ત્રણ ચરણમાં યોજાનાર બિહાર વિધાનસભાની ચૂંટણીના બે ચરણ પૂરા થયા છે. પ્રથમ ચરણમાં જે ૭૧ બેઠકો માટે મતદાન થયું, તેમાં ૬૧ બેઠકો પર રેડ એલર્ટ હતું. જ્યાં ત્રણથી વધુ ઉમેદવારો અપરાધિક પૃષ્ઠભૂના હોય તે બેઠકોને ચૂંટણીપંચ રેડ એલર્ટવાળી ઘોષિત કરતું હોય છે. ભૂતકાળમાં ૫૦ ટકા બેઠકો પર રેડ એલર્ટ જાહેર કરાતું હતું. આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં જ આવી બેઠકોની સંખ્યા ૮૫ ટકા હતી ! આ હકીકત રાજકારણમાં અને ચૂંટણીમાં કઈ હદે ગુનાહિત તત્ત્વોનું જોર વધી ગયું છે તે દર્શાવે છે.
‘એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ના અહેવાલ મુજબ ૨૦૦૫થી ૨૦૨૦ સુધીના પંદર વરસોમાં, ઇન્ડિયન પિનલ કોડની વિવિધ ધારાઓ હેઠળ જેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેવા, બિહારમાંથી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા વધતી જાય છે. છેલ્લા પંદર વરસોમાં જનતા દળ(યુ)ના ૨૯૬ સાંસદો – ધારાસભ્યોમાંથી ૧૪૯ (૫૦ %), આર.જે.ડી.ના ૧૫૮માંથી ૮૯ (૫૬ %), ભા.જ.પ.ના ૨૬૪માંથી ૧૫૪ (૬૩ %) અને લોકજનશક્તિ પાર્ટીના ૨૭માંથી ૧૯ (૭૧ %) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા જનપ્રતિનિધિઓમાં બિહારનો કોઈ ઈજારો નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં વિજયી થઈ માનનીય ધારાસભ્ય બનેલામાંથી ૧૪૩ અર્થાત્ ૩૬ ટકા પર પોલીસ કેસ થયેલા છે. તેમાંથી ૨૬ ટકા પર બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, અને અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે.
સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી માહિતીમાં જણાવાયું છે કે હાલમાં દેશની વિવિધ અદાલતો સમક્ષ વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામેના કુલ ૪,૪૪૨ અપરાધિક કેસો પડતર છે. તેમાં ૪૧૩ ગંભીર પ્રકારના અપરાધોના કેસો છે. રાજ્યોની વિધાનસભાઓમાં અને સંસદમાં ૧૭૨ ગંભીર અપરાધિક કેસો ધરાવતા સભ્યો વિરાજમાન પડતર અપરાધિક કેસો સાથે લોકસભામાં વિરાજતા માનનીય સાંસદો ૨૦૦૪માં ૨૪ ટકા, ૨૦૦૯માં ૩૦ ટકા, ૨૦૧૪માં ૩૪ ટકા અને ૨૦૧૯માં ૪૩ ટકા હતા. ઉમેદવારોએ જાતે જાહેર કરેલ અપરાધિક કેસોના વિવરણ પરથી નેશનલ ઈલેકશન વોચનું તારણ છે કે ગંભીર અપરાધના કેસો સાથે લોકસભામાં વિરાજતા સાંસદો ૨૦૦૯માં ૭૬ હતા. એક દાયકા પછી, ૨૦૧૯માં, તેમાં ૧૦૯ ટકાનો વધારો થયો છે અને હાલની લોકસભામાં ગંભીર ગુના નોંધાયા હોય તેવા સાંસદો ૧૫૯ છે.
ચૂંટણી પંચે અને સુપ્રીમ કોર્ટે વખતોવખત રાજનીતિમાં અપરાધિક તત્ત્વોના પ્રવેશને રોકવા પ્રયાસો કર્યા છે. પરંતુ તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી. છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને તેઓએ શા માટે ગુનાહિત કેસો જેમની સામે પડતર છે તેવા ઉમેદવારો પસંદ કર્યા છે તેના કારણો જણાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ રાજકીય પક્ષોએ અપરાધિક છવિ ધરાવતા કે અદાલતોમાં કેસો પડતર હોય તેવા લોકોને ઉમેદવારો બનાવ્યા છે. એ રીતે રાજકીય પક્ષોએ દેશની સુપ્રીમ કોર્ટના આદેશને પણ ઘોળી પીધો છે.રાજકીય પક્ષો માટે ઉમેદવારીનો એક માત્ર માપદંડ ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારનો છે. આ માપદંડ પાર પડતો હોય તો તેની અપરાધિક પૃષ્ઠભૂ તેમના માટે જરા ય મહત્ત્વની નથી.
દિનેશ ગોસ્વામી સમિતિ (૧૯૯૦), એન.એન. વોહરા સમિતિ (૧૯૯૩) ઇન્દ્રજિત ગુપ્તા સમિતિ (૧૯૯૮) અને જસ્ટિસ વેંકટ ચૈલેયાના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચ (૨૦૦૨),એ ચૂંટણી સુધારા અને રાજકારણમાં અપરાધિક તત્ત્વોના પ્રવેશને અટકાવવા મહત્ત્વની ભલામણો કરી છે. હવે ઉમેદવારે પોતાની સામેના પડતર ગુનાની લેખિત માહિતી ઉમેદવારી પત્ર સાથે આપવાની હોય છે. તે રાષ્ટ્રીય અને પ્રાદેશિક વર્તમાનપત્રોમાં જાહેર કરવાની જોગવાઈ પણ અર્થહીન બની ગઈ છે. કેમ કે મતદારો આ હકીકતથી વાકેફ હોવા છતાં તેને મત આપે છે. લોક પ્રતિનિધિત્વ કાનૂનમાં કોર્ટમાં સજા પામેલાને છ વરસ માટે ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવવાની જોઇવાઈ છે પણ જેમની સામે કોર્ટમાં કેસો પડતર છે અને કોઈ સજા થઈ નથી તેને ચૂંટણી લડતા અટકાવવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી.
રાજકારણીઓ, વહીવટી અને પોલીસ તંત્ર તથા અપરાધીઓ વચ્ચેની સાંઠગાંઠ લોકતંત્રને નબળું પાડે છે. પરંતુ અપરાધીઓ, બાહુબલિઓ અને ધનપતિઓનાં સમર્થન અને સક્રિય સહયોગ વિના ચૂંટણીઓ લડી કે જીતી શકાતી નથી. પહેલાં જે અપરાધિક તત્ત્વો ચૂંટણી જીતાડતા હતા તેઓ પોતે જ હવે ઉમેદવારો બની ધારાગૃહોમાં બેસતા થઈ ગયા છે. ચૂંટણીમાં વિજેતા થઈને તેઓ જાણે તેમના બધા ગુના માફ થઈ ગયા હોય તેવો રૂઆબ ધરાવે છે. રાજકીય અપરાધિક તત્ત્વો પર સરકારોનો પણ વરદહસ્ત હોય છે. એટલે તેઓ પોતાની સામેના કેસોને નબળા પાડવામાં, પોલીસ તપાસને પોતાના પક્ષે કરવામાં, સાક્ષીઓને સત્તાના જોરે ફોડવામાં અને પુરાવાઓનો નાશ કરવામાં સફળ રહે છે. તેઓ ન્યાયિક પ્રક્રિયાને પણ પ્રભાવિત કરી શકે છે. અદાલતોમાં ન્યાય મેળવવામાં સરેરાશ પંદર વરસનો સમય લાગે છે એ દરમિયાન તો આવા તત્ત્વો એક બે ટર્મ આસાનીથી ધારાસભ્ય કે સાંસદ બની રહે છે. ન્યાય મેળવવામાં થતો વિલંબ, કોર્ટોમાં કેસોનો ભરાવો અને ન્યાયના લાંબા પણ હવે વૃદ્ધ અને જર્જર બની ગયેલા હાથ આવા તત્ત્વોને મોકળું મેદાન આપે છે.
માત્ર નેતાઓ જ નહીં અપરાધિક છવિ ધરાવતા તેમના સમર્થકો અને રાજકીય પક્ષોના કાર્યકરો પણ રાજનીતિને કલંકિત કરે છે. પોતાના કાર્યકરની નેતાજીને ગરજ હોય છે એટલે તે તેના ગુનાઓ તરફ આંખમિચામણા કરે છે કાં તે છાવરે છે કે ખુલ્લેઆમ સમર્થન કરે છે. એક સામાન્ય ચપરાશીની સરકારી નોકરી માટે કોઈ પોલીસ ફરિયાદ ન હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે,પરંતુ કાયદા ઘડનારા ગૃહોમાં અનેક પોલીસ કેસો પડતર હોવા છતાં વગર એન.ઓ.સી.એ, બેરોકટોક, પ્રવેશ મળે છે. જેમની સામે પોલીસ તપાસ પૂર્ણ થઈ હોય અને કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થયું હોય તેવા ઉમેદવારો કોર્ટનું એન.ઓ.સી. મેળવીને જ ઉમેદવારી કરી શકે એટલી જોગવાઈ તો હાલના સંજોગોમાં અપેક્ષિત છે જ. રાજકારણીઓ સામેના પડતર કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી તેમને પાક-સાફ જાહેર કરી દેવાના પ્રયાસો થાય છે પરંતુ રાજકારણીઓની મથરાવટી જ એવી મેલી હોય છે કે એક કેસ પૂરો થાય ત્યાં નવા બે ઉમેરાય છે. વળી તેઓ માનનીય સાંસદ કે ધારાસભ્ય હોવાના એક માત્ર વિશેષાધિકારને કારણે જ્યારે દેશના આમ નાગરિકને ન્યાય મેળવવામાં જો પંદર વરસ લાગે તો તેને ઝડપી ન્યાય કેમ ? એવો પણ સવાલ વાજબી છે.
રાજકારણીઓ સામેના કેટલાક પોલીસ કેસો તેમના લોકોના પ્રશ્નો માટેના જાહેર વિરોધ કાર્યક્રમોના કારણે હોય છે તેમાંના ઘણા કેસો રાજનીતિપ્રેરિત પણ હોઈ શકે છે. પણ તેને અલગ તારવવા મુશ્કેલ છે. જો કે તેનું પ્રમાણ બહુ મોટું હોતું નથી. અને આવા કેસો અદાલતોમાં ટકતા પણ નથી. એટલું ખરું કે આવા કેસોના કારણે પણ અમુક રાજકારણીઓ ગુનાના આરોપીઓની પંગતના ગણાતા રહે છે.
રાજકીય પક્ષો વચ્ચે અપરાધિક છબિ ધરાવતા નેતાઓ કોના પક્ષમાં વધુ છે તેની પણ જાણે કે સ્પર્ધા ચાલતી હોય.છે. બિહારમાં તો વળી ૨૦૦૫ પછીના પંદર વરસોમાં ૨૧ માંથી ૧૫ એટલે કે ૭૧ ટકા અપરાધિક કેસો ધરાવતા અપક્ષો ચૂંટાયા છે. ૨૦૦૫ પછી જે ૯૦ મહિલાઓ ધારાસભ્ય-સાંસદ બન્યાં છે તેમાંથી ૩૦ (૩૩ ટકા) મહિલાઓ પણ ગુનાહિત પડતર કેસો ધરાવે છે. એટલે રાજનીતિનું અપરાધીકરણ પક્ષ-અપક્ષ-સ્ત્રી-પુરુષના ભેદ પણ ધરાવતું નથી રાજનીતિના અપરાધીકરણની ઉધઈ સમગ્ર લોકતંત્રને ભરખી જાય તે પહેલાં જાગવાની જરૂર છે.
(તા.૦૪-૧૧-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
![]()


વરસ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં મહિલાઓ સંબંધી યોજનાઓ જાહેર કરતાં નાણાં મંત્રીએ મહિલાઓની લગ્નવય વધારવા ટાસ્કફોર્સની રચનાનું વચન આપ્યું હતું. જૂન મહિનામાં સામાજિક –રાજકીય આગેવાન જયા જેટલીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આ અંગે સમિતિની રચના કરી હતી. આ સમિતિ માતા-મૃત્યુ દર ઘટાડવા, માતા અને બાળકનાં પોષણસ્તર સુધારવા તેમ જ મહિલાઓની લગ્નવય વધારવા જેવી બાબતો ચકાસીને અહેવાલ આપશે. આ વરસની પંદરમી ઓગસ્ટે ચુંમોતેરમા સ્વાતંત્ર્ય દિને દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં અને હવે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની પંચોતેરમી જયંતીના ઉજવણી સંબોધનમાં વડા પ્રધાને મહિલાઓની લગ્નવય વધારવાની બાબતે સરકાર જલદીથી નિર્ણય લેનાર હોવાની ઘોષણા કરી છે.
બારમી સપ્ટેમ્બર ૧૯૪૦ના રોજ જન્મેલા પ્રકાશભાઈનું પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરસ્વતી મંદિર હાઈસ્કૂલ મણિનગરમાં થયું હતું. એ આઠમા-નવમા ધોરણમાં ભણતા હતા ત્યારે, ૧૯૫૧-૫૨માં, એમના શિક્ષક હરિશ્ચંદ્ર પટેલ (જે પછી બી.જે.પી.ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થયા હતા) એમને આર.એસ.એસ.ની શાખામાં લઈ જતાં. ‘ઝીણાના હિંદુ અડધિયા’ઓ સાથેનો વણિક પરિવારના કિશોર પ્રકાશનો સંગ પાંચેક વરસનો રહ્યો. ઘરના વાચન–સંસ્કાર, ખુદમાં રહેલું દૈવત-કૌવત અને કોલેજકાળમાં પુરુષોત્તમ માવળંકરના લેસ્કી ઈન્સ્ટિટ્યૂટના કારણે તેમના જીવનમાં નવો ઉઘાડ થયો. રાધાકૃષ્ણન્નું ‘હિંદુ વે ઓફ લાઈફ’ વાંચતા યુવાન પ્રકાશને જ્યારે આર.એસ.એસ.ના અગ્રણી વકીલસાહેબ (લક્ષ્મણરાવ ઈનામદાર, ‘આમાં બધું છે પણ હિંદુ રાષ્ટ્ર નથી’ એમ જે કહે છે તે ઝબકાર ક્ષણ ઝીલાય છે અને પછી ? આજે તો પ્રકાશભાઈ ગુજરાતમાં સેક્યુલારિઝમનું કાયમી સરનામું બની ગયા છે. તે એટલે સુધી કે બીજા ભલે પ્રકાશભાઈના અમદાવાદના ઘરના સરનામામાં દેરાસર પાસે લખે પ્રકાશભાઈ તો ડાકઘર (અને હવે પોસ્ટ ઓફિસ) પાછળ જ લખે છે !
કોલેજના વિદ્યાર્થી તરીકે ભારતના આર્થિક ઇતિહાસના આર.સી. દત્તના પુસ્તકના વાચને ગાંધી રસ્તે નહીં, પણ આર્થિક રસ્તે તેઓ આજીવન ખાદી તરફ વળ્યા. ગાંધીજી રાજાને મળવા જનસામાન્યના પહેરવેશમાં ગયા તે ગાંધીજી પ્રત્યેનું પ્રકાશભાઈનું પહેલું આકર્ષણ પણ લોક સાથેની ગાંધીની એકરૂપતા તેમને વધુ આકર્ષી ગઈ.
ઈમરજન્સી પછી પ્રકાશભાઈના જીવનનો એક બીજો દૌર, પત્રકારત્વનો, શરૂ થયો. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથના ‘જનસત્તા’ પત્રો સાથે તેઓ આસિસ્ટન્ટ એડિટર તરીકે જોડાયા અને ૧૯૭૮થી ૧૯૯૦ના પૂરા બાર વરસ કામ કર્યું. તે દરમિયાન અખબારી કોલમ લેખન, તંત્રીલેખ લેખન અને તંત્રી પાનું સંભાળ્યું. એ સમયના તેમના તંત્રી લેખો, એડિટ પેજ પરની સમયના ડંકાની નોંધો, દિશાન્તર કોલમ ગુજરાતી પત્રકારત્વમાં નોખી ભાત પાડનાર હતા. ‘જનસત્તા’, અમદાવાદ અને ‘લોકસત્તા’ વડોદરામાં રેસિડેન્ટ એડિટરની જવાબદારી પણ નિભાવી. થોડો સમય ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી અખબારના તંત્રી હતા. ૨૦૦૩થી એકાદ દાયકો નવા ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના એડિટ પેજ એડવાઈઝર અને તંત્રીલેખની કામગીરી બજાવી હતી. ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ લેખન લગભગ ૨૦૧૯ના મધ્ય સુધી ચાલ્યું. ‘સમકાલીન’ (૧૯૮૪થી ૨૦૦૩), ‘ગુજરાતમિત્ર’(૧૯૯૨થી ૨૦૦૩)માં પણ કોલમ લેખન કર્યુ હતું. પૂર્વે અને આજે ‘ગુજરાત ટુડે’ દૈનિકમાં સાપ્તાહિક કટાર લેખન કરે છે. 'વિશ્વ માનવ’ અને ‘અખંડ આનંદ’માં સંપાદન – લેખન કરી ચૂકેલા પ્રકાશભાઈ એપ્રિલ ૧૯૯૩થી વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.