હું, હરીશ, સોનુ તથા મોનુ – એમ અમારું નાનકડું કુટુંબ. આડોશી-પાડોશી કે સગાં-વહાલાં સૌ કોઈ મારા ભાગ્યની ઈર્ષા કરતા. સખીઓ તો અંદર અંદર ગુસપુસ પણ કરતી, “આ નીલી ખરી નસીબદાર છે હં! ગોરમાને પાંચ નહીં પણ દસ આંગળીએ પૂજ્યાં હોય ત્યારે આવો વર મળે.”
“સાચી વાત છે. હરીશભાઈને તો બધી રસોઈ બનાવતાં આવડે, ને મારા વરને એક ગેસ પેટાવતાં ય નથી આવડતું.”
વાત પણ સાચી હતી. કોઈ વાર તબિયત સારી ન હોય કે, બહુ થાકી હોંઉ તો હરીશ કહે, “નીલી, તું આરામ કર. હું હમણાં શાક ને પરાઠા બનાવી કાઢું છું.”
મારે જિંદગી પ્રત્યે ફરિયાદ કરવા જેવું કશું નહોતું, પણ હમણાં હમણાં કોણ જાણે કેમ, હું ચીડકણી થતી જતી હતી. કોઈ મારી આડું ઊતર્યું નથી ને મને બરાડા પાડવાનું બહાનું મળ્યું નથી એવી મારી પ્રકૃતિ થતી જતી હતી. હરીશનો સ્વભાવ અત્યંત શાંત. એ તો એનું જમા પાસું ગણાય પણ મને એમાં પણ એનો વાંક દેખાતો.
“છે તારા પપ્પાને કંઈ ચિંતા? માસ્તર મારે ય નહીં ને ભણાવે ય નહીં. બધા સાથે હસી હસીને વાત કરે, પછી ભૂંડા મારે જ થવાનું ને?”
આવા વખતે હરીશ ભલે સ્મિત કરીને જતું કરે પણ નાનો સોનુ મને છોડે એમ નહોતો. “મમ્મી, પપ્પા તારે માટે, આ ઘર માટે શું નથી કરતા? ને સાંભળ, એ નથી બોલતાને, એ તારે માટે જ સારું છે, નહીંતર રોજ ઊઠીને આપણા ઘરમાં મહાભારત સર્જાત!”
મોનુ એના પપ્પા પર ગયો હતો. હું મોટે મોટે બોલીને ઘરનું વાતાવરણ તંગ બનાવું એ એને જરા ય પસંદ નહીં એટલે એ કહેતો, “જવા દે ને સોનુ, તું શા માટે વચ્ચે બોલે છે?”
મારા વર્તનથી ખૂબ દુ:ખી થાય ત્યારે હરીશ રૂમ બંધ કરીને એકાદ પુસ્તક લઈને બેસી જતા. મારા ધૂંધવાટનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં હું વળી વધુ ભડકતી. એવું પણ નહોતું કે, મને મારી ભૂલ દેખાતી નહોતી. એકલી પડું ત્યારે વિચારતી કે, નાની સરખી વાતમાં હું આખું ઘર માથે લઉં છું અને મારો મૂડ ઠેકાણે ન હોય ત્યારે દિવસો સુધી મૌનવ્રત ધારણ કરું છું. એની બધાનાં મન પર કેટલી અસર થાય છે! મારે આમ ન કરવું જોઈએ, પણ ઘણી વખત પરિસ્થિતિ મારા કાબૂ બહાર જતી રહેતી. એક વખત કોઈ સાવ નાની બાબતમાં હું હરીશ પર છેડાઈ પડેલી અને ઉશ્કેરાઈને બોલી ગયેલી,
“નક્કામી જ તમને પરણીને આ ઘરમાં આવી! પચીસ પચીસ વર્ષોમાં આ ઘરે મને શું આપ્યું?”
મારી વાત સાંભળીને હરીશ અત્યંત આઘાત પામ્યા. એમનો ચહેરો કાળોધબ્બ થઈ ગયો. આ વાત સાંભળી રહેલો સોનુ બોલી ઊઠ્યો, “મમ્મી, પહેલાં નક્કી કર કે, તને આ ઘર પાસેથી શું અપેક્ષા હતી અને એમાંથી શું ન મળ્યું? તું આ રીતે બોલ્યા કરશે અને મોનુભાઈ માટે આવેલી છોકરી સાંભળશે તો એને થશે કે, જે ઘરે પચીસ વર્ષમાં મારી સાસુને કંઈ ન આપ્યું એ ઘર મને શું આપવાનું?”
એની આ વાત મારા મર્મસ્થાને ચોટ કરી ગઈ. બે-ત્રણ દિવસ સુધી હું એની પર વિચાર કરતી રહી. મોનુ હવે તેવીસ વર્ષનો થયો હતો. એનાં લગ્ન થશે ને વહુ ઘરમાં આવશે. મારા કચકચિયા સ્વભાવને કારણે હું એ બંને વચ્ચે કલહનું કારણ બની જાઉં તો તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય. ઘણી ગડમથલને અંતે હું સોનુને શરણે જ ગઈ.
“બેટા, તું ભલે નાનો હોય પણ તારી સમજણને કારણે તેં મારી આંખ ખોલી દીધી છે. મારે બગડતી બાજીને સુધારવી છે પણ ગુસ્સો આવે ત્યારે હું જાત પર કાબૂ નથી રાખી શકતી. તું જ કંઈ ઉપાય બતાવ.” એ હસી પડ્યો. “મમ્મી, તું વાત એવી રીતે કરે છે કે, મને એવું ફીલ થાય છે કે, જાણે હું કોઈ ગુરુ હોંઉં!”
“હા, મારે માટે તો તું ગુરુ જ છે. તું જેમ કહે એમ હું કરીશ, બસ?”
આશીર્વાદ આપતી મુદ્રામાં એ બેઠો અને કહેવા લાગ્યો, “માતે, તમારી મૂંઝવણનો ઉકેલ એક મંત્રમાં રહેલો છે. જ્યારે પણ ગુસ્સા પર કાબૂ ન રહે તો એ મંત્રનો જાપ કરવો. કબૂલ છે?”
મેં પણ બે હાથ જોડીને કહ્યું, “કબૂલ છે ગુરુદેવ! હવે આપ કૃપા કરીને મંત્ર આપો.”
“જ્યારે પણ લાગે કે, ક્રોધ આવવાની શરૂઆત થઈ રહી છે કે તરત જ મનમાં ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ મંત્રનું રટણ ચાલુ કરી દેવું. હમણાં આ ઉપચાર ફક્ત બે દિવસ માટે કરવાનો છે. પ્રયોગ સફળ થાય તો પછી આ જ દવા લાંબો સમય માટે લેવી.”
હું હસી પડી. મેં કહ્યું, “જેવી આજ્ઞા ગુરુદેવ, આ ઉપાય તો સાવ સરળ છે. એનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.”
પહેલે દિવસે તો કોઈ તકલીફ ન પડી. સૌને લાગ્યું કે એક જ દિવસમાં મારું હૃદયપરિવર્તન થઈ ગયું. બીજે દિવસે રવિવાર હતો. જમી પરવારીને મેં બપોરે પથારીમાં લંબાવ્યું. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ત્યાં મને સંભળાયું, “મમ્મી .. થોડીવાર પછી ફરીથી સોનુનો અવાજ સંભળાયો, મમ્મી .. બહુ ભૂખ લાગી છે. જરા મેગી બનાવી આપને!”
મને ભયંકર ગુસ્સો આવ્યો. ‘શરમ નથી આવતી આવડા મોટા છોકરાને, એની માને ઊંઘમાંથી ઉઠાડીને મેગી બનાવવાનું કહે છે? હમણાં એને સીધો કરું.’ આમ વિચારતાં આંખ ખૂલી એ ભેગી મારી પ્રતિજ્ઞા યાદ આવી. વોશ બેસીનનો નળ ખોલીને આંખ પર પાણીની છાલક મારી ને રસોડામાં જઈ, મેગી બનાવી. પ્લેટમાં કાઢીને ડાયનીંગ ટેબલ પર મૂકી. ત્યાં તો સોનુ આવીને મને વળગી પડ્યો અને કહ્યું, “મારે કંઈ મેગી નહોતી ખાવી, પણ આજે બીજો દિવસ છે ને એટલે તારી ચકાસણી કરવી હતી.”
ત્યાં તો બાજુના રૂમમાંથી મોનુ અને હરીશ બોલતાં બોલતાં આવ્યા – ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ ને અમે ચારે ખડખડાટ હસી પડ્યાં.
(ભગવાન અટલાનીની સિંધી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 24