
અશ્વિનકુમાર કારિયા
કેટલાક લોકો એમ માને છે કે ભારતના બંધારણના આમુખમાં ૪૨મા સુધારાથી ઉમેરાયેલ ‘ધર્મ નિરપેક્ષતા’ શબ્દ બાદ જ ભારત ધર્મનિરપેક્ષ (Secular) બનેલ છે. આ માન્યતા નિરાધાર છે. પરંતુ તેના પહેલાં ધર્મ-નિરપેક્ષતાનો ઇતિહાસ જાણીએ.
તામિલનાડુના રાજ્યપાલે એવું નિવેદન કરેલ હોવાનું કહેવાય છે કે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ વિદેશી છે અને તે બહારથી આયાત કરેલ હોવાથી ભારત માટે નકામો છે. તેમની એ વાત સાચી છે કે આ ખ્યાલ વિદેશી છે. પરંતુ માત્ર વિદેશી ખ્યાલ હોવાના કારણથી તે નકામો બનતો હોવાની વાત તર્કસંગત નથી. એમ તો આપણે અનેક વિદેશી વસ્તુઓ રોજ વાપરતા હોઈએ છીએ અને તે આજે પણ ઘણી ઉપયોગી છે. જેમ કે, વીજળીની શોધ, શીતળાની રસીની શોધ, અને યંત્રોની શોધ વિદેશોમાં થયેલી છે. પરંતુ આ બધી ચીજો માત્ર વિદેશી હોવાથી આપણે તેને નકામી ગણતા નથી. બંધારણસભામાં રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ રાખવા બાબતે વિશદ્દ ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય ગણાયું છે. આપણી સંસદીય રાજ્ય પ્રકૃતિ તેમ જ ન્યાય- વ્યવસ્થા પણ વિદેશી છે.
ધર્મનિરપેક્ષતા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ જેકોબ હોલિયોકે ૧૮૫૧માં કરેલ હતો. તે પૂર્વે ૧૪મી સદીમાં રેનેસા(પુનર્જાગરણ)નો આવિર્ભાવ થયો. આ પ્રક્રિયા ઘણી લાંબી ચાલી. ધર્મસુધારણા, પ્રબોધન યુગ (Age of enlightnment) તેમ જ વિજ્ઞાનનો વિકાસ થવા પામ્યો. ૧૪મીથી ૧૯મી સદી સુધી પાંચસો વર્ષના ગાળામાં પશ્ચિમની દુનિયાને નવા રંગો લાધ્યા. ધર્મની પકડમાંથી મુક્ત થવાની કોશિશ સફળ રહી. ૧૪મી સદીના યુગને અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે સમયે ચર્ચનું રાજ્ય હતું અને ખ્રિસ્તી ધર્મનું લોકો પર જબરદસ્ત પ્રભુત્વ હતું. આ અંધકાર ધીરે ધીરે દૂર થવા લાગ્યો.
કોપરનિકસ નામના વિજ્ઞાનીએ પ્રથમ વાર જાહેર કર્યું કે સૂર્ય પૃથ્વી આસપાસ ફરતો હોવાની બાઇબલની વાત સાચી નથી. ખ્રિસ્તી ધર્મગુરુઓને કોપરનિકસની આ શોધથી આંચકો લાગ્યો. તેમણે કોપરનિકસની પ્રતાડના કરી. કોપરનિકસે વ્યવહારુ બની માફી માગી લીધી. ૧૭મી સદીમાં ન્યૂટને ગુરુત્વાકર્ષણ નિયમની શોધ કરી. ખ્રિસ્તી ધર્માચાર્યોએ ફરી આંચકો અનુભવ્યો. આ જ ગાળામાં ગેલેલિયોએ ટેલિસ્કોપની શોધ કરી અને જાહેર કર્યું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ચક્કર લગાવતો હોવાની બાઇબલની વાત અસત્ય છે. ૧૬મી સદીમાં ઈટાલીના મેકોઈવલી અને ૧૭મી સદીમાં જ્હોન લૉકેએ ઈશ્વરી કાનૂનના બદલે રાજ્ય રચિત કાનૂનની જરૂરિયાત પર ભાર મૂક્યો.
૧૮મી સદીમાં ડેવિડ હ્યુમ તથા કાન્ટ નામના દાર્શનિકોએ સંશયવાદનો ખ્યાલ વિકસાવ્યો. તેમના મત મુજબ વૈજ્ઞાનિક પુરાવા વગર કોઈ મતનો સ્વીકાર થવો જોઈએ નહીં. ૧૯મી સદીમાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતથી હડકંપ મચી ગયો. ડાર્વિને જાહેર કર્યું કે વિશ્વની રચનામાં ઈશ્વરનો કોઈ હાથ નથી. ૧૯મી સદીમાં ઓગસ્ટે માનવવાદ(humanism)નો ખ્યાલ રજૂ કર્યો. કાર્લ માર્કસે ધર્મનો સખત વિરોધ કરી ધર્મને અફીણ સાથે સરખાવ્યું.
ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ
૧. રાજ્યે ધર્મની બાબતમાં તટસ્થ રહેવું જોઈએ
રાજ્યે ધર્મ તરફ ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવવી જોઈએ. એટલે કે રાજ્યે ધર્મની બાબતમાં તટસ્થ રહેવું જોઈએ. ધર્મ દરેક વ્યક્તિનો અંગત મામલો છે. રાજ્યે ધર્મની બાબતમાં કોઈ દખલ કરવી જોઈએ નહીં. તે જ રીતે, રાજ્ય શાસનમાં ધર્મની કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં. રાજ્ય અને ધર્મ વચ્ચે સ્પષ્ટ વિભાજન હોવું જોઈએ. ફ્રાંસે છેક ૧૯૦૫માં રાજ્ય અને ધર્મ વચ્ચે ભેદરેખા દોરતો કાનૂન ઘડેલ છે. ૨૦૦૫માં તેને ૧૦૦ વર્ષ પૂરાં થયાના નિમિત્તે મોટાપાયે ઉજવણી કરી હતી. ભારતના બંધારણ અનુચ્છેદ ૨૫મા દરેક વ્યક્તિને ધર્મ સ્વાતંત્ર્ય અધિકાર પ્રદાન કરાયેલ છે. ૧૯૭૬માં ૪૨મા બંધારણીય સુધારાથી આમુખમાં ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દ દાખલ કરાયા પૂર્વે શરૂઆતથી જ આ અધિકાર દરેક વ્યક્તિને અપાયેલ છે. ધર્મનિરપેક્ષ રાજ્યમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી.
૨. ઈહલોકમાં વિશ્વાસ
Secularism શબ્દનો અર્થ થાય છે “લૌકિક અથવા દુન્યવી વ્યવહારો.” (worldly affairs). ધર્મ સામાન્ય રીતે મૃત્યુ પછીના સમયમાં આત્માના કલ્યાણની વાત કરે છે. ધર્મ વર્તમાન જગતને મોહમાયા કહે છે અને તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. ટૂંકમાં, ધર્મ વર્તમાન જગતની નહીં. પરંતુ પરલોકની વાત કરે છે. રાજ્ય ઈહલોક(વર્તમાન જગત)માં વસતા માનવોનાં સુખ, કલ્યાણ અને પ્રગતિની ચિંતા કરે છે. રાજ્યને પરલોકમાં વિશ્વાસ નથી કે તેની ચિંતા નથી. રાજ્ય ઈહલોક સુધારવા પ્રતિબદ્ધ હોય છે.
૩. વિજ્ઞાનમાં વિશ્વાસ
ધર્મનિરપેક્ષ રાજ્યને દૈવી ચમત્કારોમાં નહીં, પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ હોય છે. ૧૪મી સદી સુધી પશ્ચિમ દેશોના નાગરિકો દૈવી ચમત્કારોમાં વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ રેનેસા, ધર્મ સુધારણા, પ્રબોધન યુગ તેમ જ વિજ્ઞાનના વિકાસ સાથે રાજ્યને હવે દૈવી ચમત્કારોમાં વિશ્વાસ રહ્યો નથી. માનવપ્રગતિ અર્થે રાજ્યને વિજ્ઞાનમાં વિશ્વાસ છે. ધર્મનિરપેક્ષ રાજ્ય માને છે કે પ્રજાના વહીવટી, આરોગ્ય, પર્યાવરણ કે પરિવહનની સમસ્યાઓ વિજ્ઞાનની મદદથી જ ઉકેલી શકાય. ચોમાસામાં ઉત્તરાંચલ કે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન કે અતિશય ઠંડીમાં બરફનાં કારણે રસ્તામાં અવરોધો સર્જાય છે. આવા સમયે બે હાથ જોડી પ્રાર્થના કરી બેસી રહેવાથી કાંઈ વળતું નથી. મહાકાય યંત્રો(વિજ્ઞાન)ની મદદથી જ રસ્તા પરના અવરોધો હટાવી શકાય છે. જંગલમાં દવ લાગે છે ત્યારે હેલિકોપ્ટરની મદદથી પાણીના છંટકાવથી આગ બુઝાવી શકાય છે. એડવર્ડ જેનરે રસીની કરેલ શોધથી શીતળાનો રોગ દુનિયાભરમાંથી નાબૂદ કરી શકાયો છે.
૪. ધર્મનિરપેક્ષ નીતિમત્તા
ધર્મનિષ્ઠ કે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ સદ્ગુણી, પરોપકારી કે સંસ્કારી હોવાની વ્યાપક માન્યતા સમાજમાં પ્રવર્તે છે. પોતાનાં બાળકોને સદ્ગુણી બનાવવાના હેતુથી કેટલાંક માતા-પિતા શિક્ષણ અર્થે તેમને ધાર્મિક સ્થાનોમાં મોકલે છે. જ્યારે સામા પક્ષે ધર્મનું પાલન ન કરનાર (નાસ્તિક) વ્યક્તિ અસંસ્કારી, લાગણીશૂન્ય, અવિવેકી અને અનૈતિક ગણાય છે. વાસ્તવમાં આ બેમાંથી એક પણ માન્યતા આધારભૂત નથી. કારણ કે સાધુઓ, આશારામ અને રામ-રહીમનાં કુકર્મો સૌની નજર સામે છે. ધાર્મિક વ્યક્તિ સંસ્કારી અથવા અસંસ્કારી હોઈ શકે તે જ રીતે નાસ્તિક વ્યક્તિ સદ્ગુણી અથવા અનૈતિક હોઈ શકે.
ભારતમાં જવાહરલાલ, એમ.એન.મરોય, પેરીઆર, જસ્ટીસ તારકુંડે, શ્યામ માનવ, ડૉ. નરેન્દ્ર દાભોલકર નિરીશ્વરવાદી હોવા છતાં ઉચ્ચ દાર્શનિકો તરીકે ખ્યાતિ ધરાવે છે. તેમાંના કેટલાકે જેલવાસ ભોગવ્યો છે. પરંતુ તે કોઈ અવગુણતાના કારણે નહીં, પરંતુ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભાગ લેવા બદલ જેલમાં ગયા હતા.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 18 તેમ જ 19