તમને મનોમોહન કૃષ્ણ યાદ છે? કદાચ નામથી ચહેરો યાદ ન આવે તો થોડી વધારાની હિન્ટ; ફિલ્મ ‘દીવાર’માં પોલીસ ઓફિસર રવિ વર્મા(શશી કપૂર)ના બોસ ડી.સી.પી. નારંગ યાદ છે, જે શહેરના અપરાધીઓની સૂચિમાં તેના ભાઈ વિજય(અમિતાભ બચ્ચન)નો ફોટો રવિને બતાવે છે? ફિલ્મ ‘ત્રિશૂલ’માં શેઠ દિનદયાલ યાદ છે, જેની ધનવાન દીકરી કામિની(ગીતા સિદ્ધાર્થ)ને પરણવા માટે આર.કે. ગુપ્તા (સંજીવ કુમાર) પ્રેગ્નન્ટ શાંતિ(વહીદા રહેમાન)ને ત્યજી દે છે? ફિલ્મ ‘વક્ત’માં મિ. મિત્તલ યાદ છે, જેની દીકરી મીના (સાધના) સાથે ચિનોય શેઠ(રહેમાન)નો નોકર બલબીર સિંહ (મદનપુરી) શરાબના નશામાં પાર્ટીમાં બદતમીજી કરે છે? અથવા, ફિલ્મ ‘દાગ’માં મેયર દિવાન યાદ છે, જેમને ટ્રેનમાં હૃદય રોગનો હુમલો થાય છે અને જેલની સજાથી ભાગેલો સુનિલ કોહલી (રાજેશ ખન્ના) તેમની ત્યકતા દીકરી ચાંદની(રાખી)ના બાળકને પોતાનું નામ (સુધીર) આપે છે?
તમારી નજર સામે હવે તેમનો ચહેરો તરવરી ગયો હશે. હિન્દી સિનેમાના ચાહકો મનોમોહન કૃષ્ણને એક સૌમ્ય, પ્રેમાળ અને સજ્જન ચરિત્ર અભિનેતા તરીકે યાદ કરે છે. લાહોરમાં ફીઝિક્સના લેકચરરની નોકરી છોડીને મુંબઈ નસીબ અજમાવા આવેલા મનમોહન કૃષ્ણએ, તેમના આકર્ષક વ્યક્તિત્વ અને પ્રભાવશાળી અવાજથી, હિન્દી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું.
તમે ઉપરની ફિલ્મોની સૂચિમાં જો એક વાત નોંધી હોય તો તે તમામ ફિલ્મોનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. કૃષ્ણજી યશ અને તેમના જ્યેષ્ઠ બંધુ બી.આર. ચોપરાના ગમતા અભિનેતા હતા અને તેમની ઘણી ફિલ્મોમાં એ અચૂકપણે દેખા દેતા. ચોપરા ફિલ્મ્સ માટે યશજીએ નિર્દેશિત કરેલી કોમી કટ્ટરતા વિરોધી તેમની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’(1959)માં, અબ્દુલ (રશીદ) ચાચાની યાદગાર ભૂમિકા માટે કૃષ્ણજીને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
મનોમોહન કૃષ્ણની એક બીજી ઓળખાણની કદાચ સૌને ખબર નથી. આપણે તેની વાત કરવી છે. તમને 1979માં આવેલી યશરાજ ફિલ્મ્સની ‘નૂરી’ ફિલ્મ યાદ હશે. ફારુક શેખ અને પૂનમ ધિલ્લોન બંનેની કારકિર્દીની આ પહેલી સુપરહિટ ફિલ્મ હતી. દીવાર, કભીકભી અને ત્રિશૂલ જેવી ત્રણ બિગ બજેટ ફિલ્મો સાથે યશ ચોપરા ત્યારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે એક મોટા નિર્માતા-નિર્દેશક તરીકે સ્થાપિત થઇ ચુક્યા હતા. તે વખતે તેમણે ‘નૂરી’ નામની એક ઓછા બજેટની, પણ બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મનું નિર્દેશન મનમોહન કૃષ્ણએ કર્યું હતું. બીજું આશ્ચર્ય એ છે કે નિર્દેશક તરીકે તેમની આ પહેલી અને છેલ્લી જ ફિલ્મ છે. 1979માં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસ પર સૌથી વધુ વકરો કરનારી ટોચની 10 ફિલ્મોમાં ‘નૂરી’ 7માં નંબરે હતી. તેની આગળ-પાછળ સુહાગ, જાની દુશ્મન, મિ. નટવરલાલ, ગોલમાલ, કાલા પથ્થર, સુરક્ષા જેવી તોતિંગ ફિલ્મો હતી. તેમ છતાં, મનમોહન કૃષ્ણએ બીજી કોઈ ફિલ્મનું નિર્દેશન ન કર્યું. સામાન્ય રીતે કોઈ નિર્દેશકની એક ફિલ્મ હિટ જાય પછી તેની સામે ફિલ્મોની લાઈન લાગી જાય. કૃષ્ણજીના કિસ્સામાં એવી નહોતું બન્યું. કેમ?
ગોસીપ એવી છે કે ‘નૂરી’નું અસલમાં નિર્દેશન રમેશ તલવારે કર્યું હતું, પણ ફિલ્મનાં પોસ્ટરોમાં નામ મનમોહન કૃષ્ણનું મુક્યું હતું. રમેશ તલવાર યશરાજ ફિલ્મ્સમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરતા હતા. તેમના નામે બે જાણીતી ફિલ્મો બોલે છે; 1977માં ‘દૂસરા આદમી’ અને 1981માં ‘બસેરા.’ ચોપરાની કભી કભી, સિલસિલા અને ચાંદની જેવી ફિલ્મોના લેખક સાગર સરહદીના તલવાર ભત્રીજા થાય.
‘નૂરી’ ફિલ્મમાં રમેશ તલવાર સહ-નિર્માતા હતા. ‘નૂરી’નું નિર્દેશન અસલમાં તલવારે કર્યું હતું તે અફવાને લઈને કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અંગ્રેજી પત્રકારે એકવાર એક ઇન્ટરવ્યૂમાં, મનમોહન કૃષ્ણને એવું પૂછી લીધું હતું કે ‘નૂરી’ના નિર્દેશન લઈને અફવા ચાલે છે તેમાં કેટલી સચ્ચાઈ છે, તો કૃષ્ણજી જવાબ આપવાને બદલે ગલ્લાં-તલ્લાં કર્યાં હતાં અને પત્રકાર ગયો તે પછી તેના એડિટરને ફોન કરીને કહ્યું હતું કે તમે કેવા ગમાર જેવા પત્રકારને મોકલ્યો હતો, બીજી વાર ન મોકલતા!
‘નૂરી’ ફિલ્મ જુઓ તો પણ તમને શંકા પડી જાય કે આ ફિલ્મ સાચે જ ચારિત્ર્ય અભિનેતા મનમોહન કૃષ્ણએ નિર્દેશિત કરી છે? તેમનામાં જો એટલી સરસ નિર્માણ કળા હતી તો તે આટલા વર્ષો સુધી ક્યાં ખોવાયેલા હતા?
ફિલ્મ ભલે લો-બજેટ હતી, પણ તેમાં એ બધા જ જાદુ હતા, જેના માટે યશ ચોપરાની ફિલ્મો જાણીતી છે; કર્ણપ્રિય સંગીત (ખૈયામ), હૃદયસ્પર્શી ગીતો (સાહિર લુધિયાનવી) સુંદર લોકેશન્સ (કાશ્મીર), ખૂબસૂરત કલાકારો (ફારુક અને પૂનમ) અને નાટ્યાત્મક વાર્તા (ફિલ્મનો અસલી ‘હીરો’ ખૈરુ નામનો પાલતું કુત્તો હતો).
ફિલ્મમાં, મનમોહન કૃષ્ણએ સઈજી નામના સૂત્રધારની ભૂમિકા કરી હતી, જેના મોઢે નૂરી નબી (પૂનમ ધિલ્લોન) અને યુસૂફ ફકીર મહોમ્મદ(ફારુક શેખ)ની બદનસીબ પ્રેમ કહાની કહેવામાં આવી હતી. ફિલ્મની વાર્તા સીધી-સાદી હતી. લેખક સાગર સરહદી ભારત-પાકિસ્તાનના વિભાજનના સાક્ષી હતા અને તેમણે એ પીડા પર ‘રાખા’ નામની એક ટૂંકી વાર્તા લખી હતી. યશ ચોપરાને તેના પરથી ‘નૂરી’ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હતો.
ફિલ્મમાં, નૂરી તેના પિતા ગુલામ નબી (ઈફ્તેખાર) અને પાલતું કુત્તા ખૈરુ સાથે રહે છે. તેનાં લગ્ન યુસૂફ સાથે થવાનાં છે. એમાં ગામના બદમાસ બશીર ખાન(ભરત કપૂર)ને નૂરી ગમી જાય છે અને તેનો હાથ માંગે છે. પિતા ના પાડે છે. એટલે બશીર જંગલમાં ઝાડ પાડવાની દુર્ઘટનનામાં પિતાને મારી નાખે છે. એમાં થોડા મહિના માટે લગ્ન પાછળ ઠેલાઈ જાય છે અને જ્યારે નવી તારીખ નક્કી થાય છે, ત્યારે બશીર તેની જ શો-મિલમાં કામ કરતા યુસૂફને કામ સર ગામ બહાર મોકલી દે છે અને તેનો લાભ લઇને નૂરી પર બળાત્કાર કરે છે.
આ શરમ અને પીડાથી નૂરી આત્મહત્યા કરી લે છે. યુસૂફ પાછો આવે છે અને તેને પૂરી ઘટનાની જાણ થાય છે એટલે તે વેર લેવા માટે કુત્તા ખૈરુને સાથે લઈને બશીરની પાછળ પડે છે. બંને વચ્ચે લડાઈ થાય છે અને એમાં બશીર યુસૂફને ગોળી મારી દે છે. બશીર ત્યાંથી દોડે છે હવે ખૈરુ તેનો સામનો કરે છે અને છેવટે કૂતરો તેને ફાડી ખાય છે. જખ્મી યુસૂફ નૂરીનું શરીર જ્યાં પડ્યું છે તે તરફ દોડે છે અને અંતે બંનેનું કબરમાં મિલન થાય છે.
‘નૂરી’ ફિલ્મથી પૂનમ ધિલ્લોન રાતોરાત સ્ટાર બની ગઈ હતી. કાશ્મીરની એક નિર્દોષ પણ ખૂબસૂરત છોકરી માટે પૂનમ એકદમ ફિટ હતી. લોકો આજે પણ તેને નૂરી કહે છે. આગળ કહ્યું તેમ, ફિલ્મનાં ગીતો તેનું સૌથી જમા પાસું હતું. સંગીતકાર ખૈય્યામ માટે કહેવાય છે કે ભ્રહ્માંડમાં જો સ્વર્ગ હોય, તો ખય્યામ તેના સંગીત સમ્રાટ હોવા જોઈએ. ઢોલક, જલ તરંગ અને વાંસળીની મદદથી તેમણે હિન્દી સિનેમામાં અમુક અદ્વિતીય ગીતો સંગીતબદ્ધ કર્યાં છે.
‘નૂરી’માં ખૈય્યામનું સળંગ ચોથું હિટ સંગીત હતું. અગાઉ તે યશ ચોપરાની જ ‘કભી કભી’ અને ‘ત્રિશૂલ’માં સંગીતનો જાદુ બતાવી ચુક્યા હતા અને ‘શંકર હુસેન’ તેમ જ ‘ખાનદાન’નું તેમનું સંગીત પણ તે વખતે રણકી રહ્યું હતું. ‘નૂરી’માં ખૈય્યામે તેની વાર્તા અને પાત્રોની કાશ્મીરિયતને બરાબર પકડીને જાં નિસાર અખ્તરના શબ્દો પર એવું સંગીત બનાવ્યું હતું કે અજાણ્યા માણસને પણ લાગે કે આ ધૂન અને સૂર ધરતી પરના સ્વર્ગનાં જ હોવા જોઈએ. જેમ કે ‘આ જા રે, આ જા રે ઓ દિલબર આ જા’ અને ‘ચોરી ચોરી કોઈ આયે’ આજે પણ લોકો ગણગણે છે.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 11 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર