આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે જ એક અહેવાલ વાંચવા મળે છે – ભારતમાં કરોડપતિઓની સંખ્યા ૧.૯૮ લાખે પહોંચી ગઈ. ૨૦૧૩માં આ આંકડો ૧.૫૬ લાખ હતો, જેમાં એક જ વર્ષમાં ૪૨ હજારનો (૨૬ ટકાનો) વધારો થયો છે. તેમની સંપત્તિની વૃદ્ધિમાં ૨૮.૨ ટકા જેટલો ઊંચો વધારો થયો છે, જે એશિયન દેશો તો જવા દો વિશ્વના દેશોમાં સૌથી ઊંચો વધારો છે. પહેલી નજરે આ ગુડ ન્યૂઝ છે, પણ જરા ઊંડું વિચારીએ તો દેશમાં ગરીબોની-ખેડૂતોની સ્થિતિ વણસતી-વકરતી જાય છે તો બીજી તરફ અમીરો વધારે અમીર થતાં જાય છે. આમ, આ ન્યૂઝ દેશમાં અમીર અને ગરીબ વચ્ચે ઊંડી બનતી ખાઈ તરફ દિશાનિર્દેશ કરે છે. આઝાદીના સાત દાયકા પૂરા થવા આવ્યા છતાં દેશમાં 'ઊંચા નગરો' સ્માર્ટ થતાં જાય છે અને 'નીચા નગરો' ગંદકી અને ગરીબીમાં જ સબડી રહ્યાં છે, એ હકીકત જોતાં ચેતન આનંદની ૧૯૪૬માં બનેલી 'નીચા નગર' ફિલ્મનું સ્મરણ તીવ્ર બને છે અને સાથે એક સવાલ ઊઠે છે કે આપણે શું વિકાસની કોઈ ભળતી દિશા તરફ તો ગતિ નથી કરતા ને?
ખેર, વિકાસ-કંકાશને થોડી વાર માટે ભૂલી જઈએ પણ 'નીચા નગર'ની વાત નીકળી છે ત્યારે આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખનારા ફિલ્મ ફેસ્ટિવલની થોડી વાત કરવી રસપ્રદ રહેશે. ભારતીય સિનેમાની વૈશ્વિક સ્તરે નોંધ પહેલી વખત લેવાઈ હતી, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં. ૧૯૪૬માં પહેલી વખત આયોજિત આ ફેસ્ટિવલમાં ચેતન આનંદની 'નીચા નગર' ફિલ્મે આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતીને દેશની શાન વધારી હતી. ફિલ્મની વાત કરતાં પહેલાં થોડી વાત આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે …
કાન ફિલ્મ ફેસ્ટિવલનો ઉદ્દભવ ફાસીસ્ટ અને નાઝીના વિરોધમાં થયો હતો. વિશ્વનો પહેલો વાર્ષિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ૧૯૩૨માં વેનિસ શહેરમાં યોજાયો હતો, પણ ધીમે ધીમે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ નાઝી-ફાસીસ્ટની નાગચૂડમાં ફસાઈ ગયો. જર્મનીના હિટલર અને ઈટાલીના મુસોલિનીએ તેના પર એવો કબજો જમાવેલો કે તેમના ઈશારે જ એવોર્ડ અપાવા માંડયા હતા. આના વિરોધમાં કલાપ્રેમી દેશ ફ્રાંસે પોતાનો અલગથી ફિલ્મ ફેસ્ટિવલ યોજવાનો નિર્ણય લીધો. જૂન-૧૯૩૯માં પેરિસમાં જાહેર કરાયું કે ૧થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન સૌંદર્યસભર બીચ અને રળિયામણા રિસોર્ટના નગર એવા કાન શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. કાન ફિલ્મ ફેસ્ટિવલની તૈયારીઓ થઈ રહી હતી અને ઓગસ્ટથી જ ફિલ્મો અને ફિલ્મનિર્માતાઓ ફ્રાંસ આવી પહોંચ્યા હતાં. ૧ સપ્ટેમ્બરે ફેસ્ટિવલ શરૂ થયો અને બરાબર ત્યારે જ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થતાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ફ્રાંસ અને બ્રિટને જર્મની વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું અને કાન ફિલ્મ ફેસ્ટિવલ અટકાવી દેવો પડયો. બીજું વિશ્વયુદ્ધ છ વર્ષ ચાલ્યું અને આખરે ૧૯૪૫માં હિટલર-મુસોલિનીના અંત અને જાપાનની શરણાગતિ પછી પૂરું થયું. ૧૯૪૬માં ફ્રાંસની સરકારે આ ફિલ્મ ફેસ્ટિવલને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી. આમ, ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૪૬ના રોજ પહેલો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો. આ ફેસ્ટિવલમાં કુલ ૧૬ દેશોએ ભાગ લીધો હતો. આ પ્રથમ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આપણા માટે એટલે ઐતિહાસિક છે કે તેમાં 'નીચા નગર'ને શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન મળેલું.
'નીચા નગર' ફિલ્મે ભારતીય સિનેમાને આટલું મોટું સન્માન અપાવ્યા છતાં તે ભારતીય સિનેમાની મોસ્ટ અંડરરેટેડ મૂવિ ગણાય છે. દુર્દશા તો જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાયેલી આ ફિલ્મ દેશમાં જ કમર્શિયલી રીલિઝ થઈ શકી નહોતી. વળી, સત્યજીત રેની 'પાથેર પાંચાલી' વિશ્વસ્તરે પોંખાયાના એક દાયકા પહેલાં આ ફિલ્મે દેશને નામના અપાવી હોવા છતાં ભાગ્યે જ તેને યાદ કરાતી હોય છે.
સામ્યવાદી વિચારધારા તરફ ઝોક ધરાવતા ચેતન આનંદની આ પહેલી જ ફિલ્મ હતી, જે આજે ય માસ્ટરપીસ ગણાય છે. 'નીચા નગર'માં આપણા સમાજની વાસ્તવિકતાને કળાત્મક અને અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. ખાસ કરીને તે આર્થિક અસમાનતાની ઊંડી ખાઈનું ચોટદાર દર્શન કરાવે છે. ફિલ્મમાં એક નગર હોય છે, જે અમીરોના 'ઊંચા નગર' અને ગરીબોના 'નીચા નગર'માં વહેંચાયેલું છે. સરકાર સાહેબ નામનું પાત્ર એક અમીર, વગદાર અને મોટો બિલ્ડર હોય છે. સરકાર સાહેબ ઊંચા નગરમાં બાંધકામ માટે ગટરનું પાણી નીચા નગર તરફ વહાવી દે છે, જેને કારણે નીચા નગરમાં રોગચાળો ફાટી નીકળી છે. સરકાર સાહેબનો જ મળતિયો પાછો નીચા નગરમાં હોસ્પિટલ બાંધે છે, પણ આખા ષડયંત્રથી સચેત થઈ ગયેલા લોકો સારવાર માટે પેલી હોસ્પિટલમાં જવાનું ટાળીને અહિંસક આંદોલન કરે છે. ફિલ્મના અંતમાં લોકો જાતિ-જ્ઞાતિ-ધર્મના વાડાથી ઉપર ઊઠીને સંગઠિત બને છે અને પોતાના અધિકાર માટે સંઘર્ષ કરતા દર્શાવાયા છે.
આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાને ઓળખ અપાવવા ઉપરાંત પંડિત રવિ શંકર જેવા સિતારવાદકને સંગીતકાર તરીકે રજૂ કર્યા તો કામિની કૌશલ જેવી અભિનેત્રી પણ આપી હતી. કમનસીબે આ ફિલ્મની આપણે ત્યાં જોઈએ એવી કદર-કિંમત થઈ નથી, એટલું જ નહીં આ ફિલ્મમાંથી જે કંઈ શીખ મળે છે, તેને આપણે આટલે વર્ષે પણ ગાંઠે બાંધી શક્યા નથી. 'નીચા નગર' જેવી શરમજનક-સંઘર્ષજનક સ્થિતિ આજે પણ આપણે ત્યાં મોજૂદ છે, એ આપણા માટે 'નીચાજોણું' ક્યારે ગણાશે?
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 સપ્ટેમ્બર 2015
http://www.sandesh.com/article.aspx?newsid=3136057
આ આખ્ખેઆખી ફિલ્મની કડી : https://www.youtube.com/watch?v=UpweCnKyNVw