
સ્ટીવન સ્પીલબર્ગ
FMC 2025 તરફથી દર્શાવાયેલી ‘સિંગિંગ ઇન ધ રેઇન’ (1952), ‘ફિડલર ઓન ધ રૂફ’ (1971) જેવી સાંગીતિક ફિલ્મોની શ્રેણીમાં Steven Spielbergની ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ જોવાનું બન્યું. સ્પીલબર્ગ ‘શીંડલર્સ લિસ્ટ’, ‘જોઝ’, ‘કેચ મી ઇફ યૂ કેન’ જેવી જુદા જ વિષય પરની ફિલ્મો માટે ઓસ્કાર સુધી પહોંચેલા સફળ ફિલ્મ નિર્દેશક છે. 2021ની ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ સ્પીલબર્ગની એક માત્ર સાંગીતિક ને નાટ્યાત્મક પ્રણયકથા છે. તેની વિશેષતા એ છે કે તેનાં ગીતો જે તે કલાકારે પોતે ગાયાં છે. 94માં ઓસ્કાર એવોર્ડ્સમાં આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ સહિતનાં 7નૉમિનેશન્સ મળ્યાં છે ને તે ઉપરાંત ફિલ્મમાં અનિતાની ભૂમિકા માટે(Ariana DeBose)ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો એકેડેમી એવોર્ડ પણ મળ્યો છે. 1957 સ્ટેજ મ્યૂઝિકલનું આ રૂપાંતર પોતે પણ શેક્સપિયરનાં નાટક ‘રોમિયો જુલિયટ’ પર આધારિત છે. આ ફિલ્મ પ્રેમ, હિંસા, બદલાની રજૂઆત રંગીન આક્રમક્તાથી કરે છે. પ્રેમ છે, પણ કરવાનો નથી ને દુશ્મની છે તે કરવાની છે. જેટ્સ અને શાર્કસ એવા બે વંશીય (ETHNIC) ભિન્નતા ધરાવતા યુવા જૂથ છે જે શત્રુતા તો નિભાવે છે, પણ પ્રેમને સફળ થવા દેતાં નથી.
ન્યૂયોર્ક હાઉસિંગ ઓથોરિટી ફોર સ્લમ ક્લીયરન્સ – બોર્ડે પ્રોપર્ટી પરચેઝ કરી છે એવાં લખાણ સાથે ફિલ્મ શરૂ થાય છે. શહેરમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. કેમેરા તૂટેલાં મકાનો સેરવતો આગળ વધે છે. અહીંના યુવકો ગોરા છે. એમની ટીમ જેટ્સ તરીકે ઓળખાય છે ને તેનો લીડર રીફ (Mike Saist) છે. જેટ્સની તકરાર ઇમિગ્રન્ટ્સ સાથે છે. ઇમિગ્રન્ટ્સનું ગ્રૂપ શાર્કસ તરીકે ઓળખાય છે. તેનો લીડર બર્નાન્ડો (David Alvarez) પોર્ચુગીઝ છે. જેટ્સને લાગે છે કે ઇમિગ્રન્ટ્સ મેનહટન પર કબજો કરી લેશે. જેટ્સના યુવાનો કલર્સનાં ટીન લઈને રીફને મળે છે ને દુકાનોને નુકસાન પહોંચાડતાં PUERTO RICO પાસે આવે છે ને કલર નાખીને તેને ખરાબ કરે છે. આ વાતે જેટ્સ અને શાર્કસ વચ્ચે તકરાર થાય છે. ગેરીને કાન નજીક વાગ્યું છે. લોહી નીકળે છે. પોલીસ, કોણે માર્યું તેવું પૂછે છે, પણ તે નામ એટલે નથી દેતો, કારણ બંને ગ્રૂપ આપસમાં હિસાબ પતાવવામાં માને છે. પોલીસ કહે છે કે તે બંનેને કાઢી મૂકી શકે તેમ છે, તો બર્નાન્ડો કહે છે કે કાઢી શકો તો કાઢો. રીફ, ટોની(Ansel Elgort)ની મદદ લેવાનું વિચારે છે, તો જેટ્સ તેને આમાં ન નાખવાનું કહે છે. જો કે, આ ગ્રૂપ ટોનીને લીધે જ છે.
રીફ અને ટોની મિત્રો છે. ઇમિગ્રન્ટ્સને નફરત કરે છે, પણ ટોની, પોર્ચુગીઝ વેલન્ટિના(Rita Moreno)ને નફરત કરતો નથી. તે ડ્રગ કેમિસ્ટની દુકાન ચલાવે છે. અહીં દુકાન બંધ કરતી વખતે ટોનીને બાલ્કનીમાં મારિયા (Rachel Zegler) દેખાય છે. મારિયા તેના ભાઈ બર્નાન્ડો, તેની ગર્લફ્રેન્ડ અનિતા અને ચીનો (Josh Rivera) સાથે પાર્ટીમાં આવે છે. અહીં પણ શાર્કસ અને જેટ્સ ટકરાય છે. ટોની, મારિયાને મળે છે. બર્નાન્ડો ટોનીને મારિયાથી દૂર રહેવા કહે છે, પણ બંને નજીક આવે જ છે. બંને રાતના બાલ્કનીમાં મળે છે. બંને વચ્ચે જે રીતે જાળી આવે છે તે ભવિષ્યમાં કેવી જાળ બનવાની છે તેનો સંકેત આપે છે. TO NIGHT TO NIGHT ગીત બંને ગાય છે. એની એક લાઇન છે – I SAW YOU AND THE WORLD WENT AWAY … તે ઉપરાંત મારિયા વિષેનું એક ગીત ટોની મણકા ફેરવતો હોય તેમ ગાય છે – THE MOST BEAUTIFUL SOUND I EVER HEARD – MARIA ! સવારે ઊઠવાની બૂમ પડે છે, પણ ઊંઘે તો ઊઠેને ! ઊંઘીને ઊઠી છે એ બતાવવા મારિયા સવારે નાઈટ ડ્રેસ પહેરે છે, વાળ વિખેરે છે, કરચલી વગરની ચાદર પર ઊંઘના સળ પાડે છે.
બર્નાન્ડો અને અનિતા પ્રેમમાં છે, પણ ટોની અને મારિયાનો પ્રેમ તેમને અસહ્ય છે. આ લોકો મધ્યમ વર્ગના છે. કપડાં એપાર્ટમેન્ટ્સ વચ્ચેની દોરીઓ પર સૂકવાય છે. કપડાં ખસે છે, તેમ તેમ કપડાંઓ વચ્ચેનું આકાશ પણ ખસે છે. ડાન્સ અને તકરાર સમાંતરે ચાલે છે ને એમાં ગાવું સામાન્ય છે. ટોની અને મારિયાને તકરાર ગમતી નથી, પણ બંને પોતાનાં જ માણસોને રોકી શકે એમ નથી. ટોની મારિયા સાથે જીવવા માંગે છે. ચર્ચમાં બંને બે હાથ એક થવાનું, બે હૃદય એક થવાનું ને હવે મૃત્યુ જ અલગ કરે એવી પ્રાર્થના કરે છે.
બીજી તરફ રીફ સુરક્ષાને નામે પિસ્ટલ ખરીદે છે, પણ ટોની વધારે કશું ખરાબ ન થાય એટલે તે લઈ લે છે. ઘણોખરો સમય ગાવા, નાચવા ને મારવામાં જ વીતે છે. ટોની કોઈને પક્ષે નથી, પણ તે સુધર્યો છે તે સ્વીકારવા બર્નાન્ડો તૈયાર નથી, તેમાં મારિયા સાથેના પ્રેમનો એકરાર થતાં તે વધારે ભડકે છે. ચાકુની મારામારીમાં બર્નાન્ડો રીફને મારી નાખે છે ને ટોની તેને મારી નાખે છે. ચીનો મારિયાને જણાવે છે કે ટોનીએ તેના ભાઈને મારી નાખ્યો છે. ટોની પોલીસને શરણે જતાં પહેલાં મારિયાને મળવા આવે છે, તો મારિયા ભાઈને ખોયા પછી ટોનીને ખોવા તૈયાર નથી, પણ અનિતાને આઘાત એ વાતે લાગે છે કે સગા ભાઈને મારનાર ટોનીને, મારિયા ચાહી જ કઈ રીતે શકે? તો ય તે કહે છે કે પ્રેમમાં સારું-ખરાબ હોતું નથી, પ્રેમમાં પ્રેમ જ હોય છે. તે ટોનીને માફ કરતી નથી, કારણ મારિયાનો ભાઈ તેનો પ્રેમી પણ હતો. અનિતા બહુ સિફતથી વેલેન્ટિનાની દુકાને જઈ સંતાયેલા ટોની સુધી એટલો મેસેજ પહોંચાડે છે કે ચીનોએ મારિયાને મારી નાખી છે. ટોની બહાર આવીને ચીનોને પડકારે છે, ત્યાં મારિયા આવતી દેખાય છે ને ચીનોએ મારિયાને તો નહોતી મારી, પણ ટોનીને તો તે મારે જ છે. રીફ પાસેથી ઝૂંટવેલી પિસ્ટલ આમ ટોનીનાં મોતનું કારણ બને છે. ટોની, અનિતાને બર્નાન્ડો વગરની કરે છે તો અનિતા પણ મારિયાને ટોની વગરની કરે છે …
આ પ્રકારની મ્યુઝિકલ ફિલ્મો અગાઉ પણ આવી છે. આવી કોરિયોગ્રાફીની, ડ્રેસ ડિઝાઇનિંગની પણ નવાઈ નથી. આવી ફિલ્મો હવે આવતી નથી એ જ સૂચવે છે કે ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો છે, પણ જેમને ફ્લેશબેકમાં જવાનું ગમે છે તેમને આ ફિલ્મનાં પાત્રો, તેમની રહેણીકરણીમાં, તેમની સમસ્યાઓમાં રસ પડી શકે છે. એ સમયને ઉજાગર કરતી ફોટોગ્રાફી, લાઇટિંગ વગેરે … ધ્યાન ખેંચે એમ છે. આમ તો આ લવસ્ટોરી છે, પણ ખરેખર તો આ ટીમવર્કની ફિલ્મ છે. દરેક કલાકારે અભિનયમાં જીવ રેડ્યો છે, પણ સમૂહ અહીં પાત્ર તરીકે ઊપસે છે. કરુણતા એ છે કે ઘણું બધું સમૂહમાં બને છે ને પીડા વ્યક્તિએ ભોગવવાની થાય છે. લવસ્ટોરી સમૂહમાં ઉપસે છે, પણ પરિણામ અનિતા કે મારિયાએ ભોગવવાનું આવે છે.
એક દૃશ્ય છે, રાતનું. શાર્કસ અને જેટ્સ સામસામેથી ધસે છે ને કટ્ટરતા બતાવવા તેમના પડછાયા એકબીજામાં અનેક ભાલાની જેમ ઘૂસી જતા બતાવ્યા છે. આ બધું છતાં સ્પીલબર્ગની ફિલ્મ એ ઓછી જ છે, ફિલ્મમાં નબળું કૈં નથી, પણ સ્પીલબર્ગની શ્રેષ્ઠતા ઓછી પડે છે. કદાચ એટલે જ એમના તરફથી બીજી મ્યુઝિકલ ફિલ્મ આવી નથી. જો કે, તેમણે પોતાને બહુ રિપીટ કર્યા નથી એ પણ એક કારણ હોઈ શકે. જે તે સમય સંદર્ભને ધ્યાનમાં રાખીએ તો કોરિયોગ્રાફી નોંધપાત્ર છે. એવું જ મ્યુઝિક અને લિરિક્સનું પણ ખરું. Leonard Bernsteinનું મ્યુઝિક છે અને ગીતો Stephen Sondheimનાં છે. SOMEWHERE નામનાં ગીતની પંક્તિ જુઓ – SOMEWHERE THERE IS A PLACE FOR US … કહેવું તો એ છે કે આપણે માટે ક્યાં ય જગ્યા નથી, એટલે તો શરૂઆત SOMEWHEREથી થાય છે.
કોણ જાણે કેમ પણ આટલાં શિક્ષણ અને વિકાસ છતાં દુનિયા ભેદભાવ છોડી શકતી નથી, એ સાથે જ ઇમિગ્રન્ટ્સને જે તે દેશ ચલાવી શકતો નથી. મોટા માણસોમાં તો હોય, પણ યુવાનો પણ એ મામલે નફરતથી દૂર રહી શકતા નથી ને છતાં પ્રેમ તો કોઈ મર્યાદાઓને સ્વીકારતો નથી. એ ન થવો જોઈએ ત્યાં જ થાય છે. એને માટે જિંદગી ચૂકવવાની હોય તો તે કિંમત પણ ઓછી જ છે. કોઈ દેશ પ્રેમ વગર રહ્યો નથી ને સૌથી વધુ ભોગ પણ તેનો જ લેવાય છે. બધાંને બધું સમજાય છે, પણ લોહી રેડ્યા વગર પ્રેમ ભાગ્યે જ ટકે છે – એવો ધ્વનિ WEST SIDE STORYનો છે. વેસ્ટનો જ કેમ, તે ઈસ્ટ, નોર્થ કે સાઉથનો પણ ખરો જ ને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જાન્યુઆરી 2025