Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376832
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોંઘા ગુલાબના ઉપવનો

અશોક નાયક|Opinion - Short Stories|12 June 2025

છ વર્ષની સોમલી ગુલાબકાકાના ઘરનું કામ પતાવી પોતાની ઝુપડીએ પહોંચી. ધોવાનાં કપડાંનું તગારું માથે લેતીકને ગુલાબકાકાની વાડી બાજુ દોડી. ગુલાબકાકાની વાડી ગામથી થોડીક દૂર. વાડીની ડંકીએ કપડાં ધોઈને એણે અંધારું થતાં પહેલાં પાછા ઘેર આવી જવું પડે. એને અંધારાની બહુ બીક. બનતી ઝડપે કપડાં ધોઈ એણે ઝટપટ તગારું હજુ માથે ચડાવ્યું જ હતું કે દૂરથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. જુએ તો એક ડાઘિયો એના તરફ જ ભસતો દોડતો આવતો હતો. તગારું ફેંકતા જ ને એ રાડો પાડતી ભાગી. કૂતરો એને આંબી જવામાં જ હતો. ત્યાં તો લીમડાના ઝાડ ઉપરથી લગભગ એના જેવડો જ એક છોકરો હઠ હઠ કરતોક ને એની અને કૂતરાની વચ્ચે કૂદી પડ્યો. હવે રાડો પાડતાં ભાગવાનો વારો કૂતરાનો આવ્યો. 

સોમલી દેવદૂતસમા છોકરાને ભાળીને ઊભી રહી ગઈ. શ્વાસ હેઠો બેઠો એટલે બોલી;

“હારુ થિયુ તને ભગવાને મોકઈલો તે. ની’ તો આજે આ ડાઘિયો મને ફાડી જ ખાતે. તારું નામ હું?” 

“મંગો. પણ તું અમથી બીધી. આ મેં હઠ હઠ કઈરું તેમ, તેં હો કલ્લુ ઓ’તે ને હામ્મી થતે તો ડાઘિયો તાથ્થી હો બી’ જતે.”

“ને એ ની’ બીતે તો? ચાલ મને કહબાના પાદર લગણ મૂકી જા.”

“થોભ. મને ઝાડ પથ્થી લીંબોડી પાડી લેવા દે. તને નાહતી જોઈને લીંબોડીનું પોટલું ઉં ઝાડ ઉપ્પર જ રે’વા દેઈને કૂદી પડલો.”

કસબા ગામનું પાદર આવતાં આવતાં તો બન્નેએ દોસ્તી પાકી કરી લીધી. સોમલીના બાપા, એમના ધણિયામા ગુલાબકાકા, ને ત્યાં ખેતમજૂરના ખેતમજૂર અને ઘરઘાટી ના ઘરઘાટી. ગુલાબકાકાના ઘરની પાછળ જ મોટા વાડામાં એ લોકોની ઝૂંપડી. સોમલી પણ બાપાને ગુલાબકાકાના ઘરનાં કામમાં મદદ કરતી. 

મંગો દસ-પંદર ગાઉ દૂર મહુવા ગામમાં રહેતો હતો. જેમ સોમલીએ પોતાની માને નહોતી જોઈ, તેમ મંગાએ પણ પોતાના બાપાને નહોતા જોયા. મંગાની મા બે દિવસ પહેલાં જ ગુજરી ગઈ. એટલે મામા એને ગઇકાલે જ મહુવાથી લઈ આવ્યા. મામા કસબા નજીકના જ આમરી ગામે મોંઘાકાકાને ત્યાં ખેતમજૂરના ખેતમજૂર અને ઘરઘાટીના ઘરઘાટી. એમનું ઘર પણ મામાના ધણિયામા, મોંઘાકાકા, ને ત્યાં. પાછળના મોટા વાડામાં. 

કસબાનું પાદર આવતાં સોમલી કસબા તરફ વળી અને મંગો આમરી તરફ. 

મોંઘાકાકા ગામના સરપંચ. ઝાઝી ખેતી ને ઝાઝાં ઢોરાં. જાહેર કામોમાં એમનો બોલ આખરી. આખાબોલા ને ધાર્યું જ કરવા કરવવામાં માને. ધાક ભારી. દિલના સાફ. બીજે દિવસે સવારે એ મંગાને અને એના મામાને લઇને ઉપડ્યા કસબે. એ જમાનામાં આજુબાજુના છ ગામો વચ્ચે એક જ નિશાળ. તે કસબામાં.  હેડ-માસ્તર સાહેબને મંગાને શાળામાં દાખલ કરવા કહ્યું. નામ લખાવ્યું મનહર કાંતિભાઈ પટેલ. હેડ-માસ્તર સાહેબ ચમક્યા. કચવાયા. આવું નામ? એક દુબળાના છોકરાનું આવું નામ હોય? નામ લખતા તેઓ સહેજ અચકાયા. 

એમને અચકાતા જોઈને મોંઘાકાકા તપ્યા. “કેમ માસ્તર? આ’વુ નામ કેમ ની’ ઑ’ય? તમે માસ્તર થેઈને હમજતા ની’ મલે? દુબરાઓ અને બીજા દબાએલા કચડાએલા બદ્ધા જો આપણી જેમ જ આ’વા નામો પાડતા થેઇ જહે તો હું ખાટું-મોરું થેઈ જવાનું છે જે? જરાક તમારું ભેજું વાપરો. આવું ચાલુ કરહું તો પચ્ચા હો વરહ પછી કોણ કઈ નાત-જાતનું છે તે નામ પથ્થી પરખાહે જ ની’. તમુને બો’ વાંધો આવી જતો ઑ’ય તો અટકવારું ખાનું ખાલી રાખો. ની’ તો પછી તાં મહુવાકર લખો. હેડ-માસ્તર થિયા પણ તે હો તમારે આ ઊંચાને આ નીચા છોડવું નથી? તમારો તો આ જ ધરમ છે, ભાઈ.’

હેડ-માસ્તર સાહેબે કચવાતા મને મનહર મહુવાકરને શાળામાં દાખલ કરવાનો વિધિ પતાવ્યો. ત્રણેય જણા નિશાળની બહાર નીકળતા જ હતા કે સોમલી એના બાપા અને ગુલાબકાકા દાખલ થયા. ગુલાબકાકા અને મોંઘાકાકા મા-જણ્યા ભાઈઓ જ જોઈ લ્યો. ગુલાબકાકાએ સીમા મહેન્દ્ર આમરીકરને શાળામાં દાખલ કરાવી.

ને આમ શરૂ થયા મનહર-સીમાનાં ભણતર-ઘડતર. બન્ને જણા કામમાં શરીર થકવી નાખતા અને ભણવામાં મગજ. બન્નેની સમજ વિકસતી ગઈ તેમ તેમ બન્નેને એટલો ખ્યાલ આવવા માંડ્યો કે તેઓ બન્ને વધારે પડતા જોરાવર નસીબ લઈને જન્મ્યા હતા. મોંઘાકાકા અને ગુલાબકાકા જેવા માણસો દુનિયામાં બહુ ઓછા હતા. કચવાતા મનના હેડ-માસ્તર જેવા ઘણા વધારે. સમય જતાં એમને એવા એવા માણસોનો ભેટો થવા માંડ્યો કે હેડમાસ્તર સાહેબ તો સરળ, ડરપોક, સજ્જન અને દયાપાત્ર લાગવા માંડ્યા. એમને એ પણ સમજાવા માંડ્યુ કે પોતાને મળી છે એવી તક પોતાના જેવડા જ બીજા અનેકોને નથી મળી. એ તો બિચ્ચારાં ભૂખમરામાં અને અજ્ઞાનમાં જ સબડે છે.

દાયકો વિત્યો. મનહર મહુવાકર આઈ.ટી.આઈ. પાસ કરી જી.આઈ.ડી.સી.માં એક એંજિનિયરીંગ કારખાનામાં હેલ્પરની નોકરીએ લાગ્યા. સીમા મનહર મહુવાકર અગ્યારમું ધોરણ પાસ કરી એક સહકારી બેંક્માં સાફ-સફાઈ કરવાના અને ચા-પાણી કરાવવાના કામે લાગ્યાં. સીમાએ ભણવાનું ચાલુ જ રાખ્યું. એમની આવક વધતી ગઈ. એમણે જરૂરિયાતો સીમિત જ રાખી. બન્નેએ એક જ સહિયારો શોખ કેળવ્યો. પેલા બિચ્ચારા ભૂખમરા અને અજ્ઞાનમાં સબડતા મિત્રોને યથા શક્તિ મદદ કરવાનો. 

મનહરે કામ શરૂ કર્યાના ત્રીજા મહિને એમના કારખાનાના બી.ટૅક. થયેલા માલિક, જૉહન મેથ્યુસ સાહેબે જર્મનીથી મંગાવેલું એક મસ-મોટું અને અતિ-મોંઘું મશીન આવી પહોંચ્યું. એને ટ્રક્માંથી ઉતારતી વખતે ક્રેઈનનું લોખંડી દોરડું તુટી ગયું. મશીન બાપડું ઘાયલ થઇ ગયું. એના મુખ્ય ભાગનો જ અસ્થિભંગ થઇ ગયો. તેને નવો મંગાવવા ટેલીફોનો ધણધણ્યા. જર્મનીએ સમય માંગ્યો : છ મહિના. કિંમત માંગી : મેથ્યુસ સાહેબની છાતીના પાટિયા બેસી જાય તેટલી. મુનિમને મશીનના વીમા બાબતે પૂછ્યું ત્યારે ખબર પડી કે પ્રિમિયમ પેટે આપેલો ચૅક તારીખ લખવામાં ભૂલ થયેલી અને બૅંકે પાછો મોકલેલો. ટૂંકમાં વીમો ન હતો. મશીન વ્યવસ્થિત ગોઠવી ચાલુ કરી આપવા જર્મનીથી આવેલા એંજિનિયરો પાછા ગયા. મેથ્યુસ સાહેબ માથે હાથ દઈ બેઠા. એમને તો લીધેલી લોન ન ભરાતાં બેંક્ના અધિકારીઓ કારખાનાને તાળા મારવા આવતા દેખાવા લાગ્યા. જે ગ્રાહકો એ બનનારા માલ પેટે આગોતરા નાણાં આપેલા એમને પોતાની ઑફીસ બહાર લાઈન લગાવી બેઠેલા દેખાવા માંડ્યા. પોતાના હોંશિયાર અને ભરોસાપાત્ર કારીગરો નોકરી છોડીને જતા દેખાવા માંડ્યા. ચાર દિવસમાં તો એમની ઉંમરમાં ચાલીસ વર્ષનો વધારો થઈ ગયો. 

એ ચારેય દિવસ મનહર મશીનના એ તૂટેલા ભાગને જેમ ગોળ ઉપર મંકોડો ચોંટે તેમ ચોંટેલો રહ્યો. અને પછી હિંમત ભેગી કરી મેથ્યુસ સાહેબ સામે જઇ ઊભો. ગુંચવાતાં ગભરાતા કહ્યું: “સાહેબ, મને કંઈક રસ્તો સૂઝે છે. થોડીક મુશ્કેલીનો ઉપાય નથી સુઝતો. તમે જો ઉપાય શોધી કાઢી શકો તો આ ભાગ આપણે અંહી જ બનાવી શકીયે. દસેક દિવસમાં જ બની જાય.” ત્રણેક મહિનાના ટૂંકા ગાળામાં પણ મનહરની હોંશિયારી અને નિષ્ઠાનો અંદાજ પામી ચુકેલા મેથ્યુસ સાહેબ કૂદીને ખુરશીમાંથી ઊભા થઇ ગયા. પછીના ચાર દિવસ અને ચાર રાત્રિ મનહરે અને મેથ્યુસ સાહેબે કારખાનામાં જ વીતાવી. બધા જ કારીગરો સુઝ્યું તે કામે લાગ્યા. જેમને કંઈ ના સુઝ્યું એમણે હવન-પૂજા-ઉપવાસ ચાલુ કર્યા. દર્શન કરવાની / ચૂંદડી /નારિયેળ / ચાદર ચડાવવાની માનતાઓ માની. અખૂટ આશા અને ભયંકર હતાશાના ઝુલે આખું કારખાનું ઝુલતું રહ્યું. બીજા આઠ દિવસો વીત્યા. મશીન બાપડું ગુમાવેલા દિવસોનો બદલો આપવો હોય તેમ ધમધમાટ કરતું બમણી ઝડપે માલ ફેંકવા માંડ્યું.

મેથ્યુસ સાહેબે મનહરને મસમોટું ઇનામ આપ્યું. પગાર બમણો કરી નાંખ્યો. નોકરી અડધા સમયની કરી નાંખી. બાકીના અડધા સમયમાં એને એંજિનિયરીંગનો અભ્યાસ પૂરો કરાવ્યો. એ સાથે સીમાએ પણ બી.એ. પૂરું કર્યું. અને એ જ બેંક્માં ક્લાર્ક બની. બન્ને બે બેડ રૂમના સરસ મજાના ફ્લૅટમાં રહેતા થયાં. અત્યાર સુધી બાંધી રાખેલી સંતાન-પ્રાપ્તિની ઈચ્છા એમણે મુક્ત કરી દીધી. સારા દિવસોના એંધાણ વરતાયા. તપાસ કરતા ડૉક્ટરે જોડકા બાળકોની વધામણી આપી. નજીકના કોઈ સગાં તો હતાં નહીં. આવનારાઓને સાચવશે કોણ એ વિચારે સીમા-મનહરે નક્કી કર્યું કે સુવાવડ પછી સીમા નોકરી છોડી દેશે. 

સીમાની બૅંકમાં સીમાના સારા સમાચારની અને એના નોકરી છોડવાના નિર્ણયની વાત મેનેજર પઠાણ સાહેબના કાને પહોંચી. એમણે સીમાને બોલાવી. વાત એમ હતી કે પઠાણ સાહેબના વતનના ગામમાં એક મા-બાપ વગરની ઘરબાર વગરની બારેક વર્ષની ઉંમરની છોકરી, મુમતાઝ, રહેતી  હતી. એને પગે સહેજ ખોડ હતી. નર્યા સ્વાર્થની પ્રતિકૃતિ જેવા કાકા-કાકીને ત્યાં જાનવર કરતાં પણ બદતર હાલતમાં તે દિવસો ગુજારતી હતી. સીમાના ઘર-કુટુંબની આખી પરિસ્થિતિથી વાકેફ પઠાણ સાહેબે સીમાને સહેજ અચકાતાં અચકાતાં એની વાત કરી. અને કહ્યું કે જુઓ સીમાબહેન, આ તો મને જે વિચાર આવે છે તે તમને જણાવું છું. જો તમે મુમતાઝને તમારા ઘરમાં આશરો આપશો તો તમારા સંતાનો અને તમારી નોકરી બન્ને સચવાઈ જશે. બોનસમાં તમને એક ગરીબડી દીકરીના હૈયાના આષિશ મળશે. હા. મુમતાઝને તમારે તમારા ઘરમાં રાખવી પડે. એ એકલી બહાર ન રહી શકે. મનહરભાઈ સાથે નિરાંતે વિચારી, ચર્ચા કરી ને મને જણાવજો. 

ખૂબ લાંબી અંધારી ગુફામાં મુસાફરી શરૂ કરવાની તૈયારી કરતી સીમાને તો જાણે સીધો ગુફાનો અંત જ દેખાઈ ગયો. પોતાના મનહરને પૂરેપૂરો ઓળખી ચુકેલી સીમાએ પઠાણ સાહેબને બને એટલી જલદી મુમતાઝને બોલાવી લેવા જણાવી દીધું. સાંજે મનહરને વાત કરી તો બન્નેને મોંઘા-ગુલાબનું ઋણ ઉતારવાની તક સામે આવી ઊભેલી દેખાઈ. ભલા પઠાણ સાહેબે બીજે જ દિવસે વતનની વાટ પકડી. મુમતાઝ આવી પહોંચી. બારેક્ની ઉંમરની. માંડ છની લાગે. 

દાયકો વિત્યો. ફરી એક વખત પઠાણ સાહેબે સીમાને પોતાના મનની વાત કરી. પઠાણ સાહેબના દૂરનાં સગાંમાં એક મુમતાઝની જ ઉંમરનો છોકરો હતો. નામ મોઈન. અભણ. એકલો. વ્યવહારમાં કાચો. એને પગે સહેજ ખોડ હતી. નજીકના જ એના બાપ-દાદાના ગામે કોઇકના ખેતરમાં ખેત-મજૂર. મહેનત કરવામાં પાકો. નેક દિલ. સઘળા ઓળખીતા પાળખીતાઓએ મુમતાઝ-મોઈનના નિકાહ રંગે-ચંગે ઉજવ્યા. 

બીજા અડધાએક દાયકા પછીની એક સાંજે મુમતાઝ, મનહર-સીમાના ઘરની રસોઈ પતાવી, બસમાં પોતાના ગામના પાદરે ઉતરી. તેણે ખેતર તરફ જવા માંડ્યું. ત્યાં તો મોઈન સામેથી આવતો દેખાયો. ઉડતો ઉડતો. એના ચહેરા પર તો જાણે તારામંડળ ફૂટતા હતા. થયું હતું એવું કે એ દિવસે સાંજે ગામના સરપંચ સાહેબે મોઈનને સામેથી બોલાવીને બે દિવસ પછી પોતાની સાથે શહેરમાં આવવા તૈયાર રહેવા જણાવેલું. સરકારની કોઈ યોજનામાં મોઈનને ચાળીસ હજાર રૂપિયા મળવાના હતા. મોઈને સરપંચ સાહેબ સાથે અંગૂઠો પાડવા શહેરમાં જવાનું હતું. બેંકમાં ખાતું પણ ખોલાવવાનું હતું. હવે મોઈનની સાથે હવામાં મુમતાઝ પણ ઉડવા માંડી. ઘર પહોંચતા સુધીમાં તો બન્નેએ કંઈ કેટલાયે સપનાંઓ જોઈ નાંખ્યાં. 

મુમતાઝ થોડી વહેલી ધરતી પર આવી. બીજે દિવસે એ એની સીમાદીદીને ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તો એને થોડીક શંકા પણ જનમવા માંડેલી. આવી તે કેવી સરકારી યોજના કે આખ્ખા ગામમાં એકલા મોઈનને જ આટલા બધા રૂપિયા મળે? એણે સીમાદીદીને વાત કરી. સીમાદીદીએ મનહરને. બીજે દિવસે મોઈન સાથે મનહર અને સીમાદીદી સરપંચ સાહેબને મળવા ઉપડ્યા. અજાણ્યા રૂઆબદાર માણસો સાથે આવેલા મોઈનને જોઈ સરપંચ સાહેબએ ફેરવી તોળ્યું. યોજના તો બંધ થઈ ગઈ છે. ફરીથી ચાલુ થાય ત્યારે બોલાવશું કહી પૂર્ણવિરામ મુક્યું.

મનહરે પોતાના એક વકીલ મિત્રને મામલો સોંપ્યો. અઠવાડિયા પછી મોઈને પાડેલા અંગૂઠાના બદલામાં મોઈન-મુમતાઝના સંયુક્ત બેંક ખાતામાં રૂપિયા ચાર કરોડ જમા થયા. દાદાના વખતના ઉપજાઉ, મોકાની જગ્યા ઉપર આવેલા, વિશાળ ખેતરમાં મોઈનનો ભાગ પોષાતો હતો. તેની કિંમત તેને મળી હતી.

બીજો એક દાયકો વીત્યો. 

મનહર-મોઈન-સીમા-મુમતાઝની ભલી ચોકડીએ ઉછેરેલા મોંઘા-ગુલાબના ઉપવનો મઘમઘી રહ્યા હતા. 

e.mail : naik_ashok2001@yahoo.com

Loading

12 June 2025 અશોક નાયક
← ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
ગાંધીનો હિટલરને પત્ર  →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved