મે 1915માં ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરી. પ્રારંભે તે સત્યાગ્રહ આશ્રમ અને પછીથી અત્યારે જે નામ છે તે કોચરબ આશ્રમથી ઓળખાયો. આ આશ્રમની સ્થાપના 20મી, 22મી કે 25મી મેએ થઈ, તેની ટપ ટપ કરતા જો આશ્રમની સ્થાપનાએ ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળમાં શો મહત્ત્વનો ભાગ ભજવ્યો એ મમ મમમાં વધારે રસ હોય તો આશ્રમની નિયમાવલી સાથે જોડાયેલો ઘટનાક્રમ વધુ રસપ્રદ થઈ પડશે. ગાંધીજીને મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મળ્યા તેનું નિમિત્ત જ આ નિયમાવલિ …
પોતાના દરેક પ્રયોગ વિશે જાહેરમાં વ્યક્ત થનાર અને નવાસવા ભારતમાં આવેલા મોહનદાસ ગાંધીએ ભારતમાં પોતાના પ્રથમ આશ્રમના નિયમો માટે પણ જાહેરક્ષેત્રમાંથી અભિપ્રાયો-ટીકા મંગાવ્યા હતા. એ માટે ‘આશ્રમના ઉદ્દેશ અને એની નિયમાવલિ સમજાવતી એક પત્રિકા કાઢીને તેમણે દેશભરમાં પ્રસારિત કરી હતી.’
અમદાવાદમાં વકીલાત કરતા નરહરિ પરીખ અને મહાદેવ દેસાઈ ખાસ મિત્રો. તેમણે આ પત્રિકા વાંચી. બંનેને લાગ્યું કે ‘ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષો પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાનો ભય છે …’ બંનેએ સાથે મળી, નરહરિભાઈના શબ્દોમાં કહીએ તો, ‘અમારું પુસ્તકપાંડિત્ય અમે ઠાલવ્યું હતું.’ પત્રનો લેખિત જવાબ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર જો ગાંધીજીને યોગ્ય લાગે તો રૂબરૂ મળવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી. પાંચછ દિવસ સુધી ગાંધીજીનો જવાબ ન આવતા બંનેએ માન્યું કે ગાંધીજીને તેમનો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.
એવામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેર સભા યોજાઈ. જેમાં ગાંધીજી મુખ્ય વક્તા હતા. સભા પૂરી થતાં ગાંધીજીની પાછળ ઝડપભેર ચાલીને તેમણે ગાંધીજીને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને એમના કાગળની વાત કરી. ગુજરાતમાંથી મળેલા થોડા જ કાગળોમાંનો તેમનો એક કાગળ હતો. ગાંધીજીને એ કંઈક અંશે ઠીક લાગ્યો હતો. તેમણે કહ્યું, ‘તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાતો કરીશું.’
બંને મિત્રોએ રાજી થઈને ગાંધીજી સાથે ચાલવા માંડ્યું. નરહરિભાઈ લખે છે, ‘આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચ્ચે ક્યાંક ક્યાંક દલીલ કરતા, પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાના સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા. મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એકબીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જો કે અમારા બંનેનાં દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ મેં જવાબ આપ્યો, ‘એમ કરી શકીએ તો આપણાં ધનભાગ્ય, પણ અત્યારે તો કશો નિર્ણય થઈ શકતો નથી.’ પાછા અમે શાંત થઈ ગયા અને કશું બોલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા. આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.’
[સંકલન – માહિતી સૌજન્ય : અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) અને ગાંધીજીની દિનવારી (સં. ચંદુલાલ ભગુભાઈ દલાલ)]
(“नवजीवनનો અક્ષરદેહ”, મે 2013માંથી સાભાર)