છેલ્લા દાયકાઓમાં ચીને સાધેલી સડસડાટ પ્રગતિથી આખું વિશ્વ અંજાયેલું છે. વિશ્વમાં વસતીની દૃષ્ટિએ નંબર વન ચીન વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે. લશ્કરી મહાસત્તા એવું ચીન સંયુક્ત રાષ્ટ્ર સમિતિના કાયમી સભ્ય તરીકે દબદબો ધરાવે છે. ચીનની આ સિદ્ધિઓથી અંજાઈને કોઈ ધારી શકે કે પોતાના દેશની આર્થિક-લશ્કરી તાકાત જોઈને ચીનના નાગરિકોની છાતી ગજ ગજ ફૂલતી હશે … પણ વાસ્તવિકતા જરા જુદી છે. ચીનના નાગરિકોની હાલત પાંજરે પૂરેલાં પંખીઓ જેવી છે. સામ્યવાદી સરકાર દ્વારા રોજીરોટી મળી જાય છે, પણ આઝાદી છીનવાયેલી છે. તેમને સૌથી વધુ ખટકતી બાબત એ છે કે તેઓ દેશના નાગરિક નહીં પણ માનવસંસાધન બનીને રહી ગયા છે. ચીનમાં દાયકાઓથી રાજ કરતી એક જ પક્ષની સરમુખત્યાર સરકાર અને તેના અધધ … ભ્રષ્ટાચારથી લોકો ઉબાઈ ગયા છે. ચીની લોકો આઝાદી ઝંખે છે, લોકશાહી તથા પારદર્શક શાસન ઝંખે છે અને લોકોની આ ઝંખનાની જરા સરખી ઝાંય પણ ચીની શાસકોથી સહેવાતી નથી.
ચીનમાં લોકશાહી કે માનવ અધિકારો માટેના દરેક પ્રયાસને ત્યાંની સરકાર સામ-દામ-દંડ અને ભેદથી દબાવતી આવી છે. ચીનમાં ૧૯૮૯ની સાલમાં લોકશાહીની માગણી સાથે બીજિંગના તાઇનામેન ચોકમાં વિદ્યાર્થીઓએ આંદોલન ચલાવ્યું હતું, જેને શાસકોએ ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યું હતું. આંદોલન કરનારા પર બંદૂકો નહીં ટેન્કોથી હુમલો કરાયો હતો! લોકશાહીની માગણી કરનારાઓના લોહીથી તાઇનામેન ચોક રંગાઈ ગયો હતો. સેંકડો યુવાનોએ શહીદી વહોરી હતી એ આંદોલનને ગત ૪ જૂનના રોજ પચીસ વર્ષ પૂર્ણ થયાં, પણ ચીનમાં લોકોનું લોકશાહી વ્યવસ્થાનું સ્વપ્ન આજ દિન સુધી પૂર્ણ થયું નથી. અલબત્ત, આ આંદોલને ચીનના સરમુખત્યારી શાસનનાં કાળાં ડિબાંગ વાદળોના છેડે આશાભરી રૂપેરી કોર તાણી આપી છે, જેણે ચીનના લોકોની લોકશાહી માટેની ઝંખનાને જીવંત અને જાગૃત રાખી છે.
વિશ્વ ઇતિહાસમાં અમર થઈ ગયેલા આ આંદોલનની પચીસમી વરસીએ ટૂંકમાં તેની વાત માંડીએ. વૈચારિક તથા વ્યવસ્થાપકીય આઝાદીની માનવસહજ ઝંખના ચીનના લોકોમાં પણ જાગી રહી હતી. તેવામાં લોકશાહી મૂલ્યોમાં માનતા હુ યાઓબંગનું ૧૫ એપ્રિલ, ૧૯૮૯ના રોજ નિધન થયું. મહાસચિવ પદે રહેલા હુને કોમ્યુિનસ્ટ પાર્ટી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. ચીનમાં લોકશાહી માટેની ચળવળના પ્રતીક બની ગયેલા હુને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નિધનના બીજા જ દિવસે વિદ્યાર્થીઓ બીજિંગના તાઇનામેન ચોક પર એકઠા થયા. આ સ્થળ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે અહીં કોમ્યુિનસ્ટ પાર્ટીએ દેશમાં સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યા પછી માઓ જેદોંગ સહિતના નેતાઓની યાદગીરી રૂપે 'પીપલ્સ હીરો' નામનું સ્મારક બનાવ્યું હતું. ટીપે ટીપે સરોવર ભરાય એમ એક પછી એક યુવાન ચળવળમાં જોડાતાં તાઇનામેન ચોક વિદ્યાર્થીઓથી ઉભરાવા માંડયો. ૧૩મી મેના રોજ લોકતાંત્રિક વ્યવસ્થા પરિવર્તન માટે ઉપવાસ આંદોલન શરૂ કરાયું. આ આંદોલનની અસર સમગ્ર બીજિંગમાં થઈ. ૧૮મી મેના રોજ મજૂરોએ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં બાઇક રેલી યોજી. તાકડે આ દિવસોમાં રશિયાના વડા મિખાઇલ ગોર્બોચોવ ચીનની મુલાકાતે આવ્યા હતા, જેથી ચીનના સત્તાધીશોએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડેલું. પછી સરકારે આંદોલનને અવગણવાને બદલે આંદોલનકારીઓને સમજાવવાનો માર્ગ લીધો. ૧૯મી મેના રોજ કોમ્યુિનસ્ટ પાર્ટીના મહાસચિવ ઝાઓ જિયાંગ તાઇનામેન ચોકમાં આવ્યા અને સંબોધનમાં જણાવ્યું, "વિદ્યાર્થીઓ, અમે બહુ મોડા આવ્યા છીએ. સોરી." જો કે, યુવાનો વાતો-વચનોથી પીગળે એમ નહોતા. આંદોલનની આગ પ્રસરતી જતી હતી એટલે ચીનના તત્કાલીન વડાપ્રધાન લિ પેંગે બીજિંગના અમુક વિસ્તારમાં માર્શલ લો લાગુ પાડી દીધો. જેની ઊલટી અસર થઈ ૨૦મી તારીખે વિદ્યાર્થીઓની સાથે તેમના શિક્ષકો-પ્રોફેસર્સ પણ જોડાયા. ૩૦મી મેના રોજ ફાઇન આર્ટના વિદ્યાર્થીઓએ 'લોકશાહીની દેવી' મૂર્તિ બનાવી, જેથી જુસ્સો બેવડાયો. સરકારે તાઇનામેન ચોકની ફરતે સૈનિકો ગોઠવવા માંડયા. બીજી જૂને હથિયાર વિનાના સૈનિકોએ વિદ્યાર્થીઓને ચોક પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પણ કારી ફાવી નહીં. વિદ્યાર્થીઓ 'ડેમોક્રસી ઓર ડેથ' માટે પ્રતિબદ્ધ હતા. અંતે સરકારે ક્રૂરતમ ચહેરો બતાવ્યો. ૩ જૂનની મોડી રાતે ૪ જૂનના થોડા કલાકો પહેલાં બંદૂકો જ નહીં ટેન્કોની તોપો વિદ્યાર્થીઓ પર દાગવામાં આવી. રાતના અંધારામાં સરકારે કરેલા કાયરતાપૂર્ણ હુમલામાં સેંકડો વિદ્યાર્થીઓ મોતને ઘાટ ઊતરી ગયા. જો કે, મોતનો ચોક્કસ આંકડો આજ દિન સુધી બહાર આવ્યો નથી.
તાઇનામેન ચોકના હત્યાકાંડને દબાવી દેવા, ઇતિહાસનાં પાનાંઓ પરથી ભૂંસી નાખવા ચીની સરકાર મથ્યા કરે છે, પણ સફળ થઈ નથી. ચોથી જૂનની પચીસમી વરસીની ઉજવણી અટકાવવા ચીની સરકારે સેંકડો કર્મશીલો, પત્રકારો અને વકીલોને કાં જેલમાં પૂર્યા કાં નજરકેદ હેઠળ રાખ્યા હતા. જો કે, ચીન નહીં પણ તાઇવાન અને હોંગકોંગમાં ઉજવણી થઈ. ચીન સરકારનો લોખંડી પંજો પણ લોકશાહીની ઝંખનાને દાબી શક્યો નથી. આઝાદી જીવમાત્રનો અધિકાર છે, એ છીનવીને કોઈ રાષ્ટ્ર સમૃદ્ધ-શક્તિશાળી બની શકે, પણ મહાન થઈ શકે નહીં!
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય-સંકેત’ કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 જૂન 2014