(સાધુ શ્રેણીની ગઝલો)
— 1 —
આગમન ને ગમન સમજ સાધુ
સહુ વિચારો પવન સમજ સાધુ.
ક્ષણ પછીની ક્ષણો અલગ લાગે,
વૃત્તિઓનું શમન સમજ સાધુ.
ત્યાં જ વસવાનું છે હવે તારે,
ઘોર જંગલ ચમન સમજ સાધુ.
લાગણી હોય દિલ તણી સાચી,
હોય છે ત્યાં અમન સમજ સાધુ.
કામ આવે છે ખાક મુઠ્ઠી પણ,
કામનું છે બદન – સમજ સાધુ.
જે મળે એ સગુંવહાલું છે,
આખી દુનિયા વતન સમજ સાધુ.
જીવ રાજી ‘પ્રણય’ થતો કેવો,
જો મળે હમવતન ! સમજ સાધુ.
28-11-2005
□
— 2 —
હોય શી ખોટ ધન તણી સાધુ !
માથે બેઠો અલખધણી સાધુ.
શું કરીશું એ તાપણી સાધુ ?
ધખધખે આપણી ધૂણી સાધુ !
ધાર ના કાઢ બહુ વિચારોની,
વાગશે ક્યાંક એ અણી સાધુ.
આભને જો ફરી-ફરી પાછું,
ઝગમગે જ્યાં કણી-કણી સાધુ.
મર્મની વાત છેડ મા' અકસર,
તાર ઉઠ્ઠે છે ઝણઝણી સાધુ.
એક વેળા નજર ભરી નીરખી,
આખ્ખી મોસમ લીધી લણી સાધુ.
કોઇના થાય ના આ સંસારી,
રાખ મા' આશ વાંઝણી સાધુ.
ક્યાંક તાણો – તો ક્યાંક વાણો છે,
તેં ય ચાદર ખરી વણી સાધુ !
ઓળખે તૂં તને બરોબર પણ,
આવડત એટલી ઘણી સાધુ.
પાર આવે ન આહીં ભણતરનો,
ક્યાં લગી તૂં શકે ભણી સાધુ !
કુંડલિની ‘પ્રણય’ સહસ જાગી,
કાય આખી ય ધણધણી સાધુ.
29-11-2005
□
— 3 —
આ રહ્યો તારો એ જ પથ સાધુ
વાળ, આ રસ્તે તારો રથ સાધુ.
તીર્થ તારા મહીં જ છે સઘળાં,
શું ફરે છે હજી તીરથ સાધુ !
ત્યાં લગી કોણ સાધુ કહેવાનું ?
જ્યાં લગી છે ગરથ-ગરથ સાધુ !
કાન મારા શ્રવણ કરે એનું,
તારી કથની ફરીથી કથ સાધુ.
ખોલ લોચન ‘પ્રણય’ ફરી ત્રીજું,
મન મથે છે ફરી મન્મથ સાધુ.
29-11-2005
□
— 4 —
હોય હોવું જો જલકમલ સાધુ
તો બને ધન્ય સહુએ પલ સાધુ.
આશ ત્યાં રાખવી નકામી છે,
આજ એવી જ હોય કલ સાધુ.
ભેદ છે વક્તનો ફકત આહીં,
છે બધું ચલ અને અચલ સાધુ.
વીતતી પળ અહીં જે અણજાણી,
આગ અથવા તો છે અનલ સાધુ.
બોલવું-ચાલવું જરા સમજી,
હોય અણજાણ જ્યારે સ્થલ સાધુ.
પાર તૂં ઉતર્યો સમજ પળમાં,
થાય આ પ્રશ્ર્ન જ્યારે હલ સાધુ.
જાઉં તો જાઉં ક્યાં હવે આહીં ?
કામ કરતી નથી અકલ સાધુ.
ચાલતો એટલું વધે અંતર,
ખૂબ લાંબી છે આ મજલ સાધુ !
આ બધું જોઇ-જોઇ સંસારે,
આંખ મારી બને સજલ સાધુ.
મોક્ષ તો જોઇએ મને – સહુને,
શોધ રસ્તો કશો સરલ સાધુ.
થાય પ્રશ્નો ઘણીય વાર મને,
રુપ તારું કયું અસલ સાધુ ?
જાય ફસકી અવર સહુ આહીં,
તૂં રહે એકલો અટલ સાધુ.
કાયદો પ્રેમનો સફળ થાયે,
થાય એનો ય જો અમલ સાધુ.
ક્યાંય ખરડાય ના કશી વાતે,
તૂં રહે છે અહીં નિર્મલ સાધુ.
છોડ ચિંતા, જવા દે એ બાબત,
કોણ સારું-ને કોણ ખલ સાધુ.
સાથ તારીય આવવું મારે,
હું લખી લઉં જરી ગઝલ સાધુ.
સુખ અને દુ:ખ નથી ‘પ્રણય’ અમથા,
ભોગવે સહુએ કર્મફલ સાધુ.
30-11-2005