જેટલી ચર્ચા આપણે ત્યાં ચંદ્રયાન-૩ની થઈ છે તેટલી દેશના પહેલા સૂર્ય મિશનની થતી નથી. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠને (ઈસરો-એ) ચંદ્રયાન – ૩ પછી બહુ ટૂંકા સમયના અંતરાલમાં દેશના પહેલા સન મિશન આદિત્ય એલ વનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાવ્યું છે. ચંદ્રયાનની જેમ સૂર્ય મિશનમાં પણ મહિલા વૈજ્ઞાનિકોનું મોટું અને મહત્ત્વનું યોગદાન છે. સૂર્ય મિશનના પ્રોજેકટ ડાયરેકટર ૫૯ વરસનાં મુસ્લિમ મહિલા વૈજ્ઞાનિક નિગાર શાજી છે. તમિલ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતાં નિગાર શાજીના નેતૃત્વમાં દેશનું પ્રથમ સૂર્ય મિશન પાર પડ્યું છે. ખેડૂત પરિવારનાં દીકરી નિગાર શાજીએ ઈલેકટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં માસ્ટર્સ કર્યું છે. ૧૯૮૭માં સતીષ ધવન સ્પેસ સેન્ટર સાથે જોડાયાં હતાં. તેઓએ યૂ.આર. રાવ સેટેલાઈટ ટીમના સભ્, પ્રત્યાયન અને આંતરગ્રહીય ઉપગ્રહ કાર્યક્રમોના નિષ્ણાત અને ભારતના રિમોટ સેન્સિંગ સેટેલાઈટ રિસોર્સ સેટ -૨ એના મદદનીશ પ્રોજેકટ ડાયરેકટર તરીકે પણ કાર્ય કર્યું છે.
નિગાર શાજીની જેમ જ કેરળના ગ્રામીણ પૃષ્ઠભૂમિનાં મહિલા વૈજ્ઞાનિક અન્નાપૂર્ણી સુબ્રમણ્યમનું પણ સૂર્ય મિશનમાં મહત્ત્વનું પ્રદાન છે. અન્નાપૂર્ણી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિકસ, બેંગલૂરુનાં નિયામક છે. આ સંસ્થાએ અન્નાપૂર્ણીના નેતૃત્વમાં સૂર્યનું અધ્યયન કરવા માટેના મુખ્ય પેલોડ ડિઝાઈન કર્યા છે. ભૌતિકશાસ્ત્રમાં ડોકટરેટ થયેલાં ડો. સુબ્રમણ્યમનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં આદિત્ય એલ -૧માં લાગેલા વી.ઈ.એલ.સી.(વિઝિબલ લાઈન એમિસિયન કોરોનાગ્રાફ)ની ડિઝાઈન તૈયાર થઈ છે. અન્નાપૂર્ણીએ ડિઝાઈન કરેલ કોરોનાગ્રાફ સૂર્યગ્રહણ દરમિયાન પણ સૂર્યને જોઈ શકશે. આ મિશનમાં પહેલીવાર સૂર્યને અંદરથી પણ જોઈ શકાશે. સૂર્ય મિશનના ભારતના પહેલા પ્રયાસમાં મહિલા વૈજ્ઞાનિકોનો સિંહફાળો ગૌરવ અને આનંદની બીના છે.
જો કે પિતૃસત્તાક સમાજમાં વૈજ્ઞાનિક સંશોધનનો ગઢ પુરુષો માટે અનામત છે. થોડાં મહિલાઓ આ અભેધ્ય ગઢમાં ગાબડાં જરૂર પાડી શક્યાં છે અને તેમનો વિસ્તાર પણ થઈ રહ્યો છે, પરંતુ હજુ મહિલાઓ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં બરાબરની હિસ્સેદારી બહુ દૂરની વાત છે. હવે વિજ્ઞાનની દુનિયામાં મહિલાઓનો માણેકથંભ રોપાયો છે અને નાસાથી નોબેલ સુધી તે પહોંચ્યાં છે. તો પણ વિજ્ઞાનમાં કારકિર્દી ઝંખતી મહિલાઓ માટે બહુ ઓછા મહિલા રોલ મોડેલ છે. લીલાવતી, આનંદીબાઈ જોશી, જાનકી અમ્માલ, અસીમા ચેટર્જી, કમલા સોહાની, અન્ના મણિ જેવાં ગઈકાલનાં અને મુથૈયા વનિતા, રિતુ કરિઘલ, સૌમ્યા સ્વામીનાથન, એન કલાઈસેલ્વી, ટેસી થોમસ, ગગનદીપ કાંગ, મીનલ ઢકાવે ભોંસલે, નિગાર શાજી અને અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ જેવાં આજનાં મહિલા વૈજ્ઞાનિકોનાં નામો જરૂર સાંભરે છે. પણ તે પુરુષોએ મહિલાઓ માટે વાસી રાખેલા વિજ્ઞાન કિલ્લામાં અપવાદરૂપ છે.
વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓની ઓછી હિસ્સેદારી કે તેમની ઉપેક્ષા ભારત પૂરતી મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક બાબત છે. લગભગ એકસો વીસ વરસો(૧૯૦૧થી ૨૦૧૯)માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેડિસિનના ક્ષેત્રે ૬૧૬ લોકોને ૩૩૪ નોબેલ પુરસ્કાર મળ્યા છે. આ ૬૧૬ લોકોમાં માત્ર ૨૦ જ મહિલા છે. અત્યાર સુધીમાં માત્ર ત્રણ મહિલાઓને ફિઝિક્સનું નોબેલ મળ્યું છે. ભારતમાં યુવા વૈજ્ઞાનિકો માટે ૧૯૫૭માં સ્થાપિત પ્રતિષ્ઠિત શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ મેળવનાર પાંચસોમાં સોળ જ મહિલાઓ છે તે પૈકી કોઈને હજુ ફિઝિક્સમાં આ એવોર્ડ મળ્યો નથી. બીજી તરફ નવાઈ પમાડે તેવું વાસ્તવ એ છે કે યુ.કે., યુ.એસ.એ.માં ૨૦ ટકાથી ઓછાં મહિલા ફિઝિક્સ ગ્રેજ્યુએટ છે જ્યારે ભારતમાં ૩૨ ટકા મહિલાઓ ફિઝિક્સ ગ્રજ્યુએટ છે ! ૪૩ ટકા મહિલાઓ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેથ્સમાં સ્નાતક છે. જે અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનની તુલનામાં પણ વધારે છે. એટલે મહિલાઓમાં પ્રતિભાની ખોટ નથી.
તો પછી મહિલાઓની સંખ્યા વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે ઓછી કેમ છે ? સૌથી મોટું કારણ તો સમાજનું મહિલા વિરોધી વલણ અને પિતૃસત્તાત્મક માનસિકતા છે. ઘર ગૃહસ્થી, માતૃત્વ અને બાળઉછેરનો સ્ત્રીના માથે થોપી દીધેલો બોજ, રોજગારમાં થતો અન્યાય, રૂઢિવાદી લૈંગિક ધારણાઓ, વધુ મહેનત અને જ્ઞાનનાં કામો પુરુષો જ કરી શકે તેવી ખોટી માન્યતા જેવાં કારણોને લીધે પણ મહિલાઓનું પ્રમાણ બહુ ઓછું હોય છે. ઈસરોના ૨૦૧૬-૧૭ના એન્યુઅલ રિપોર્ટ પ્રમાણે અંતરિક્ષ વિભાગમાં સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ કેટેગરીમાં કુલ ૧૨,૩૦૦ વૈજ્ઞાનિકોમાં ૧,૮૯૦ મહિલાઓ છે. અર્થાત માંડ છ ટકા. જો સંશોધનોમાં જ પ્રવેશ વર્જ્ય હોય તો પછી પુરસ્કારમાં તો ના જ હોય ને ? વળી પુરસ્કારોમાં પારદર્શિતાનો અભાવ પણ તેમને વંચિત રાખે છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અહેવાલ પ્રમાણે હવે વિજ્ઞાનના સંશોધન ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૦-૦૧માં વિજ્ઞાન સંશોધનમાં ૧૩ ટકા જ મહિલાઓ હતી જે ૨૦૧૮-૧૯માં વધીને ૨૮ ટકા થઈ છે. STEM( સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને મેથ્સ)ના શિક્ષણમાં મહિલાઓનો પ્રવેશ વધે તે માટે સરકાર પ્રયાસરત છે. શિક્ષણ પ્રધાના ધર્મેન્દ્ર પ્રધાનના જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮માં સ્ટેમ એજ્યુકેશનમાં ૧૦.૦૨ લાખ મહિલાઓ હતી, જેમાં બે વરસ પછી ૨૦૧૯-૨૦માં ૫૪ હજારનો વધારો થયો છે. જો કે આ જ વરસે આ ક્ષેત્રે મહિલા રોજગારીની ટકાવારી ૧૪ ટકા જ હતી. તેથી નોકરી અને ડિગ્રી વચ્ચે ઘણું મોટું અંતર છે.
જરૂરિયાત એ શોધખોળની જનની છે તે કહેવત પ્રમાણે ભારતીય સમાજમાં ઘરકામથી આરોગ્ય સુધીના કામોમાં મહિલાઓને જ વધુ શોધખોળ અને વિકલ્પોની જરૂર છે. ઘણી મહિલાઓએ આ બાબતે કામ કર્યું છે. પરંતુ તેમના યોગદાનને કોઈ મહત્ત્વ મળ્યું નથી. હવે મહિલાઓનાં વિજ્ઞાન ક્ષેત્રે યોગદાનની માહિતી આપતામ પુસ્તકો પ્રગટ થયાં છે. એટલે તે ખોટ પૂરી થશે.
રોયલ સોસાયટી ઓફ લંડનની સ્થાપના ૧૬૬૩માં થઈ હતી પરંતુ ૨૮૧ વરસ પછી ૧૯૪૪માં પહેલી મહિલા ફેલો બની હતી. ૧૬૬૬માં સ્થપાયેલી પેરિસ એકેડેમી ઓફ સાયન્સિસમાં મહિલાને પહેલો પ્રવેશ ૩૧૩ વરસ પછી ૧૯૭૯માં મળ્યો હતો. પરંતુ ભારતમાં ૧૯૩૪માં સ્થાપના થયાના બીજા જ વરસે (૧૯૩૫માં) ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સિસે ઈ.કે.જી. અમ્માલને ફૈલો તરીકે પસંદ કર્યાં હતાં. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ઓફ ઇન્ડિયા(સ્થાપના ૧૯૩૫)માં ૧૯૯૫-૯૬માં ડો. મંજૂ શર્મા પ્રેસિડેન્ટ તરીકે પસંદ થયાં હતાં.
સામાજિક વિજ્ઞાનના સંશોધનોની તુલનામાં ભારતમાં વૈજ્ઞાનિક સંશોધનોમાં રાજકીય ચંચૂપાત ઓછો છે કે તે થોડો વધુ લોકતાંત્રિક છે તે બાબત વખાણવા યોગ્ય છે. મહિલાઓના પ્રવેશથી તે વધુ લોકતાંત્રિક બની શકે છે. જો કે ઈસરોના અત્યાર સુધીના તમામ ચેર પર્સન પુરુષો જ છે. તે મહેણું પણ આપણે ભાંગવાનું છે.
e.mail : maheriyachandu@gmail.com