રાહુલ ગાંધીની અપીલ પર ચૂકાદો આપતા સર્વોચ્ચ અદાલતના ત્રણ જજોએ સુરતની ટ્રાયલ કોર્ટના જજને અને ગુજરાતની વડી અદાલતના જજને એક સરખો સવાલ પૂછ્યો હતો કે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને કાયદાપોથીમાં બતાવેલી પૂરેપૂરી (એક દિવસ પણ ઓછો નહીં) બે વરસની સજા કરવાનું શું કારણ? ન્યાયાધીશોને એટલી તો જાણ હશે જ કે સજા જ્યારે પ્રમાણબહાર કરાવામાં આવે ત્યારે એટલી સજા કરવા પાછળનાં કારણ આપવામાં આવે છે.
ન્યાયશાસ્ત્રમાં આને રૂલ ઓફ પ્રોપોર્શન કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિને જજ તરીકે નિયુક્ત કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં આ પ્રમાણસરની સજાનો સિદ્ધાંત શીખવાડવામાં આવે છે. જેવો અને જેટલો ગુનો એટલી સજા. કાયદાપોથીમાં બતાવેલી વધુમાં વધુ સજા કરવી જરૂરી નથી હોતી અને કરવામાં આવતી પણ નથી. લોકોની અંદર ડારો પેદા કરવા માટે કાયદામાં વધુમાં વધુ સજા કરવાની જોગવાઈ હોય છે, પણ આપવા માટે નથી હોતી અને જો આપવી જરૂરી લાગે તો તેની પાછળનાં કારણો આપવાં જરૂરી છે.
બને ત્યાં સુધી ઓછામાં ઓછી સજા કરવાની જજો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. હા, ગુનેગારે એકનો એક ગુનો વારંવાર કર્યો હોય, ચેતવણીની અવગણના કરતો હોય, જેલમાં કેદીઓ માટેની શિસ્ત તોડી હોય અને પોલીસ પાસે ગુનેગારનો એ રીતનો ઇતિહાસ હોય તો જજ ખાસ સ્થિતિમાં સજા વધારે છે અને વધારતી વખતે ઉપર કહ્યાં હોય એવાં કારણો આપે છે.
રાહુલ ગાંધીની બાબતમાં આ વાત લાગુ થાય છે ખરી? તેઓ શું રીઢા ગુનેગાર છે? અને જો આવી કોઈ વાત રાહુલ ગાંધીની બાબતમાં જોવા નથી મળતી તો શા માટે કાયદામાં બતાવેલી વધુમાં વધુ સજા કરવામાં આવી? જજો પાસેથી અપેક્ષા હતી કે તે પૂરી સજા કરવામાં પાછળનાં કારણો આપે.
પણ ઈરાદો જુદો હતો. રાહુલ ગાંધીને જો પૂરી બે વરસની જેલની સજા કરવામાં આવે તો તેમનું લોકસભાનું સભ્યપદ રદ્દ કરી શકાય. માટે સુરતની નીચલી અદાલતના જજે અને ગુજરાતની વડી અદાલતના જજે સરકારને તેના ઇરાદામાં મદદ કરી હતી. રહી વાત સજાનાં પ્રમાણની તો એ વિશે એ બિચારા શું કહે? ગુલામી અને ફરજપરસ્તી સાથે ન જઈ શકે. એટલે સર્વોચ્ચ અદાલતના જજોનો નીચલી બે અદાલતોના જજોને પૂછેલો સવાલ કાન આમળનારો છે. સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીને કરેલી સજા સ્થગિત કરી છે. દરમ્યાન રાહુલ ગાંધીની સજા સામેની અપીલ એની જગ્યાએ કાયમ છે અને તે સર્વોચ્ચ અદાલતમાં ચાલશે.
અહીં લોકસભાના સ્પીકરની ભૂમિકા પણ વિવાદાસ્પદ હતી. સુરતની અદાલતે સજા સંભળાવી અને ચોવીસ કલાકમાં સ્પીકરે રાહુલ ગાંધીને લોકસભામાંથી બહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકરને વીનંતી કરી હતી કે પહેલાં તેમને સાંભળવામાં આવે. લોકસભામાં બોલવાની તક આપવામાં આવે. સ્પીકરે રાહુલ ગાંધીને એવી તક આપી નહોતી. લોકો દ્વારા ચુંટાયેલા સભ્યની વીનંતી ઠુકરાવી દીધી હતી. ઘ્યાન રહે વર્તમાન શાસકો સર્વોચ્ચ અદાલતના અધિકારને નકારવા માટે દલીલ કરે છે કે લોકો દ્વારા ચુંટાયેલા સભ્યોની સત્તા નિયુક્ત સત્તાધીશો કરતાં ઘણી વધુ છે.
હકીકતમાં રાહુલ ગાંધીએ લોકસભામાં નરેન્દ્ર મોદી અને અદાણી જૂથ સાથેનાં સંબંધો વીશે પ્રમાણો સાથે, તર્કબદ્ધ અને ધારદાર ભાષણ કર્યું અને તેને દેશવિદેશમાં વ્યાપક પ્રસિદ્ધિ મળી એ પછી તેઓ ટાર્ગેટ હતા. તેમને લોકસભામાંથી કાઢવા હતા. માટે સુરતની અદાલતે એ સમયે ચૂકાદો આપ્યો હતો જ્યારે લોકસભાનું સત્ર ચાલુ હતું અને સ્પિકરને રાહુલ ગાંધીને બહાર કાઢવાનો મોકો મળે. બધું આયોજપૂર્વક કરવામાં આવ્યું હતું કે જેથી રાહુલ ગાંધીને અપીલમાં જવાનો મોકો ન મળે. વડી અદાલતમાં તો અપેક્ષા મુજબ ન્યાય મળ્યો નહોતો, પણ સર્વોચ્ચ અદાલતે આપ્યો. રાહુલ ગાંધીનું સભ્યપદ ફરી બહાલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ સ્પીકર પાસે નહોતો.
ગયા અઠવાડિયે લોકસભાના સ્પીકર ઓમ બિરલા દુઃખી થઈ ગયા હતા. તેમને લોકતંત્રની ચિંતા સતાવતી હતી. સભ્યો લોકસભામાં કામકાજ ચાલવા ન દે તો દેશમાં લોકતંત્ર બચશે કેમ? તેઓ સ્પીકરની ખુરશી છોડીને જતા રહ્યા હતા અને કહ્યું કે તેઓ લોકસભાનું નેતૃત્વ નહીં કરે. જો લોકતંત્ર અને માનમર્યાદાની આટલી બધી ખેવના છે તો એ રાહુલ ગાંધીની બાબતમાં કેમ જોવા ન મળી? બોલવા પણ ન દીધા! બીજું લોકસભામાં તેમની તટસ્થતા કેટલી છે અને પક્ષપાત કેટલો છે એ તો તમે જાણો જ છો. ઓમ બિરલાનાં આંસુ મગરનાં આંસુ હતાં.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2023