બળવંત જાની સંપાદિત ‘વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો’માંથી પસાર થતાં તાજી હવાની લેહરખીની અનુભૂતિ થાય છે. વિવેચકોના મતે, સુરેશ જોષી પછીનું અાપણું નિબંધસર્જન સંકીર્ણ, બીબાંઢાળ, ચીલાચાલુ, બંધિયાર રહ્યું છે. વિચારપ્રધાન નિબંધોમાં છીછરું, ઉપરચોટિયું ચિંતન અાછકલી – ચબરાકિયા શૈલીમાં નિરૂપિત થાય છે. એ વાંચી પ્રતિભાવરૂપે ભાવકને બહુબહુ તો ગલગલિયાં થાય. એમાંથી કોઈ અર્થબોધ કે મૂલ્યબોધ થતો નથી. પ્રવાસનિબંધો સ્થળવર્ણન અને જાણીતી વ્યક્તિઅોના બડાઈખોર નામોલ્લેખ [name – dropping] સુધી સીમિત રહે છે. ચરિત્રમૂલક નિબંધોમાં બહુધા વ્યક્તિના જીવનની સ્થૂળ વિગતો અને સિધ્ધિઅોની યાદી મળે છે. મુખ્યપ્રવાહના સમકાલીન નિબંધસાહિત્ય વિશે એ મહદ્દઅંશે સત્ત્વહીન [stale], રૂઢ [trite] અને ઊતરી ગયેલું, જીર્ણ [hackneyed] છે, એવું અણગમતું તારણ નીકળે છે. અને તેથી જ અાવા સ્થગિત વાતાવરણમાં સમચલન અને નવોન્મેષ પ્રકટાવતા વિપુલ કલ્યાણીના નિબંધો નોંધપાત્ર અને સીમાચિહ્નરૂપ બને છે. અા નિબંધો અાપણા નિબંધસર્જનમાં અપૂર્વ મુદ્રા ઉપસાવે છે, નોખી ભાત પાડે છે અને એને નવું પરિમાણ બક્ષે છે.
બળવંત જાની ઉચિત રીતે જ અા નિબંધોને સત્ત્વશીલ સર્જન તરીકે અોળખાવે છે. અહીં લેખક નિબંધના વિષયવસ્તુનો મર્મ ખોલે છે, તેનું પોતીકી રીતે અર્થઘટન કરે છે, તે સંદર્ભે સચ્ચાઈપૂર્વક પોતાનું દૃષ્ટિબિંદુ પ્રગટ કરે છે, અને વિપુલછાપ નિજી, અપ્રતિમ [inimitable] શૈલીમાં એનું નિરૂપણ કરે છે.
લેખકની સૂઝસમજણ [perception], અર્થઘટન અને દૃષ્ટિબિંદુમાં નિબંધોનું ડાયસ્પોરિક સ્વરૂપ પણ પ્રતિબિંબિત થાય છે. વિપુલભાઈ ટાન્ઝાનિયામાં જન્મ્યા, ત્યાં સિનિયર કેમ્બ્રિજનું ભણ્યા અને પછી વિલાયતમાં વસ્યા. અા પરિબળોની અસર એમના વિશ્વદર્શન પર હોય જ. અા નિબંધોમાં વ્યક્ત થતાં તેમનાં મંતવ્યો અને પતીજપ્રતીતિ ગાંધીવિચાર અને બ્રિટિશ મૂલ્યોથી પરિષ્કૃત છે. અા મૂલ્યો તે ‘છેવાડાના મનેખને’ સહભાગી બનાવતી લોકશાહી, ઉદારમતવાદી દૃષ્ટિબિંદુ, સમાનતા, સર્વસમાવિષ્ટ અભિગમ, વહેરાવંચા વગરનો નિષ્પક્ષ વાજબી [fair] વ્યવહાર, પારદર્શકતા [transparency] અને ન્યાયનિષ્ઠા. વિપુલભાઈના નિબંધોમાં અા મૂલ્યો ઉજાગર થાય છે. અા મૂલ્યો એમણે અાત્મસાત્ કર્યાં છે. એના પ્રભાવે એમની દૃષ્ટિ સત્ત્વગુણી, નિર્મળ બની છે, અને દર્શન સત્ત્વસ્થ – સ્વસ્થ. તેથી જ અહીં અાપણને ગુજરાતીતા અને બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરાની વિશાળ, સર્વગ્રાહી [comprehensive] વિભાવના મળે છે. દ્વેષભાવ કે સ્વાર્થબુદ્ધિથી અાને સંકુચિત કરી દેનારને લેખક કહે છે કે, ‘ગુજરાતની હવેલી એ કોઈ બાપીકી મિલકત નથી.’
અાફ્રિકા – વિલાયતનિવાસ તથા દૂર દેશાવરના પ્રવાસોથી સંમાર્જિત પરિપ્રેક્ષણને લેખે લગાડી લેખક ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત ઇતિહાસ પરિષદ જેવી સંસ્થાઅોના કાર્યક્ષેત્રોને વિસ્તારવાની હિમાયત કરે છે, અને ‘પોતીકા ખાબોચિયા’માં જ છબછબિયાં કરવા જેવી કાર્યશૈલી બદલવા અનુરોધ કરે છે.
વિચારપ્રધાન નિબંધલેખક પાસેથી ભાવક તરીકે અાપણી અાટલી અપેક્ષા રહે છે : લેખક ચિંતનીય મુદ્દાની સ્પષ્ટ રજૂઅાત કરે, તેનો મર્મ ખોલી અાપે, તેનું સ્વસ્થ પ્રતીતિકર અર્થઘટન કરે, તે સન્દર્ભે પોતાનું સમતોલ, પૂર્વગ્રહમુક્ત મંતવ્ય કે દૃષ્ટિબિંદુ પ્રકટ કરે અને અા ચિંતનક્રિયામાં અાપણને સહભાગી બનાવે. વિપુલભાઈના નિબંધોમાં અા અપેક્ષા સંતોષાય છે, અને તેથી જ એનું વાચન સંતર્પક બને છે.
વિપુલ કલ્યાણીના નિબંધોમાં સર્જકની ડાયસ્પોરિક ચેતનાનો સંસ્પર્શ અનુભવાય છે. અાની નોંધ લેતાં સંપાદક બળવંત જાની કહે છે : લેખક જે સત્ય ઉદ્દઘાટિત કરે છે તે ડાયસ્પોરા વ્યક્તિની ભીતરની સ્વસ્થ, તટસ્થ દૃષ્ટિ સંપન્નતા દર્શાવે છે. અા નિબંધોમાં લેખકનાં દૃષ્ટિબિંદુ તપાસતાં અાપણને પ્રતીતિ થાય છે કે, સ્વસ્થતા અને તાટસ્થ્યના માપદંડ ઉપર તે ખરાં ઊતરે છે. જે મુદ્દો પ્રસ્તુત થાય તેમાં લેખકની પોતીકી પતીજ છે, અર્થઘટનમાં જાતવફાઈ અને સત્યનિષ્ઠા, મૂલ્યાંકનમાં પક્ષપાતરહિત સમદર્શિતા. વૈચારિક મુદ્દાને લોકપ્રિય ખૂણેથી [angle] રજૂ કરી જનસાધારણની વાહવાહની [playing to the gallery] અહીં ખેવના નથી કે તથ્યને મારીમચડી કોઈ બડેખાંને રીઝવવાનાં ઝાવાં નથી.
એક જ વિષયના બે ચિંતનાત્મક લેખોની તુલના અાપણા વિવેચન માટે રસપ્રદ છે. વિચારપ્રધાન નિબંધના મૂલ્યાંકન માટેના માપદંડોને અાધારે અા લખાણો તપાસવાનો અા ઉપક્રમ છે. ગુણવંત શાહના લેખના પ્રતિભાવરૂપે વિપુલ કલ્યાણીનો લેખ ‘ખોવાયેલી દિશાની શોધખોળ’ અા સંગ્રહમાં સમાવિષ્ટ છે. વિષય છે બિનસાંપ્રદાયિક્તા સંદર્ભે સાચ અને જૂઠ. બન્ને લખાણો અડખેપડખે રાખતાં ભાવક તરીકે પ્રથમ પ્રશ્ન એ થાય કે, લેખક નિષ્ઠાપૂર્વક અા મુદ્દાનો મર્મ પ્રસ્તુત કરે છે કે અાળપંપાળ ? મૂળ મુદ્દાને કેન્દ્રમાં રાખી ચર્ચા કરે છે કે ચાલાકીપૂર્વક તેને ચાતરી ચર્ચા અાડે પાટે ચઢાવે છે ? તે પછી, લેખક મુદ્દાનું જે અર્થઘટન કરે છે તે તર્કશુદ્ધ છે કે તરકટી ? મુદ્દા તરીકે લેખકનું દૃષ્ટિબિંદુ સચ્ચાઈપૂર્વકનું, સમતોલ, મૂલ્યનિષ્ઠ છે કે ખંધું, પક્ષપાતી, પૂર્વગ્રહયુક્ત, અધ્ધરિયું ? છેલ્લે લખાણનું પ્રયોજન. ભાવક તરીકે અાપણે એ પૂછવાનું છે કે, અા લખાણ મારામાં ચેતોવિસ્તાર, દૃષ્ટિની નિર્મળતા અને સાત્ત્વિકી પ્રેરે છે કે મારી કૂપમંડૂકતાને કાયમ રાખી, વિચારપ્રક્રિયાને પ્રદૂષિત કરી મારામાં દ્વેષભાવ ઠાંસે છે. નિબંધ કે કોઈપણ સાહિત્યિક રચનાનું મૂલ્યાંકન અાખરે તો ભાવકના પ્રતિભાવ [response] પર અવલંબિત છે. Essay is what essay does. નિબંધ ભાવકની ચેતનાને કઈ રીતે સંકોરે છે ? એ એને ઊર્ઘ્વગામી કરે છે કે અધોગામી ? ઊર્જિત કરે છે કે મૂર્છિત ? પરિષ્કૃત કરે છે કે પરિક્ષીણ ?
લેખકની ચેતનાનો સંસ્પર્શ પામેલ નિબંધમાં એનું શીલ પણ પ્રતિબિંબિત થાય છે. અા નિબંધોમાં વિપુલ કલ્યાણીની જાતવફાઈ, સત્યનિષ્ઠા અને માનવીય સંવેદનશીલતાનાં પ્રમાણ સુપેરે મળે છે.
શીલ તેવી શૈલી છે. અા નિબંધો અાત્મપ્રતીતિની નીપજ છે તેથી એમાં લેખકનો પોતીકો રણકતો અવાજ છે. લેખક સોંસરી અભિવ્યક્તિ અને તળપદા શબ્દોના વિનિયોગથી ભાવક સાથે અાત્મીય સંવાદની ભૂમિકા રચે છે. નિરૂપણ દાધારંગું, દોદળું નહીં, ‘સોજ્જું અને નક્કર’ છે.
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મહત્ત્વના નિબંધલેખક તરીકે તો અા સંગ્રહ વિપુલ કલ્યાણીને સ્થાપિત કરે જ છે. લેખક બ્રિટિશ ગુજરાતી હોવાને નાતે દીપક બારડોલીકર કહે છે તેમ, ‘તે કંઈક નોખી ઢબે, નોખી વાત કરે છે.’ બળવંત જાનીનું અા વિધાન − ‘અાવા નિબંધો ગુજરાતની તળભૂમિમાં ક્રિયાશીલ સારસ્વતો દ્વારા ન જ પ્રગટ્યા હોત’ − અા નિબંધોની વિશિષ્ટતા અને અપ્રતિરૂપનો નિર્દેશ કરે છે.
મુખ્ય પ્રવાહના નિબંધસાહિત્યમાં પણ વિપુલ કલ્યાણીનું નિબંધલેખક તરીકેનું પ્રદાન નોંધપાત્ર બની રહે છે. અહીં ગુજરાતી નિબંધની નોખી, અાગવી ભાત ઉપસે છે. એ નિબંધસ્વરૂપની સીમાઅોને વિસ્તારે છે. વિચારપ્રધાન નિબંધોને નામે અાજે ખાસું ડીંડવાણું ચાલે છે. કેટલાક લેખકો જાહેરખબરિયા શૈલીમાં ચિંતનને નામે બજાણિયાવેડા કરે છે. ડાકલાં, ડુગડુગિયાં વગાડી ભોળા ભાવકોને ધુણાવે છે. ત્યારે વિપુલ કલ્યાણીનું મર્મગ્રાહી ચિંતન, પ્રજ્ઞાવાન અર્થઘટન અને મૂલ્યનિષ્ઠ મૂલ્યાંકન અા સ્વરૂપને નવી દિશા ચીંધે છે. સંપાદકીયમાં બળવંત જાનીએ વિપુલભાઈને ‘જાગરૂક’ ચિંતક તરીકે અોળખાવ્યા છે. અા જાગરૂકતા એટલે કહેવાતાં ચિંતનાત્મક લખાણો દ્વારા મૂલ્યહ્રાસ ન થા્ય, જૂઠનો મહિમાં ન થાય અને ભાવકના ચિત્તને દૂષિત, કલુષિત ન કરાય તેની તકેદારી. નર્મદે એના જમાનામાં લખાણો દ્વારા જડતા તોડવાનો જે પુરુષાર્થ કરેલો તે જ કુળની અા ચેષ્ટા છે. અા નિબંધો ભાવકની ચૈતસિક જડતા તોડી સોજ્જી, નરવી વિચારપ્રક્રિયા પ્રેરે છે.
વિવેચન, અાસ્વાદ તો થશે ત્યારે થશે. પણ હાલ તુરત તો અા નિબંધો નિમિત્તે ગુજરાતી તરીકે અાપણી માનસિકતાની ફેરતપાસ થાય, માનવમૂલ્યોને રફેદફે કરવાના ઉધામા સામે ઊહાપોહ થાય અને અપહૃત [hijacked] ગુજરાતીતાની પુનર્પ્રાપ્તિની પ્રક્રિયા અારમ્ભાય તો અા પ્રજ્ઞાવંત લખાણોનું પ્રયોજન સિધ્ધ થશે.
•
વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો : સંપાદક – ડૉ. બળવંત જાની : પ્રકાશક – પાર્શ્વ પબ્લિકેશન, નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ – 380 001 : પ્રથમ અાવૃત્તિ – 2012 : ISBN : 978-93-82124-37-5 : પૃષ્ટ – 224 : મૂલ્ય – રૂ. 200