રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ છે ત્યારથી દશેરાને દિવસે નાગપુરમાં સંઘના સ્વયંસેવકોની પરેડ અને એ પછી સરસંઘચાલકના લાંબા ભાષણની અખંડ પરંપરા છે. જ્યાં સુધી સંઘપરિવાર સત્તાથી દૂર હતો ત્યાં સુધી સંઘ શું વિચારે છે એની ખાસ નોંધ લેવામાં આવતી નહોતી, પરંતુ હવે દેશમાં અને દેશનાં અનેક રાજ્યોમાં સંઘપરિવારની સરકારો હોવાથી સંઘ શું વિચારે છે એ જાણવા દેશ ઉત્સુક હોય એ સ્વાભાવિક છે.
આ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ત્રણ વાત કહી છે. એક તો તેમણે એ કહ્યું છે કે મૉબ લીન્ચિંગ એટલે કે ટોળે મળીને કોઈને મારી નાખવાની પરંપરા ભારતીય નથી. આવી ઘટનાઓ ભારતને બદનામ કરવા માટે બની રહી છે. તેમણે બીજી વાત એ કહી હતી કે દેશમાં મંદી છે જ નહીં અને ખોટો હાઉ મચાવવામાં આવી રહ્યો છે. તેમણે ત્રીજી વાત એ કહી કે દેશે સ્વદેશીની આર્થિક નીતિ અપનાવવી જોઈએ. આમ તો નાગપુરમાં કહેવાયેલી ત્રણમાંથી બે વાત હસી કાઢવા જેવી છે અને પહેલા કથન સામે ખૂબ કહેવાનું બને છે.
એ વાત ખરી છે કે મૉબ લીન્ચિંગ એ ભારતીય પરંપરાનો હિસ્સો નથી. હિંદુઓમાં એટલી મોકળાશ હતી કે ભારતમાં દરેક શ્રદ્ધાઓ જન્મી, વિકસી ને વિસ્તરી છે, ત્યાં સુધી કે નાસ્તિક પરંપરાઓ પણ ભારતમાં વિકસી છે અને વિસ્તરી છે. ત્યારે વેદને નકારી શકાતા હતા અને ઈશ્વર, પાપ-પુણ્ય અને પુનર્જન્મને નકારનારી લોકાયત પરંપરાને પણ ભારતમાં દર્શન તરીકે જોવામાં આવે છે. પણ આ બધી પ્રાચીન ભારતની વાત થઈ.
એ પછીના ભારતમાં? મધ્યકાલીન ભારતમાં દલિતો સાથે અને ઘરમાં તેમ જ સમાજમાં સ્ત્રીઓ સાથે અત્યાચાર કરવાનું શરૂ થયું હતું. જગત ભરમાં ચોક્કસ કોમ સાથે અનેક પ્રકારે અત્યાચાર કરવામાં આવતા હતા અને આજે પણ કરવામાં આવે છે. મૉબ લીન્ચિંગ આવા અનેક પ્રકારના અત્યાચારોમાંનો એક પ્રકાર છે. ભારતમાં મૉબ લીન્ચિંગ નહોતું થતું એટલે આપણે દલિતો અને સ્ત્રીઓ સાથે ન્યાયથી વર્તતા હતા એવું નથી. આપણે બીજી અનેક રીતે તેમની સાથે અત્યાચાર કરતા હતા. આમ મૉબ લીન્ચિંગની પરંપરા આપણે ત્યાં નહોતી એનો અર્થ એવો નથી કે આપણે નખશિખ કલંક વગરના પવિત્ર હતા.
બીજો અને સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ભારતીય પરંપરામાં જે ચીજ નહોતી એ અત્યારે ન જ હોય એવું થોડું છે? સારી-ખરાબ એવી ઘણી ચીજો છે જે આપણે અન્ય દેશો કે પ્રજા પાસેથી લીધી છે. મૉબ લીન્ચિંગ ભારતીય પરંપરાનો હિસ્સો નથી તો પણ આજે ભારતમાં એવી ઘટનાઓ બની રહી છે એ હકીકત છે. જો આપણી પરંપરા મહાન હોય અને તેમાં નઠારી ચીજો પ્રવેશી જ ન શકે એવી અક્ષુણ હોય તો મૉબ લીન્ચીનની ઘટનાઓ ભારતમાં બનવી નહોતી જોઈતી.
બહુમતી રાષ્ટ્રવાદ પણ ભારતીય પરંપરાનો હિસ્સો નથી અને તે અનર્થકારી છે તે છતાં સંઘે અપનાવ્યો છે. હકીકતમાં રાષ્ટ્રવાદ કોઈ પરંપરાનો હિસ્સો નથી. રાષ્ટ્રવાદ સવા બસો વરસ પહેલા આકાર પામ્યો હતો અને તેની પાછળ રાજ્યની અને ખરું પૂછો તો શાસકોની જરૂરિયાત મુખ્ય કારણ હતું. લઘુમતી કોમને દબાવી રાખવા માટે અને લાચાર પ્રજાનું શોષણ કરવા માટે તેનો દુરુપયોગ કરવામાં આવે છે. મોહન ભાગવત એમ નથી કહેતા કે રાષ્ટ્રવાદ આપણો નથી, આપણે તો વસુધૈવ કુટુંબકમ્ વાળા છીએ કે આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: વાળા છીએ; એટલે ધર્મઆધારિત ભેદભાવ આપણને ન શોભે.
મોહન ભાગવતે કહ્યું છે કે મૉબ લીન્ચિંગની ઘટનાઓ ભારતને અને હિંદુઓને બદનામ કરવા માટે બની રહી છે. મોહન ભાગવતે બે પ્રશ્નોના જવાબ દેશને અને પોતાની જાતને આપવા જોઈએ. પહેલો પ્રશ્ન એ કે મૉબ લીન્ચિંગની ઘટનાઓ દેશમાં અને કેટલાંક મહત્ત્વના રાજ્યોમાં બી.જે.પી.ની સરકાર આવી એ પછી જ કેમ મોટા પ્રમાણમાં બની રહી છે? ૨૦૧૪ પહેલાં મૉબ લીન્ચિંગની ઘટના ભાગ્યે જ જોવા મળતી હતી. બીજું જે રાજ્યોમાં બી.જે.પી.ની સરકાર નથી ત્યાં મૉબ લીન્ચિંગની ઘટના પ્રમાણમાં બહુ ઓછી થઈ રહી છે અને ત્રીજું મૉબ લીન્ચિંગ કરનારાઓ કાયમ સંઘપરિવારના જ કોઈને કોઈ સંગઠન સાથે કેમ સંકળાયેલા હોય છે?
મોહન ભાગવતે એ વાતનો પણ ખુલાસો કરવો જોઈએ કે મૉબ લીન્ચિંગ ભારતને અને હિંદુઓને બદનામ કરવાના ઈરાદાથી થઈ રહ્યું છે તો તેને રોકવાની જવાબદારી કોની? એક તો સત્તા તમારી પાસે છે અને બીજું દેશની તેમ જ હિંદુઓની આબરૂ રાખવાનો દાવો કરનારા તમે એક માત્ર રાષ્ટ્રવાદી છો. જો તમે દેશની અને હિંદુઓની આબરૂની રખેવાળી ન કરી શકતા હોય તો પછી દેશભક્ત હિંદુ કોના તરફ નજર કરે? થોડાક અસામાજિક તત્ત્વો સંઘપરિવારના દાવા મુજબ દેશની અત્યાર સુધીની સૌથી મજબૂત, બુલંદ ઈરાદો ધરાવનારી, દેશભક્ત અને રાષ્ટ્રવાદી સરકારને તમાચો મારીને જાય? તમે દેશના રખેવાળ હો અને કોઈ આબરૂ લૂટી જાય? તો પછી તમારામાં અને કહેવાતા દેશદ્રોહી શાસકોમાં શો ફેર?
બીજો મુદ્દો ઉપસ્થિત કરતાં તેમણે કહ્યું છે કે દેશમાં મંદી છે જ નહીં. એ પણ કદાચ દેશને અને હિંદુઓને બદનામ કરવા માટે કહેવામાં આવતું હશે. મોહન ભાગવતે જે દિવસે આમ કહ્યું એ જ દિવસે આંતર્રાષ્ટ્રીય નાણા નિધિના અધ્યક્ષા ક્રિસ્ટેલિના જૉર્જિએવ્હાએ કહ્યું હતું કે ભારત અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત મૂડીઝ નામની એક રેટિંગ એજન્સી એમ કહે છે કે આ વરસમાં ભારતનો વિકાસદર વધવાની જગ્યાએ ઘટવાનો છે.
એ તો મ્લેચ્છ છે, એટલે ગમે તેમ બોલે; પણ સંઘના સરસંઘચાલક એવો એક પણ અર્થશાસ્ત્રી બતાવે જેણે કહ્યું હોય કે દેશમાં મંદી નથી. એ ધોરણસરનું અર્થશાસ્ત્ર ભણેલો અર્થશાસ્ત્રી હોવો જોઈએ, રીઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્ત દાસ જેવા ઇતિહાસકાર નહીં. ભારત આઝાદી પછીની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે. માત્ર ભારત નહીં, આખું જગત મંદીનો સામનો કરી રહ્યું છે. ભારતે નોટબંધી અને અણઘડ જી.એસ.ટી.ના સાહસ કરીને સામે ચાલીને વધારાની મુશ્કેલી વહોરી લીધી છે. મોહન ભાગવતને જો આ વાત ગળે ઉતરતી ન હોય તો એ કોઈ પણ સ્વયંસેવકને પૂછી શકે છે. રાષ્ટ્રવાદી હોવા છતાં પેટ તો એ પણ ધરાવે છે.
અને છેલ્લે સ્વદેશી. સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટીય સ્વયંસેવક સંઘે રચેલી અનેક સંસ્થાઓમાની એક સંસ્થા છે, જેનું કામ સ્વદેશીનો પ્રચાર કરવાનું છે અને શાસકો પર સ્વદેશી અર્થતંત્રની નીતિ અપનાવવા માટે દબાણ લાવવાનું છે. ૧૯૯૧માં ભારતે આર્થિક સુધારાઓ કર્યા એ પછી તેનો વિરોધ કરવા સંઘે આ સંસ્થા ૧૯૯૨માં સ્થાપી હતી. છેલ્લાં ૨૮ વરસમાં સંઘે અને સ્વદેશી જાગરણ મંચે સ્વદેશી કાજે એવું એક પણ આંદોલન કરી બતાવ્યું નથી જેની સરકારે નોંધ લેવી પડે. બીજું ૨૮ વરસમાં બી.જે.પી.એ કેન્દ્રમાં ૧૨ વરસ શાસન કર્યું છે. કોઈ ઓછો સમય નથી. અટલ બિહારી વાજપેયીની સરકારે કે નરેન્દ્ર મોદીની સરકારે સ્વદેશી અર્થતંત્ર અપનાવ્યું હોય એવી એક પણ ઘટના યાદ છે? ઉલટું સરકાર વિદેશી રોકાણ માટે પ્રયત્નશીલ છે.
એ બાબતો જવા દો. સરસંઘચાલક એક વાતનો જવાબ આપે કે સંઘપરિવારને જેનું સૌથી વધુ આકર્ષણ છે એ સંરક્ષણની બાબતમાં ભારત કેટલા ટકા સ્વદેશી ટેકનોલોજી સાથે આત્મનિર્ભર છે? બી.જે.પી.ના ૧૨ વરસના શાસનમાં સંરક્ષણની બાબતે આત્મનિર્ભરતામાં કેટલા ટકાનો વધારો થયો? એક ટકો પણ નહીં. બચુકલુ ઇઝરાયલ આ ક્ષેત્રે સ્વદેશી આત્મનિર્ભર છે અને આપણે તેની પાસેથી શાસ્ત્રોની આયાત કરીએ છીએ.
સંઘપરિવારે સત્યનો સ્વીકાર કરતાં શીખવાની જરૂર છે. સત્ય એ છે કે મોબ લીન્ચિંગ જેવી શરમાવા જેવી ઘટનાઓ બની રહી છે. ગણતરીપૂર્વક બની રહી છે. મંદી છે અને સ્વદેશી એ દેખાવ માત્ર છે. સંઘની એમાં કોઈ શ્રદ્ધા નથી. હદ તો એ વાતની છે કે સ્વદેશી અર્થતંત્રની રૂપરેખા પણ તેમની પાસે નથી.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2019