ગયા સોમવારે એટલે કે પહેલી સપ્ટેમ્બરના રોજ ભારતને બે ક્ષેત્રોમાંથી સોનેરી સમાચાર સાંપડયા. એક તો, ભારતના મંગળયાને અંતરીક્ષમાં ૩૦૦ દિવસ પૂરા કર્યા અને બીજી તરફ, ભારતની વિશ્વવિખ્યાત નાલંદા યુનિર્વિસટીમાં ૮૦૦ વર્ષ કરતાં પણ લાંબા અંતરાલ પછી શૈક્ષણિક કાર્યનો પુનઃપ્રારંભ થયો.
નાલંદા મહાવિહાર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત શૈક્ષણિક પરિસરની સ્થાપના પાંચમી સદીમાં થઈ હોવાનું કહેવાય છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ તો ઠીક પણ યુરોપની જૂનામાં જૂની બોલોગ્ના યુનિવર્સિટી પણ સ્થપાઈ નહોતી ત્યારે નાલંદામાં વિદ્યા-જ્ઞાાનનો યજ્ઞ ઝળહળતો હતો. એક જમાનામાં અહીં ૧૦,૦૦૦ કરતાં વધારે અભ્યાસીઓ શિક્ષણ મેળવતા હતા. વાદળો સાથે વાતો કરતા નવ માળના તેના પુસ્તકાલયની ભવ્યતાનાં વર્ણનો આપણે વાંચેલાં છે. મૂળે તો બૌદ્ધધર્મીઓ દ્વારા સ્થાપવામાં આવેલી આ શિક્ષણ સંસ્થાએ એટલી ઊંચાઈ અને વ્યાપકતા પ્રાપ્ત કરી હતી કે તેમાં ધર્મ કે દેશના વાડાઓ અપ્રસ્તુત બની ગયા હતા. બૌદ્ધ શિક્ષણ સંસ્થા હોવા છતાં ગુપ્ત વંશ સહિતના હિંદુ રાજાઓએ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સહાય કરી હતી. જો કે, સન ૧૧૯૩માં ઇસ્લામી આક્રમણખોર બખ્તિયાર ખિલજી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો અને એક જીવંત શિક્ષણ સંકુલ ખંડેરોમાં ફેરવાઈ ગયું. આજે આઠ સદી પછી અહીં ફરી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે, એ ભારત જ નહીં સમગ્ર એશિયા માટે આનંદના સમાચાર છે.
એકવીસમી સદી એશિયાની હોવાનું ગાઈવગાડીને કહેવાય છે. આ માટે ચીન, ભારત અને જાપાન જેવા એશિયાના દેશોનાં વિશાળ અર્થતંત્રો અને સૈન્યશક્તિનો મોટો ફાળો છે. જો કે, એશિયા પાસે આર્થિક અને લશ્કરી ઉપરાંત જ્ઞાન-વિદ્વત્તાની દૃષ્ટિએ સુપર પાવર થવાની તક પણ છે અને આ તક એક જમાનાની વિશ્વવિખ્યાત નાલંદા યુનિવર્સિટીને ફરી ધબકતી કરીને ઝડપી શકાય, એવો વિચાર રજૂ થયો અને સાકાર થવા જઈ રહ્યો છે. વર્ષ ૨૦૦૬માં અબ્દુલ કલામે ભારતના રાષ્ટ્રપતિ પદેથી નાલંદા યુનિર્વિસટીને ફરી કાર્યરત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેના માટે પ્રયાસો આદર્યા હતા. નાલંદાની જ્ઞાનોજહાલી પાછી લાવવાના પ્રયાસોમાં એશિયાના અન્ય દેશોએ રસ દાખવ્યો હતો. ૨૦૦૬માં ચીન, જાપાન, સિંગાપોર, થાઈલેન્ડ અને ભારત સહિત બાર દેશોએ નાલંદાના નવસર્જન માટે એક કરાર પણ કર્યો હતો. નાલંદાના નવસર્જનના આઇડિયાને દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયા, ન્યૂિઝલેન્ડ ઉપરાંત રશિયા અને અમેરિકાએ પણ સમર્થન કર્યું હતું. જાપાને તો નાલંદાને ફરી બેઠી કરવાનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી અન્ય દેશો પણ આર્થિક સહયોગ કરવા માટે રાજી હતા. જો કે, ૨૦૦૮ની મંદીને કારણે આ પ્રોજેક્ટને મોટો ધક્કો વાગ્યો હતો. વળી, એશિયાના દેશોની આંતરિક ખટપટોને કારણે આ મુદ્દો હાંસિયા પર ધકેલાતો ગયો. અત્યાર સુધીમાં ચીન અને થાઇલેન્ડ તરફથી આર્થિક મદદ મળી છે, પણ ૫૦ કરોડ અમેરિકન ડોલરની જરૂરિયાત સામે આ રકમ ચણા-મમરા સમાન છે. મોટા ઉપાડે મદદનાં વચનો આપનાર જાપાને એક યેન પણ ચૂકવ્યો નથી અને અન્ય દેશોનો રસ પણ જાણે સુકાઈ ગયો છે. અલબત્ત, ભારત સરકાર અને બિહારની રાજ્ય સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. નવેમ્બર-૨૦૧૧માં નાલંદા યુનિવર્સિટી એક્ટને સંસદમાંથી પસાર કરાવીને તેને ૪૫૫ એકર જમીન ફાળવી દેવામાં આવી હતી. અમર્ત્ય સેન જેવા વિદ્વાનોના પ્રયાસોને કારણે આ પ્રોજેક્ટ ધીમી છતાં મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.
નાલંદાના મૂળ સંકુલથી થોડે દૂર રાજગીર ખાતે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. એક હજાર કરતાં વધારે અરજીઓમાંથી ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં વિદેશના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. દેશી-વિદેશી ૧૧ પ્રોફેસર્સ હાલમાં બે વિષયો – પર્યાવરણ અને ઇતિહાસ ભણાવી રહ્યા છે. નાલંદા યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર ડો. ગોપા સભરવાલ એક વર્ષની અંદર બીજા પાંચ વિષયોનો અભ્યાસ શરૂ કરવા પ્રતિબદ્ધ છે.
આગામી ૧૪ સપ્ટેમ્બરના રોજ નાલંદા યુનિવર્સિટીનું વિધિવત્ ઉદ્દઘાટન ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજના હસ્તે થવાનું છે. આ તબક્કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ જગતમાં ચર્ચાનો મુદ્દો એ છે કે નાલંદા ફરી પહેલાં જેવી સિદ્ધિ અને ખ્યાતિ પ્રાપ્ત કરી શકશે કે નહીં? કેટલાક વિદ્વાનો સવાલ ઉઠાવે છે કે વિશ્વશ્રેષ્ઠ વિદ્વાનો અને મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ નાલંદા જેવા ગ્રામીણ વિસ્તારમાં જઈને અભ્યાસકાર્ય કરશે? આ પ્રશ્નોના જવાબ આવનાર સમય જ જણાવશે. અલબત્ત, આપણો સમાજ અને સરકાર ધારે તો નાલંદા ભારતની વધતી જ્ઞાન-શક્તિનું તેમ જ એશિયાની એકતાનું પ્રતીક જરૂર બની શકે છે. છેલ્લે, ગુજરાત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે અમદાવાદની વાસ્તુ શિલ્પ ફાઉન્ડેશન નામની સંસ્થા નાલંદા યુનિવર્સિટીની ઇમારતોનું ડિઝાઇનિંગ કરવાની છે!
e.mail : divyeshvyas.amd @gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 07 સપ્ટેમ્બર 2014