એન્જિનિયરિંગ માટેની એન્ટ્રન્સ ટેસ્ટમાં નિષ્ફળ જવાથી એક તરુણ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દીકરાની સ્થિતિથી ભાંગી પડેલો અનિરુદ્ધ કહે છે, ‘આપણી પાસે સફળ થવાની અનેક યોજનાઓ હોય છે, પણ નિષ્ફળ ગયા તો શું, એ વિશે કોઈ વાત પણ નથી કરતું.’ અને તે અલગ રહેતી પત્ની માયાને અને પોતાના કૉલેજના સાથીઓને બોલાવે છે. આ બધા કૉલેજના દિવસોમાં કેમ્પસમાં ‘લૂઝર્સ’ કહેવાતા પણ દરેક મુશ્કેલીમાં ઊંચું માથું રાખી ટકી જતા. પિતા અને તેના મિત્રોના વિદ્યાર્થીજીવન વિશે જાણીને દીકરામાં નવી હિંમત આવે છે. અનિરુદ્ધ કહે છે, ‘સફળતા અંતિમ નથી. નિષ્ફળતા પણ અંતિમ નથી. અગત્યનું એ છે કે તમે હિંમતથી ચાલતા રહો.’
2019ની ફિલ્મ ‘છિછોરે’ની આ વાર્તા છે. આવા ગંભીર વિષય પર હળવી પણ અસરકારક ફિલ્મ બનાવવા માટે નીતેશ તિવારી અભિનંદનના અધિકારી છે. તેમાં અનિરુદ્ધની ભૂમિકા સુશાંતસિંહ રાજપૂતે કરી હતી. તેનો અભિનય વખણાયો હતો. ત્યારે કોઈ એ જાણતું નહોતું કે ફિલ્મમાં ‘આત્મહત્યા એ કોઈ ઉપાય નથી.’ એમ કહેનાર સુશાંતસિંહ રાજપૂત બીજે જ વર્ષે પોતાનો પ્રાણ લેશે.
2020ના જૂન મહિનાની 14મી તારીખે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આખો દેશ એવો ખળભળી ગયો કે કોરોનાનો સકંજો પણ ભુલાઈ ગયો. આ ઘટનાને એક વર્ષ થઈ ગયું છતાં વિવાદો શમ્યા નથી. દરમ્યાન વર્ષ 2021માં ‘છિછોરે’ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો મરણોત્તર અવૉર્ડ જાહેર થયો છે.
પાંચ ભાઈબહેનોમાં સૌથી નાના સુશાંતને સૌ લાડથી ‘ગુલશન’ કહેતા. પટણામાં જન્મ, કૉલેજ દિલ્હીમાં કરી. ઘણું વાંચતો. એસ્ટ્રોનટ બનવાના કે એરફૉર્સમાં જવાનું સ્વપ્ન જોતાં સુશાંતે પરિવારના આગ્રહથી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એ શાહરૂખ ખાનથી ખૂબ પ્રભાવિત હતો એટલે સ્વપ્નોમાં બૉલિવૂડ પણ આવતું. ભણતાં ભણતાં શ્યામક દાવરના નૃત્યવર્ગો અને બેરી જોન્સનના અભિનયવર્ગો ભર્યા. એવો રસ પડી ગયો કે ચોથા વર્ષમાં કૉલેજ છોડી મુંબઈ આવી ગયો. આડીઅવળી જોબ્સ, નાદિરા બબ્બરનું ‘એકજૂટ’, 2008થી ફિલ્મો-ટી.વી.ની શરૂઆત, દિગ્દર્શનમાં રસ, ‘કાઈપો છે’, ‘પીકે’, ‘ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી’, ‘એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ બાર ફિલ્મો, છ ટી.વી. શો, નવ અવૉર્ડ, દસ નૉમિનેશન – ગ્રાફ ઊંચો ચડતો ગયો. તેને ‘નેક્સ્ટ શાહરૂખ ખાન’ શબ્દોથી અભિનંદી શેખર કપૂરે ‘પાની’ ફિલ્મમાં લીધો. આ ફિલ્મ પછીથી યશરાજ ફિલ્મે લીધી, સુશાંતનો કોન્ટ્રાક્ટ કૅન્સલ થયો અને રહસ્યમય ઘટનાઓની શરૂઆત થઈ, જેનો અંત 2020ની 14મી જૂને તે તેના ઘરમાં પંખા પર લટકેલો મળી આવ્યો એ ઘટનામાં આવ્યો.
હકીકતો ખૂલતી ગઈ, કહાણીઓ બનતી ગઈ. માધ્યમોએ તેના મૃત્યુને અશોભનીય રીતે ચગાવ્યું. તેને ડિપ્રેશન અને બાયપોલાર ડિસઑર્ડર હોવાનું કહેવાયું, ડ્રગ્સ અને સંબંધોના કિસ્સા ઊભા થયા. યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું. 200થી વધુ લેખો એ ગાળામાં જ છપાયા. હજી વણઝાર ચાલુ જ છે. આ બધાથી, ખલાસ થઈ ગયેલી એક આશાસ્પદ જિંદગી પાછી નથી આવવાની. એના મૃત્યુથી જાગેલા અનેક સવાલો હજી હવામાં તરે છે.
સેલિબ્રિટિઝ અને સ્યુસાઈડ વચ્ચે શો સંબંધ છે? 1964માં ગુરુ દત્તે આત્મહત્યા કરી – દારૂ અને ઊંઘવાની ગોળીઓનું મોટું પ્રમાણ એના મૃત્યુનું કારણ હતું. એની ચર્ચાઓ હજી ઊખળ્યા કરે છે. કારકિર્દી શિખરે હતી, પણ ગીતા સાથેનાં લગ્ન ભાંગવાની અણી પર હતાં, વહીદા સાથેના સંબંધો ભવિષ્ય બતાવતા ન હતા. તેણે એકથી વધારે વાર આત્મહત્યાની કોશિશ કરેલી. શા માટે આ પ્રતિભાશાળી માણસ શરાબમાં ડૂબી ગયો? શા માટે મરી ગયો? કોઈ કાઉન્સેલર, કોઈ સકાયાટ્રિસ્ટને કેમ ન મળ્યો?
1994માં મનમોહન દેસાઈએ આપઘાત કર્યો. અનેક સફળ ફિલ્મોના સર્જક. પીઠનો દુ:ખાવો હતો, છેલ્લી ફિલ્મો સફળ નહોતી થઈ, પત્ની મૃત્યુ પામી હતી. નંદા સાથે પરણવાના હતા. કોઈ રસ્તો નહીં બચ્યો હોય? દિવ્યા ભારતી પડી ગઈ. સિલ્ક સ્મિતાએ સ્લીપિંગ પિલ્સ લીધી. પ્રત્યૂષા બેનર્જી અને જિયા ખાને ગળે ફાંસો ખાધો. કુલજિત રંધાવાએ તેની ગર્લફ્રેન્ડ બીજા સાથે પરણવાની હતી એટલે આપઘાત કર્યો. ભાવિ પતિ પરણેલો નીકળ્યો એટલે ગર્લફ્રેન્ડે પણ આપઘાત કર્યો. આ લોકો કોઈ ચિઠ્ઠી વગેરે છોડી જતા નથી એટલે એમનાં મૃત્યુ અકસ્માત, આત્મહત્યા અને હત્યા આ ત્રિપાંખિયા પ્રશ્નથી ચૂંથાઈ, વિવાદોનાં થોડાં વમળ જન્માવી એક દિવસ જંપી જાય છે. દુનિયા ફિલ્મોની હોય કે ફિલ્મબહારની, કોઈના માટે રોકાવાની ફૂરસદ કોને છે?
આ તો બોલિવૂડના થોડાં ઉદાહરણો છે. શોધીએ તો બીજાં અનેક મળે. હોલિવૂડની સેલિબ્રિટિઓ પણ આમાંથી બાકાત નથી. બધી રીતે સુખી અને સફળ નીવડેલી સેલિબ્રિટિઓ શા માટે જીવનનો અંત આણે છે?
ફ્રાન્સની લેખિકા એમિલિ ડર્ખનિલે ‘સ્યુસાઈડ’ નામનું પુસ્તક લખ્યું છે. તેણે આત્મહત્યાના પ્રકારો પાડ્યા છે અને સ્ટારડમને જીવલેણ કહ્યું છે. આ દુનિયાની સફળતા અને ચકાચોંધ લોભામણાં છે. પણ તેની પાછળ રહેલી નિષ્ફળતા અને અસલામતીની ભૂતાવળ કોઈને દેખાતી નથી. આત્મરતિ અને અહંકારના આ વિશ્વમાં સાચો સાથ કે સાચું માર્ગદર્શન મળતું નથી. કુટુંબજીવન નહીંવત હોય છે. શિક્ષણ કે વાંચનવિચારનો પાયો હોતો નથી. જીવસટોસટની હરીફાઈ, ઈમેજની ચિંતા, જૂથવાદ, એકલતા, ઉગ્રતા, શત્રુભાવ આ બધાથી મોટા પ્રમાણમાં એંક્ઝાયટી જેને પર્ટર્બેશન કહે છે તે જન્મે છે. સતત આ સ્થિતિથી વિચારો એક જ ઉગ્ર-તીવ્ર લાગણી પર એકાગ્ર થતા જાય છે – અ સ્ટેટ ઑફ હોપલેસનેસ, હેલ્પલેસનેસ એન્ડ વર્થલેસનેસ. પછી કોઈ રસ્તો બચતો નથી. ભયાનક આવેશની આગમાં તર્ક, જાણકારી, ઈચ્છા બધું સળગી જાય છે અને માણસ પોતાને ખલાસ કરી નાખે છે.
અપરાધની દુનિયાની જેમ ફિલ્મી દુનિયામાં પણ વન-વે એન્ટ્રી છે. એક વાર દાખલ થઈ જાઓ પછી નીકળી ન શકો. રસ્તાઓ અત્યંત લપસણાં હોય છે અને સફળતા, લોકપ્રિયતા ને સંબંધો અત્યંત બટકણાં હોય છે. ગ્લિટઝ અને ગ્લેમરના ઝળહળાટ પાછળ એકલતા અને અસલામતીનું ગાઢ અંધારું હોય છે. સામાન્ય તારણ એવું છે કે સ્ત્રીઓ આત્મહત્યાની વાતો વધારે કરે છે અને પુરુષો આત્મહત્યા વધારે કરે છે, પણ બૉલિવૂડમાં સ્ત્રીઓની આત્મહત્યાનું પ્રમાણ વધુ છે, કેમ કે અહીં સુંદરતાની બોલબાલા છે ને સંબંધો સ્વાર્થના છે. યુવતીઓ પાસે જાતજાતની અલિખિત અપેક્ષાઓ રખાય છે, શોષણ થાય પણ છે અને થવા દેવાય પણ છે. પ્રિયંકા ચોપરાએ આત્મહત્યાની કોશિશ એકથી વધારે વાર કરી છે. દિપિકા પદુકોણ અને સુસ્મિતાએ ડીપ્રેશનની સારવાર લીધાનું કબૂલ કર્યું છે.
ભારતમાં માનસિક સ્વાસ્થ્ય ઉપેક્ષિત અને પ્રતિબંધિત પ્રકારનું ક્ષેત્ર છે. પણ સુશાંતસિંહની આત્મહત્યા પછીની પોસ્ટ્સ જોઈ 32 વર્ષની ઉંમરે યુનિયન મિનિસ્ટર બનેલા મિલિંદ દેવરાએ પોતાના ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારોની વાત બહુ નિખાલસતાથી કરી હતી અને આ સ્થિતિમાં પ્રોફેશનલ હેલ્પની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
આત્મહત્યાની વૃત્તિ એ ડિપ્રેશનનો સૌથી ખરાબ તબક્કો છે, પણ એ તબક્કે પણ માણસ ખરેખર મરવા માગતો નથી. એ ઈચ્છતો હોય છે પીડાનો અંત. તે સંકેતો આપતો હોય છે, પણ વ્યસ્ત જીવનશૈલીમાં રત આસપાસના લોકો તેને પકડી શકતા નથી. સુશાંતના કિસ્સામાં નોકરોને પગાર વહેલા ચૂકવવા, પોસ્ટનાં લખાણ, ફોન પરની વાતો, ઇમેજમાં મૂકેલું ‘સ્ટારી નાઈટ્સ’ ચિત્ર – આ બધા સંકેતો હતા.
‘સ્ટારી નાઈટ્સ’ ચિત્ર વાન ગૉગે પાગલખાનામાં સારવાર દરમ્યાન રચ્યું હતું. બીજે વર્ષે 37 વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી. તેની પ્રતિભાને તેના જીવતા કોઈએ ઓળખી નહીં. તેનાં સૂરજમુખી ઊભાં સળગી ગયાં. આ ઘટનાને સવાસો વર્ષ થયાં. અદમ્ય સર્જકતા, પરિસ્થિતિઓ, હતાશાઓ, આત્મહત્યાઓનો સિલસિલો ચાલુ છે. જીવ લઈ લેતી હતાશામાંથી ઉગરવાની કોઈ ટેકનોલોજી કેમ નહીં શોધાઈ હોય?
e.mail : sonalparikh1000@gmail.com