પ્રવાસની સ્વતંત્રતા માટે, વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વાટાઘાટો માટે તેમ જ વૈશ્વિક સ્તરે પોતાના દેશની છબિ સારી રહે તે માટે આ રેન્કિંગ સારું હોય તે જરૂરી છે
છેલ્લા દસેક દિવસથી પાસપોર્ટ રેંકિગની બહુ ચર્ચા થાય છે. કોઇપણ રાષ્ટ્ર વૈશ્વિક સ્તરે કેટલો ‘સોફ્ટ પાવર’માં ધરાવે છે એ જોવા માટે તેના પાસપોર્ટનું રેંકિંગ એક અગત્યનો માપ દંડ છે. પાસપોર્ટની તાકત દર્શાવતા અનેક ઇન્ડેક્સ હોય છે અને તેમાંથી હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અને પાસપોર્ટ ઇન્ડેક્સ આ બન્ને આગળ પડતા ગણાય છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 85મું છે, જે ગયા વર્ષે 84મા ક્રમાંકે હતું. ભારતીય પાસપોર્ટનું જોર સહેજ ઓછું થયું ગણાય, પણ છતાં ય 62 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધરાવનારાને વગર વીઝાએ પ્રવેશ મળી શકશે. આ જ રીતે પાસપોર્ટ ઇન્ડેક્સની વાત કરીએ તો ભારત અત્યારે 67મા ક્રમાંકે છે, તેનો મોબિલીટી સ્કોર 73 છે અને 27 દેશોમાં ભારતીય પાસપોર્ટ ધરાવનારાને વગર વીઝાએ પ્રવેશ મળી શકશે. સૌથી પહેલાં તો એ સમજી લેવું જરૂરી છે કે બન્ને ઇન્ડેક્સ જુદાં જુદાં પાસાંઓને આધારે કોઇપણ દેશના પાસપોર્ટનું રેંકિંગ નક્કી કરે છે. કોઇ પણ દેશના પાસપોર્ટની તાકાત એના આધારે નક્કી થાય કે એ દેશનો પાસપોર્ટ ધરાવતા લોકો બીજા કેટલા દેશોમાં વીઝા વિના પ્રવાસ કરી શકે છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર પાકિસ્તાનનો પાસપોર્ટ 106માં ક્રમાંકે છે તો બાંગ્લાદેશ 101 પરથી 102 નંબર પર આવી ચૂક્યો છે. નવાઇની વાત છે કે મૉલદિવ્ઝનો પાસપોર્ટ ધરાવનારા 96 દેશોમાં વીઝા વગર જઇ શકે છે અને આ કારણે જ તેનુ સ્થાન 58મું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ આ ક્રમાંક માટે છેલ્લાં 19 વર્ષના એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સ્પેશ્યલાઇઝ્ડ ડેટા પર આધાર રાખે છે, જેમાં વિશ્વભરનાં વિવિધ દેશનાં 199 પાસપોર્ટ અને 227 પ્રવાસનાં સ્થળોને ગણતરીમાં લેવાય છે. આ ઇન્ડેક્સને દર મહિને અપડેટ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે ફ્રાંસ, જર્મની, ઇટાલી, સ્પેઇન, જાપાન અને સિંગાપોરના પાસપોર્ટને સૌથી વધુ મજબૂત – પાવરફૂલ પાસપોર્ટ ગણવામાં આવે છે કારણ કે આ દેશોનું નાગરિકત્વ ધરાવનાર વ્યક્તિ ઇન્ડેક્સમાં ગણતરીમાં લેવાતા 227 સ્થળોમાંથી 194 સ્થળોએ વગર વીઝાએ પ્રવાસ કરી શકે છે. સાઉથ કોરિયા, ફિનલેન્ડ અને સ્વીડનના નાગરિકો 193 સ્થળોએ વીઝા ફ્રી પ્રવાસ કરી શકે છે.
ભારતના પાસપોર્ટના રેન્કિંગમાં જે ફેરફાર આવ્યો, તે ઘટ્યું તેની પાછળનું કોઇ ચોક્કસ કારણ દર્શાવવું મુશ્કેલ છે. છતાં પણ આપણે સંભવિત પાસાંઓ કયાં હોઇ શકે તે નાણવાનો પ્રયાસ કરી જોઇએ.
કોઇપણ દેશના દ્વિપક્ષીય કરારો કેવા છે તે એક મહત્ત્વનું પરિબળ બને છે. જેમ કે અન્ય દેશો, જેનું રેન્કિંગ વધારે છે તેમની સરખામણીએ ભારત પાસે અન્ય દેશો સાથે વીઝા-ફ્રી પ્રવાસ કરવાના કરારો ઓછા છે. શ્રીલંકા, થાઇલેન્ડ, કેન્યા જેવા કેટલાક દેશોએ ભારતને ગણતરીમાં લીધો છે ખરો, પણ હજી આ પ્રગતિ ધીમી છે. અમુક કેસમાં એમ પણ બને કે ભારત જે-તે દેશના નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી આપે છે પણ સામે એ જ દેશ જો ભારતીય નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી ન આપતો હોય તો પણ ભારતના રેન્કિંગ પર તેની સીધી અસર પડે છે. વૈશ્વિક રાજનીતિમાં ભારતનું શું સ્થાન છે, તેને કેટલું મહત્ત્વ મળે છે અથવા તે જે-તે રાષ્ટ્ર સાથે વ્યૂહાત્મક સંબંધોમાં કયા મુકામે છે તેને આધારે પણ વીઝા-ફ્રી એન્ટ્રીનું મળવું કે ન મળવું સંકળાયેલું હોય છે. જો કોઇ દેશ સાથે ભારતને સરહદી વિવાદો અથવા સુરક્ષા લક્ષી પ્રશ્નો હોય તો સ્વાભાવિક છે તેની વીઝા ઍક્સેસ પર તેની સીધી અસર થાય. આમ તો ભારતનું અર્થતંત્ર ધમધમી રહ્યું હોવાની ચર્ચા તો છે જ, પરંતુ રાષ્ટ્રિય આર્થિક શક્તિ અને તેની સ્થિરતા પણ કોઇપણ દેશના રેન્કિંગ પર સીધી અસર કરે છે. ભારતનું અર્થતંત્ર મજબૂત તો થઇ રહ્યું છે પણ હજી તે એટલું મજબૂત નથી કે તેને વીઝા ઍક્સેસને લગતા કરારોમાં ગણતરીમાં લેવામાં આવે.
ભારતનું સ્થાન જરાક આમ-તેમ થયું એમાં આમ તો ચિંતા કરવાની જરૂર છે જ નહીં, કારણ કે આ રેન્કિંગમાં આઘા-પાછા થવું સ્વાભાવિક છે અને તે કોઇ ચોક્કસ અભિગમ દર્શાવે છે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. ભારતનું રેન્કિંગ 2020માં તો 120માં ક્રમાંકે હતું તો તેની સરખામણીમાં હાલમાં મળેલું રેન્કિંગ ઘણું પ્રશંસનીય છે.
ભવિષ્યમાં ભારતના રાજદ્વારી સંબંધો સુધરશે, વિદેશી રોકાણ વધારવાની દિશામાં પ્રયાસો થશે તો ભારતીય પાસપોર્ટના રેન્કિંગ પર હકારાત્મક પ્રભાવ પડી શેક છે. જે અગત્યના દેશો છે, ખાસ કરીને વૈશ્વિક રાજનીતિમાં, એ દેશો સાથેના દ્વિપક્ષીય કરારો અને પરસ્પર વીઝાની વ્યવસ્થા લાભાદાયી રીતે ગોઠવાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરાશે તો પણ આ રેન્કિંગ બહેતર બની શકે છે. આપણા દેશ પ્રત્યે વૈશ્વિક અભિગમ શું છે, તે દિવસે દિવસે બહેતર બનાવી શકાય એ પ્રકારની આર્થિક પ્રગતિની દિશામાં કામ થશે અને સલામતીને મામલે નક્કર વલણ દર્શાવી શકાશે તો પણ ભારતીય પાસપોર્ટને બહેતર ક્રમાંક મેળવવામાં મદદ મળશે.
આમ તો ભારતનો ‘અતિથિ દેવો ભવ’નો વિચાર પ્રવાસીઓએ અનુભવ્યો જ હોય છે પણ છતાં ય આપણે ત્યાં વિદેશી પ્રવાસીઓની છેડતી વગેરેના બનાવો એકથી વધુ વાર વાઇરલ ગયા છે. યુ.એસ.એ. જેવા દેશ પણ છે જેનું રેન્કિંગ સારું જ છે કારણ કે તે મહાસત્તા છે પણ ત્યાં થતા ગનક્રાઇમ્સ અને જાતિભેદને કારણે હુમલાઓ તો કોઇને માટે પણ સુરક્ષાનાં પ્રશ્ન ખડા કરે જ છે.
પાંચ વર્ષ સુધી જાપાન સૌથી પાવરફુલ પાસપોર્ટ ધરાવતો દેશ હતો અને હવે તે ત્રીજા ક્રમાંકે છે. કોવિડ-19 દરમિયાન ઘણા દેશોએ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો હતો અને જાપાન સહિતના ઘણા દેશોના પાસપોર્ટ રેન્કિંગમાં ઘટાડો થયો હતો. ચીન અને રશિયા સાથે જાપાનને તંગ સંબંધો છે અને તેની સીધી અસર તેના પાસપોર્ટ રેન્કિંગ પર થઇ છે. જાપાનની વીઝા નીતિ અન્ય દેશોની સરખામણીએ આકરી છે જેનો પ્રભાવ પણ ગણવો રહ્યો. ચીનની વાત કરીએ તો મોટાભાગના શક્તિશાળી રાષ્ટ્રો સાથે ચીનને વાંધા-વચકા છે જ અને માટે જે તેના પાસપોર્ટ રેન્કિંગ પર અસર થાય તે સ્વાભાવિક છે.
પાસપોર્ટ રેન્કિંગ સારું હોય એ આમ તો સલામતી અને શક્તિનો માપદંડ નથી બની જતું છતાં પણ પ્રવાસની સ્વતંત્રતા માટે, વૈશ્વિક રાજનીતિ અને આર્થિક વાટાઘાટો માટે અને વૈશ્વિક સ્તરે પોતાના દેશની છબિ સારી રહે તે માટે આ રેન્કિંગ સારું હોય તે જરૂરી છે.
બાય ધી વેઃ
એ સમજવું જરૂરી છે કે પાસપોર્ટનું રેન્કિંગ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવા માટેની જરૂરિયાતોમાંનું એક પાસું છે, છતાં પણ જે તે દેશમાં જતા પહેલાં ત્યાંનો વીઝા મેળવવાની અનિવાર્યતા અંતે તો તે દેશની પરિસ્થિતિ પર જ આધાર રાખે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે અન્ય દેશના નાગરિકોને કેટલી સલામતી પૂરી પાડી શકીએ છીએ તેની ખાતરી અને દ્વિપક્ષીય સંબંધોને લેખાં-જોખાંને આધારે વૈશ્વિક સ્તરે આપણી છાપ બહેતર બની શકે છે. દેશમાં અંદરો અંદર જો હુલ્લડો થતાં હોય, લિન્ચિંગના બનાવો બનતા હોય, બળાત્કાર થતા હોય, લૂંટ-ફાટ થતી હોય, વિદેશી પ્રવાસી બ્લોગર્સની છેડતી થતી હોય તો આપણું પાસપોર્ટનું રેન્કિંગ ક્યાં જાય એ તો પછીનો પ્રશ્ન રહે, પણ અન્ય રાષ્ટ્રોના નાગિરકોનો સામાન્ય અભિગમ સાવચેતી અને સવાલો ભર્યો રહે એમાં કોઇ નવાઇ નથી. માનવાધિકારના પ્રશ્નો પણ પાસપોર્ટ રેન્કિંગમાં અગત્યનો ભાગ ભજવે છે. આમ તો ‘એક્ઝોટિક ઇન્ડિયા’નો મોહ વિદેશીઓમાં ઓછો થવાની શક્યતા પાંખી છે, પણ છતાં ય આપણે ભારતીયો તથા વિદેશીઓની સલામતી જાળવવામાં પાછા ન પડીએ એ જરૂરી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024