પાકિસ્તાનની વાત આવે એટલે ભારતીયતા જાગી ઊઠે, કારણ પાકિસ્તાન ભારતનું દુ:શ્મન છે. બ્રાહ્મણની વાત આવે એટલે દલિતપણું જાગી ઊઠે !
બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો તેને કારણે બ્રિટનમાં વસતા અન્ય ભારતીયો નારાજ થયા છે અને તેઓ ગુજરાતીઓનાં વલણને વિભાજક અને ભારતીયતા વિરોધી તરીકે ઓળખાવી રહ્યા છે. કેટલાક લોકો તેને મનોમન હિંદુ વિરોધી પણ માનતા હશે, પણ તેમ બોલતા નથી. બ્રિટિશ ગુજરાતીઓએ અલગથી ‘ધ બ્રિટિશ ગુજરાતી ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ’ની સ્થાપના કરી છે. સાધારણ રીતે પરાયા દેશમાં વસતા સ્વદેશીઓ વચ્ચે વધારે લાગણીનો સંબંધ જોવા મળે છે. ઘરઆંગણે ધર્મ, ભાષા, નાત-જાતના નામે એકબીજાથી અંતર પાળતા લોકો પરાયા દેશમાં વધારે એકત્વ ધરાવે છે. કારણ બહુ સ્પષ્ટ છે; હૂંફ, સલામતી અને સાંસ્કૃતિક સહિયારાપણું. માણસ એકલો જીવી શકતો નથી અને જેમ જેમ કેન્દ્રથી દૂર જાય એમ પોતાનાંનો પરિઘ પહોળો થવા લાગે છે.
તો પછી એવું શું થયું કે બ્રિટનમાં ગુજરાતીઓએ અલગ ચોકો કર્યો? આજકાલ ભારતમાં વસતા હિંદુઓ કરતાં વિદેશમાં વસતા હિંદુઓ વધારે દેશપ્રેમી અને રાષ્ટ્રવાદી છે. તેઓ વધારે ધર્મપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી છે. તેઓ વતનઝૂરાપો અનુભવે છે અને પાછળ કાંઈક છૂટી ગયું હોવાની પીડા અનુભવે છે. માટે તો ભારતીય પ્રજા જે દેશોમાં વસે છે એ દેશોના લોકો ફરિયાદ કરે છે કે તેઓ રહે છે અહીં, કમાય છે અહીં, સુખસગવડ અહીંની ભોગવે છે; પણ તેમનો પહેલો પ્રેમ તેમના વતન માટે અને પોતાના ધર્મ માટે હોય છે. જો તેઓ આટલો બધો ઝૂરાપો અનુભવતા હોય તો તેમણે પોતાને વતન પાછા જતા રહેવું જોઈએ. કાં તો જે ભૂમિમાં રહેતા હોય તેને પ્રેમ કરતા શીખો અને કાં જે ભૂમિને પ્રેમ કરતા હો ત્યાં જતા રહો. બ્રિટિશ ગુજરાતી કે બ્રિટિશ શીખમાં જે બ્રિટિશ છે એ સ્થળવાચક છે એનાથી વિશેષ કાંઈ જ નથી એમ તેઓ ટોણો મારે છે. તેઓ એટલે કે ભારતીયો ખરા અને વિશાળ અર્થમાં બ્રિટિશ થયા નથી અને થવા માગતા નથી.
પરાઈ ધરતીમાં વધારે એકતા જોવા મળતી હોય તો એ એકતા બ્રિટિશ ગુજરાતીઓએ તોડી શા માટે ? અને તેઓ જો સવાયા દેશપ્રેમી રાષ્ટ્રવાદી ભારતીય હોય તો તેનું બ્રિટનમાં બાષ્પીભવન કેમ થઈ ગયું? આ ઘટના એક રીતે નાની છે, પણ તેનાં સૂચિતાર્થો ઘણાં મોટાં છે. ખાસ કરીને અત્યારે અસ્મિતાઓનો જ્વર વકર્યો છે અને રાજકારણનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ત્યારે એને સમજવાની જરૂર છે.
બ્રિટનની સંસદમાં ભારતીય વંશના 27 સંસદસભ્ય છે અને તેમાં 14 ગુજરાતી છે. 27 ભારતીય વંશના સંસદસભ્યોમાં 15 સભ્યો આમની સભાના સભ્યો છે એટલે કે આપણી લોકસભાની જેમ અદના બ્રિટિશ મતદાતાઓએ ચૂંટ્યા છે. બ્રિટનના વડા પ્રધાન ભારતીય વંશના છે. ગોરા ખ્રિસ્તી અંગ્રેજોએ એક વિદેશી વંશના, અશ્વેત અને વિધર્મીને પોતાનો ગણ્યો છે, પણ ગુજરાતીઓએ સંસદમાં તેમની બહુમતી હોવા છતાં અલગ ચોકો કર્યો છે. જો અલગ ચોકો કરવો હોય તો પંજાબી કે બીજા કરે, ગુજરાતીઓ શા માટે કરે જેનું પલડું પહેલેથી જ ભારે છે!
એનાં બે કારણ છે. એક તો ભારતીય માનસ. ભારતીય જેવી અને ભારતીય જવા દો, અખંડ હિંદુ જેવી કોઈ ચીજ નથી. સરેરાશ ભારતીય એક સાથે એક કરતાં વધુ ઓળખ ધરાવીને જીવે છે. એક કરતાં વધુ ઓળખ ધરાવે છે એટલે દેખીતી રીતે એક કરતાં વધુ દુ:શ્મન ધરાવે છે. પાકિસ્તાનની વાત આવે એટલે ભારતીયતા જાગી ઊઠે, કારણ પાકિસ્તાન ભારતનું દુ:શ્મન છે. બ્રાહ્મણની વાત આવે એટલે દલિતપણું જાગી ઊઠે. ગુજરાતની વાત આવે એટલે ગેરગુજરાતીની યાદ આવે. આમ ઓળખ પકડશો નહીં કે દુ:શ્મન સામે આવશે નહીં. આ અસ્મિતા કે ઓળખનો સ્વભાવ છે. આમાં જો સંખ્યા મોટી હોય અને સંખ્યા અને આર્થિક-સામાજિક રાજકીય તાકાત વધુ હોય તો ઓળખ માતેલી બનવા લાગે છે અને દુ:શ્મન મોટો દુ:શ્મન બની જાય છે. બ્રિટનમાં આવું બની રહ્યું છે. અડધો અડધ વસ્તી ગુજરાતીઓની છે અને બીજી કોમ કરતાં આર્થિક-સામાજિક-રાજકીય સરસાઈ ધરાવે છે. બીજાઓને ઘાસ નાખવાની જરૂર શું છે? ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો એનું આ પહેલું કારણ.
બીજું કારણ આનાથી પણ વધારે ચિંતા કરાવનારું છે. એક જમાનામાં લોકશાહી દેશોમાં રાજકીય પક્ષો ચોક્કસ વિચારધારા અને વિચારધારા આધારિત નીતિને વરેલા હતા. બ્રિટનમાં મજૂર પક્ષ વસાહતીઓની બાબતે ઉદાર વલણ અપનાવતો હતો એટલે ભારતીયો મહદ્અંશે તેને ટેકો આપતા હતા. આજે વિચારધારા અને નીતિનું સ્થાન લોબિંગે લઈ લીધું છે. એક સમાન હિતસંબંધો ધરાવનારાઓ જે તે પક્ષના પ્રતિનિધિઓને પોતાના જૂથ માટે લોબિંગ કરવા રોકે અને તેમને પૈસા આપે. પશ્ચિમના કેટલાક દેશોમાં લોબિંગ કાયદેસર છે.
બ્રિટિશ ગુજરાતી શ્રેષ્ઠીઓને લાગ્યું હશે કે આ રાજકારણીઓને પૈસા આપણે આપીએ, મત આપણા વધુ તો આપણી વગમાં હજુ વધારો થાય એવું શા માટે ન કરવું? બાકીના ભારતીયો જાય ભાડમાં, તેઓ પોતાનું ફોડી લેશે. નવા જૂથનું નામ જુઓ : ‘ધ બ્રિટિશ ગુજરાતી ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ’ ઑલ પાર્ટી. અમારું કામ કરી આપો, અમે તમારું કામ કરી આપશું.
ટૂંકમાં ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો એનું બીજું કારણ સ્વાર્થ છે. આવતીકાલે બ્રિટિશ ગુજરાતી પાટીદારોનું પણ અલગ જૂથ રચાઈ શકે છે. પૈસા અમે ખરચીએ તો અમારી સરસાઈ વધવી જોઈએ! જગતમાં અત્યારે લોકશાહી પર કુઠારાઘાત થઈ રહ્યા છે અને તેનું પોત પાતળું પડી રહ્યું છે તેનું આ મુખ્ય કારણ છે. પૈસાએ વિચારને ખરીદી લીધો છે. ખરીદ્યો નથી, ખતમ કરી નાખ્યો છે. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, બહુમતી રાષ્ટ્રવાદ વગેરે બેવકૂફ લોકોને પકડાવવા માટેનું ગાજર માત્ર છે.
માટે કહ્યું કે આ ઘટના નાની છે, પણ તેનાં સૂચિતાર્થ મહત્ત્વનાં છે. ઓળખ સ્વાર્થનિર્ભર છે અને તે સતત બદલાતી રહેતી હોય છે! માટે ગાંડા થવાની જરૂર નથી.
e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘કારણ તારણ’, ‘રસ રંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઍપ્રિલ 2023
છવિ સૌજન્ય : ભૂપેન્દ્રસિંહજી જેઠવા