‘તમારી તબિયત કેવી છે ?’ – આ સવાલ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જેટલી વાર પૂછ્યો એટલી વાર ઉત્તર ન મળ્યો. પહેલી વાર તો મારો સવાલ પૂરો થાય તે પહેલાં જ તેઓ પૂછી બેઠા – ‘વિનોબા સાહેબની તબિયત કેવી છે ?’
ઉત્તર દેતી વખતે મારે મારું ગળું સાફ કરવું પડ્યું. અને પછી એ દિવસની બેઠક ચાલી પૂરા છ કલાક. બેઠક દરમિયાન આપવીતીનો એક વાર પણ ઉલ્લેખ નહીં. દર્દ વ્યક્ત થઈ રહ્યું હતું, પણ તે વધારે ભારતની સ્થિતિ અંગે, ધર્મના નામે ચાલી રહેલ ઢોંગ અંગે અને રાજનૈતિક અધઃપતન અંગે.
મારા આવતા પહેલાં એક યુવક એમની પાસે બેઠો હતો. તેના વિશે કહ્યું – ‘આ મારો પડોશી છે. મને કહી રહ્યો હતો કે અરબસ્તાન જવું છે. મેં તેને કહ્યું કે અસલી ઘર્મ હજ કરવામાં નથી, પણ ખુદાની સૃષ્ટિની સેવા કરવામાં છે. ઘર્મે તો આજે લોકોને અંધકારમાં નાખી રાખ્યા છે. ધર્મ રહ્યો ક્યાં ? અમેરિકા ખ્રિસ્તી દેશ છે. ઈશુએ તો કહેલું કે એક ગાલ પર કોઈ મારે તો બીજો ગાલ તેની સામે ધરવો. પરંતુ અમેરિકા વિયેતનામ સાથે કેવો વર્તાવ કરી રહ્યું છે ? શું હિંદસ્તાન, શું પાકિસ્તાન, શું અમેરિકા, ક્યાં ય પ્રેમ જોવા નથી મળતો. સર્વત્ર હિંસા છે, દ્વેષ છે. અને જ્યાં દ્વેષ છે, ત્યાં ધર્મ ટકી નથી શકતો. ધર્મ તો સેવા કરવામાં છે. સેવા માટે નિઃસ્વાર્થી માણસો ઊભા થવા જોઈએ.’

ઓક્ટોબર ૧૯૬૯માં ભારત આવતાં સ્વાગત કરતાં પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધી અને જયપ્રકાશ નારાયણ.
પોતાના ભારત આવવા અંગે બોલ્યા : ‘હું તો ગાંધી શતાબ્દી છે એટલા માટે ત્યાં આવવાનો છું. મારે ત્યાં કોઈ રાજનીતિ ડહોળવી નથી. મારે ત્યાં કોઈ ઉપદેશ આપવો નથી, કાંઈ શીખવવું નથી. લોકો લખે છે કે તમે આવો અને અમને દોરવણી આપો, અમને બોધ આપો. પરંતુ જ્યારે તમે લોકોએ ગાંધીજીની દોરવણી ન માની અને એમનું માગદર્શન ન સ્વીકાર્યું, ત્યારે મારી તે શી વિસાત ? હું તો ખિદમતગાર છું.’
દેશ-દેશ વચ્ચેની હિંસાની વાત છોડી દઈએ, તોયે દેશની અંદર શું થઈ રહ્યું છે ? તેલંગણામાં કેવી હિંસા થઈ ! એક જ દેશના લોકો, કાંઈ દેશથી જુદા થવાની માગણી તો નથી કરતા, એમને તો કેવળ પોતાનું રાજ જોઈએ છે. પણ તેની પાછળ કેટલી બધી હિંસા થઈ ગઈ ! એક બાજુ ગાંધી શતાબ્દી ઊજવાઈ રહી છે અને બીજી બાજુ દેશમાં આવી હિંસા થઈ રહી છે !’
‘અરે, દારૂની જ વાત લો ને ! તને તો કદાચ ખબર હશે કે અમારા સરહદ પ્રાંતમાં દારૂબંધી કરવા માટે લોકોએ કેટલી બધી કુરબાનીઓ કરેલી ! ચારસદ્દામાં પિકેટિંગ ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકારે યુવક ખિદમતગારોને પકડ્યા. એમને નાગા કરીને એમનાં મર્મસ્થળો પર દોરડાં બાંધી એમને સતાવ્યા. કેટલા ય તો તેમાં પોતાનું પુરુષત્વ ખોઈ બેઠા. આઝાદી પહેલાં કેટલાં કષ્ટ લોકોએ દારૂને કાઢવા માટે સહન કરેલાં ! અને હવે સ્વરાજની સરકારો દારૂને છૂટ દઈ રહી છે, અને તે પણ ગાંધી શતાબ્દી વરસમાં !’
એક લાખના’ એવોર્ડ’ અને એંશી લાખની થેલી બાબતમાં કહ્યું – “તેની મને પરવા નથી. હું તો ફકીર છું. મને પૈસા સાથે શી નિસ્બત ? મને તો કરોડો મળતા હતા, તે મેં છોડી દીધા. મારે તો ગાંધી શતાબ્દી નિમિત્તે દેશમાં આવવું છે. મારા માટે ત્યાં આલીશાન મકાનમાં ઉતારવાની વ્યવસ્થા ન કરતા, મારે રાષ્ટ્રપતિ ભવનમાં નથી ઊતરવું. મારે તો જનતાની વચ્ચે રહેવું છે.’
સરકારમાં સારા લોકોએ આવવું જોઈએ, એમ તેઓને વારંવાર ભારપૂર્વક કહેતા એવા લોકો કઈ રીતે તૈયાર થઈ શકે ?’
એમણે કહ્યું – ‘તે માટે ગામેગામ જઈ લોકોને એમની ભાષામાં સમજાવવું નથી. એમની સામે આપણી વિદ્વત્તા દેખાડવાની જરૂર નથી. મૌલવી લોકો સામાન્ય જનતા સમક્ષ પોતાની વિદ્વત્તા દેખાડવાની કોશિશ કરતા રહે છે. પણ તેનાથી લોકોની સેવા નથી થતી, લોકોની સેવા તો ગામેગામ અને ઘરેઘર જઈને સમજાવવાથી થાય છે, અને એમનામાંથી જ આખરે સાચા લોકો બહાર આવશે, અને એવા સાચા લોકોના હાથમાં સરકાર આવવાથી જ સવાલનો ઉકેલ આવશે.’
અત્યારે અફઘાનિસ્તાનમાં પણ બાદશાહખાં આ જ કામ કરી રહ્યા છે. ગામેગામ એ વાત સરળ ભાષામાં સમજાવે છે. ખાસ કરીને શુક્રવારની નમાજ વખતે તેઓ મસ્જિદોમાં જાય છે. કહેતા હતા કે ‘આ પણ એક પ્રકારની પાર્લમેન્ટ જ છે, લોકસભા જ છે. પહેલાં લોકો અહીં કાંઈ પણ વાત કરતાં ડરતા હતા, હવે ધીરે ધારે નીડરતા આવતી જાય છે. અહીં પણ કેટલાંક એવાં તત્ત્વો છે, જેમને દેશમાં રાજકીય જાગૃતિ આવે તે પસંદ નથી. પરંતુ મારા કામને સરકારનું પૂર્ણ સમર્થન છે.’
કાબૂલની એક નાનકડી સભામાં હુંયે ગયેલો. એક નવા અખબાર ‘અફઘાન જનતા’નો આરંભ થઈ રહ્યો હતો. તેમાં આશીર્વાદ આપવા સારુ બાદશાહ ખાનને બોલાવેલા, પૂશ્તુ ભાષા સમજતો ન હોવા છતાં તેમાં જવા હું ઉત્સુક હતો. એક મકાનમાં વીસ-પચીસ ખુરસી નાખી સભાનું આયોજન કરવામાં આવેલું. બાદશાહખાં ખુરસી પર બેઠા બેઠા જ વાતચીતના ઢબે બોલ્યા. એમના અવાજમાં આરોહ-અવરોહ નહોતો. ભાષણ જેવું તો તે લાગતું જ નહોતું. પરંતુ સાંભળનારાઓની આંખો પરથી એમ લાગતું કે જાણે તેઓ એક એક શબ્દ પી રહ્યા છે. એ વાતચીતમાં એક શબ્દ આવ્યો હતો, अहम तशद्दुद અર્થાત અહિંસા. એટલે બીજે દિવસે મેં એમને પૂછ્યું, ‘તમે અહિંસા વિશે ત્યાં શું કહ્યું હતું?’
ત્યારે બોલ્યા -’ ના, એ તો કાંઈ નહીં. એક દાખલો આપી રહ્યો હતો. મેં એ લોકોને કહ્યું કે આઝાદીની લડત દરમિયાન કેટલાક લોકો મારી પાસે આવીને કહેતા કે અમને અહિંસામાં વિશ્વાસ નથી, પણ અમારે આઝાદીની લડત લડવી છે, તો હું એમને કહેતો કે તમે તમારી ઢબે લડો, મારે તમારી સામે કોઈ ફરિયાદ નથી. આ તો મેં એક ઉદાહરણ રૂપે કહ્યું હતું. હું એમને કહી એ રહ્યો હતો કે અખબારનો ઉપયોગ એકબીજા સાથે વાદ-વિવાદ અને તકરાર કરવામાં ન કરવો.વાદવિવાદ કરવાથી જનતાની સેવા નથી થતી. તમે જેમાં માનતા હો, તે ઇમાનદારીથી લખતા રહો. બીજા અલગ વિચારના હશે તો તેઓ પોતાની ઢબે લખશે. પણ તમે એમની સાથે જીભાજોડી કરવામાં ન પડતા.’
છાપાની વાત નીકળી એટલે બોલ્યા -‘છાપાવાળા મારા આવવા વિશે જાતજાતની અટકળો કરીને કાંઈ ને કાંઈ લખે છે. તેનો ઊલટો પ્રચાર પાકિસ્તાનમાં થાય છે. પરંતુ આટલી સરળ વાત એમની સમજમાં કેમ નથી આવતી કે હું ત્યાં કોઈ રાજનીતિની ખટપટ કરવા નથી આવતો, હું તો ગાંધી શતાબ્દી માટે આવી રહ્યો છું. મારો દીકરો વલી અહીં આવ્યો, તો છાપાંવાળાઓએ કહ્યું કે તેને પાકિસ્તાનવાળાઓએ મોકલ્યો છે. પાકિસ્તાનવાળાઓએ કહ્યું કે એ તો ઇન્દિરાને મળવા અહીં આવ્યો હતો. એ બિચારાની આંખો ખરાબ રહે છે, તે દેખાડવા સારુ તેને યુરોપ જવું હતું. છ વરસથી તેને પાકિસ્તાનમાંથી નીકળવાની રજા નહોતી મળતી, હમણાં મળી, એટલે યુરોપ જતી વખતે રસ્તામાં પોતાના બાપને મળવા આવ્યા. તેમાં આટલી બધી અટકળબાજી ?’
મેં કહ્યું, “બધા પોતપોતાનાં ચશ્માંથી દુનિયાને જુએ છે.’
એમની વિદાય લેતી વખતે મેં પણ અહીંના એમના અનુયાયીઓની જેમ એમની તરફ ઝૂકીને હાથ મિલાવી તેના પર ચુંબન કર્યું. એમણે મને બાથમાં લઈને મારા ગાલે ચૂમી કરી. મેં કહ્યું, ‘હવે તો હિંદુસ્તાનમાં મળીશું.’ એમણે કહ્યું, ‘અગર જિન્દગી…..!’
સંદર્ભ :
સર્વોદય અગ્રણી નારાયણભાઈ દેસાઈ બાદશાહ ખાનને મળવા કાબૂલ ગયા. ત્રણ દિવસ રહ્યા. એમની મુલાકાતની નોંધ (“ભૂમિપુત્ર”; તા. 26 સપ્ટેમ્બર 1969)
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર