વિશ્વમાં વિવિધ દેશોમાં ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, મોટી સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે, પાણીના પ્રવાહોની દિશા બદલાઈ રહી છે, દરિયા હોય કે ખીણ – ત્યાં પણ પુરાણ થઈ રહ્યા છે, જંગલી જાનવરો શહેરોમાં ધસી આવે છે કારણ કે તેમના પ્રાકૃતિક રહેઠાણોનો ખાત્મો બોલાઈ ગયો છે. રેલવે, બ્રિજ, કોરડોર્સ, ખાનગી અને જાહેર બાંધકામના તોતિંગ કામો જેવું કેટલું ય આ બધા માટે કારણભૂત છે.

ચિરંતના ભટ્ટ
1978માં ડાયરેક્ટર મીરાં નાયરની ફિલ્મ આવી હતી, ગમન – એમાં મુંબઈની ફિતરત અને મિજાજને આલેખવામાં આવી હતી. સીને મેં જલન, આંખોમેં તુફાન સા ક્યૂં હૈ – ફિલ્મનું આ ગીત આજે પણ મુંબઈની દોડતી જિંદગી અને કાળી પીળી ટેક્સીથી વ્યસ્ત રસ્તાઓનું ચિત્ર ખડું કરી દે તેવું છે. આ ગીત આજે પણ એટલું જ પ્રાસંગિક છે પણ ફેર માત્ર એટલો છે કે આ વ્યસ્તતામાં પ્રદૂષણ – સ્મોગ – સ્મોક અને ફોગ – ધૂળ અને ધુમ્મસનો ઉમેરો થઈ ગયો છે.
જે રીતે દિલ્હીનું હવા પ્રદૂષણ હંમેશાં ચર્ચામાં રહ્યું છે, હવે એ રેસમાં મુંબઈ પણ જોડાયું છે. સમાચાર માધ્યમો માટે શહેરની એર ક્વૉલિટીની ચર્ચા એક મુદ્દો બન્યા હોવાનું પણ હવે નવું નથી. મુંબઈ અને દિલ્હીના આ સ્મોગનાં કારણો પણ જુદાં છે. આજકાલ મુંબઈ આ રેસમાં વધુ ઝળકે છે પણ આ વાહનોનું પ્રદૂષણ નથી. આ પ્રદૂષણ છે મુંબઈમાં કૂદકે અને ભૂસકે થઈ રહેલાં બાંધકામને કારણે! વળી ક્લાઇમેન્ટ ચેન્જનું છોગું તો મોટુંમસ છે જ. ગણતરીના દિવસો પહેલા મુંબઈના બ્રિહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બી.એમ.સી.એ માર્ગદર્શિકા જાહેર કરી કે શહેરમાં બાંધકામની જે પણ તોતિંગ સાઇટ્સ છે, તેઓ જો તેમના બેરિકેડ ઊંચા નહીં કરે – 35 ફિટ જેટલા ઊંચા અથવા તો ટ્રેમ્પોલિન – તાડપત્રીથી પોતાના કન્સ્ટ્રક્શનને ઢાંકશે નહીં તો બાંધકામ કરનારાઓ પર પગલાં લેવામાં આવશે. બાંધકામ અટકાવી દેવામાં આવશે. વળી રાજ્ય સરકારના રિફાઇનર્સ હોય કે ખાનગી કંપનીઓ હોય તમામના પ્લાન્ટ્સ પર બી.એમ.સી. ચાંપતી નજર રાખશે એવી જાહેરત પણ કરાઈ છે.
દિલ્હીને વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે એકથી વધુ વખત નવાજવામાં આવ્યું છે. દિલ્હી અને મુંબઈ બન્ને શહેરો એવા છે જ્યાં ક્રિકેટ વિશ્વ કપની મેચિઝ થતી હોય છે અને ખેલાડીઓને હજી સુધી તો આ પ્રદૂષણ નડ્યું નથી – પરંતુ ક્રિકેટર્સને આ મુદ્દાની ચર્ચા ચોક્કસ કરી છે. વળી પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં થતી તકલીફો, એલર્જીની સમસ્યાઓ વગેરે તો ખડું છે જ. મુંબઈ માટે આ હજી નવું છે પણ ગયા વર્ષે પણ એક વાર મુંબઈની હવાની ગુણવત્તા દિલ્હી કરતાં બદતર થઈ હોવાનું નોંધાયું હતું.
મુંબઈ અને દિલ્હીમાં શું હાલ છે એ તો જાણે સમજ્યા પણ વિકાસ અને પર્યાવરણને મામલે સંતુલન કરવાનું માત્ર આપણા મેટ્રો સિટીઝમાં નહીં પણ દુનિયા આખીના દેશોમાં એક બહુ મોટો પ્રશ્ન રહે છે. તાજેતરમાં જ મલેશિયા, ઇન્ડોનેશિયાના – દક્ષિણ સુમાત્રામાં પ્રદૂષણને કારણે થયેલા ધુમ્મસની સમસ્યા ખડી થઇ હતી. મેલેશિયામાં તો ઑક્ટોબરની શરૂઆતમાં જ પડોશના ઇન્ડોનેશિયાના જંગલમાં લાગેલી આગને કારણે પ્રદૂષણને પગલે સ્કૂલો બંધ કરવાની નોબત આવી હતી. ત્યાંના રહેવાસીઓ પોતાના ઘરનાં બારી-બારણાં સુદ્ધાં નથી ખોલતા અને લોકોને પાણી પીને હાઇડ્રેટેડ રહેવાની સલાહ અપાય છે. જંગલની આગ હોય કે તોતિંગ બાંધકામ – મુદ્દો એ છે કે આપણે હવે એ તબક્કે આવી ગયાં છીએ જ્યાં શ્વાસ લેવામાં ય જોખમ છે. સિંગાપોરમાં પણ આવી સમસ્યાઓ હવે દર વર્ષે થતી ઘટના છે. છેલ્લા બે દાયકાથી ઓઇલ પામ પ્લાનેટેશન માટે મોટા પાયે જંગલોનો સફાયો થયો છે અને આ કારણે આ હવાના પ્રદૂષણની સમસ્યાઓ કાયમી બાબત બની ચૂકી છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા – જે ખોરાકથી માંડીને સાબુ અને લિપસ્ટિકનું સુધ્ધાં ઉત્પાદન કરે છે અને યુરોપિયન યુનિયન સહિતના અન્ય રાષ્ટ્રોમાં આ ઉત્પાદનોની નિકાસ કરે છે. આ ઉત્પાદનોની બનાવટ માટે જ પામ ઓઇલની જરૂર ખડી થાય છે. જૂન મહિનામાં યુરોપિયન યુનિયને આ અસરોને ગણતરીમાં લઇને જંગલોનો સફાયો કરવો પડે એવા ઉત્પાદનોની આયાત પર મર્યાદા બાંધવાનું પણ નક્કી કર્યું. યુ.એસ.એ. જેવા મહાસત્તા ગણાતા રાષ્ટ્રમાં પણ ક્લાઇમેટ ચેન્જને કારણે પ્રદૂષણ, બગાડ, પાણીના પ્રશ્નો, ઊર્જાની સમસ્યાઓ, જંગલોનો ખાત્મો થવાથી માંડીને પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવા જેવી પર્યાવરણીય આફતો આવતી રહી છે.
પર્યાવરણના પ્રશ્નો વિશ્વમાં ક્યાં અને કેવા છેનો મુદ્દો જો વિગતે છોડાશે તો એવો ઘાટ થશે કે – બાત નિકલેગી તો ફિર દૂર તલક જાયેગી. પર્યાવરણવાદી અર્થશાસ્ત્રીઓ ‘ગ્રીન ઇકોનોમી’ની તરફેણ અને પ્રચાર-પ્રસાર કરતા રહ્યા છે. વિકાસના પ્રોજેક્ટ થાય તો એ રીતે થાય કે તે પર્યાવરણનું સંતુલન ન ખોરવી દે. વિશ્વમાં વિવિધ દેશોમાં ખેતીલાયક જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, મોટી સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે, પાણીના પ્રવાહોની દિશા બદલાઈ રહી છે, દરિયા હોય કે ખીણ – ત્યાં પણ પુરાણ થઈ રહ્યા છે, જંગલી જાનવરો શહેરોમાં ધસી આવે છે કારણ કે તેમનાં પ્રાકૃતિક રહેઠાણોનો ખાત્મો બોલાઈ ગયો છે. રેલવે બ્રિજ, કોરડોર્સ, ખાનગી અને જાહેર બાંધકામના તોતિંગ કામો જેવું કેટલું ય આ બધા માટે કારણભૂત છે.
આપણા દેશમાં તો સુપ્રીમ કોર્ટે પણ વર્ષની શરૂઆતમાં વિકાસ અને પર્યાવરણની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાની વાત પર ભાર મૂકતી રજૂઆત કરી હતી. અર્બન ડેવલપમેન્ટના નેજા હેઠળ થતી કામગીરી શરૂ થાય તે પહેલાં પર્યાવરણ પર તેની શી અસર હોઇ શકેની તપાસ અને માઠી અસરો ઓછામાં ઓછી થાય તે રીતેની યોજના અને નીતિઓ હોવા અંગે સુપ્રીમ કોર્ટે ચર્ચા છેડી હતી.
પર્યાવરણના પ્રશ્નો વૈશ્વિક છે, અને નવા નથી. પર્યાવરણને લગતા કાયદાને સીધો સબંધ છે સત્તાધીશો સાથે જેમણે પોતાના યોગદાન, પોતાની ફરજ અને સત્તાનો ઉપયોગ પર્યાવરણ પર માઠી અસરો રોકવા માટે કરવો જોઇએ. સંતુલિત આર્થિક વિકાસના મુદ્દાને આપણે પૂરી રીતે સમજીએ છીએનો આત્મવિશ્વાસ રાખતા પહેલાં આપણે આ બન્ને પાસાં વચ્ચેનો સંબંધ સમજવો વધુ અગત્યનો છે. આર્થિક વિકાસ એટલે માત્ર માળખાકીય વિકાસ નહીં પણ એ રીતે થતી કામગીરી જેમાં ગરીબીની નીચે જીવનારા લોકોને પણ પ્રગતિ કરવાનો મોકો મળે. સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારીની તક મળે. સ્વસ્થ લોકો સમાજને સદ્ધર બનાવશે અને પોતાની આસાપાસના પર્યાવરણની રક્ષાનું મહત્ત્વ તેઓ સમજશે પણ અને તે સચવાય તે માટે સત્તાધીશોને સવાલ કરી શકશે, ટેકો આપી શકશે.
બાય ધી વેઃ
સરકારો માટે મોટા પ્રોજેક્ટ શક્તિ પ્રદર્શન સાબિત થાય છે પણ કુદરતી શક્તિના સમીકરણોને ધ્યાનમાં લીધા વિના જો અંધાધુંધ વિકાસ કરવામાં આવશે તો પ્રકૃતિનો પ્રકોપ ભલભલાનો ભોગ લઈ લેશે. માનવસર્જીત કુદરતી આફતો દુનિયાના ખૂણે ખૂણે કોઈને કોઈ રીતે થતી રહે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ – ટકાઉ વિકાસ – એક એવો શબ્દપ્રયોગ છે જેનો ઉપયોગ સત્તાધીશો બોલવા પૂરતો જ કરતા હોય છે. જમીન પરની હકીકત જુદી હોય છે જ્યાં માત્ર વિકાસને ધ્યાનમાં રખાય છે જેને પગલે પર્યાવરણનો કચ્ચરઘાણ થાય છે અને લાંબા ગાળાની અસરમાં હેરાન તો સામાન્ય લોકો જ થતા હોય છે. વિકાસ સાચા અર્થમાં સર્વાંગી હોય તો જ પર્યાવરણની સુરક્ષા થવાની શક્યતાઓ વધે. પર્યાવરણનું સ્તર આ રીતે સતત કથળશે તો જે આવનારી પેઢીઓના નામે વિકાસનાં કામ થઇ રહ્યા છે એ પેઢીઓ જ આ વિકાસને માણવા માટે સ્વસ્થ રહેશે કે કેમ તે જોવું પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ઑક્ટોબર 2023