પાછી સિઝન આવી ગઈ છે. ધડાકા ભડાકા ઢોલ નગારા બેન્ડ વાજાની સિઝન, લોકોની નીંદ હરામ કરવાની સિઝન, વિદ્યાર્થીઓને પરેશાન કરવાની સિઝન અને ટ્રાફિકને જામ કરવાની સિઝન.
ટેસડામાં આવી ગયેલાં વરરાજાઓ પોતે જાણે રાજા છે અને પોતાનો રાજ્યાભિષેક થઈ રહ્યો હોય એ જાતનાં ખેલ મંડાવાના શરૂ થશે. લગ્ન-સેનાનું આસુરી-નૃત્ય જાહેર જનતાના હિતમાં જાણે યોજતું હોય એવા જોમ સાથે અદાકારની માફક સજ્જ બનીને, ભારતીય સંસ્કૃિતને કંઈક પ્રદાન કરતા હોય એવા કેફમાં લીન થવું એ મંદબુદ્ધિની નિશાની છે. લગભગ દરેક કુટુંબમાં કેટલાક માથા ફરેલ ‘ભૈયાઓ’ આવી ઇવેન્ટને પાર પાડવાં અંગેના ખાં હોય છે અને પોતે સામાજિક મૂલ્યોના રક્ષક હોય એ પ્રકારનો દબદબો ભોગવવા માટે હંમેશાં નવરા હોય છે.
સ્ત્રી અને પુરુષ લગ્નગ્રંથિથી જોડાય એ એમનો અંગત મામલો છે, અને આનંદ-ઊર્મિઓ એમના મનમાં ઊભરાતી હોય એ સ્વાભાવિક બાબત છે. પણ આ વાતમાં સગાં-સંબંધીઓનું આટલી હદે ઘેલાં બનીને ગેલમાં આવી જવું અને ધરા ધ્રુજાવી દે, એ હદે ધમાલ મચાવવી એ જાતની માનસિક ઉત્તેજના ડોકટરી તપાસનો મામલો છે … ! અમીરોની નબીરાગીરીને આ ઘેલછા માફક આવી શકે, પણ જ્યારે માધ્યમ વર્ગ પોતાની મતિ અને સંપત્તિ બંને દાવે લગાવી આ રવાડે ચડે છે, ત્યારે એ કરુણ ઉપહાસ જન્માવે છે. ‘સામાજિક મોભો’ એ ધરાહાર રિસ્પેક્ટ મેળવી લેવાની ઘેલાઈ છે, જે વાસ્તવમાં અંતરમનનું અસ્થિરપણું છે.
એક યુગલને માન્યતા આપવા આટલી બધી વિધિઓ, ગોર મહારાજો, કુંડળીઓ, માંડવાઓ, થાળાઓ, મીઠાઈઓ, આણાનાં પ્રદર્શનો, ભપકો-દેખાડો, ગાડીઓ, મોંઘી કંકોત્રીઓ, ચાંદલાના હિસાબો, હેલોજનની આડેધડ લાઈટો, દરજીઓ, સૂટ અને સાડીઓ, ઘોડા અને બગીઓ, ભાંગડા અને ગરબીઓ, આયોજનનાં ધાંધિયાઓ, જમણવાર અને એઠવાડ, રસ્તા-જામ ને આ બધી ધાંધલ-ધમાલની શી જરૂર હોય છે ?
આમાંની કોઈ પણ ચીજ લગ્ન-જીવનને બેહતર બનાવવામાં ફાળો આપતી નથી. અલબત્ત, આપણે એક સહજ ઘટનાને આટલી કોલાહલયુક્ત બનાવીને દામ્પત્ય જીવન અંગેના બનાવટી ફંડાને વધુ મજબૂત બનાવીએ છીએ. લગ્ન પહેલાનાં રોમાન્સ અને લગ્ન પછીની સહજીવનયાત્રા એ તદ્દન અલગ અનુભવો છે. સાત ફેરા ફરીને સાત જન્મોનો સાથ નિભાવવાની અને એક બીજા માટે મરી ફીટવાની વાતો માત્ર ફિલ્મી લવગુરુઓની લવારીઓ છે.
આવી અવળી ફિલોસોફીનાં નશામાં નવદંપતી એકબીજા ઉપર અભાનપણે જ અવાસ્તવિક અપેક્ષાઓનો બોજ થોપવા માંડે છે. માણસની પોતાની જરૂરિયાત સંતોષવાના સ્વાર્થે જ લગ્ન-સંબંધની જરૂરિયાત ઊભી થાય છે, બીજાના લાભાર્થે નહિ. નર-માદાનું મિલન એ પ્રાકૃતિક વ્યવસ્થા છે, તેના માટે ગજ-ગર્જનાઓ કરવી એ ચિત્તભ્રમ છે. જરૂર માત્ર બે ગ્રામ અક્કલની અને તેને વાપરવાની હોય છે. પણ આપણે તો પરંપરાશાહીના અદ્દભુત સૈનિકો છીએ જેને અર્થહીન રિવાજો હંકારે જાય છે.