ગ્રંથયાત્રા : 5

ગલિવર્સ ટ્રાવેલ્સ
બાળકો અને કિશોરો માટેની આ એક અદ્ભુત રસિક વાર્તા છે? હા અને ના. આ એક સાહસ ભરી પ્રવાસકથા છે? હા અને ના. વિક્ટોરિયન યુગના ગ્રેટ બ્રિટનના લોકો, તેમના રીતરિવાજો, તેમની માન્યતાઓ, કેટલીક જાણીતી વ્યક્તિઓ, વગેરેની ઠેકડી ઉડાડતી કટાક્ષકથા છે? હા અને ના. માણસને અંદરથી જોવા અને જાણવા મથતી, તેના ભાવિનો તાગ લેવા મથતી, કંઇક નિરાશાવાદી રૂપકકથા છે આ? હા અને ના. હકીકતમાં આ એક બહુરૂપી સર્જન છે. જેવો વાચક, જેવો સમય, જેવો દેશ તેવો વેશ ધારણ કરી શકતી આ એક અસાધારણ કથા છે. એનું નામ ગલિવર્સ ટ્રાવેલ્સ.
ઇ.સ ૧૭૨૬માં ચાર ભાગમાં પહેલી વાર ગલિવર્સ ટ્રાવેલ્સ પ્રગટ થઈ. ત્યારથી આજ સુધીમાં તેના કંઈ કેટલાયે અનુવાદ, અનુકરણ, રૂપાંતર થઈ ચૂક્યાં છે. નાટક, ફિલ્મ અને ટી.વી.વાળાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે, પણ મુખ્યત્વે બાળકો માટે. ગલિવર્સ ટ્રાવેલ્સ પહેલી વાર પ્રગટ થઈ ત્યારે તેના ચાર ભાગમાંથી એકે ભાગ પર ક્યાં ય તેના ખરા લેખકનું નામ છાપ્યું જ નહોતું. કથાનાયક પોતે જ જાણે લેખક હોય તેમ પુસ્તક પર લેખક તરીકે ‘લેમ્યુએલ ગલિવર’ એવું નામ છાપેલું. એટલું જ નહીં, ગલિવર જાણે ખરેખરી વ્યક્તિ હોય તેમ તેનું કાલ્પનિક ચિત્ર પણ મુખપૃષ્ઠ પર છાપેલું! પુસ્તકનો આરંભ તેના પ્રકાશક રિચર્ડ સિમ્પસને વાચકોને ઉદ્દેશીને લખેલી નોંધથી થાય છે. પોતાના જિગરજાન દોસ્ત અને દૂરના સગા ગલિવર પાસેથી આ પુસ્તકનું લખાણ પોતાને કઈ રીતે મળ્યું તેની વાત તેમાં તેણે કહી છે. ત્યાર બાદ ગલિવરે પ્રકાશકને લખેલો પત્ર મૂક્યો છે. તેમાં પુસ્તકમાંની કેટલીક વાતો અંગે ગલિવરે પોતાનો બચાવ કર્યો છે અથવા ખુલાસા કર્યા છે. આ પત્ર જાણે ખરેખર કોઈ લેખકે તેના પ્રકાશકને લખ્યો હોય તેવી રીતે લખાયો છે. પણ પત્રને અંતે લખેલી તારીખ – એપ્રિલ ૨, ૧૭૨૭ – તરફ ધ્યાન જાય તો તરત સમજાઈ જાય કે ગલિવરનો પત્ર અને પ્રકાશકની નોંધ, બંને વાસ્તવિક નહીં પણ કાલ્પનિક છે, બનાવટી છે. કારણ ૧૭૨૬ની સાલમાં પ્રગટ થયેલા પુસ્તકમાં ૧૭૨૭માં લખાયેલો પત્ર કઈ રીતે છપાયો હોય? વળી બીજી એપ્રિલની તારીખ પણ પુસ્તકના સ્વરૂપની સૂચક છે. આ પુસ્તકમાં પહેલી એપ્રિલ – એપ્રિલ ફૂલ – ની બનાવટ નથી. પણ વાસ્તવિકતા અને કલ્પના, હકીકત અને બનાવટ, અહેવાલ અને તરંગ, એ બધાનું અહીં અજબ મિશ્રણ છે માટે જ એપ્રિલ ફૂલ પછીના દિવસની તારીખ.
ગલિવરના નામે આ પુસ્તક લખનાર તે આઈરિશ પ્રોટેસ્ટન્ટ પાદરી અને કટાક્ષ લેખક જોનાથન સ્વિફ્ટ. એ જમાનાના બ્રિટનના રાજકારણીઓ પર અને સામાજિક રીતરસમો પર તેમાં જે વેધક કટાક્ષો છે તેને કારણે સ્વિફ્ટે લેખક તરીકે પોતાનું નામ છાપ્યું નહોતું. અને છતાં સ્વિફ્ટના વિરોધની ઐસી તૈસી કરીને પ્રકાશકે મૂળ લખાણમાંનો કેટલોક ભાગ કાઢી નાખ્યો હતો. પુસ્તક પ્રગટ થયું તે પછી માત્ર એક જ અઠવાડિયામાં તેની બધી નકલો ખપી ગઈ. ત્યારથી આજ સુધીમાં આ પુસ્તક ક્યારે ય આઉટ ઓફ પ્રિન્ટ થયું નથી. પ્રખ્યાત ફ્રેંચ લેખક અને વિચારક વોલ્તેરે ૧૭૨૮માં સ્વિફ્ટને લખેલું : “જેમ જેમ હું તમારી કૃતિ વાંચતો જાઉં છે તેમ તેમ મેં જે કાંઇ લખ્યું છે તે અંગે હું શરમ અનુભવતો જાઉં છું.” અને પ્રખ્યાત કવિ-વિવેચક ટી.એસ. એલિયટે ૧૯૨૬માં આપેલા ક્લાર્ક લેક્ચર્સમાં સ્વિફ્ટને ‘ધ ગ્રેટેસ્ટ રાઈટર ઓફ ઇંગ્લિશ પ્રોઝ’ તરીકે ઓળખાવ્યો હતો.
ગલિવર્સ ટ્રાવેલ્સના ચાર ભાગમાંથી પહેલા બે ભાગ સૌથી વધુ જાણીતા થયા છે અને તેમાં સ્વિફ્ટની સર્જકતા પણ સોળે કલાએ ખીલી ઊઠી છે. પહેલા ભાગમાં ગલિવર છ ઈંચના વહેંતિયા લીલીપુટોના પ્રદેશમાં જઈ ચડે છે. આ વહેંતિયાઓના રીતરિવાજ, રહેણીકરણી, રાજ્ય-વ્યવસ્થા વગેરેના અદ્ભુત ચિત્રણ દ્વારા લેખકે માણસના વામન સ્વરૂપને પ્રગટ કરવાનું નિશાન તાક્યું છે. આ વહેંતિયાઓ માટે સીધો સાદો, નોર્મલ ગલિવર જેવો માણસ એક અજાયબી બની જાય છે. તેઓ જાતજાતની રીતે ગલિવરને માપવાનો અને પામવાનો પ્રયત્ન કરે છે. તો પુસ્તકના બીજા ભાગમાં એ જ ગલિવર મહાકાય વિરાટ લોકોના દેશમાં પહોંચી જાય છે. આ મહાકાય જીવો જીવે છે તદ્દન વ્યવહારુ ભૂમિકા પર. તેમને ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સારું-નરસું, જેવા ‘અમૂર્ત’ ખ્યાલોમાં નથી ગતાગમ પડતી કે નથી તેની જરૂર પણ જણાતી.પહેલા ભાગમાં લેખકે માણસના દોષોને સૂક્ષ્મદર્શક કાચ વડે જોયા, તો બીજા ભાગમાં તેને મેગ્નિફાય કરીને બતાવ્યા છે.
તો ત્રીજા ભાગમાં લેખકે પોતાના સમયના વૈજ્ઞાનિકોની હાંસી ઊડાવી છે. લાગાડો શહેરમાં પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો, વિચારકો વસે છે. પણ એવા, કે માણસની ડાબી આંખ વિષે વિચારવામાં જ આખી જિંદગી કાઢી નાખે, પણ માણસને જમણી આંખ પણ હોય છે તે હકીકતની તેમને ખબર પણ ન હોય! ઈન્ટરનેટ સાથે જેને થોડી ઘણી પણ લેવાદેવા હોય તેવી કોઈ પણ વ્યક્તિ ‘યાહૂ’ નામથી અજાણી ન જ હોય. પણ તેમાંથી કેટલાને ખબર હશે કે આ ‘યાહૂ’ નામ પહેલવહેલું સ્વિફ્ટે આ નવલકથામાં યોજ્યું હતું. ચોથા ભાગમાં ગલિવર આ યાહૂ લોકોના દેશમાં જઈ ચડે છે. આ યાહૂ એટલે માણસના રૂપમાં અતિશય બળવાન રાક્ષસ. એનાં રંગઢંગ જંગલી, એની રીતભાત જંગલી. પેલું ફિલ્મી ગીત યાદ છે ને – ‘યાહૂ! ચાહે કોઈ મુઝે જંગલી કહે.’ સ્વિફ્ટ કદાચ સૂચવવા માગે છે કે માણસજાતનું ભાવિ આવા યાહૂ બની રહેવાનું જ છે.

જોનાથન સ્વિફ્ટ
૧૬૬૭ના નવેમ્બરની ૩૦મી તારીખે ડબ્લીન શહેરમાં સ્વિફ્ટનો જન્મ. તેના જન્મ પહેલાં જ પિતાનું તો અવસાન થયેલું એટલે પિતાનો પ્રેમ ન મળ્યો. માતાની ગરીબીને કારણે પહેલાં સૂયાણી પાસે અને પછી તવંગર કાકા પાસે ઉછર્યો. સારસંભાળ મળ્યાં, પણ પ્રેમ ન મળ્યો. બે સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રસંગો પણ નિષ્ફળ નીવડ્યા. રાજકારણમાં પડ્યો પણ બંને વખત જે પક્ષમાં હતો તે પક્ષ ચૂટણીમાં હાર્યો એટલે સ્વિફ્ટની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી ન થઈ. ચર્ચમાં પણ અપેક્ષા પ્રમાણેનો ઊંચો હોદ્દો ક્યારે ય ન મળ્યો. લગભગ આખી જિંદગી બહેરાપણાથી અને વર્ટીગોથી પીડાતો રહ્યો. લગભગ ગાંડપણની હદે પહોંચ્યા પછી ૧૭૪૫ના ઓક્ટોબરની ૧૯મીએ સ્વિફ્ટનું અવસાન થયું.
XXX XXX XXX
11 જૂન 2025
e.mail : deepakbmehta@gmail.com