•
ઈલાબેન! તમે એ દિવસે અદ્દભુત કામ કર્યું.
સાહિત્યકારોને તદ્દન નવો શબ્દ શોધવાનું કામ ધર્યું!
ને એ પણ પરિસ્થિતિને આધીન બનેલા
પ્રસંગમાંથી શોધવા કહ્યું!
તમે પહેલાં કીધું –
“સંવેદનાને જોડું છું વેદના સાથે.”
પછી કીધું –
“વેદના એટલે પીડા હોય … તો તો એ છે સિક્કાની એક જ બાજુ.”
ઈલાબેન! બીજી કઈ બાજુ?
તમે બોલ્યાં’તાં –
“સ્ત્રીને પ્રસૂતિ થાય એ ઘડીએ થતી વેદનાનો પર્યાય ખુશી!”
એનો મતલબ તમે આને કદાચ બીજી બાજુ કીધી?
થોડું વિચારવું પડે એવી વાત તમને સૂઝી છે.
જે અદ્દલ બંધ પટારાની ન મળતી કૂંચી છે.
બીજું બધું જાવા દ્યો. પહેલાં એ તો કહો, બેન!
આ નવો શબ્દ શોધવાની જરૂરિયાત કેમ ઊભી થઈ?
ઘણા વખતથી બનતા પ્રસંગને આબેહૂબ વર્ણવવા કોઈ શબ્દ નહોતો મળતો,
કે પેલો પ્રસંગ બન્યો એટલે જ.
આવું તો બન્યા કરે … તમ તમારે મોજ કરો મોજ.
બાકી કરાવવી હોય તો કરાવો એક નવા શબ્દની ખોજ.
પણ તમારી વાતે ય સાચી, આવો તે પ્રસંગ ભૂલાય!
તમારી આજ્ઞા સાથે આ લોકો વચ્ચે એ પ્રસંગ, તમે કહો તો જ ખોલાય! બાકી …
કહી દઉં? એમ! તો લ્યો …
કાળા ડમ્મર રોડ વચાળે બેસીને
બિચારાં ચંપાબેન રોજ વેચતાં’તાં અવનવો સામાન.
એમને ક્યાં જાણ હતી? એકદમ આવી જશે ખાખીવેશમાં શેતાન.
જે કરી નાખશે વેરવિખેર એમનો સામાન.
ખાખીવેશધારી આમ તો નિભાવી રહ્યા’તા એમની ડ્યૂટી.
બસ ખાલી એમની રીત હતી ખોટી.
સાહેબે બધાં ઉપર ધાક જમાવવા
ફક્ત ચંપાબેનની જ બધી વસ્તુ રોડ પર ખુલ્લેઆમ ઝીંકી.
આટલું કરીને જતા રહ્યા ખાખીવેશધારી.
પણ ચંપાબેન તો ગુસ્સામાંને ગુસ્સામાં સામાન પડતો મૂકી,
સેવાવાળા ઈલાબેનને મળવા ચાલી.
કોઈને કીધા વિના અડી ગયાં ચંપાબેન ઓફિસમાં ને કરી ફરિયાદ.
વિગત સાંભળી સૌએ કીધું –
“આ તો છે ખોટી વાત!”
ત્યાં ચંપાબેને પકડ્યો ઈલાબેન, જોરથી તમારો હાથ.
ને પકડી પોલીસ સ્ટેશનની વાટ,
તમે એમના પક્ષમાં રહીને, મોટા સાહેબને આવું ખોટું કરવાનું કારણ પૂછ્યું,
ત્યારે ચંપાબેને ક્યારનું આવેલું આસું લૂછ્યું.
ચંપાબેનને મળી હિંમત … ને એ હિંમતમાંને હિંમતમાં જ તમારો હાથ –
એમણે એવો ઝાલ્યો …
એવો ઝાલ્યો …
એવો ઝાલ્યો …
કે એમના વાગેલા નખથી હાથ તમારો આખો લોહીલુહાણ થવા આવ્યો.
આ જોઈને ખાખીવેશધારી મૂંઝાયા, બે હાથ જોડ્યા.
ને બોલ્યા –
“માફ કરજો, બેન!”
આ સાંભળી ચંપાબેન તમને ભેટીને,
એવા રડ્યાં …
એવા રડ્યાં …
એવા રડ્યાં …
કે તમે હાથમાં વાગેલા જખ્મો ભૂલ્યા.
ઓહો … એટલે તમે ઇચ્છો છો કે
સાહિત્યકારો દ્વારા આવી પરિસ્થતિને એક જ શબ્દમાં કહેવા માટે
કોઈ નવો નક્કોર શબ્દ શોધાય!
પણ બેન! તમે આ જે બન્યું એને સંવેદના ય કહેતા નથી અને વેદના ય નહિ!
તો શું કહીશું?
હું કહું?
મને કહો –
“વિજ્ઞાન માટે ઊભા થયેલા પ્રશ્નનો ઉકેલ શોધી કાઢે એને શું કહેવાય?”
વૈજ્ઞાનિક … બરોબર!
તો બેન આ વેદના માટે ઊભા થયેલા પ્રશ્નો ઉકેલે, એને –
“વૈદનાનિક” કહેવાય ને?
એટલે ટૂંકમાં તમે શોધવા કીધેલા શબ્દ વિશે, એક જ શબ્દ કહી શકાય, ને એ છે –
વૈદનાનિક
વૈદનાનિક
વૈદનાનિક
તમે વૈદનાનિક હતાં, છો અને રહેશો …
•
*ઈલાબેન ર. ભટ્ટ (સામાજિક કાર્યકર્તા અને ‘સેવા’ સંગઠનનાં સ્થાપક.) સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ સુરત ખાતેના ૩૦માં જ્ઞાનસત્રમાં થયેલ જાહેર સંવાદ સાંભળ્યા બાદ લખાયેલી કવિતા. અહીં દર્શાવેલ ચંપાબેન નામ કાલ્પનિક છે.
(“પરબ” – ડિસેમ્બર:૨૦૨૨, પૃષ્ઠ:૧૮થી ૨૦)
સંપર્કઃ e-mail: panchalbrijesh02@gmail.com