1.
ક્યાંક વાગતો પાવો !
ભમ્મરિયાળા ભાગ મારા ને
વળી જન્મોનો ચક્રાવો !
જંતર વાગે, ઝાલર વાગે, વળી
ક્યાંક વાગતો પાવો !
વાટ જોઈ ને વાટ ખૂટી છે
દીવાની વિસાત ખૂટી છે
ક્યારે આવી કરશો દૂર
આ અંતરનો અંધિયારો … ક્યાંક વાગતો પાવો !
હજી કેટલી આજીજી ને
કેટલું માંગશો માન
તમે ઈશ્વર છો એનું
કંઈક તો રાખો ભાન !
પાપ-પુણ્યનો હિસાબ પતાવી
સમય મળે તો આવો … ક્યાંક વાગતો પાવો !
આપી દીધો અંગૂઠો ને
આપી દીધું બાણ
હવે તમે જો આવો નહીં
તો ઉમાપતિની આણ
સુદામાના મિત્ર બનીને
ચપટીક તાંદુલ ખાઓ … ક્યાંક વાગતો પાવો !
2.
વરસાદના છાંટા
છાંટે છાંટે છૂટી જતાં
મનનાં સૌ વળગણ
છાંટે છાંટે જુવાન થતાં
વરસો જૂનાં ઘડપણ !
છાંટાની છાલકે થાતું
ચોખ્ખું મનનું દર્પણ !
છાંટે છાંટે છોળ ઉછાળે
માટીનાં આ કણ કણ !
છાંટે છાંટે છબછબિયાં ને
મનના ખૂણા ઝળહળ !
છાંટે છાંટે મ્હોરી ઊઠતાં
મનનાં શાંત સરવર !
છાંટે છાંટે દીપ જલે ને
છાંટે છાંટે દરશન !
3.
સપનાં થોડા ભીનાં થયાં, બીજું શું !
પાંપણે પલકાર સૂના થયાં, બીજું શું !
ઓળખ નહીં પુરાવો પણ જોઈશે હવે
એમને જોયે જમાના થયા, બીજું શું !
વાત જ્યાં નીકળી દુ:ખ ને વહેંચવાની
સમજદારો પણ દીવાના થયા, બીજું શું !
સચવાયા છે સૌ ચહેરાઓ અકબંધ
સમયે સંબંધો પુરાના થયા, બીજું શું !
ચાલો નિખાલસતાનું ઇનામ તો મળ્યું
વક્ત સાથે થોડા સયાના થયા, બીજું શું !
4.
મૌન બોલતું થાય, વાત વાતમાં !
પાંપણો ભીંજાતી જાય, વાત વાતમાં !
કોઈ એક વાત કહેતાં વર્ષો વીતી જાય
કદીક જીવતર ઉલેચાય, વાત વાતમાં !
ભલા કોણ કરે ભરોસો એ માણસનો
જે બોલી ને ફરી જાય, વાત વાતમાં !
વાત વંટોળે ચડે તો આકાશને આંબે
જે કદીક ધરબાઈ જાય, વાત વાતમાં !
એ મોટો માણસ છે, રખે કંઈ બોલતા
એને કંઈ કહેવાય ? વાત વાતમાં !
વાત જો રંગતે ચડે રાત ઓછી પડે
કદીક શબ્દ ન બોલાય, વાત વાતમાં!
કદીક બોલતાં બોલતાં અટકી જાવ
વણબોલ્યે બધું કળાય, વાત વાતમાં!
વાત જો વણસે તો ધિંગાણે લઈને જાય
બાત જો બને તો બની જાય, વાત વાતમાં !
5.
સમય પણ સમય માગી લે છે
ને કદીક બારીએથી ઝાંકી લે છે !
તમે લીલાશને પંપાળતા હો ઘાસમાં
ત્યારે કોઈક સૂકું-ભઠ્ઠ તમને તાકી લે છે!
ઊતારે હોંશભેર રણમેદાનમાં તમને
ને પછી તમારાં કવચ-કુંડળ માગી લે છે!
સુઝાડીને કેટલા ય રસ્તા ભાગી જવાના
તમારી હિમ્મતને એ રીતે માપી લે છે !
સરકી જાય રેતની જેમ મુઠ્ઠીમાંથી
પણ કોઈક ટકોરે ક્યાંક બાંધી દે છે !
6.
જેની ચર્ચા મુખે મુખે છે
એ શામળિયો તો વૈંકુઠે છે !
પાપ – પુણ્યની વાતો છોડો
જગત આખું ય અડસટ્ટે છે !
આ રખડુ રાતને કોણ સમજાવે?
મિલનની મજા તો મળસ્કે છે !
નીકળશે સૌ સંબંધોનું નિકંદન
આજે લાગણીઓ બધી જંગે છે!
આંખને થયા છે યુદ્ધના એંધાણ
સપનાંઓ બધાં બ્હારવટે છે !
7.
લીલુડી ધરતી
લીલુડી ધરતીનાં લીલાંછમ ઓરતાં
ઝરણાં બનીને આજ દોડતાં
ફૂલના ય અરમાનો આજ રંગો બનીને
પાંખડીએ પાંખડીએ મ્હોરતાં ….. લીલુડી ધરતી
ખાલીખમ નદીયુંનાં આજ સપનાં ફળ્યાં
તે ઠેઠ કાંઠે પૂગી ને હવે ડોલતાં
આભમાંથી વરસતી ભીની લીલાશ ને
પંખીઓ ચાંચ ભરી ચોરતાં …… લીલુડી ધરતી
મનનાં છબછબિયાં કંઈ છત્રીએ છુપાય?
તેથી આંખોથી આંખોને જોડતાં
ઝાલ્યો ઝલાય નહીં આ મનનો હિલ્લોળ
એટલે કાગળમાં હોડીઓ દોરતાં … લીલુડી ધરતી
e.mail : gor.uday.chandra@gmail.com