
નેહા શાહ
૨૦૨૩માં વિશ્વભરમાં કુદરતી હોનારતોના ૩૯૮ કિસ્સા બન્યા. કરોડો લોકો રોજિંદા જીવનમાં જળ-વાયુમાં અતિશય ઝડપથી થઈ રહેલા પરિવર્તનની અસર ભોગવી રહ્યા છે. ક્યાંક તાપમાન માણસની શરીરરચના ખમી શકે એનાથી ઘણું ઊંચું જાય છે. ક્યાંક સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે, જેને કારણે સ્થળાંતરની ફરજ પડી રહી છે. ક્યાંક વંટોળ-વાવાઝોડાને કારણે જીવન બેહાલ છે તો ક્યાંક ચોમાસામાં વરસેલા બેશુમાર વરસાદે તબાહી મચાવી છે. પૃથ્વીનું તાપમાન સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ચૂક્યું છે. ૨૦૨૪માં તો ૧.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ ઊંચું નોંધાયું છે, જે સાથે ૨૦૨૪નું વર્ષ માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની ચૂક્યું છે. જળ-વાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ)નો પ્રશ્ન ઘણો ગંભીર છે એ નાના બાળકને પણ હવે સમજાય છે.
આર્થિક ગણતરી માંડી તો દર વર્ષે કુદરતી હોનારતોના પરિણામે થતું આર્થિક નુક્સાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. ૨૦૨૨માં ૩૫૫ બિલિયન ડોલર અને ૨૦૨૩માં ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન વિશ્વને થઈ ચૂક્યું છે. જેની સામે વીમાનું વળતર માત્ર ૧૧૮ બિલિયન ડોલરનું જ મળ્યું ! બાકીનું નુકસાન અસરગ્રસ્ત લોકોએ જાતે ભોગવવાનું ! ૨૦૨૪ના આંકડા મળવા હજુ બાકી છે. જો આ સાથે જમીનની ઘટેલી ફળદ્રુપતા, પાણીનાં ઊંડાં ગયેલાં તળ, માંદગીને કારણે ઘટતા કામના કલાકો જેવાં પરિબળોને ધ્યાનમાં લઈએ તો આવનારાં વર્ષોમાં અપેક્ષિત નુકસાનનું સ્તર ઘણું ઊંચું જાય. અહીં, સામાજિક અને ભાવનાત્મક સ્તરે થતાં નુકસાનની ગણતરી તો માંડી જ નથી.
હાલમાં વાત એટલા માટે પ્રસ્તુત છે કેમ કે, અઝરબાઈજાનના બાકુ શહેરમાં યોજાયેલી ૨૯મી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ તાજેતરમાં જ એટલે કે ૨૨ નવેમ્બરે સમાપ્ત થઈ. COP-29 (કોન્ફરન્સ ઓફ પાર્ટીસ -૨૯) જે પર્યાવરણ પરિષદ તરીકે જાણીતી છે એ પર્યાવરણ અંગે વિશ્વનું સૌથી મહત્ત્વનું મંચ છે. ૧૯૯૦માં IPCC જળ-વાયુ પરિવર્તન માટે બનેલી બહુરાષ્ટ્રીય સમિતિનો પહેલો રિપોર્ટ આવ્યો. જેના તારણના આધારે ગ્રીન હાઉસ ગેસ – જે વાયુ તત્ત્વો પર્યાવરણને ખતરો ઊભો કરી રહ્યાં છે – એના પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લાવવાની જરૂર જણાઈ. ૧૯૯૨માં બહુપક્ષીય સમજૂતી થઈ, જેના આધારે બધા સભ્ય દેશોએ પોતાના દેશમાં જળ-વાયુ પરિવર્તનને ખતરનાક કક્ષાએ પહોંચતા અટકાવવાના પ્રયત્નો કરવા અંગે સહમતી થઈ. ત્યારબાદ ૧૯૯૪થી બધા સભ્ય દેશ વર્ષમાં એક વાર મળે છે અને જળ-વાયુ પરિવર્તનને નિયંત્રણમાં રાખવા અંગે મહત્ત્વના નિર્ણય લેવાતા હોય છે. જળ-વાયુ પરિવર્તન અંગેના ૨૯ વર્ષના સભાન પ્રયત્નો છતાં યે પ્રદૂષણ સતત વધતું જ રહ્યું છે, સાથે સાથે માનવજીવન પરનું સંકટ પણ વધતું જ રહ્યું છે એ તે કેવી વિડંબના !
સૌ કોઈ સહમત છે કે જળ-વાયુ પ્રદૂષણનો પ્રશ્ન ગંભીર છે. દક્ષિણ ગોળાર્ધમાં વધુ ગંભીર અસર જોવા મળી રહી છે એ વાતમાં પણ કોઈ વિવાદ નથી. સૌ કોઈએ સાથે મળીને કામ કરવું પડશે એ એક સામાન્ય તારણ છે. પણ એનો અમલ કઈ રીતે કરવો ? કોણ કેટલું પ્રદૂષણ ઓછું કરશે ? ક્યાં સુધી ઓછું કરશે ? પ્રદૂષણમુક્ત નવી ટેકનોલોજીના ઉપયોગના પ્રચાર-પ્રસાર માટે કેવાં પગલાં લેવાશે ? આ માટે વિકસિત દેશો વિકાસશીલ દેશોને કેટલી મદદ કરશે ? જરૂરી ખર્ચનો બોજ કોણ કેવી રીતે ઉપાડશે ? આ પ્રશ્ન પર મડાગાંઠ થાય છે. વિશ્વ અનેક હિસ્સામાં વહેંચાઈ જાય છે. વિકસિત દેશો વિરુદ્ધ વિકાસશીલ દેશો, ઉત્તર ગોળાર્ધ વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધ, મૂડીવાદી દેશો વિરુદ્ધ સામ્યવાદી દેશો, નાના દેશો વિરુદ્ધ મોટા દેશો વગેરે.
પર્યાવરણ પરિષદના અલગ અલગ તબક્કે સભ્ય દેશો પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્ય અંગે વાયદા કરે છે. વિકસિત દેશો માટે આ વાયદા નિભાવવા સહેલા છે. કારણ કે તેમની પાસે નવી ટેકનોલોજી તેમજ નવી ટેકનોલોજીનાં સંશોધન માટે નાણાં પણ છે. આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે તેઓ ઉત્પાદન અને વપરાશ ઘટાડવા પર ધ્યાન આપવાને બદલે ઉત્પાદનનું સ્થળ અન્ય ગરીબ દેશની ભૂમિ પર કરાવી એને આયાત કરવાનો રસ્તો તેઓ અપનાવતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા જેવા અગ્રણી દેશ પર્યાવરણના પ્રશ્ને કેટલી ગંભીરતા દાખવશે એ વિષે શંકા ઊઠી રહી છે કારણ કે, આ અંગે એમની ઉદાસીનતા તેઓ પ્રગટપણે વ્યક્ત કરી ચૂક્યા છે. વળી, છેલ્લાં બે વર્ષથી એવા દેશ પરિષદના યજમાન બને છે જેમના અર્થતંત્રનો મુખ્ય આધાર જ પેટ્રોલની નિકાસ છે. તેથી પેટ્રોલના વિકલ્પ પર તેઓ કેટલું ધ્યાન આપશે એ અંગે શંકા ઊભી થાય છે.
ભારત અવારનવાર વિકાસશીલ દેશોના પક્ષે બોલતું રહે છે. આ વર્ષે પણ ભારત તરફથી ચાર મુદ્દા પર ભાર મૂકવાની રજૂઆત થઈ. એક, પ્રદૂષણમુક્ત ટેકનોલોજી વિકસાવવાની ગતિ વધારવી તેમ જ એ ટેકનોલોજી બધાને સહેલાઈથી મળી શકે એ વ્યવસ્થા ઊભી કરવી. બે, પર્યાવરણના પ્રશ્નને જરૂરી નાણાંની જોગવાઈ તાત્કાલિક ધોરણે ગોઠવાય. ત્રણ, વિશ્વનો દરેક દેશ એકબીજાનો સહયોગ કરે અને ચાર, પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય.
જ્યારે વિષમતામાં વહેંચાયેલા દેશોનાં હિત સમાન નથી રહ્યાં ત્યારે પરિષદ દ્વારા પર્યાવરણના પ્રશ્નનો હલ લાવવાનું કામ અઘરું થઈ રહ્યું છે.
(પ્રગટ : epaper.gujaratmitra)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 11