ને કાંઈક શરીરશ્રમ નિયમિત કરતા રહેવાથી જ બુદ્ધિ તાજી રહેશે. જેમ ખરડાયેલી અને તડકામાં તપેલી ભૂમિ વરસાદ માટે તૈયાર રહે છે, તેમ શરીરશ્રમને કારણે બુદ્ધિ પણ જ્ઞાન-ગ્રહણ માટે તૈયાર રહે છે અને તે જ્ઞાનને પણ ફળદ્રુપ બનાવે છે.
આની સાથે જ જીવનની દિશા નિશ્ચિત હોવી જોઈએ. બે બિંદુ મળે તો સરળ રેખા બને છે. જીવનનો માર્ગ પણ બે બિંદુઓના મળવાથી જ નિશ્ચિત થાય છે. ક્યાં છીએ ? — આ પહેલું બિંદુ છે. ક્યાં જવું છે ? — એ બીજું બિંદુ છે. આ બે બિંદુ નક્કી કરી લેવાથી જીવનની દિશા નક્કી થઈ જાય છે. તેના વિના અહીં-તહીં ભટકતા રહેવાથી રસ્તો નિશ્ચિત થતો નથી.
સારાંશ કે, ગંભીર અધ્યયનનું સૂત્ર છે — અલ્પ માત્રા, સાતત્ય, સમાધિ, કર્મ માટે અવકાશ અને નિશ્ચિત દિશા.
આ રીતે પ્રાણશક્તિ અને જ્ઞાનશક્તિ, બંને સંપન્ન થશે અને તેને લીધે વિદ્યાર્થી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સંસારમાં પ્રવેશ કરી શકશે. સંસારમાં એ પછી કોઈની સામે માથું ઝુકાવીને નહીં, બલ્કે છાતી ફુલાવીને ચાલશે. ‘નમયતીવ ગતિર્ ધરિત્રીમ્’ — જાણે એના ચાલવાથી ધરતી દબાઈ જઈ રહી છે !
[સંકલિત]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 અૉક્ટોબર 2015; પૃ. 01-02 અને 23