આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂજી જાય હો રાજ, મારી આંખો જાગીને સૂજી જાય.
ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઊડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઊડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.
એવાં તે કામણ કહે, શીદને ત્હેં કીધા,
ભરિયા ના જામ તો યે, મદિરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.
લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.
e.mail : ddhruva1948@yahoo.com