સંપાદકીય
1945નો એ સમય હતો. રવીન્દ્રનાથ ટાગોરના અવસાન (1941) પછી તુરત ગાંધીજી શાંતિનિકેતન જઈ શક્યા નહોતા. એટલે એ પછીની એમની શાંતિનિકેતનની આ પહેલી મુલાકાત હતી. સાંજના વખતે ગાંધીજી શાંતિનિકેતન પહોંચ્યા. સાંજે પ્રાર્થના પછી ગાંધીજીનું ટૂંકું પ્રવચન થયું. બીજા દિવસે પણ ગાંધીજીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પ્રવચન કરવાનું થયું. આ દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછાયા. ગાંધીજીએ એના જવાબો પણ આપ્યા. આમ ‘ગુરુદેવના ગયા પછીના શાંતિનિકેતનને’ જોવા-જાણવાની તેમને સારી તક મળી.
ગાંધીજીની આ મુલાકાત દરમિયાન પ્રશ્નોત્તરીમાં ટાગોરનાં ભત્રીજીએ એક પ્રશ્ન પૂછ્યો. જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે ગાંધીજીને શાંતિનિકેતનથી નીકળવાનો સમય થઈ ગયો હતો. માટે એ સવાલનો જવાબ ત્યાં ને ત્યાં ન આપી શક્યા, પણ આ પ્રશ્ન તેમના મનમાં ઘોળાતો રહ્યો. કલકત્તા (હાલનું કોલકાતા) પહોંચ્યા પછી તેમણે તેનો ઉત્તર લખી મોકલ્યો. પ્રશ્ન આમ હતો : “અહીં (શાંતિનિકેતનમાં) આગળ નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”
ભારતીય શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત, પશ્વિમી રાગ અને પારંપરિક લોકસંગીતના સમન્વયસમા સંગીત – જે રવીન્દ્રસંગીત તરીકે ઓળખાયું–ના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરની ખુદની સ્થાપિત વિદ્યાપીઠમાં, તેમની જ ભત્રીજી પૂછી રહી છે કે શાંતિનિકેતનમાં નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? “અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”
કળા અને સૌંદર્યના આશક ગુરુદેવની વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દેખીતી રીતે જેનાથી સામેના ધ્રુવનાં ગણાય એવાં સાદગી અને સત્યાગ્રહના સાધક ગાંધીજીને પ્રશ્નો પૂછે, ગાંધીજી તેના જવાબો આપે અને તેનાથી એ વિદ્યાર્થીઓને સંતોષ પણ થાય … અત્યારના માહોલમાં આપણને આ જરા અજાયબ ભરી ઘટના લાગે, પણ ત્યારે તેમ થતું, બહુ સહજપણે થતું. સત્ય સુધી પહોંચવા માટે સંવાદ (DISCOURSE) ચાલુ રહેતો …
હા, તો ગાંધીજીએ આપેલો એ પ્રશ્નનો જવાબ : “મને શંકા રહી છે ખરી કે ત્યાં આગળ જીવનને માટે જરૂરી હોય તેના કરતાં સંગીત વધારે પ્રમાણમાં છે. … અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. ચાલવાનું, કૂદમકૂદનું, આપણી દરેક હિલચાલનું અને હરેક પ્રવૃત્તિનું સંગીત શાને ન હોય? … મને લાગે છે કે આપણાં છોકરાછોકરીઓને કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, ટૂંકમાં, જીવનનું પ્રત્યેક કાર્ય કેવી રીતે કરવું, એ બરાબર આવડવું જોઈએ. સંગીતની મારી કલ્પના આવી છે.” ટાગોરનાં ભત્રીજીની શંકાને સાચો ઠેરવતો ગાંધીજીનો આ જવાબ હતો.
ગાંધીજીની વાત અહીં પૂરી થાય છે. આપણી વાત, એટલે કે ‘ગાંધીજી વિશેની આપણી વાત’ હવે શરૂ થાય છે. ગાંધીજી, જેઓ સાબરમતીના આશ્રમમાં સંગીતમય પ્રાર્થના અને બાળકોમાં સંગીતની કેળવણી માટે પંડિત નારાયણ મોરેશ્વર ખરેને તેમના ગુરુ પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર પાસેથી માગીને (1918) લઈ આવ્યા હતા. એટલું જ નહીં, બાળકોને ભણતરમાં રસ જન્મે એટલા માટે કવાયત, ઉદ્યોગ, આલેખનની સાથે સાથે સંગીત પણ શિખવવું જોઈએ એમ માનતા હતા. તેઓ જીવનના સંગીત પર અવાજનું સંગીત હાવી ન થવું જોઈએ એ મુદ્દેય એટલા જ સ્પષ્ટ છે. એમને મન સંગીત એ મૂળે આ સૃષ્ટિનું સંગીત છે, આ સૃષ્ટિના સંગીતમાં તાલ મેળવીને જીવવાનું સંગીત છે.
સંગીતનું આ ઉદાહરણ આપણાં જીવનનાં બધાં જ ક્ષેત્રોને સમાનપણે લાગુ પડે છે. જેમ અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે તે જ રીતે ભાષણો, કથાઓ, પ્રવચનો, જાહેરાતો, વિજ્ઞપ્તિઓ, સભાઓ, સંમેલનો… ટૂંકમાં, દરેક પ્રકારનાં પ્રચારપ્રસારના સંગીતમાં, આચારનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. આપણી આસપાસ અને વિશ્વના કોઈ પણ ખૂણે નજર કરીએ તો આમ જ થઈ રહ્યું જણાશે!
પ્રામાણિકતા અને પારદર્શિતાની વાતો થાય છે, અનુભવાતી નથી. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ માટે સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરનાં સેમિનાર થાય છે, પણ આ ભૂમંડલના નિવસનતંત્ર(Ecosystem)ની સ્થિતિ દિવસેને દિવસે વધુ વણસી રહી છે. મેદસ્વીતા અને ડાયાબિટીસ અંગે જેટલાં સંશોધનો અખબારોમાં અને સોશિયલ મીડિયામાં આપણી નજરે ચઢે છે, એટલો જ તેના કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સ્ત્રી-પુરુષ જન્મપ્રમાણ અને શાળામાં ડ્રોપઆઉટ રેશિયો જાણવા મુદ્દે આપણે જેટલા જિજ્ઞાસુ બની રહ્યા છીએ, એટલો જ એ આંક ચિંતા જન્માવતી હદે વધી રહ્યો છે. અને આટલાથી હૈયે ધરવ ન થતો હોય એમ, આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ મુદ્દે વર્ષોથી બધા દેશો એક થઈ લડવાની વાત કરે છે, પણ આતંકવાદ તેની સીમા વિસ્તારી જ રહ્યો છે. દેશથી લઈને દુનિયા આખીમાં, શાંતિ માટે ગાંધીજીનો અહિંસાનો માર્ગ અપનાવ્યા સિવાય હવે છૂટકો નથી એવાં નિવેદનો અપાય છે ને સામે પક્ષે વિશ્વ આખામાં વિવિધ પ્રકારની હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. … ઉદાહરણો અનેક મળી આવે એમ છે, અર્ક માત્ર એક જ લીટીમાં છે—પ્રચારપ્રસારના સંગીતમાં આચારનું સંગીત લુપ્ત થઈ રહ્યું છે. “આચરણ એ સારામાં સારું ભાષણ છે અને સારામાં સારો પ્રચાર છે.” (ગાં. અ. 25 : 429) એવા ગાંધીજીના વિચારમાંથી આપણે શ્રદ્ધા ગુમાવી રહ્યા છીએ ને નક્કર કાર્ય કરવાને બદલે કહેવા-સાંભળવામાં જ વધારે વખત વેડફી રહ્યા છીએ.
આ બધાંને કારણે ચિંતા જન્માવતી બાબત એ છે કે બાળકો પણ એવું જ શીખી રહ્યાં છે, બાળકો આપણે કહીએ એ નહીં, આપણે કરીએ એમ કરે છે એ વર્ષોથી કહેવાતું આવ્યું છે, ત્યારે એમની સમક્ષ સલાહો-સૂચનો, પ્રવચનો-ભાષણો નહીં, પોતાના આચરણનાં દાખલા મૂકવાની જરૂર છે. અને એની શરૂઆત આપણે શિક્ષકે કરવાની છે. પ્રલય અને નિર્માણવાળી, ક્યારેક નોટબુકમાં નોંધેલી ચાણક્યની ઉક્તિ આજના જમાનામાં બહુ મહત્ત્વાકાંક્ષી લાગે, તો ય એટલી હકીકત સ્વીકારવી જ પડે કે જીવનમાં મળેલા કેટલાક ઉત્તમ શિક્ષકોના કારણે જ સારાં પુત્ર / પુત્રી, માતા / પિતા, ભાઈ / બહેન, પતિ / પત્ની, મિત્ર અને આખરે સારાં શિક્ષક / શિક્ષિકા કે વ્યાપકપણે નાગરિક તરીકે નિખર્યાંનું આપણું ઘડતર છે. ઉત્તમ શિક્ષકોએ નિભાવેલી એ જવાબદારી આપણે પણ આપણા વિદ્યાર્થીઓ માટે નિભાવવાની છે. નિરર્થક ભાષણો, સભાઓ, સંમેલનોથી નહીં, વ્યક્તિગત આચરણથી દાખલો બેસાડવાનો છે.‘લર્નિંગ નોન-વાયોલન્સ’ કાર્યક્રમ હેઠળ ‘અ’ અહિંસાનો ‘અ’ એ આ માર્ગે ચાલવા માટેનો આપણો પ્રકલ્પ છે. બાળપણમાં જ આચરણનું બીજ વાવીને બાળકોનું સમગ્ર જીવન મંગળમય બનાવવાનો આ પ્રકલ્પનો ઉદ્દેશ છે.
જેમ ‘સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા’ (પ્રસ્તાવના, મંગળપ્રભાત, કાકાસાહેબ કાલેલકર, નવજીવન) જણાતા ગાંધીજીએ યરવડા જેલમાંથી આશ્રમવાસીઓને ઉદ્દેશીને પત્રો લખી મોકલ્યા હતા એમ આપણી શાળાનાં બાળકોનાં જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતાએ ગાંધીઆશ્રમ-સાબરમતી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-થલતેજના સંયુક્ત ઉપક્રમે રમતાં રમતાં જીવનશિક્ષણની આ આનંદપોથી તૈયાર કરી છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓમાં રમતાં રમતાં કેટલાક ગુણોની કેળવણી થાય અને અહિંસા તરફ એમનો સહજપણે જ ઝુકાવ થાય એવી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. જે આપ સૌ શિક્ષકોને જરૂર પસંદ આવશે. પ્રવૃત્તિ કરાવતાં કરાવતાં ધ્યાન પર આવેલાં આપનાં અવલોકનો આવકાર્ય છે.
Email: ketanrupera@gmail.com
પુસ્તક વિશે વધુ વિગત—
પુસ્તક-પરિચય સ્વરૂપે…
-.-.-.-