‘આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું’

પ્રકાશ ન. શાહ
જાહેર અવસરોએ શાસન તરફથી પ્રબંધન અલબત્ત અપેક્ષિત છે. પણ હમણાં જેને વરસ થયું તે રામ મંદિર નિર્માણ અને હાલ ચાલી રહેલ કુંભ પર્વ એક પ્રકારે સ્ટેટ સ્પોન્સર્ડ રૂપ પ્રગટ કરી રહ્યાં છે એ આપણા ધ્યાન બહાર ન જવું જોઈએ: વડા પ્રધાન વાજપેયીએ 2002માં જે અર્થમાં રાજધર્મની યાદ આપી હતી તે આ તો નથી.
વચ્ચે અહીં સાધ્વી ઋતંભરાની સાથે વાજપેયીનો ઉલ્લેખ ‘આધા કાઁગ્રેસી’ તરીકે (અને એથી પં. અટલ બિહારી નેહરુ તરીકે) કર્યો હતો. થાય છે, ધર્મ અને રાજધર્મ એ બધી ચર્ચા નિમિત્તે જવાહરલાલ વાસ્તવમાં ક્યાં ઊભા હશે?

કનૈયાલાલ મુનશી
આ પ્રશ્નના ઉત્તરની શોધમાં મને અલાહાબાદમાં 1954માં મળેલા કુંભ મેળા સંદર્ભે ક.મા. મુનશીએ કુલપતિના પત્રોમાં ટાંકેલ એક પ્રસંગનું સ્મરણ થઈ આવે છે :
‘… 1954માં અલાહાબાદમાં કુંભ મેળો હતો. મેળાના બે દિવસ અગાઉ પંડિતજી અને હું બધો પ્રબંધ યોગ્ય છે કે નહીં તે જોવા ત્યાં ગયા હતા. અમે સંગમ પર પહોંચ્યા ત્યારે પંડિતજી જીપ અટકાવી નીચે ઊતર્યા. તેમણે અને મેં ગંગાના પવિત્ર જળથી પોતાનું મોં ધોયું. એક ખબરપત્રી અમારી જીપની જોડાજોડ આવતો હતો તેણે એવો અહેવાલ આપ્યો હતો કે પંડિતજીએ સંધ્યા કરી અને જનોઈ ધોઈ હતી. આ અહેવાલ એણે કલ્પનામાંથી ઊભો કર્યો હતો. સત્ય એ હતું કે પંડિતજી ગંગા નદી પ્રત્યે ભાવિક હિન્દુ જેટલાં જ આદર અને ભક્તિ ધરાવતા હતા. માત્ર એમના ‘વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ’ને કારણે તેઓ આ ભક્તિભાવને બીજું નામ આપતા હતા.’
આ પ્રસંગ સંભાર્યા પછી મુનશી નેહરુના વસિયતનામાને ટાંકે છે :
‘ભારતની જગજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતર રૂપ ધરતી રહી છે અને છતાં ય એ એની એ જ ગંગા છે. ગંગા મારે મન વર્તમાનમાં વહેતા અને ભાવિના મહાસાગરમાં ભળી જતા ભારતના ભૂતકાળના પ્રતીક અને સ્મૃતિ સમી બની રહી છે … આપણા સર્વેની જેમ હું પણ મારી જાતને ઇતિહાસના ઉષ:કાળ સુધી લંબાતી ભારતના અનાદિ ભૂતકાળની અખંડ સાંકળની એક કડીરૂપ સમજુ છું. હું એ સાંકળ છિન્ન-ભિન્ન કરવા ઈચ્છતો નથી, કારણ કે હું એને મૂલ્યવાન લેખું છું અને એમાંથી પ્રેરણા મેળવું છું. મારી આ ઝંખનાના સાક્ષી તરીકે ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ અંજલિ તરીકે હું આ વિનંતી કરું છું કે મારા મૃતદેહના થોડા અવશેષો અલાહાબાદ પાસે વહેતા આ ગંગાના પ્રવાહમાં પધરાવજો – આ મહાનદી તેને ભારતના કિનારાઓને પખાળતા મહાસાગરમાં લઈ જશે.’
આ અવતરણ આપ્યા પછી મુનશી સટીક પૂછે છે : ‘જો આને ધર્મભાવના ન કહેવાય તો પછી કોને કહેવાય?’
1967ની આઠમી જાન્યુઆરીએ લખાયેલ ‘કુલપતિનો પત્ર’માંથી આ એક અંશ ટાંકી હું એના અનુસંધાનમાં 1967ની પહેલી ઓક્ટોબરના એમના પત્રમાંથી ટાંકવા માગું છું.
કોઈકે મુનશીને ‘વેદ, હિંદુઓ અને હિંદુ ધર્મ’ વિશે મોકલેલી પ્રશ્નાવલિ માંહેલો એક પ્રશ્ન આ છે :
‘એ (હિંદુ ધર્મ) રાષ્ટ્રીય છે કે સાર્વત્રિક ધર્મ છે?’
મુનશી એ સજ્જનને લખે છે :
‘હિંદુ ધર્મ એ સાર્વત્રિક ધર્મ છે, એનું યોગ્ય નામ સનાતન ધર્મ અથવા આર્ય ધર્મ છે. બૌદ્ધ ધર્મ પણ સનાતન ધર્મમાંથી જ ઉદય પામ્યો છે.’
આ ઉત્તરમાંથી જે બે વાનાં ફલિત થાય છે એ નોંધ્યાં તમે? એક તો, સનાતન ને બિનસનાતન એવો જે વિવાદ યોગી આદિત્યનાથ વગેરે છેડી રહ્યા છે એનો અહીં છેદ ઊડી જાય છે. બીજું, હિંદુ ધર્મ ‘સાર્વત્રિક’ છે, નહીં કે ‘રાષ્ટ્રીય’ – આ ભૂમિકા સાથે રાષ્ટ્રને હિંદુ ઓળખમાં બદ્ધ કરવાપણું રહેતું નથી. એમાં હિંદુ અંશ બલકે સત્ત્વ અવશ્ય છે, પણ તે એમાં અને એથી સીમિત નથી.

જવાહરલાલ નેહરુ
વારુ, નેહરુને અભિમત શું હતું તે તરફ વળીએ જરી? 1948ના જાન્યુઆરી મહિનામાં એ અલીગઢ ગયા છે, ચહીને ગયા છે, દીક્ષાન્ત અભિભાષણ વાસ્તે. જે સમયગાળામાં એ ગયા છે તે પણ અક્ષરશ: ઐતિહાસિક એવાં મનોવૈજ્ઞાનિક પરિમાણોનો ગાળો છે. 17મી જાન્યુઆરીએ ગાંધીજીએ એમના અંતિમ અનશન પૂરા કર્યા અને 30મી જાન્યુઆરીએ ‘ગાંધીવધ’ થાય છે : એના વચગાળામાં નેહરુ અલીગઢ યુનિવર્સિટી પહોંચ્યા છે.
એમના સંબોધનના પૂર્વાર્ધનો આ અંશ સાંભળો :
‘હું અલીગઢ યુનિવર્સિટીમાં લાંબા સમય પછી આવ્યો છું … આપણે એવા દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ કે તમે બલકે આપણામાંથી મોટાભાગના ક્યાં ઊભા છીએ તે હું ચોક્કસ જાણતો નથી. ગમે તેમ પણ, આપણે ભાવિને સંવારવાનું છે અને વર્તમાનનો મુકાબલો પણ કરવાનો છે. શ્રદ્ધાના મજબૂત લંગર વગર આપણે અમથા જ ઢસડાયા કરીશું … આપણો ઉદ્દેશ્ય ઉચ્ચ આદર્શ અને ઉદાત્ત પુરુષાર્થને વરેલા મુક્ત ભારતના નિર્માણનો છે. એક એવું ભારત જેમાં વિચાર અને સંસ્કૃતિના નાનાવિધ પ્રવાહો મળીને પ્રગતિ ને આગેકૂચ શક્ય બનાવે. હું ભારત માટે ગૌરવ અનુભવું છું તે એના પ્રાચીન ભવ્ય વારસા માટે જ નહીં, પણ દિલોદિમાગનાં બારીબારણાં ખુલ્લાં રાખીને સુદૂરનાં તાજગીભર્યાં વહેણ ને વાયરા આત્મસાત કરવાની ક્ષમતા બદલ. હમણાં મેં કહ્યું કે ભારતને બૌદ્ધિક ને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ આણનાર વારસા ને પૂર્વજો વિશે મને ગૌરવ છે. તમે આ ભૂતકાળને કઈ રીતે જુઓ છો? તમને પણ લાગે છે ને કે તે જેટલો મારો તેટલો જ તમારોયે છે? તમે મુસ્લિમ છો, ને હું હિંદુ – પણ તેથી જે મારો એટલો જ તમારો પણ વારસો છે તે કંઈ હતો ન હતો થઈ જતો નથી.’
સ્ટેટ સ્પોન્સર્ડ શોર વચાળે આ એક સાંસ્કૃતિક પિછવાઈ, જરી હટકે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 જાન્યુઆરી 2025