જીવનના દરેક પહેલુ વિશે વિચારવામાં મારી એક ખાસ દૃષ્ટિ છે. તેમાં સાહિત્યને પણ હું જીવનનો મહત્ત્વનો વિષય સમજું છું. તેથી તે વિશે પણ મેં ખાસ્સું ચિંતન કર્યું છે. મારું ચિંતન હું આપની સામે પ્રાચીન સૂત્રના આધારે રજૂ કરું છું. સૂત્ર છે : काव्यं यशसेङर्थकृते व्यवहारविदे शिवेतरक्षयते। આ એક કાવ્ય સૂત્ર છે. કાવ્ય અને સાહિત્યમાં કોઈ ફરક નથી. જે ચીજ કાવ્ય માટે કહેવાઈ છે તે બધું સાહિત્ય વિશે પણ લાગુ પડે છે.
काव्यं यशसे − કાવ્ય યશગાન કરવા માટે હોવું જોઇએ. પરંતુ તે કોનો યશ ? યશ પરમેશ્વરનો. સાહિત્ય થકી પરમેશ્વરનો યશ ગવાવો જોઇએ. અને પરમાત્મા એટલે સત્ય. સત્ય વડે જ યશ, જય થાય છે. સત્યમાં જ તાકાત છે, અસત્યમાં નથી. જેવી રીતે પ્રકાશ અને અંધકાર છે, પરંતુ અંધારાનું અસ્તિત્વ છે, તેમ તમે નહીં કહી શકો. આપણે માનીએ છીએ કે, પ્રકાશનું જ અસ્તીત્વ છે. અંધારું એ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. તે તો કેવળ અભાવરૂપ – પ્રકાશનું ન હોવાપણું છે. ભાવરૂપ તો પ્રકાશ જ છે. તેવી જ રીતે અસત્યનું કોઈ અસ્તીત્વ નથી. સત્યનું જ અસ્તીત્વ છે. અને મનુમહારાજે જે કહ્યું છે :
अधर्मेण एधते तावत् ततो भ्रदाणि पश्यति
तत: सपत्नान् जयति समूलं च विनश्यति।
− અધર્મથી પાપી ઊંચે ચઢતો દેખાય છે, તેની પ્રગતિ થતી જણાય છે, તે બધું જુએ છે, પોતાના શત્રુને જીતે છે, પરંતુ અંતમાં તો સમૂળગો નાશ પામે છે. તેવી રીતે ભલે થોડા ગાળા માટે અસત્યનો વિજય થતો જણાય, તો પણ આખરે તો તે જડમૂળથી નષ્ટ થનાર છે. આ વાત જે કહે છે, શિખવાડે છે તે સાહિત્ય છે, કાવ્ય છે.
થોડા સમય માટે અસત્યનો જે જય દેખાય છે તે પણ સત્યના આધાર પર જ દેખા દેતો હોય છે. અસત્યની પોતાની કોઈ તાકાત કે આધાર હોતો નથી. જેવી રીતે દુર્યોધન લડે છે તે ભીષ્મ અને દ્રોણની મદદથી લડે છે, તેની પોતાની તાકાતથી તે નથી લડતો. તેવી જ રીતે અસત્ય સત્યના આધારે ટકે છે.
કાવ્ય અને સાહિત્ય એ છે જે હૃદયને સ્પર્શી જાય છે. સાચું સાહિત્ય બુદ્ધિથી પર છે, તેથી જે કેવળ બુદ્ધિને નહીં, હૃદયને પ્રભાવિત કરે છે, હૃદયમાં વસી જાય છે તે સાહિત્ય છે, તે સાહિત્ય છે. સાહિત્યનું આ પહેલું લક્ષણ છે.
બીજું લક્ષણ છે, अर्थकृते, એટલે કે જે જીવનનો અર્થ કરે છે. માણસ અને પશુનું જીવન ભિન્ન છે. માણસનું જીવન વિચારમય, જ્ઞાનમય હોવું જોઈએ. જીવનની વિભિન્ન ઘટનાઓ – લગ્ન, જન્મ, મૃત્યુ, નિદ્રા, વગેરેનો અર્થ શો છે, તે સમજાવવાનું કાર્ય સાહિત્યનું છે. લોકો લગ્ન તો કરી લે છે પણ તેમાંના બહુ થોડા લોકો સમજે છે કે લગ્નનો ખરો અર્થ શો છે. મૃત્યુ સહુએ જોયું છે, પરંતુ મૃત્યુ એટલે શું ? એક ક્ષણ પહેલાં નાની શી ઠોકર વાગતાં બરાડી ઊઠતો તે હવે આગમાં ભડભડ બળે છે છતાં ચૂં-ચા નથી કરતો ! કેમ નથી કરતો ? એકાર્ધ ક્ષણમાં એવું તે શું પરિવર્તન થઈ ગયું ? એ કેમ થયું ? મૃત્યુ એટલે શું ? મૃત્યુ પહેલાં કઈ ચીજ મનુષ્યમાં હતી, જે હવે નથી ? આ બધું સમજાવવાનું સાહિત્યનું કાર્ય છે. આપણે રોજરોજ સૂઈએ છીએ, પરંતુ સૂવાનો સાચો અર્થ શો ? સૂવું એટલે કરેલા કામમાંથી વિશ્રાંતિ અને આગળના કામની તૈયારી. એ દૃષ્ટિએ સૂવું એટલે સમાધિ. કેમ ? એ સમજવા સમાધિનો અર્થ જોવો પડશે. સમાધિનો અર્થ છે : મન-બુદ્ધિ પરમાત્મામાં લીન થવાં. સમાધિ એટલે એવી અવસ્થા જેમાં આત્માની શક્તિ પ્રગટ થશે. સમાધિ પછી જે મન-બુદ્ધિ પવિત્રતા પામી છે, તે આપણો વ્યવહાર પવિત્ર કરશે. નિદ્રાનો આ અર્થ છે. નિદ્રા લીધા પછી આપણાં કાર્ય વધુ પવિત્ર, ઉત્સાહયુક્ત અને આત્માની શક્તિને પ્રગટ કરનારાં થવાં જોઈએ. અને સાચા કર્મયોગી માટે નિદ્રા એક સમાધિ જ છે. નિદ્રાનો આ અર્થ થયો. આ અર્થ સમજવો તે સાહિત્યનું બીજું લક્ષણ છે.
સાહિત્યનું ત્રીજું લક્ષણ છે – व्यवहारविदे જેનાથી આપણો વ્યવહાર જ્ઞાનમય થાય. એટલે કે વ્યવહાર કરવા જતાં આપણને જ્ઞાન મળે. જે રીતે માતા બાળકને શીખવે છે, તેવી રીતે સાચું કાવ્ય, સાચું સાહિત્ય સમાજને શીખવે છે કે ખરો વ્યવહાર કેવી રીતે કરવો. વ્યવહાર એટલે શું ? જ્યાં અંશ છે, ત્યાં વ્યવહાર છે. સંસ્કૃતમાં વ્યવહારનો આ જ અર્થ છે. મારા પૂર્ણ જીવનનો એક અંશ હું છું. બાકીના અંશોમાંથી કેટકેટલા અંશ કોને કોને દેવા ? માતા, પિતા, પત્ની, સંતાનો, મિત્ર, સમાજ વગેરે જે છે તેમને કેટલા કેટલા હિસ્સા દેવા, એ સમજાવવું તે વ્યવહાર-શિક્ષણનું કાર્ય છે. માણસ વ્યવહાર કરતો રહે છે, પરંતુ તે જ્ઞાનપૂર્વક, વ્યવસ્થાપૂર્વક થાય. આવું વ્યવહાર-શિક્ષણ સાહિત્ય થકી મળવું જોઈએ. આ દૃષ્ટિથી જોતાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ધર્મશાસ્ત્રનો ઘણો હિસ્સો સાહિત્યમાં આવે છે.
જેવી રીતે આપણા જીવનનો કેટકેટલો હિસ્સો કોને કોને ફાળવવો, તે વ્યવહાર-શિક્ષણ છે તેમ દુિનયાભરના જીવનમાંથી કયો અને કેટલો હિસ્સો પોતાના જીવનમાં આપણે લેવો તે બાબત પણ વ્યવહારમાં જ સમાય છે. કારણ કે આપણું જીવન દુનિયાના જીવનથી વેગળું ક્યારે ય રહી શકવાનું નથી, વેગળું ન રહેવું જોઈએ. આપણા જીવનની અસર દુનિયા પર અને દુનિયાના જીવનની અસર આપણા પર થતી જ હોય છે.
એક વાર એક ફળજ્યોતિષીએ મને પૂછ્યું, શું તમારો ફળજ્યોતિષમાં વિશ્વાસ છે ? મેં કહ્યું, જે અર્થમાં તમે કહો છો એ અર્થમાં નથી. તેણે પૂછ્યું : શું તમે નથી માનતા કે જન્મને સમયે કોઈ ગ્રહ – ગુરુ કે શુક્ર પાસે કે દૂર હોય તેની અસર તેના પર અવશ્ય થતી હશે ? મેં કહ્યું, ભાઈ તેની અસર થતી હશે, તે હું માનું છું પરંતુ તેની કોઈ વિશેષ પ્રકારની અસર થશે અને એ જ અસર થશે તેવું મને કબૂલ નથી. આવું કહેવું ઢોંગ છે, વળી જો ગુરુ-શુક્રની અસર મારા પર થતી હોય તો મારી અસર પણ ગુરુ-શુક્ર પર થતી હશે ને ? તમારા શાસ્ત્રમાં તો પૃથ્વી જેવા મોટા ગ્રહનું નામ સુધ્ધાં નથી ! શું પૃથ્વીની કોઈ અસર બીજા ગ્રહો પર નહીં પડતી હોય ? તેથી હું ફળજ્યોતિષને નિષ્ફળ જ્યોતિષ કહું છું ! જ્યોતિષની મૂળ કલ્પના, મૂળ તત્ત્વ મને માન્ય છે, પરંતુ ફળજ્યોતિષ, ગ્રહોની અસરવાળું જ્યોતિષ મને માન્ય નથી.
સાહિત્યનો ચોથો હેતુ કે લક્ષણ છે, शिवेतरक्षयते – જેનાથી આપણાં અને જનતાનાં પાપોનો નાશ થાય. આ સૌથી મહત્ત્વનો હેતુ છે. કારણ કે જો આ નહીં હોય તો પહેલાના ત્રણ હેતુઓ − ‘यशसे’, ‘अर्थकृते’, ‘व्यवहारविदे’ને સમજી નહીં શકીએ. આ વાતને સ્પષ્ટ કરવા એક ઉદાહરણ લઇએ. ‘अर्थकृते’નો મતલબ છે, જીવનની દરેક ઘટનાનો, દરેક કાર્યનો અર્થ સમજવો. માનો કે ગૌસેવાનું કામ છે. જે મનુષ્યની ચિત્તશુદ્ધિ નહીં થઈ હોય, તે ગો-સેવાનો અર્થ શો સમજશે ? તેવી સ્થિતિમાં તે જે ગોસેવાનું કાર્ય કરશે તે સ્વાર્થની દૃષ્ટિએ કરશે. ગાયને સંભાળશે, તો તેનું દૂધ પીશે, ખાતર મેળવશે, તેના વાછરડાને ખેતીમાં જોતરશે, તેના મર્યા પછી હાડકાં-ચામડાનો ઉપયોગ કરશે.
પરંતુ આ કંઈ ગો-સેવાનો અર્થ નથી. ગોસેવા એટલે આપણી પ્રેમની, અહિંસાની દૃષ્ટિને વ્યાપક કરવી. અહિંસા કે પ્રેમ કુટુમ્બ, દેશ, અથવા માત્ર માનવજાત સુધી મર્યાદિત ન રહેતાં તે પશુ-પ્રાણીઓ સુધી, અરે, આખાયે ચરાચર વિશ્વ સુધી ફેલાવી જોઈએ. એવું શીખવવું, તેનો અભ્યાસ કરાવવો એ ગોસેવાનો ઉદ્દેશ્ય છે. ગાય તો કેવળ પ્રતીક છે. આ જે ગો-સેવાનો વિશાળ અર્થ છે, તેને સ્વાર્થી મનુષ્ય, જેની થોડી પણ ચિત્તશુદ્ધિ નથી થઈ, તે શું સમજશે ? એટલે સાહિત્યનો સૌથી મહત્ત્વનો હેતુ છે, शिवेतरक्षयते − ચિત્તશુદ્ધિ.
શુક્રાચાર્યે ભાગવતમાં લખ્યું છે :
स वाग्विसर्गो जनताधविप्लवो
यस्मिन प्रतिश्लोकमबद्धवत्यपि
नामान्यनंतरस्य यशेङर्कितानि
यत् शृणयन्ति, गायन्ति, गृणन्ति साधव:
− એ જ સાહિત્ય, એ જ વાગ્મિસર્ગ, એ જ ગ્રંથરચના સજ્જનો સાંભળે છે, ગાય છે, ગાતા-ગાતા નાચે છે, જેમાં ભગવાનનો યશ વર્ણવાયો હોય, જેનાથી ચિત્ત શુદ્ધ થાય. પછી ભલેને તેમાં ભાષાની દૃષ્ટિએ અનેક ભૂલો રહી હોય ! તેથી માનવની ચિત્તશુદ્ધિ કરવી એ જ સાહિત્યનો પ્રમુખ હેતુ છે, અને હોવો જોઈએ. એવું સાહિત્ય જે ઈશ્વરનો, સત્યનો યશગાન કરે, જીવનનો અર્થ સમજાવે, વ્યવહારની તાલીમ આપે અને જીવનને શુદ્ધ કરે − એવું સાહિત્ય અવશ્ય અભ્યાસક્રમમાં સમાવવું જોઈએ.
(“મૈત્રી” અંક, જુલાઈ 2015માંથી)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જૂન 2017; પૃ. 01-02