કૈફી મજદૂર અને કમજોર વર્ગના શાયર હતા. 12 વર્ષની ઉંમરે એમણે લખેલ ગઝલ ‘ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે હસાને સે હો સુકન ન રોને સે કલ પડે,’ બેગમ અખ્તરે ગાઈને અમર બનાવી દીધી હતી.
જન્નત એક ઔર હૈ જો મર્દ કે પહેલું મેં નહીં,
ઉસકી આઝાદ રવિશ પર હી ચલના હૈ તુજે,
ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે.
આઇ એમ શ્યોર, કૈફી આઝમીએ 40ના દાયકામાં લખેલા આ શબ્દો અમદાવાદીઓએ ગઈ કાલે સાંભળ્યા હશે ત્યારે એટલી જ તાળીઓ પડી હશે જેટલી તાળીઓ છેલ્લાં 70 વર્ષમાં દેશના મુશાયરા અને મહેફિલોમાં પડી હતી. આ શેર જેમાં છે તે નજમ ‘ઔરત’ કૈફીએ સ્ત્રીઓની સમાનતા માટે 1940માં (રિપીટ) લખી હતી. કૈફી જ્યારે એ લલકારતા ત્યારે છોકરીઓ (તેમાંથી એક, પ્રેયસી અને પછી પત્ની, શૌકત આઝમી પણ) ચિચિયારીઓ કરી મૂકતી.
વિચાર કરો, 40ના દાયકાના હિન્દુસ્તાનમાં જ્યારે ફૂવડતા અને પછાતપણું સમાજના હાડોહાડમાં હતું, ત્યારે એક શાયર સ્ત્રીને મર્દની બગલમાંથી બહાર નીકળીને ખભેખભા મિલાવી આઝાદ ચાલે ચાલવાનો લલકાર કરે, એ કેટલી ગજબની વાત કહેવાય. ‘કૈફી ઔર મૈં,’ જેમાં કૈફી આઝમીના શૌકત આઝમી સાથેના અજબ રોમાંસથી લઈને ગજબ ખયાલોની કહાની છે. ગઈ કાલે પહેલીવાર અમદાવાદમાં ભજવાઈ ગયું. તમે દૂસરા આદમી અને બસેરા નામની શાનદાર ફિલ્મો જોઈ હશે. એના નિર્માતા-નિર્દેશક રમેશ તલવારે શૌકત આઝમીની આત્મકથાત્મક કિતાબ ‘યાદ કે રહગુજર’ (યાદોની મંજિલ) પરથી ‘કૈફી ઔર મૈં’ નાટક લખ્યું છે જે 2006થી નિયમિત ભજવાઈ રહ્યું છે. રમેશ તલવારે શાયર ફૈઝ અહેમદ ફૈઝ પર ‘શીશોં કા મસીહા’ નામનું શાનદાર નાટક પણ લખ્યું છે. ‘કૈફી ઔર મૈં’માં શબાના આઝમી અને જાવેદ અખ્તર નાટ્ય પઠન કરે છે જે પોતાની રીતે પોતાના વ્યવસાયમાં અવ્વલ છે.
સન 35-36માં લખનઉમાંથી તરક્કી પસંદ લેખકોનું એક આંદોલન શરૂ થયેલું. માર્ક્સવાદી ક્રાંતિકારી ઉર્દૂ લેખક સૈયદ સજ્જાદ ઝહરી અને અંગ્રેજી લેખક મુલ્કરાજ આનંદે આ ચળવળનો ઝંડો ઉપાડેલો. એમાં આપણા ઉમાશંકર જોશી પણ ખરા. આ ચળવળમાંથી સઆદત સહન મંટો, ફૈઝ અહેમદ ફૈઝ, અહેમદ ફરાઝ, સરદાર જાફરી, મજાજ લખનવી, ક્રિશન ચંદર, ઇસ્મત ચુઘતાઈ અને ભીમસેન સાહની જેવા શાયરો-લેખકોની નવી પેઢી આવેલી. કૈફી એની બીજી પેઢીના શાયર. સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, અમૃતા પ્રીતમ અને જાં નિસાર અખ્તર (જાવેદ અખ્તરના પિતા) કૈફીના સમકાલીન.
સાહિર, સરદાર જાફરી અને રાહી માસૂમ રઝાની જેમ કૈફીનો જન્મ પણ એક જમીનદાર પરિવાર(આઝમગઢના ગામ મિઝવાં)માં થયેલો, પણ એ આખી જિંદગી જમીનદારીના કુસંસ્કાર સામે લડતા રહ્યા. એમના ઘરનો માહોલ એ વખતના કોઈ પણ મુસ્લિમ પરિવારની જેમ ચુસ્ત ધાર્મિક હતો. એમને મિઝવાંથી લખનઉ પણ એટલે જ મોકલવામાં આવેલ જેથી એ મૌલવી બને. જેમ દરેક છોકરો શહેરમાં જઈ ‘બગડી’ જાય, એમ કૈફી લખનઉ આવીને સામ્યવાદી રંગમાં કોમરેડ બની ગયા. આ એમની પહેલી વૈચારિક તબદીલી. એ પછી કૈફીની સોચમાં બીજો મોડ ન આવ્યો. મૌલવી બનીને તસ્બીના મણિકા ફેરવવા માટે જે છોકરો લખનઉ આવ્યો હતો, એ જ્યારે 10 મે, 2002માં મરી ગયો ત્યારે એના કુર્તાના ખિસ્સામાં સી.પી.આઈ.નું કાર્ડ હતું.
કૈફી મહેનતકશ, મજદૂર અને કમજોર વર્ગના શાયર હતા. અને શાયર પણ મોટા ગજાના. 12 વર્ષની ઉંમરે એમણે લખેલ ગઝલ ‘ઈતના તો જિંદગી મેં કિસી કી ખલલ પડે હસાને સે હો સુકન ન રોને સે કલ પડે,’ બેગમ અખ્તરે ગાઈને અમર બનાવી દીધી હતી. શૌકત કૈફી, જે મૂળ હૈદરાબાદની હતી, તે કૈફીના પ્રેમમાં પણ એના શાયરના અને ઈન્કલાબી તેવરને લઈને જ પડેલી. કૈફીનું મૂળ નામ સૈયદ અખ્તર હુસેન રિઝવી. આઝમી એમનું તખલ્લુસ. શૌકત કૈફી સાથે ઈશ્ક અને શાદી પછી ‘કૈફી’ને નામ બનાવી દીધું. આજે સ્ત્રીઓમાં પરણ્યાં પછી ડબલ સરનેમની ફેશન છે. કૈફીએ એ જમાનામાં પત્નીની સરનેમ અખત્યાર કરેલી.
શૌકત પણ રૂઢિચુસ્ત પરિવારની પણ એના તેવર કૈફી જેવાં જ. ઘરમાં બધાએ બુરખો પહેરવાનો. શૌકતે એને ફગાવી દીધો. 13 વર્ષની ઉંમરે શૌકતે ઘોષણા કરેલી કે પરણીશ તો ‘મનના માણીગર’ને જ. એમાં, ઇપ્ટાએ હૈદરાબાદમાં મુંબઈના શાયરોનો મુશાયરો યોજ્યો. મજરુહ સુલતાનપુરીએ એમાં એમનો મશહૂર શેર ફટકાર્યો:
મુઝે સહેલ હો ગઈ મંઝિલે,
વો હવા કે રુખ ભી બદલ ગયે
તેરા હાથ હાથ મેં આ ગયા
વો ચરાગ રાહ મેં જલ ગયે
આ પૂરો શેર ટિપિકલ રોમેન્ટિક અને એક પક્ષીય હતો. એક પક્ષીય એ અર્થમાં કે ‘તું મને મળે તો મારો રસ્તો સુધરી જાય, મારું જીવન ઝગમગાઈ ઊઠે, મારી આબોહવા ખુશનુમા થઈ જાય.’ ફોકસ ‘મારો રસ્તો, મારું જીવન, મારી આબોહવા’ પર. એમાં ‘પેલી’ની કોઈ વાત જ નહીં. મજરુહનું પત્યું એટલે 20 વર્ષના હેન્ડસમ કૈફી ઊભા થયા. ઓડિયન્સમાં બેઠેલી 13 વર્ષીય શૌકત પર સરાસર નજર કરી અને નઝમ લલકારી :
જન્નત એક ઔર હૈ જો મર્દ કે પહેલું મેં નહીં,
ઉસકી આઝાદ રવિશ પર હી ચલના હૈ તુજે
ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે
ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હોય તેમ મુશાયરાનો હોલ તાળીઓ અને ચિચિયારીઓથી ભરાઈ ગયો. શૌકતનું મોં ખુલ્લું જ રહી ગયું. કેવો બદતમીજ શાયર છે? ઔરતને ‘ઊઠ’ કહે છે, ‘ઊઠીએ’ નહીં. અદબ-આદામની તો તમીજ નથી, કોણ ઊઠીને સાથે જવા તૈયાર થાય? શૌકત લખે છે, ‘મેં મશ્કરી કરવા વ્યંગમાં જ પંક્તિ દોહરાવી. ઊઠ મેરી જાન, મેરે સાથ હી ચલના હૈ તુજે.’ મુશાયરો ખતમ થયો ત્યાં સુધીમાં તો શૌકતનું દિલ ઊઠીને સ્ટેજ પર કૈફીના કદમમાં ફેંકાઈ ગયું હતું. ‘યાદ કે રહગુજર’માં શૌકત લખે છે, ‘મારી નજર કૈફી પર ખોડાઈ ગઈ. મને થતું હતું કે આ નજમ (ઔરત) એણે મારા માટે જ લખી છે અને એની સાથે ચાલવાનો અધિકાર માત્ર મારો જ છે. હું માથા ફરેલી હતી, જીદ્દી હતી અને અન્યાય સામે અવાજ ઉઠાવનારી હતી. મને થયું આઝાદ ખયાલોવાળો મર્દ જ મારો ખાવિંદ બની શકે.’
શબાના શૌકત અને કૈફીના આ સંસ્કારો વચ્ચે મોટી થઈ હતી. શબાનાનું બચપણ મુંબઈના રેડ ફ્લેગ હોલમાં ગુજર્યું હતું. એ કોમ્યુિનસ્ટ કાર્યકરોનું નિવાસ સ્થળ હતું. આઠ કમરા અને એક બાથરૂમવાળા એ મકાનમાં આઝમી મિયાં-બીબી બીજા સાત પરિવાર સાથે રહેતાં હતાં. હિન્દુસ્તાનમાં જે કેટલીક ક્રાંતિઓ થઈ છે, તેનાં ઘણાં નામ આ મકાનમાં હતાં. શૌકત લખે છે, ‘રેડ ફ્લેગના ગુલદસ્તામાં ગુજરાતથી આવેલા મણિબહેન અને અંબુભાઈ, મરાઠાવાડાથી સાવંત અને શશી, યુપીથી કૈફી, સુલ્તાના, સરદાર જાફરી અને સુલતાના, મધ્યપ્રદેશથી સુધીર જોશી, શોભા ભાભી અને હૈદરાબાદથી હું. બધાનો એક એક રૂમ. બાલ્કનીમાં નહાવાનું. એક જ બાથરૂમ હતો પણ એના માટે કોઈને ઝઘડતાં જોયાં ન હતાં.’
બચ્ચી શબાનાને શ્યામ રંગને લઈને હીણપત ના થાય તે માટે, બીજી છોકરીઓથી વિપરીત, કૈફીએ એને કાળા રંગની ઢીંગલીથી રમવા ‘ફરજ’ પાડી હતી. કૈફીએ શબાનાને કહેલું, ‘કાળા હોવું એ ખૂબસૂરતી છે.’ કૈફી સમાનતાના સમર્થક હતા. એ દરેક પ્રકારની અસમાનતાની ખિલાફ હતા. એ, બીજા શાયરોથી વિપરીત, પ્રેમના બંધનના ય વિરોધી હતા. એ કહેતા કે સ્ત્રીએ સમાન થવું હોય તો મહોબ્બતનાં ફૂલ કચડવાં પડશે, પ્યારની બંદિશમાંથી મુક્ત થવું પડશે. બાબરી મસ્જિદની ઘટના પછી એમણે ‘રામ કા દૂસરા બનવાસ’ લખી હતી જેમાં વનવાસથી પાછા ફરેલા રામ રક્તરંજિત અયોધ્યા જોઈને પાછા વનવાસમાં જતા રહે છે.
પાછલી ઉંમરમાં કૈફીનું ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારે એમને શ્વાસોશ્વાસની ભયાનક તકલીફ થયેલી. ડોક્ટરો ત્યારે એમને મોં બંધ રાખીને નાકથી શ્વાસ લેવાની કસરત કરાવતા. એકવાર આવી જ કસરત વેળા કૈફીએ ડોક્ટરોને કહેલું, ‘મેરા મૂંહ ક્યું બંધ કરવા રહે હો? મૂંહ બંધ કરવાના હો તો બાલ ઠાકરે કા કરવાઓ.’ બાય ધ વે, આજે 10મી મે છે. 2002માં આજના દિવસે જ કૈફી આઝમીએ આખરી શ્વાસ લીધો હતો. એમને એમના અંતિમ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું : તમારી ઉંમર કેટલી? એમનો જવાબ હતો : મારી જન્મતારીખ કોઈએ નોંધી નથી પણ એવું કહી શકાય કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પેદા થયો, આઝાદ. હિન્દુસ્તાનમાં જીવું છું અને સોશ્યાલિસ્ટ હિન્દુસ્તાનમાં મરી જઇશ.
બીજો સવાલ : દિલ્હીમાં જઈને ગાલીબનો કોઈ શેર તબદીલ કરીને બોલવાનો હોય તો?
હજાર કુર્સીયાં ઐસી કે હર કુર્સી પે દમ નિકલે,
જો ઈસ પે બૈઠ કર ખુદ ઊઠે, ઐસે કમ નિકલે.
e.mail : rj.goswami007@gmail.com
સૌજન્ય : ‘સન્નડે ભાસ્કર’, “દિવ્ય ભાસ્કર”, 10 મે 2015
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-raj-goswami-4988258-NOR.html