
રવીન્દ્ર પારેખ
કોણ જાણે કેમ પણ સ્ત્રી પરનો માલિકી ભાવ જતો નથી. સ્ત્રીઓનું શિક્ષણ વધ્યું, તેને વિકસવાની તકો વધી, તે સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ, સંસ્થાઓને સ્થાપતી, ચલાવતી થઈ, પણ સ્ત્રી સાથેનું પુરુષ પ્રધાન સમાજનું વર્તન સામંતી માનસિક્તાનો પડઘો પાડવાનું ભાગ્યે જ ચૂકે છે. શહેરોમાં એ કદાચ બહુ ન હોય એમ બને, પણ ગામડાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતનાં હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન જેવામાં સ્ત્રીઓ સંદર્ભે સંતુલિત વિચારો ઓછા જ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનનાં કેટલાંક ગામડાંમાં ખાપ પંચાયતો ચાલે છે ને તેના નિર્ણયો જે તે સમાજે સ્વીકારવાના રહે છે. સ્થાનિક લોકો પર તેનું વર્ચસ્વ વધુ હોય છે. ખરેખર તો કાયદાકીય જરૂરિયાતો માટે કોર્ટની વ્યવસ્થાઓ દેશમાં છે જ, પણ કેટલીક વાર તેવા ચુકાદાઓ પણ ખાપ પંચાયતો આપતી હોય છે.
આમ તો સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય અને ગેરકાનૂની ઠરાવી છે, છતાં કેટલીક જગ્યાએ ખાપ પચાયતોનું વર્ચસ્વ હજી અકબંધ છે. તેના કેટલાક ફતવાઓ તો સામંતી સમાજની યાદ અપાવનારા છે. હરિયાણામાં બળાત્કારની વધતી જતી ઘટનાઓ રોકવા છોકરીઓનાં લગ્ન 15 વર્ષની ઉંમરે કરાવી દેવાનું ખાપ પંચાયતમાં સૂચવાયું હતું. અલબત્ત ! કેટલાક નિર્ણયો મહત્ત્વના પણ હોય છે. જેમ કે, એક જ ગોત્રમાં લગ્નનો વિરોધ, લગ્નનાં જમણવાર પર પ્રતિબંધ, આંતરજ્ઞાતીય લગ્નોને મંજૂરી જેવી બાબતોમાં ખાપ પંચાયતે નોંધપાત્ર કામગીરી બજાવી છે, તો પ્રેમી યુગલને ઝૂડી નાખવાના કે બળાત્કારના કેટલાક કિસ્સાઓમાં ખાપના નિર્ણયોમાં સ્ત્રીઓનાં હિતમાં ભાગ્યે જ કોઈ નિર્ણય લેવાય છે. એવી બાબતોમાં મોટે ભાગે પુરુષ તરફી નિર્ણયો લેવાનું ખાપ પંચાયતને એટલે પણ ફાવે છે કારણ, એવા નિર્ણયોમાં સ્ત્રીને હિસ્સેદાર લગભગ બનાવાતી નથી.
હિસારની ખાપ પંચાયત તો તાલિબાની પદ્ધતિએ સરકાર કે કોર્ટના નિર્ણયોની ટીકા પણ કરે છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દિલ્હી ગેંગરેપના બળાત્કારીઓને ફાંસીની સજાની ભલામણ કરી, તો હિસારની ખાપ પંચાયતે તેનો વિરોધ કર્યો. ખાપનો વિરોધ વળી ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોશિયેશને એટલે કર્યો કે હરિયાણામાં જ વીસ ગેંગ રેપ થયા હોવા છતાં, તે બળાત્કારીઓને બચાવવા, ફાંસીની સજાનો વિરોધ કરે છે. આશ્ચર્ય અને આઘાત તો એ વાતે લાગે કે ગેંગ રેપિસ્ટનો બચાવ કરનારી ખાપ પંચાયત, એ મહિલા અંગે એક શબ્દ નથી બોલતી જે ગેંગ રેપનો શિકાર થઈ છે.
આવી જ એક ખાપ પંચાયતે એક બળાત્કારીને એવી સજા ફરમાવી કે તેણે પીડિતા સાથે લગ્ન કરવાં. એ સજા હતી કે છૂટ તે તો બળાત્કારી ને કોર્ટ જાણે, પણ અગાઉ હિન્દી ફિલ્મોમાં એવું આવતું કે બળાત્કારીને ફરજ પડતી કે પડાતી કે તે પીડિતા સાથે લગ્ન કરે. ક્યારેક એ લગ્ન પ્રાયશ્ચિત રૂપે પણ બળાત્કારી કરતો ને એવો મેસેજ જતો કે બળાત્કારીમાં માનવતા પ્રગટી ને તેણે લગ્ન કરીને પીડિતાને સમાજનાં મહેણાંટોણાં સાંભળવાથી બચાવીને, ઉપરથી પીડિતા કદી ન ભૂલે એવો ઉપકાર કર્યો છે. ખાપ પંચાયતે બળાત્કારીને લગ્ન કરવાની સજા ફરમાવી તેમાં પણ પીડિતા પર ઉપકાર કર્યાનો ભાવ જ છે. એવું ક્યાંક કોઈ કિસ્સામાં બનતું પણ હશે કે પીડિતાને એ રીતે લગ્ન કરવાનો વાંધો ન હોય. સાચું તો એ છે કે મોટે ભાગે પીડિતા તરફે બહુ વિચારાતું જ નથી. જરૂર છે તે એ બાબતે સમાજ વિચારે તેની. ઘણાંને એવું પણ થતું હશે કે એમાં પીડિતા સંદર્ભે વિચારવાનું જ શું છે? બળાત્કારીને લગ્ન કરવાની સજા ફરમાવાઈ તે ઓછું છે? તો, એટલું ઉમેરવાનું રહે કે આમાં પણ પુરુષને કેન્દ્રમાં રાખીને જ વિચારાયું છે કે વિચારાય છે. એમ થાય એમાં કશું ખોટું પણ નથી, કારણ એમ જ થતું આવ્યું છે ને એથી જુદું કશું વિચારવાનું બન્યું જ ન હોય તો જે થઈ રહ્યું હોય છે તે જ બરાબર છે એમ લાગવાનું. પણ, જરા એંગલ બદલીએ તો ફોટોગ્રાફીમાં જુદો વ્યૂ મળે છે એ રીતે ઢાંચાથી જુદું વિચારાય તો જુદું કૈં હાથ લાગે એમ બને. થાય છે શું કે એંગલ બદલવાનો ખ્યાલ જ નથી આવતો ને આવે છે તો પોતાનામાં જ શંકા પડે છે ને મૂળ વિચાર પર ફરી આવી જવાનું બને છે.
જરા પેલી પીડિતાના એંગલથી જોઈએ. એ સેન્સિટિવ હોય કે ન હોય, કોઈ પણ મહિલાને કોઈ પણ કાળે બળાત્કાર કદી પણ આવકાર્ય લાગ્યો નથી. મતલબ કે બળાત્કારીનું એ કૃત્ય તેને હંમેશ તિરસ્કૃત ને ઘૃણાસ્પદ જ લાગ્યું છે. આમ તો પતિને કાયદાએ પત્નીને પામવાનો અધિકાર આપ્યો છે, છતાં પતિ દ્વારા પોતાની પત્ની પર થતાં દુષ્કર્મ અંગે પતિને કાનૂની રક્ષણ મળવું જોઈએ એવી ચર્ચાઓ પણ ચાલે છે. એનોય કાયદો થાય તો નવાઈ નહીં. મતલબ કે પત્નીને પતિનો બળાત્કાર અસહ્ય લાગતો હોય તો કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાને પરિચિત કે અપરિચિત દ્વારા થતો બળાત્કાર કેવળ અસહ્ય જ લાગે એ નિર્વિવાદ છે. ટૂંકમાં, કોઈ પણ મહિલાને બળાત્કારી કદી ગમ્યો નથી. એવી મહિલાને બળાત્કારી સજા રૂપે પરણે તો એ કઈ રીતે મહિલાને સ્વીકાર્ય હોય? બળાત્કારી જ પતિ બને એ કઈ મહિલાને ગમે? વારુ, ખાપ પંચાયત બળાત્કારીને સજા ફરમાવતી વખતે એક પણ વખત પેલી મહિલાને પૂછતી નથી કે બળાત્કારી સાથે તે લગ્ન કરવા રાજી છે કે કેમ? જે દીઠો ગમ્યો નથી, તે વ્યક્તિ પતિ તરીકે કઈ રીતે ગમે? આ સંદર્ભે ખાપ પંચાયતે વિવેક ખાતર પણ પીડિતાને એક વાર પૂછવું જોઈએ, પણ એવું પુછાયું નથી કે પુછાતું નથી. આ તો એક વાર બળાત્કાર કરનારને વારંવાર દુષ્કર્મ કરવાનું કાનૂની લાઇસન્સ આપવા જેવું જ છે કે બીજું કૈં?
સાધારણ રીતે મહોલ્લામાં ક્રિકેટ રમતી વખતે કોઈ ક્રિકેટવીરથી કોઈના ઘરનો કાચ ફૂટી જાય તો તેની નુકસાની એ વીરે ભરપાઈ કરવાની થાય કે કોઈ દુકાનમાં કોઈ વસ્તુ ખરીદતી વખતે ખરીદનારથી કૈં તૂટે-ફૂટે તો નુકસાની તેની પાસેથી વસૂલાય છે, એ જ રીતે કોઈ બળાત્કારી કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ કનડે, તેનાં શરીરને અણધારી હાનિ પહોંચાડે તો સમાજે તેની પાસેથી નુકસાની વસૂલવાની રહે. તે નુકસાની વસૂલવાનું તો દૂર, સમાજ તે મહિલાને વસ્તુ ગણીને તેની માલિકી બળાત્કારીને સોંપે તો એમાં ન્યાય ક્યાં છે? આ તો ગુનેગારને, સજાને બદલે સરપાવ આપવા જેવું જ થાય છે.
સ્ત્રીની સંમતિ ભાગ્યે જ કોઈ બાબતમાં પુછાય છે. પુરુષની સંમતિનું મહત્ત્વ છે, એટલું સ્ત્રીની સંમતિનું નથી. પુરુષ સજીવ છે, તેને ગમોઅણગમો છે, વિરોધ છે, હરખશોક છે. એ જ રીતે સ્ત્રી પણ એક સજીવ અને સંવેદનશીલ વ્યક્તિ છે. તેને પણ કશુંક ગમે છે, તો કશુંક નથી પણ ગમતું. તે અંગે પુરુષને પુછાતું હોય તો સ્ત્રીને પણ પૂછી શકાયને, પણ નથી પુછાતું. લગ્ન જેવી બાબતમાં આજે પણ ઘણાં ઘરોમાં તેની સંમતિ અનિવાર્ય નથી ગણાતી. પિયરમાં પિતા અને સાસરામાં પતિ, એ બે એવી વ્યક્તિઓ છે, જે ઉંમર લાયક દીકરી અને સ્વસ્થ વહુ પરનો કાબૂ ભાગ્યે જ છોડે છે. એવું હોય ત્યાં દીકરી કે વહુ વિકસે કઈ રીતે? એ ગૂંગળાતી કે રૂંધાતી જ રહે તો આનંદ જેવું પામે કઈ રીતે? આવું કહેતી વખતે સ્ત્રીનો પક્ષપાત કરવાની કોઈ વાત નથી. એવું પણ નથી કે પુરુષે તેનો અધિકાર જતો કરવો કે તેનો હક છીનવીને સ્ત્રીને આપવો. એવું બિલકુલ નથી. જેને પાત્ર નથી, એવું કૈં પણ સ્ત્રીને ન જ મળવું જોઈએ, પણ પાત્ર હોય તે તેને મળવું જોઈએ તે પણ ખરું. આટલું પણ એટલે કહેવાનું થાય છે, કારણ તેને તેના હકનું નથી મળતું. સાદી વાત એટલી છે કે આજે સ્ત્રી-પુરુષ બંને એકબીજાના પૂરક બનીને રહે છે ને એકબીજાનો ખ્યાલ કરીને જીવે છે. એ સ્થિતિ છતાં હજી સ્ત્રી બળાત્કારનો, શોષણનો ભોગ બને છે. એ સ્થિતિમાં બદલાવ આવે ને સ્ત્રી માનભેર, ઉન્નત મસ્તકે જીવી શકે એટલું પણ થાય તો ઘણું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 19 જાન્યુઆરી 2025