‘મારુ જીવન મારી વાણી’નો બીજો ગ્રંથ તેમ જ અમર્ત્ય સેનનું ‘The Idea of Justic’ વાંચું છું, તેમાં વળી, આ લેખ વાંચવામાં આવી ગયો, એટલે આ લખાણ :
− આશા બૂચ
આજે ચારેકોર લડાઈ, ભૂખમરો અને નરસંહારનું તાંડવ ખેલાઈ રહ્યું છે અને ચોપાસ અંધકાર ઘેરી વાળ્યો છે. ‘પ્રેમલ જ્યોતિ તારો દાખવી’ ભજનમાં ગવાયું છે તેમ માર્ગ સૂઝે નહીં ઘોર રજનીમાં જેવી હાલત અનુભવીએ છીએ, તેવે ટાણે મે 2025ના mkgandhi.orgના અંકમાં ત્રિદીપ સુહૃદનો લખેલો લેખ અને તેમાં આપેલા ગાંધીજીના હિટલરને લખેલા બે પત્રો વાંચ્યા.
ઈ.સ. 1931માં લંડન ખાતે યોજાયેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપ્યા બાદ ગાંધીજી સ્વીત્ઝર્લેન્ડ રોમાં રોલાંની મુલાકાતે ગયેલા અને સાથે સાથે ઇટલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનીને પણ મળવા ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જગત આખું એમ માનતું થઇ ગયું હતું કે હિંસાનો સામનો માત્ર વધુ બળવત્તર વિનાશક શક્તિથી જ કરી શકાય એ હકીકત ગાંધીજી સમજી ગયા હતા. પરંતુ તેઓની માન્યતા હતી કે સરમુખત્યાર શાસકોને પણ અહિંસક માર્ગ એ નબળા માણસોનું નહીં પણ આધ્યાત્મિક રીતે સબળા માણસોનું હથિયાર છે, એમ કહીને તેમને સતર્ક કરવાની જરૂર છે એટલું જ નહીં, પણ એ તેમની ફરજ છે, અને તેથી તેઓએ મુસોલિનીની મુલાકાત લીધી હતી.
યુરોપના કેટલાક દેશોની સંસ્થાનવાદની નીતિ પ્રત્યે અણગમો હોવા છતાં પોતાના લંડનમાં વિતાવેલ વિદ્યાર્થીકાળથી જ ગાંધીજી યુરોપની પ્રજા માટે પ્રીતિ ધરાવતા હતા; કેમ કે તેઓ માનતા હતા કે દુનિયાના અન્ય દેશો પર શાસન કરનાર એ દેશોની આધુનિક સભ્યતાની વિચારધારાની એડી નીચે એ પ્રજા પણ અન્ય ગુલામી ભોગવનાર પ્રજાની માફક કચડાય છે. આથી જ ગાંધીના ઘણા મિત્રો અને સાથી કાર્યકરો યુરોપિયન હતા. ગાંધીજીને લંડન શહેર અને તેમાં ય સેન્ટ પોલ કેથેડ્રલ પ્રત્યે ખાસ અનુરાગ હતો એ જ્યારે લંડન પર બૉમ્બ વર્ષા થઇ ત્યારે એ સ્થળોની સુરક્ષા માટે તેમણે દર્શાવેલી નિસબત પરથી જણાઈ આવે છે. આથી જ જ્યારે યુરોપના મોટા ભાગના દેશો માનવ જાતને વિનાશના મુખમાં ધકેલવા આગળ ધપી રહ્યા હતા ત્યારે લંડનના હાઉસીસ ઓફ પાર્લામેન્ટ, વેસ્ટમિન્સ્ટર એબે અને ફ્રાન્સ તથા જર્મનીના સ્મારકોના વિનાશની શક્યતાઓથી ગાંધીજી ખિન્નતા અનુભવી રહ્યા હતા. તેમની દૃઢ માન્યતા હતી કે દુનિયામાં શાંતિની સ્થાપના માત્ર અહિંસાથી મુક્તિ મેળવવાથી જ કરી શકાય. ખુદ હિંસા આચરનારા શાસકો પણ હિંસાનો ત્યાગ કરશે ત્યારે જ શાંતિ સ્થપાશે.
બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાના થોડા મહિના અગાઉ, 1939માં, ગાંધીજીએ હિટલરને એક પત્ર લખ્યો અને બીજો 1940માં લખ્યો, પરંતુ તે સમયની બ્રિટિશ સરકારના હસ્તક્ષેપના પરિણામે એ બંને પત્ર હિટલરને પહોંચ્યા નહીં.
‘You Are Today the One Person in the World Who Can Prevent a War.’ Read Gandhi’s Letters to Hitler
પ્રથમ પત્રનું ભાષાંતર :
વર્ધા, મધ્ય પ્રદેશ, ભારત
જુલાઈ 23, 1939
પ્રિય મિત્ર,
મારા મિત્રો માનવતાના હિત ખાતર આપને પત્ર લખવા માટે વિનવી રહ્યા છે. મારા તરફથી લખેલ પત્ર આપના પ્રત્યે અવિનય ગણાશે એમ માનતો હોવાથી અત્યાર સુધી મેં તેઓની વિનંતીનો પ્રતિકાર કર્યો. મને એવી પ્રતીતિ થાય છે કે મારે આવી ગણતરી ન કરવી જોઈએ અને ભલે એનું ગમે તેટલું મૂલ્ય હોય, પરંતુ મારે આ અરજ કરવી જોઈએ.
એક હકીકત તદ્દન સ્પષ્ટ છે કે આપ જ એક એવી વ્યક્તિ છો, જે માનવ જાતને છેક ઘાતકી કે નિર્દયતાના સ્તર સુધી ઉતારી મૂકે તેવા આ યુદ્ધને અટકાવી શકો. આપને મન જે વસ્તુ બહુ મૂલ્યવાન હોય તેને માટે આ કિંમત ચૂકવવી શું વ્યાજબી છે? જેણે ખાસ સફળતા ન મેળવી હોવા છતાં હિંસાની પદ્ધતિને ઈરાદાપૂર્વક ટાળી છે તેની અરજ સાંભળશો?
આ પત્ર લખીને મેં જો કોઈ ભૂલ કરી હોય તેમ લાગે તો માફ કરશો તેવી અપેક્ષા રાખું છું.
આપનો સદા સંનિષ્ઠ મિત્ર
એમ.કે. ગાંધી
હેર હિટલર
બર્લિન જર્મની
બીજા પત્રનું ભાષાંતર :
વર્ધા
ડિસેમ્બર 24, 1940
પ્રિય મિત્ર,
હું આપને મિત્ર તરીકે સંબોધન કરું છું એ માત્ર ઔપચારિકતા નથી. મારે કોઈ શત્રુ નથી. મારા જીવનનાં છેલ્લા 33 વર્ષથી મારું કાર્ય દરેક જાતિ, વર્ણ કે પંથની સમગ્ર માનવ જાત સાથે મૈત્રી કેળવવાનું રહ્યું છે.
માનવજાતનો બહુ મોટો ભાગ વૈશ્વિક મૈત્રીના સિદ્ધાંત મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે તેઓ આપના કૃત્ય વિશે શું વિચારે છે, એ જાણવાનો આપને સમય મળશે અને આપ એવી ઈચ્છા પણ ધરાવશો એવી આશા હું રાખું છું. આપની પિતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા અને બહાદુરી વિશે મને લવલેશ શંકા નથી, કે આપના પ્રતિપક્ષીઓ દર્શાવે છે તેવા રાક્ષસી સ્વભાવના છો એમ પણ અમે નથી માનતા. પરંતુ આપના અને આપના મિત્રો તથા ચાહકોનાં લખાણો અને ઘોષણાઓ અને ઘણાં કૃત્યો રાક્ષસી છે અને માનવની ગરિમાને શોભે તેવાં નથી એ વિષે શંકાની જરા પણ ગુંજાઈશ નથી છોડી જતા; ખાસ કરીને મારા જેવા વૈશ્વિક મૈત્રીમાં માનનારા માટે. જેમ કે ઝેકોસ્લોવેકિયાની કરેલી માનહાનિ, પોલેન્ડ પર કરેલા અત્યાચારો અને ડેનમાર્કનો કોળિયો કરી જવો. મારા ખ્યાલમાં છે કે આપના મતે આ પ્રકારની લૂંટફાટ એ નૈતિક કૃત્ય છે. પરંતુ આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે આવાં કૃત્યોને માનવતાની ગરિમાને હાનિ કરનારા માનવામાં આવે છે. આથી અમે આપના સશસ્ત્ર સંગ્રામને સફળતા મળે તેમ ઇચ્છીએ તે હરગીઝ સંભવ નથી.
પણ અમે એક અનોખી પરિસ્થિતિમાં છીએ. અમે બ્રિટિશ સામ્રાજ્યવાદનો નાઝી વિચારધારા જેટલો જ પ્રતિકાર કરીએ છીએ. જો કઇં તફાવત છે, તો તેની માત્રમાં છે. દુનિયાની એક પંચમાંશ વસ્તીને જે રીતે બ્રિટનની એડી નીચે કચડવામાં આવી છે એની કોઈ ગણના થઈ શકે તેમ નથી. અમારા વિદેશી રાજના પ્રતિકારનો અર્થ બ્રિટનની પ્રજાને હાનિ કરવાનો નથી. અમે તેમના હૃદયને બદલવા માગીએ છીએ, રણસંગ્રામમાં તેમને હરાવવા નથી માગતા. બ્રિટિશ શાસન સામે અમારો નિઃશસ્ત્ર બળવો છે. અમે તેમના હૃદયને પરિવર્તિત કરી શકીએ કે નહીં, પણ અહિંસક અસહકાર દ્વારા અમે તેમના શાસનને અસંભવ બનાવી દેવા માટે કૃતનિશ્ચયી છીએ. એ પદ્ધતિનો મૂળથી જ કોઈ બચાવ થઇ શકે નહીં. કોઈ લૂંટારો જુલ્મના ભોગ બનેલા લોકોના સ્વૈચ્છિક કે ફરજિયાત સહકાર વિના સફળ થઇ શકે જ નહીં એ માન્યતા ઉપર આ પદ્ધતિ (અહિંસક અસહકાર) આધારિત છે. અમારા શાસકો અમારી જમીન ઝુંટવી શકે, અમારાં શરીરનો ભોગ લઇ શકે પણ અમારા આત્માને ન હણી શકે. અમારી સંપત્તિ અને અમારાં તનનો નાશ કરવા એ લોકોએ ભારતનાં તમામ સ્ત્રી, પુરુષ અને બાળકોનો સંપૂર્ણ નાશ કરવો પડશે. સમગ્ર પ્રજા આવું શૌર્ય ન દાખવે અને ઘણા લોકોના ભયને કારણે અમારી લડતની કેડ ભાંગે એ શક્ય છે, પણ અમારી દલીલ જુદા જ મુદ્દા વિશે છે. જો થોડી સંખ્યાના લોકો શાસકો પ્રત્યે દુર્ભાવ સેવ્યા વિના અને એ લૂંટારુઓને ઘૂંટણે પડ્યા વિના પોતાના જાન ન્યોછાવર કરશે તો એ લોકોએ હિંસા અને જુલ્મથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો ગણાશે. હું જો એમ કહું કે ભારતમાં આપને અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં આવાં સ્ત્રી-પુરુષો મળી આવશે તો આપે મારા પર વિશ્વાસ મૂકવો જોઈએ. એ લોકો છેલ્લાં 20 વર્ષથી આ માટે તાલીમ મેળવી રહ્યાં છે.
અમે છેલ્લી અર્ધી સદીથી બ્રિટિશ રાજ્યની ધૂંસરી ફગાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે છે તેવી સ્વતંત્રતાની ચળવળ ક્યારે ય બળવાન નહોતી. સહુથી શક્તિશાળી સંગઠન – ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ આ હેતુ સિદ્ધ કરવા પ્રયત્નશીલ છે. અમે અહિંસક માર્ગે સારા એવા પ્રમાણમાં સિદ્ધિ હાંસલ કરી છે. બ્રિટિશ સત્તા, કે જે સહુથી વધુ સંયોજીત હિંસાનું પ્રતિનિધિત્વ કરે છે તેની સામે ટક્કર ઝીલવા સાચા સાધનની શોધમાં અમે ઘણાં ફાંફાં માર્યાં. આપે પણ તેને પડકાર્યા છે. હવે બ્રિટન કે જર્મનીમાંથી કોણ વધુ સંગઠિત છે એ જોવાનું રહ્યું. બ્રિટનની એડી નીચે કચડાવું એનો શો અર્થ છે એ અમે અને દુનિયાની બિન યુરોપિયન પ્રજા બરાબર સમજે છે. પરંતુ અમે બ્રિટિશ શાસનનો અંત જર્મનીની મદદથી લાવવા કદી ઈચ્છા નહીં ધરાવીએ. અમે અહિંસામાં એક એવી તાકાત ભાળી છે કે દુનિયાની તમામ હિંસક તાકાતનો એ સામનો કરી શકે એ વિશે અમને જરા પણ શક નથી. મેં અગાઉ કહ્યું તેમ અહિંસક પદ્ધતિમાં હાર જેવી કોઈ સ્થિતિ જ નથી. એ બીજાની કતલ કર્યા વિના કે હાનિ પહોંચાડ્યા વિના ‘કરો યા મરો’ એ મંત્રને અનુસરવાની વાત છે. એના અમલ માટે ધનની બિલકુલ જરૂર નથી પડતી અને આપે વિજ્ઞાનની સંહારક શક્તિને જે પરાકાષ્ઠાએ વિકસાવી છે તેનો પણ ખપ નથી પડતો. મને આશ્ચર્ય થાય છે કે આ વિનાશક શક્તિ પર કોઈનો એકાધિકાર નથી એ આપ કેમ જોઈ નથી શકતા. બ્રિટિશ નહીં તો કોઈ બીજી સત્તા આપની આ પદ્ધતિમાં સુધારો કરીને આપના જ હથિયારો વડે આપને હરાવશે. આપને માટે ગૌરવ અનુભવી શકે તેવી કોઈ દેણગી આપની પ્રજા માટે આપ છોડી જઈ શકશો નહીં. ગમે તેવી કુશળતાથી આયોજન કર્યું હોય છતાં એ લોકો ક્રૂરતાની આવી ધૂન માટે અભિમાન નહીં લઇ શકે. આથી માનવતા ખાતર આપને આ યુદ્ધ અટકાવવા માટે અરજ કરું છું. જર્મની અને ગ્રેટ બ્રિટનની સંયુક્ત પસંદગી હોય તેવા આંતરરાષ્ટ્રીય ન્યાય પંચ પાસે બંને દેશો વચ્ચેના વિવાદને લઇ જવામાં આપ કશું ગુમાવશો નહીં. આપ જો લડાઈ જીતશો તો એથી એમ સાબિત નહીં થાય કે આપ સાચા હતા. એથી માત્ર એટલું જ સાબિત થશે કે આપની સંહારક શક્તિ વધુ બળવત્તર હતી. જ્યારે તટસ્થ ન્યાય પંચના ચુકાદાથી કયો પક્ષ સાચો હતો એ જણાઈ આવશે.
આપ જાણો છો કે થોડા સમય પહેલાં જ મેં દરેક બ્રિટનવાસીને અહિંસક પ્રતિકારની રીત અપનાવવા માટે અરજ કરી હતી. મેં એ પગલું એટલા માટે લીધું કે બળવાખોર હોવા છતાં બ્રિટનની પ્રજા મને એમના મિત્ર તરીકે ઓળખે છે. હું આપને માટે અને આપની પ્રજા માટે એક અજાણી વ્યક્તિ છું. બ્રિટનને કરેલી તેવી અરજ આપને કરવાની મારામાં હામ નથી. મેં બ્રિટિશ પ્રજાને જેટલી મક્ક્મતાથી કહ્યું તેટલી મક્ક્મતાથી આપને ન કહી શકું એ કારણ નથી. પરંતુ મારી આ દરખાસ્ત વધુ વ્યવહારુ અને જાણીતી છે તેથી વધુ સરળ છે એ કારણસર રજૂ કરું છું.
આ સંયોગોમાં, જ્યારે યુરોપની પ્રજાના દિલ શાંતિ માટે ઝંખી રહ્યાં છે ત્યારે અમે અમારી શાંતિપૂર્ણ ચળવળ પણ મુલતવી રાખી છે. હું ધારું છું કે શાંતિ સ્થાપવાનું આપને અંગત રીતે જરા પણ મહત્ત્વ નહીં હોય, પરંતુ યુરોપના લાખો લોકો, કે જેમનું મૂક રુદન સાંભળવા મારા કાન સતર્ક છે તેમની શાંતિ માટે આપ પ્રયાસ કરો, એવી અરજ કરું તે શું વધુ પડતું કહેવાશે? રાઉન્ડ ટેબલ કોન્ફરન્સના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયો ત્યારે જેમને મળવાનો મને લાભ મળ્યો એ શ્રીમાન મુસોલિની તથા આપને એક સંયુક્ત અરજી કરવા ધારેલું, થોડા સુધારા સાથે આ અરજ તેમને પણ સંબોધીને કરવામાં આવી છે એમ તેઓ સ્વીકારશે તેવી મારી આશા છે.
આપનો
નિષ્ઠાવાન મિત્ર
એમ.કે. ગાંધી
ઉપરના બંને પત્રો વાંચ્યા બાદ મનમાં અનેક મુદ્દાઓ ઉઠ્યા અને સવાલો થયા. હિટલરને ‘પ્રિય મિત્ર’ કહેનાર કદાચ માત્ર ગાંધીજી જ હોઈ શકે. ભલે હિટલરના વિરોધીઓની માફક ગાંધીજી એને તદ્દન રાક્ષસી સ્વભાવના નથી માનતા, પરંતુ એના કૃત્યો સારી ય માનવજાત માટે સદંતર નિર્દયી છે એમ દૃઢપણે માનતા હોવા છતાં એની સાથે આવી વિવેકી ભાષા કઈ રીતે વાપરી શક્યા હશે? પહેલો પત્ર ઘણો ટૂંકો, છતાં સચોટ છે. બીજો પત્ર તો વિશ્વયુદ્ધ શરૂ થઇ ગયા બાદ લખાયો હતો. એમાં એક માનવ તરીકે હિટલરની ભલાઈ માટે વિશ્વાસ, પણ તેનાં કૃત્યોમાં રહેલી અમાનવીય ક્રૂરતાનો અહેસાસ પ્રગટ થયો છે. પોતાની અહિંસક ચળવળો વિષે વિગતે વર્ણન કર્યું અને એ માર્ગ જર્મની પણ લઇ શકે તેમ આગ્રહપૂર્વક કહેવા પાછળ ગાંધીજીની સત્ય અને અહિંસા પ્રત્યેની અટલ શ્રદ્ધા અને હિટલર જેવા આમૂલ હિંસક વૃત્તિ ધરાવનારને પણ ધીરજથી, વિવેકથી આ વાત ગળે ઉતારવાની પોતાની ફરજનું ભાન અદ્વિતીય છે. એટલું જ નહીં, તેઓ હિટલરને ખુદ તેની પ્રજા પણ સાદર યાદ નહીં કરે માટે છેવટ બ્રિટન સાથેના કલહનો શાંતિમય ઉપાય કેવી રીતે કરવો એનું સૂચન પણ કર્યું! અહીં એમનું સંતત્વ છલકે છે.
આ બંને પત્રો તત્કાલીન બ્રિટિશ સરકારે હિટલર સુધી પહોંચાડવા પર પ્રતિબંધ મુકેલો, જેનું કારણ મારી જાણમાં નથી. જો એ પત્રો મળ્યા હોત તો હિટલરે કયાં પગલાં લીધાં હોત એ માત્ર કલ્પનાનો વિષય છે. આજે જાણે જગત ફરી 1930-40ના દાયકા જેવી વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે પ્રેસિડેન્ટ પ્યુટીન અને બેન્જામિન નેતાન્યાહુને કોઈ માઈનો લાલ ઊભો થઈને કહી શકશે કે હવે માનવતાને ખાતર રાજ્ય વિસ્તારની લાલસા અને ઇતિહાસ આધારિત કહાનીના બહાને પારકી ભૂમિ પર કબજો જમાવવાના પાગલપનને છોડીને માનવ સંહાર અટકાવો?
e.mail : 71abuch@gmail.com