1.
બીજું કંઈ નહીં, થોડા શ્વાસ તો રહેવા દે !
તારા પરનો કાયમ વિશ્વાસ તો રહેવા દે !
ઓલવે કાં એક પછી એક દીવડાઓ
અંધારું છે, થોડો અજવાશ તો રહેવા દે !
રહેવા દે થોડો જીવતા હોવાનો ભરમ
જીવવાનો એકાદ પ્રયાસ તો રહેવા દે !
શબ્દો બધાં થઈ ગયાં છે હીબકાં
આંખોમાં એકાદ આશ તો રહેવા દે !
કરી દે ક્ષમા હવે, તું તો ઈશ્વર છો ને
માનવીની એકાદ ડંફાસ તો રહેવા દે !
•••
2.
કોઈને કહી શકાય એટલું હોય તો ચાલશે !
થોડુંક સહી શકાય એટલું હોય તો ચાલશે !
ચાલશે થોડું ઊન્નીસ-બીસ હશે તો પણ
થોડું ચાહી શકાય એટલું હોય તો ચાલશે !
ભલે હો મિત્રના ઘરનો રસ્તો બહુ લાંબો
ત્યાં જઈ શકાય એટલું હોય તો ચાલશે !
હું ક્યાં માંગું છું સુખનો સમંદર આખો
કોઈને દઈ શકાય એટલું હોય તો ચાલશે !
સહેવું પડે સૌને પોતપોતાનું દરદ અહીં
કોઈનું લઈ શકાય એટલું હોય તો ચાલશે !
•••
3.
ઘરેથી નીકળીએ તો રસ્તા મળે છે !
થોડાં ચાલતા, થોડાંક સરકતા મળે છે !
મળે છે સૌ પોતપોતાના કામથી અહીં
હવે લોક ક્યાં સાવ અમસ્તાં મળે છે !
ઊભો કાલથી ઓક્સિજનની લાઇનમાં
જોઉં મને હવે કેટલા ફરિસ્તા મળે છે !
ખરીદી લઉં એકાદ હું પણ, કામ આવશે
આજકાલ અહીં કફન બહુ સસ્તાં મળે છે!
ખૂલી છે ફક્ત આંસુની દુકાન કરફ્યુમાં
ક્યાં કોઈ ચહેરા અહીં હસતા મળે છે !
•••
4.
હવે રથે ચડો રણછોડ !
દિસે નહીં કો’ દિશા જવાની
છાયું અતિ ઘનઘોર ! … હવે રથે ચડો રણછોડ
શ્વાસ ખૂટ્યા, આશ ખૂટી,
ખૂટી ગયાં અંજળ !
રોઈ રોઈને વાટ ખૂટી
ખૂટ્યાં નયને જળ !
કૃપા કરીને પાર ઊતારો
અમ નૈયા ડામાડોળ ! … હવે રથે ચડો રણછોડ
લૂગડું હોય તો સાંધી લઈએ
આ તો ફાટ્યું આભ !
આંખે આંખે જલે ચિતાઓ
માંહ્યલે ભભૂકે આગ !
કર જોડીને કરું બિનતિ
હવે દોડો માખણચોર ! … હવે રથે ચડો રણછોડ
•••
5.
રાખ્યા છે સૌ અકબંધ છેક શરૂઆતથી !
રોજ ગણ્યા કરું પતંગ, છેક શરૂઆતથી !
ચગાવ્યો નહીં એકેય ફાટવાની બીકથી
હવા રહી સતત તંગ, છેક શરૂઆતથી !
બદલતો રહું છું રોજ નવા નવા શસ્ત્રો
લડું છું રોજ નવો જંગ, છેક શરૂઆતથી !
બદલતી રહી હવા અને દિશાઓ પણ
મારો રહ્યો એક જ રંગ, છેક શરૂઆતથી !
એમની પાસે છે આખી નારાયણી સેના
મારી પાસે કૃષ્ણનો સંગ, છેક શરૂઆતથી !
•••
6.
એને જાણવાની તસ્દી નથી લેવી !
મને કોઈ ચીજ સસ્તી નથી લેવી !
ઉથલાવ્યા ઘણાં થોથા સમજણના
હવે વધારાની કોઈ પસ્તી નથી લેવી !
હોઉં જો હું લાયક તો આપી દેજે
તારી પ્રીત જબરદસ્તી નથી લેવી !
થાય પછી ઉજાગરા રાતરાતભર
છેતરામણી નજરની મસ્તી નથી લેવી !
ભલે ડૂબી જાઉં સાવ કિનારે આવીને
તેં મોકલાવેલી એ કિશ્તી નથી લેવી !
ચૂકવી દઉં તારા દરેક સ્મિતનું મૂલ્ય
મારે કોઈ વસ્તુ અમસ્તી નથી લેવી !
•••
7.
કાને મારી સાંભળી લીધી વાત
આવી મારો હાથ ઝાલ્યો ત્યાં
હું થઈ ગઈ પારિજાત ! … કાને મારી
વાંસળી વાગી રોમે રોમે
મનનાં મ્હોર્યાં મોર !
સૂતાં સપનાં જાગીને સૌ
કેવો કરે કલશોર !
મોરપિચ્છના સ્પર્શે
મેં તો ખોઈ આખી જાત ! … કાને મારી
વ્હાલ કરીને વાલમાએ
મારા કેશમાં મૂક્યું ફૂલ !
કાના કેરા કર-હિંડોળે
મારું મનડું ઝૂલમઝૂલ !
વાંહે વાંહે શામળિયાની
હું ફેરા ફરતી સાત ! … કાને મારી
•••
8.
લ્યો કાનાએ આપી એવી સોગાત !
મારે જાગવાનું આખી આખી રાત ! … લ્યો કાનાએ
કીકીઓ ઘેલી થઈ કાનને શોધતી
ને પાંપણે પહોંચી ગઈ વાત ! … લ્યો કાનાએ
છેક પાછલે પરોઢે વાંસળી સંભળાણી
જઈ બારીએ ડોક મેં તાણી !
મોરપિચ્છ લ્હેરાતું આંગણામાં ભાળ્યું
ને આંખોને થઈ ગઈ ઉજાણી !
ફૂલડાંની જેમ હું તો વેરાઈ ગઈ ચોકમાં
ને આંખોમાં ઊગ્યું પરભાત ! .. લ્યો કાનાએ
આંખિયુંમાં આંજીને મોરપિચ્છ ફરતી
ટહુકાઓ છાતીમાં કેદ !
વનરાઈયું જોતી મને એવી નજરથી
જાણે જાણતી સૌ વાતોનો ભેદ !
આંખો મીંચું તો પાંપણે ઊભરાતી
કાનાના કામણની વાત ! … લ્યો કાનાએ
e.mail : gor.uday.chandra@gmail.com