ચિયોકાને લાગ્યું એની પીઠ પરથી માંસ ઊતરડાઈ ગયું છે. દીકરી સામે જોયું તો એના ચહેરાની જગ્યાએ લાલ ગરમ મીણ જેવો ગળેલો ગઠ્ઠો હતો. એ ચીસ પાડવા ગઈ, અવાજ નીકળ્યો નહીં. ચારે તરફ ગળતા શરીરો, અવયવો ઊડતાં હતાં. દઝાડતી રાખનું વિરાટ વાદળ આકાશ તરફ ગયું અને આકાશમાંથી કાળો વરસાદ વરસ્યો … અમેરિકા તરફ જતા વિમાનના ક્રુની આંખ ફાટી ગઈ હતી, ‘માય ગૉડ! વૉટ હેવ વી ડન!!’
અમેરિકન વાયુસેનાનું બી-29 એનોલા ગે વિમાન ઊડ્યું ત્યારે રાત્રે પોણાત્રણ વાગ્યા હતા. કેલેન્ડરમાં તારીખ હતી 6 ઑગ્સ્ટ 1945. સાથે બીજા બે વિમાન હતાં. એનોલા ગે વિમાનના પેટમાં 3.5 મીટર લાંબો 4 ટન વજનનો બૉમ્બ પડ્યો હતો.
આઠ વાગીને તેર મિનિટે વિમાન જાપાનના હિરોશીમા શહેર પર પહોંચ્યું. સવા આઠે બૉમ્બ ફેંકાયો. 43 સેકન્ડમાં ધડાકો થયો. વૃક્ષો ધુણી ઊઠ્યાં, મકાનો ધ્રૂજી ગયાં, ધરતી ધણધણી. તત્ક્ષણ આગનો વિરાટ ગોળો દેખાયો. બીજા વિમાનના પાયલોટ ચાર્લ્સ સ્વીનીએ એનો ફોટો પાડ્યો.
શિટોયામા સ્કૂલ પાસે 29 વર્ષની ચિયોકા એની છ વર્ષની દીકરીનો હાથ પકડી ઊભી હતી. અચાનક કાન ફાડી નાખે એવા ધડાકા સાથે આંખો આંજી દેતા આગનો વિરાટ ગોળામાં બધું ઢંકાઈ ગયું. ચિયોકાને લાગ્યું એની પીઠ પરથી માંસ ઊતરડાઈ ગયું છે. દીકરી સામે જોયું તો એના વાળ ઊભા થઈ ગયા હતા, ચહેરાની જગ્યાએ લાલ ગરમ મીણ જેવો ગળેલો ગઠ્ઠો હતો. એ ચીસ પાડવા ગઈ, અવાજ નીકળ્યો નહીં. ચારે તરફ ગળતા શરીરો, અવયવો ઊડતાં હતાં. દઝાડતી રાખનું વિરાટ વાદળ આકાશ તરફ ગયું અને આકાશમાંથી કાળો વરસાદ વરસ્યો … અમેરિકા તરફ જતા વિમાનના ક્રુની આંખ ફાટી ગઈ હતી, ‘માય ગૉડ! વૉટ હેવ વી ડન!!’
ત્રણ દિવસ પછી 9 ઑગસ્ટના દિવસે ફરી અમેરિકન યુદ્ધવિમાનોએ દેખા દીધી. ટાર્ગેટ હતું ઔદ્યોગિક શહેર કોકુરા. વાદળોને લીધે નિશાન લઈ શકાતું નહોતું. કૅપ્ટનને સંદેશો મળ્યો, ‘નેક્સ્ટ ટાર્ગેટ. નાગાસાકી.’ અને નાગાસાકી શહેર પર 4050 કિલોનો બૉમ્બ ઝીંકાયો. એ જ વિસ્ફૉટ, એ જ ભીમકાય અગનગોળો, એ જ ગળતાં-ઊડતાં શરીરો, એ જ રાખનું મશરૂમ-વાદળ ને એ જ કાળો વરસાદ. નાગાસાકીના દરિયામાં તરતી ને કિનારે લાંગરેલી તમામ નૌકાઓ સળગતી હતી.
લડાયક, આક્રમક, અજેય જાપાન સ્તબ્ધ હતું. આ બૉમ્બ, અત્યાર સુધી વપરાયેલા બૉમ્બ કરતાં 2000 ગણા વધુ શક્તિશાળી હતા. 2 લાખ લોકો તાત્કાલિક માર્યા ગયા. એટલા જ ઘાયલ થયા. ઘા ન પડ્યો હોય તેવાની ચામડી પણ કિરણોત્સર્ગની દાહક અસરમાં ભુંજાઈ ગઈ. અનેક કિલોમીટર સુધીનો પ્રદેશ રાખ થઈ ગયો. ગરમ રાખનાં મશરૂમ વાદળની 18 કિલોમીટર ઊંચે ગયાં – માઉન્ટ એવરેસ્ટ કરતાં બમણી ઊંચાઈ હતી આ. જાપાનના વડા પ્રધાન બારોન કાંતારો સુઝુકીએ તાકીદની મિટિંગ બોલાવી અને 15 ઑગસ્ટે ‘ઈટ ઈઝ ટાઈમ ટુ બેર ધ અનબેરેબલ’ શબ્દો સાથે હાર સ્વીકારી. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાન શરણે ન થયું હોત તો ત્રીજો બૉમ્બ તૈયાર જ હતો.
0
જરા પાછળ જઈએ. વિશ્વ પર બીજું વિશ્વયુદ્ધ તોળાઈ રહ્યું હતું. જર્મનીની પરમાણુ-બૉમ્બ બનાવવાની તૈયારી જોઈ લિયો ઝિલાર્ડ, યુજેન વિગ્નર અને ઍડવર્ડ ટેલર નામના હંગેરિયન ભૌતિકશાસ્ત્રીઓએ આલ્બર્ટ આઇનસ્ટાઇનને, આ અંગે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઉપર પત્ર લખવા માટે પ્રેર્યા. 1939માં આઈન્સ્ટાઈને પત્ર લખ્યો. થોડા જ મહિનામાં તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટે આદેશ આપ્યો કે જર્મની પહેલાં પરમાણુ-બૉમ્બ જેવું શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે અમેરિકાએ પ્રયાસ કરવો. વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. 1942ના મધ્યભાગમાં અમેરિકાના ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને લશ્કરે આ આખો કાર્યક્રમ હાથમાં લીધો. તેને મેનહેટ્ટન પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું. સાડત્રીસ વર્ષના, યુરોપમાં ભણેલા, સંસ્કૃત શીખેલા યહૂદી અમેરિકન વિજ્ઞાની જુલિયસ રોબર્ટ ઓપનહેમરની અધ્યક્ષતામાં ન્યૂ મેક્સિકોની લૉસ આલ્મોસની પ્રયોગશાળામાં ગુપ્તપણે પણ ધમધોકાર કામ ચાલ્યું. કહે છે કે આ પ્રોજેક્ટ પર લગભગ 6 લાખ લોકોએ કામ કર્યું હતું.
16 જુલાઈ 1945ના દિવસે ટ્રિનીટી ટેસ્ટ થઈ. ભયાનક અગનવિસ્ફૉટ જોઈ ઓપનહેમર બોલી ઊઠ્યો, ‘કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો, લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત …’ (હું લોકોનો નાશ કરવા આગળ વધેલો, લોકોને હણવા પ્રવૃત્ત થયેલો કાળ છું) આ શબ્દો એણે પોતાના માટે વાપર્યા હતા કે પોતે શોધેલા શસ્ત્રનું રૌદ્ર રૂપ જોઈ તેને વિભૂતિયોગમાં વર્ણવેલું કૃષ્ણનું વિરાટ સ્વરૂપ યાદ આવ્યું હતું? બીજા વિશ્વયુદ્ધનો અંત આણવામાં નિમિત્ત બનેલા અણુબૉમ્બના સર્જક ઓપનહેમરનું ગીતા સાથેનું કનેક્શન આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટ્રિનીટી ટેસ્ટની 78મી જયંતીના દિવસે 6 જુલાઈ 2023માં રિલિઝ થયેલી ફિલ્મ ‘ઓપનહેમર’ની આ અસર છે.
0
પણ જાપાન જ કેમ? દરેક ઘટનાને એના સંદર્ભ સાથે જોવી જોઈએ. 12મી સદીના સમુરાઈ-સંસ્કૃતિ આવી ત્યારથી જાપાન આક્રમક, યુદ્ધખોર અને રાજ્યવિસ્તારપિપાસુ રહ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં તે જર્મની સામે મિત્રરાજ્યો સાથે લડ્યું હતું. યુદ્ધ પૂરું થયા પછી તેનાં આક્રમણો ચાલુ રહ્યાં. ચીનના પ્રદેશો જીતવા તેણે આઠ વર્ષ યુદ્ધો કર્યાં. દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું. જાપાને ફ્રેંચ ઈંડોચાઈના જીત્યું અને ચીન, મલાયા, સિંગાપોર, હોંગકોંગ પર હુમલા ચાલુ રાખ્યા. જ્યાં જાય ત્યાં લોકો પર ક્રૂર અત્યાચાર કરે. 20મી સદીમાં તેનું સામ્રાજ્ય ખૂબ વિસ્તર્યું હતું. કોરિયા અને ચીનમાં લશ્કરી અત્યાચારની સાથે જ કમ્ફર્ટ વીમેનને નામે અમાનવીય ઐયાશીની કોઈ સીમા જાપાને છોડી નહોતી. જાપાને કરેલા અત્યાચારો એશિયન હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે.
આ જાપાને ડિસેમ્બર 1941માં બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર પર હુમલો કરી અમેરિકાને છંછેડ્યું અને અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાયું. અમેરિકા યુદ્ધમાં પ્રવેશતાંની સાથે મિત્રરાજ્યો(ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સોવિયેત સંઘ વગેરે)ને અમેરિકાની શસ્ત્રસામગ્રી, વિમાનો, ટૅન્કો, સૈન્ય વગેરેની વિપુલ સહાય પ્રાપ્ત થતાં યુદ્ધની સ્થિતિ પલટાઈ ગઈ. 1945ના એપ્રિલ મહિનામાં જર્મની ઘેરાયું અને હિટલરે આત્મહત્યા કરી. ઈટલીના મુસોલિનીનું ખૂન થયું.
જાપાન શરણે આવતું નહોતું. મિત્રરાષ્ટ્રોએ જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી અગન-ગોળા વરસાવ્યા અને પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આખરી ચેતવણી આપી, ‘જો જાપાન શરણાગતિ નહીં સ્વીકારે તો, જાપાન પર એવો હુમલો થશે, કે જાપાનનાં લશ્કરી દળોનો સંપૂર્ણ વિનાશ થશે અને જાપાનની ભૂમિ સદંતર ઉજ્જડ બનશે’ જુલાઈ 26ના આ સરકારી પત્રમાં અણુબૉમ્બનો ઉલ્લેખ નહોતો. જુલાઈ 28ના, જાપાની અખબારોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા.
બૉમ્બ ફેંકવા માટે હંમેશાં અમેરિકા જાપાનને જ જવાબદાર ગણાવે છે પણ જાણકારોનું માનવું છે કે આવા વિધ્વંસક હુમલાની કોઈ જરૂર નહોતી. આ હુમલો થયો એના ત્રણ મહિના પહેલાં જ યુરોપમાં તો યુદ્ધ પૂરું પણ થઈ ગયું હતું. એક મહિનાથી જાપાની સેના પીછેહઠ કરવા લાગી હતી, એશિયામાં યુદ્ધ પૂર્ણ થયું હોવાની માત્ર ઔપચારિકતા જ બાકી હતી. પણ જાપાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘણો વધી ગયો હતો. જાપાન ઈન્ડોચાઇના વિસ્તારમાં પોતાનો કબજો મજબૂત કરવા માગતું હતું, જે અમેરિકાને પસંદ ન હતું.
એથી અમેરિકાના ત્યારના પ્રમુખ હેરી ટ્રુમેને જાપાનને પાઠ ભણાવવા અને પોતાનો અહમ સંતોષવા હિરોશિમા-નાગાસાકી પર બૉમ્બ ફેંકી જ દીધા. ઇતિહાસકાર એલપરોરિત્ઝના મતે અમેરિકા સોવિયત સંઘથી શક્તિના મામલે આગળ વધવા માગતું હતું અને આ બે બોમ્બ ફેંકીને તેણે પોતાનું શક્તિ-પ્રદર્શન કર્યું હતું. હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના એકપણ ક્રુ-મેમ્બર હયાત નથી, પણ હુમલા બાદ જ્યારે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે કહેલું કે આ બોમ્બ ફેંકીને અમે કોઈ જ ભૂલ કરી નથી કેમ કે બૉમ્બ ફેંક્યો એને કારણે જ બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.
જ્ઞાન-વિજ્ઞાન સાથે વિવેક ન હોય ત્યારે મહાબુદ્ધિશાળીઓ પણ સાચાખોટાનો ભેદ પારખવામાં થાપ ખાય છે. ઓપનહેમર જેનાથી પ્રભાવિત છે એ ગીતા કહે છે કે આસુરી બુદ્ધિને યોગ્યાયોગ્યભેદ હોતો નથી અને જેને શોચ્ય (જેને માટે શોક કરવો પડે) કે સત્યનો અર્થ ખબર નથી, એ બુદ્ધિને આસુરી બનતા વાર લાગતી નથી – પછી વાત ડાયનેમાઈટની હોય, એટમબૉમ્બની હોય કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની હોય.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ઑગસ્ટ 2023