
રાજ ગોસ્વામી
મોટાભાગના લોકો એવું માને છે રોગને ઠીક કરવા માટે દવા અથવા ઉપચારની પદ્ધતિ માત્ર મનુષ્યોએ જ વિકસાવી છે, અને બાકીના જીવો રામ ભરોસે જીવે છે. પરંતુ એવું નથી. પ્રાચીન સમયથી અમુક આદિવાસી જાતિઓને ખબર હતી કે જંગલી પશુ-પ્રાણીઓ પણ રોગમુક્ત રહેવાનું જાણતાં હોય છે.
તેના પરથી મેડિકલની દુનિયામાં, ઝૂફાર્માકોગ્નોસી (Zoopharmacognosy) નામની એક નવી વિદ્યા વિકસી છે – તેમાં પ્રાણીઓ કેવી રીતે ઔષધીય ગુણવત્તાવાળી વનસ્પતિ, માટી અને જીવજંતુઓને ખાઈને કે શરીર પર લગાવીને રોગમુક્ત રહેવાનો પ્રયાસ કરે છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. ઝૂફાર્માકોગ્નોસી ત્રણ ગ્રીક શબ્દો પરથી બન્યો છે; ઝૂ (પ્રાણી), ફાર્માકોન (દવા) અને ગ્નોસી (જ્ઞાન).
ભુવા-ઓઝાઓ પ્રાણીઓનું જોઇને જ નવી દવાઓ બનાવતા હતા. ઉત્તર અમેરિકાના દેશી લોકોમાં ‘બેર મેડિસિન’ પ્રચલિત છે, જે રીંછ પ્રજાતિના નિરીક્ષણ પરથી આવી છે. તેનો ઉપયોગ શરદી, ખાંસી, શ્વાસનળીના સોજા અને તાવને ઠીક કરવા માટે થાય છે. તેનો અર્થ એવો થયો કે એસ્પિરિનની સૌથી પહેલી ‘શોધ’ રીંછ જમાતમાં થઇ હતી.
ઉત્તરીય ગોળાર્ધના દેશી ઉપચારકોએ એવું જોયેલું કે રીંછ શીતનિંદ્રામાંથી બહાર આવીને પાણી નજીક ઊગતાં નેતર જેવા ‘વિલો’ નામનાં ઝાડવાંની છાલ ખાતાં હતાં. તેની છાલમાં સાલિસિન નામનું સમૃદ્ધ કેમિકલ હોય છે, જે મહિનાઓ સુધી ઠંડીમાં રહેવાથી રીંછના શરીરમાં પેદા થતી અક્કડ અને દુ:ખાવો દૂર કરતું હતું.
ઉપચારકોએ શરીરમાં બળતરા શાંત કરવા માટે અને સંધિવાને ઠીક કરવા માટે રીંછના આ વર્તનની નકલ કરી હતી. પાછળથી વૈજ્ઞાનિકોએ નેતરમાંથી સાલિસીલિક એસિડ છૂટો પાડીને એસ્પિરિન બનાવી હતી.
1853માં, ચાર્લ્સ ફ્રેડરિક ગેરહાર્ડ નામના એક જર્મન કેમિસ્ટે પહેલીવાર સોડિયમ સાલિસીલિક અને એસેટાયલ ક્લોરાઈડ ભેળવીને એસેટાયલસાલિસીલિક એસિડ બનવ્યો હતો. તે પછી પચાસ વર્ષ સુધી બીજા કેમિસ્ટો તેના કેમિકલ માળખામાં ફેરફાર કરતા રહ્યા હતા. 1897માં, ફેલિક્સ હોફમેન નામના એક કેમિસ્ટ સંધિવાથી પીડાતા તેમના પિતાનો ઉપચાર શોધતા હતા. તેમના પિતા દવાની ગોળીઓ ગળવાના વિરોધી હતા. આ હોફમેને 10 ઓગસ્ટ 1997ના રોજ સફળતાપૂર્વક શુદ્ધ એસેટાયલસાલિસીલિક એસિડ બનાવ્યો હતો. અંતત: તે એસ્પિરિન બની હતી.
ભારતમાં બળતરાને શાંત કરવા માટે દેશી ઉપચાર તરીકે લીચ (જળો) થેરાપી પ્રચલિત છે, જે ખૂન ચૂસીને શરીર શાંત કરે છે. સૌથી પહેલાં અમુક પ્રાણીઓને આવો ઉપચાર કરતાં જોવામાં આવ્યાં હતાં. ભારતમાં આજે પણ ખેડૂતો તેમનાં ઢોર-ઢાંખરના રોગ મટાડવા માટે અમુક પ્લાન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે.
પ્લાન્ટ્સમાં ઔષધીય તત્ત્વો હોય છે તે વાત નવી નથી. ભારતીય આયુર્વેદ પરંપરામાં હર્બલ દવાઓ કેન્દ્રમાં છે, જે ચોક્કસ પ્રકારની વનસ્પતિનાં મૂળિયાંમાંથી બને છે. પરંતુ પ્રાણીઓ હજારો વર્ષોથી આવી રીતે ઉપચાર કરતાં આવ્યાં છે, તે હકીકત હજુ પચાસ વર્ષથી જ ગંભીર અધ્યયનનો વિષય બની છે.
તમે ઘાસ ખાઈને ઊલટી કરતા કૂતરા જોયા છે? તે ઝૂફાર્માકોગ્નોસીનું ઉદાહરણ છે. તેવી રીતે વાંદરાઓ ઘણીવાર ખોરાકને ચાવ્યા વગર પેટમાં ઉતારી દે છે, પતંગિયાં તેમનાં બચ્ચાંમાં પરજીવીઓ ન વિકસે તે માટે ઝેરી પ્લાન્ટ્સ પર ઈંડાં મૂકે છે. અમુક પ્રાણીઓ તેમના શરીરમાં પરજીવીઓ કે ઝેરને રોકવા માટે માટી, કોલસો કે ઝેરી પ્લાન્ટ્સ ખાઈ જાય છે.
આવી પ્રવૃત્તિથી પ્રાણીઓનો સાચે ઉપચાર થાય છે કે કેમ તેનો ઝૂફાર્માકોગ્નોસીમાં અભ્યાસ થાય છે. પશ્ચિમમાં, 80ના દાયકાથી આ વિદ્યામાં રસ લેવાનું શરૂ થયું હતું. તે પછી તો આ દિશામાં ઘણું કામ થયું છે, અને તાજેતરમાં અમેરિકામાં આ વિષય પર એક રસપ્રદ પુસ્તક પ્રગટ થયું છે; Doctors by Nature : How Ants, Apes, and Other Animals Heal Themselves.
તેના લેખક, જાપ ડે રૂડે, અમેરિકાના જ્યોર્જિયામાં એમોરી નામની એક ખાનગી યુનિવર્સિટીમાં બાયોલોજીના પ્રોફેસર છે. તેઓ વર્ષોથી વિવિધ પ્રજાતિઓની ઉત્ક્રાંતિ પર કામ કરી રહ્યા છે. તેમણે વિવિધ દેશોના અગ્રણી વૈજ્ઞાનિકો સાથે વાત કરીને અને પતંગિયાં પર તેમના ખુદના સંશોધનના આધારે આ પુસ્તકમાં દાવો કર્યો છે કે કીડીઓથી લઈને બંદર સુધી, મધમાખીથી લઈને રીંછ સુધી અને ઈયળથી લઈને બિલાડી સુધીનાં તમામ પ્રાણીઓ પોતાના અને પરિવારજનોના ઉપચાર માટે પ્લાન્ટ્સનો ઉપયોગ કરે છે.
રૂડે રસપ્રદ દાખલા આપે છે. વાનર તેના પેટમાં ગયેલા કીડાઓને મળ વાટે બહાર કાઢવા માટે લીલાં પાંદડાં ચાવ્યા વગર પેટમાં ઉતારી દે છે. ચકલીઓ પરજીવી જંતુઓને દૂર રાખવા સિગારેટનાં ઠૂંઠાનો ઉપયોગ કરે છે, અને મધમાખીઓ રોગનાં જંતુઓને મારવા માટે ગુંદરને મધપૂડામાં ગોઠવે છે.
તેમણે તાન્ઝાનિયામાં એક રસપ્રદ નિરીક્ષણ કર્યું હતું. ત્યાં તેમણે ચાઉસિકુ નામની એક માદા ચિમ્પાન્ઝીને શિથિલ અવસ્થામાં જોઈ હતી. તેને ડાયેરિયા થઇ ગયો હતો અને આખો દિવસ ઊંઘ્યા કરતી હતી. રૂડે અને બીજા એક સ્થાનિક વિજ્ઞાનીએ જોયું કે ચાઉસિકુ વેર્નોનિયા નામના એક કડવા પ્લાન્ટ પાસે જતી અને તેનીં છાલ કાઢીને તેમાં ઝરતા રસને ચૂસતી. બંને વૈજ્ઞાનિકોને ખબર હતી કે આ પ્લાન્ટ તેનું ડાયેટ નહોતો. તે ઉપચાર માટે તેની પાસે જતી હતી.
આ પુસ્તક વિશે રૂડે એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “મને બહુ નાની ઉંમરથી પ્રાણીઓમાં રસ હતો, એટલે પ્રાણીઓના ઉપચાર અંગે લખવાની મજા આવી હતી. મેં ચેપી રોગો અને પરજીવીઓ અંગે પણ અભ્યાસ કરેલો હતો. 2005માં મેં અમેરિકામાં મોનાર્ક બટરફ્લાયનાં પરજીવોનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેની ઈયળો દૂધિયાં છોડને ચૂસતી હોય છે, જે આમ ઝેરી પ્લાન્ટ છે. મને અભ્યાસમાં ખબર પડી કે ઈયળો બીમાર હોય ત્યારે આવું ખાસ કરે છે. તેના પરથી મને પ્રશ્ન થયો કે બીજાં જીવો પણ આવું કરતાં હશે?”
એક પ્રશ્ન એવો થાય કે પ્રાણીઓને ખુદનો ઉપચાર કરતાં કેવી રીતે આવડતું હશે? મજાની વાત એ છે કે તેમનામાં પણ ‘કોઠાસૂઝ’ હોય છે. અર્થાત, તેમનામાં ઔષધીય પ્લાન્ટ્સ ખાવાની જન્મજાત વૃત્તિ હોય છે, અને મનુષ્યોની જેમ, તેઓ એકબીજાનું જોઇને અને અનુભવો પરથી પણ આ વૃત્તિ કેળવે છે. જંગલી પ્રાણીઓ કેમ વધુ તંદુરસ્ત હોય છે અને પાલતું પ્રાણીઓને કેમ માણસોની જેમ ડોકટરોની જરૂર પડે છે, તેનું કારણ એ જ છે કે પાલતું પ્રાણીઓ પ્લાન્ટ્સના ઉપયોગથી ખુદનો ઉપચાર કરવાનું ભૂલી ગયાં છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “ સંદેશ”, 08 જૂન 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર