આજે પ્રિય કવિ Jyoti Deshmukhના એક કાવ્યનો ભાવાનુવાદ.
***
સહેલું નહોતું મારા માટે જરા ય
તને અલવિદા કહેવાનું
ખરેખર તો મેં ક્યારે ય નથી કહ્યું અલવિદા તને.
દોડ્યા જ કર્યું તારા પડછાયાઓ પાછળ મેં
તને પકડી પાડવા, તને રોકવા
અને જ્યારે જ્યારે લંબાવ્યો હાથ
ત્યારે મારો જ હાથ
મોં પર મને તમાચો બનીને વાગ્યો
તું ‘આવજો’નો હાથ હલાવતો
મારા હાથ વેરાઈ જતા,
દૂર પહોંચી જતા
રસ્તાના છેડે ઊભા રહી
મારી સામે જોતા પાછું વળીને
હું સંમોહિત જાણે
દોડીને પહોંચતી તારા લગી
ને મારા પ્રેમ પરના એકાધિકારથી આશ્વસ્ત તું
મને છોડીને પછી
શામેલ થઈ જતો
દુનિયાની દોડધામમાં
ને હું
ખોટા નંબરનાં ચશ્માં જેવો
તારો પ્રેમ પહેરી રાખી
લથડતી
ઠેસ ખાતી
ચાલ્યા કરતી
તારી પાછળ પાછળ
મારી પાસે યાદોનો પટારો છે
તારી પાસેથી એક પોટલી તો ખરી
તારે દોડવું’તું બહુ તેજ, બહુ આગળ
તો ક્યારેક ક્યારેક
ભાર લાગ્યો હોય એવી યાદોને
તેં ભૂંસી નાખી
મારી ધીરજનો ઘડો
ભરાઈ ગયો છે હવે
એના વજનથી
બેવડ વળી ગઈ છે મારી કાયા
યાદોના પટારાને ઊધઈ ચડી છે
કોતરાયેલા લાકડાની રજૂ
ખરીખરીને ભરાઈ ગઈ છે મારા નાકમાં
ને શ્વાસ રૂંધાય છે મારો
હવે અહીં આટલે જ પડતો મૂકીશ
આ પટારાને
નહીં વેંઢારું એનો બોજો
પૂરી કરીશ બાકીની સફર
હાથ હલાવતા
રસ્તાની બન્ને બાજુ ખીલેલાં ફૂલને
નિહાળતા નિહાળતા.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર