૨૦૧૨માં નિર્ભયા સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની, ત્યારે ભારતના અત્યારનાં થોડાં-ઘણાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષમાં હતાં અને પોતાને મહિલાઓના અવાજ સમજતાં હતાં. તેમણે ત્યારે કહ્યું હતું કે બળાત્કાર કરનારાઓને ફાંસીની સજા થવી જોઈએ અને છેડતી કરનારાઓને આકરામાં આકરી જેલની સજા થવી જોઈએ. એ યુગ નૈતિકતાના જુવાળનો યુગ હતો. ભગવા-સફેદ વસ્ત્રધારી બાવાઓ, ગાંધી ટોપી પહેરેલા સેવકો, વિનોદ રાય જેવા બંધારણીય જવાબદારીઓ ધરાવનારો દેશમાં રામ રાજ્ય સ્થાપવા માટે અને અસુરોનો વધ કરવા માટે રસ્તા પર ઊતરી પડ્યા હતા. એમ લાગતું હતું કે બસ રામ રાજ્ય હાથવેંતમાં છે. બાવાઓ સુધ્ધાં ઈશ્વર આરાધનામાંથી સમય કાઢીને, ભગવાન પાસેથી સમય માગીને, રસ્તા પર ઊતરી પડ્યા છે ત્યારે ક્રાંતિ ન થાય એવું બને ખરું?
એ સમયે મેં સુષ્મા સ્વરાજના કથન અંગે લખ્યું હતું કે સજા કેટલા પ્રમાણમાં કે કેવી આકરી કરવામાં આવે એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે સજા કરશે કોણ? સુષ્મા સ્વરાજ તો સજા નહીં સંભળાવી શકે. એને માટે ન્યાયતંત્ર જોઈએ અને ભારતમાં ન્યાયતંત્ર લકવાગ્રસ્ત છે. સમયસર અને યોગ્ય ન્યાય મળે એ ભારતના દરેક નાગરિકનો અધિકાર છે. એનો તો ખરો જ જેની સાથે ગુનો થયો છે કે અન્યાય થયો છે, પરંતુ એનો પણ જે આરોપી છે. આ ઉપરાંત ગુનાનો શિકાર (વિક્ટિમ) અને આરોપીના પરિવારજનોનો પણ એ અધિકાર છે. જો આરોપી નિર્દોષ હોય તો એ વહેલામાં વહેલી તકે કલંકમુક્ત થવો જોઈએ.
આજે સુષ્મા સ્વરાજ સત્તામાં છે અને બાવાઓ કરોડપતિમાંથી અબજોપતિ થઈ ગયા છે. ચાર લાઈનાવાળા પ્રસિદ્ધ વ્યંગકાર સુરેન્દ્ર શર્માએ એક વાર બાબા રામદેવને પૂછ્યું હતું કે જો યોગાસન કરવાથી દરેક રોગ મટી શકે એવો તમારો દાવો છે તો તમે દવાઓ શા માટે બનાવો છો? બાબાએ જવાબ આપ્યો નહોતો. મુરલીધરો હતા એ બધા અને ભક્તો મુરલીના સૂરે નાચતા હતા. ભક્તોનો તો જન્મ જ કોઈના તાલે નાચવા માટે થતો હોય છે. માત્ર મુરલીધરો બદલાય છે, ભક્તો તો એના એ જ અને એવાને એવા જ રહે છે. એ યુગના ૯૯ ટકા મુરલીધરો આજે સત્તામાં છે અને કેટલાક આર્થિક રીતે સંપન્ન છે. અર્થ એ પણ એક સત્તા છે. અત્યારે જે મુદ્દે તેઓ રસ્તા પર ઊતર્યા હતા એ વિષે કોઈ કાંઈ બોલતું નથી. મોઢામાં આંગળા નાખીને બોલાવો તો પણ તેઓ બોલતાં નથી.
બીજા કોઈ નહીં, મહિલાઓનાં મશાલચી સુષ્મા સ્વરાજ સાથે આવું બન્યું. દેશના થોડાંઘણાં વિદેશ પ્રધાનને પૂરેપૂરા પત્રકારોના એક જુથે (ખાસ કરીને મહિલા પત્રકારોએ) પૂછ્યું કે તમારા જુનિયર પ્રધાન એમ.જે. અકબર સામે સ્ત્રીઓ સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ છે ત્યારે એક બોસ તરીકે તમે શું કરવાનાં છો? કોઈ તપાસ ચાલી રહી છે અથવા તપાસ કરવાનું વિચારી રહ્યા છો? અકબરનું રાજીનામું માંગવામાં આવશે? ખબર છે સુષ્મા સ્વરાજે શું કહ્યું? કશું જ નહીં. એક હળવું સ્મિત આપીને ત્યાંથી સરકી ગયાં. નિર્ભયા વખતે બુલંદ અવાજે ગર્જનારાં અને ફાંસીથી ઓછી કોઈ સજા નહીં ખપે, એવું કહેનારાં સુષ્મા સ્વરાજ ચૂપ હતાં. આપણે ૨૦૧૧-૨૦૧૨નાં પારકી છઠ્ઠીના જાગતલોને પૂછવું જોઈએ કે મૂલ્યો પક્ષીય હોય છે કે પક્ષાતીત? મૂલ્યો સાપેક્ષ હોય છે કે નિરપેક્ષ?
૨૦૦૬માં તરાના બુર્કે નામની આફ્રિકન-અમેરિકન મહિલા કર્મશીલે જે સ્ત્રીઓ સાથે જાતીય દુર્વ્યવહાર થયો હોય એવી સ્ત્રીઓની વેદનાને વાચા આપવા માટે ‘ મી ટૂ’ – # Me Too – (એટલે કે હું પણ તમારા જેવી ત્રાસિત છું) આંદોલન શરુ કર્યું હતું. ઈરાદો એકબીજાને હૂંફ આપવાનો, હિંમત આપવાનો. સહિયારો સંઘર્ષ કરવાનો, શાસકો પર દબાવ લાવવાનો, પુરુષોની માનસિકતા બદલવાનો, યોગ્ય કાયદાઓ ઘડાવવાનો હતો. એ પછી સમાજ-માધ્યમો (ફેસબુક, વોટ્સેપ વગેરે) આવ્યાં અને ‘મી ટૂ’ આંદોલન વૈશ્વિક બની ગયું. અત્યાર સુધીમાં એક કરોડ ૭૭ લાખ મહિલાઓએ ફરિયાદ કરી છે કે તેની સાથે જાતીય દુરવ્યવહાર થયો છે. દુર્વ્યવહારનો અર્થ માત્ર બળાત્કાર કે શારીરિક છેડતી થતો નથી, પરંતુ વગનો ઉપયોગ કરીને સ્ત્રીને નજીક આણવાનો પ્રયત્ન કરવો એનો પણ સમાવેશ થાય છે. કાયદાપોથીઓમાં આ પ્રકારના દુર્વ્યવહારને ગુનો નહીં માનવામાં આવતો હોય, અદાલતો આવી ચેષ્ટાને સજાપાત્ર ગુનો નહીં સમજતી હોય; પરંતુ સમાજના નૈતિક ધોરણે તો એ ગુનો છે જ.
એમ.જે. અકબર પત્રકાર હતા. ખૂબ સફળ પત્રકાર. ભારતમાં પત્રકારત્વકીય ક્રાંતિ કરનારા પત્રકાર. પહેલા ‘સન્ડે’ મેગેઝિન, પછી ‘ધ ટેલિગ્રાફ’ અને છેલ્લે ‘એશિયન એજ’ જેવા અખબારો-સામયિકોના સ્થાપક તંત્રી. તેઓ વિદ્વાન છે અને ખૂબ સારા વિવેચક-લેખક છે. જવાહર નેહરુનું ઉત્તમ ચરિત્ર લખનારા અને ‘રાયટ્સ આફ્ટર રાયટ્સ’ નામના પુસ્તકમાં કોમવાદની મીમાંસા કરનારા અકબર ખૂબ મહત્ત્વાકાંક્ષી છે. મહત્ત્વાકાંક્ષી એટલા કે ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીનો વિજય જોઇને તેઓ કૉન્ગ્રેસમાં જોડાઈ ગયા હતા અને અત્યારે નરેન્દ્ર મોદીનો વિજય જોઇને બી.જે.પી.માં જોડાઈ ગયા. ત્યારે લોકસભાના સભ્ય બન્યા હતા અને અત્યારે રાજ્યસભાના સભ્ય બનીને કેન્દ્રમાં વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન છે. ભારતના શ્રેષ્ઠ પત્રકારોમાંનો એક, બહુશ્રુત અને મેધાવી પત્રકાર એમ.જે. અકબર રાજ્ય કક્ષાના પ્રધાન બને એ જ એક અપમાન છે, પરંતુ સત્તાતુરાણામ્ (મૂળમાં મહાભારતમાં તો કામાતુરાણામ્ છે) ન ભયં ન લજ્જા એ ન્યાયે અકબરને કોઈ લજ્જા નહોતી આવી. એમ.જે. અકબરને વિદેશ ખાતામાં રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા ત્યારે મેં ગ્લાનિ અનુભવી હતી. (આપણા એક મેધાવી ચિંતકને પદ્મશ્રીનું પગલુછણિયું મળ્યું અને તેમણે એ સ્વીકારી લીધું ત્યારે પણ આવો જ ગ્લાનિનો અનુભવ થયો હતો.)
હવે જ્યારે ‘મીટૂ’નો વાયરો વાયો છે ત્યારે ભારતની મહિલા પત્રકારો કહી રહી છે કે અકબર તેમની વગનો ઉપયોગ કરીને તેમને નજીક લેવાનો પ્રયાસ કરતા હતા. એકે મોઢું ખોલ્યું અને હવે તો એક બે નહીં છ મહિલા પત્રકારોએ કહ્યું છે કે એમ.જે. અકબરે તેમને હોટલેમાં મળવા બોલાવી હતી, દારૂ ઓફર કર્યો હતો અને બીજી અનેક રીતે નજીક જવાના પ્રયાસ કર્યા હતા. સત્તાનો કે બીજા દરેક પ્રકારના ઐશ્વર્યનો ઉપયોગ કોઈને અનુકૂળ બનાવવા માટે કરવામાં આવે એ કાનૂની ગુનો ન બનતો હોય તો પણ અનૈતિક છે. અકબર મોઢું ખોલતા નથી અને સુષ્મા સ્વરાજ મહિલા પત્રકારોને જવાબ આપતાં નથી.
કચ્છની એક મહિલા આર્કિટેક્ટની પાછળ પડવાનો અને તેમની ફરતે ચોવીસે કલાક જાસૂસી કરાવવાનો આપણા વડા પ્રધાન પર આરોપ છે. જો વડા પ્રધાન ખુલાસો ન કરે તો અકબર અને સુષ્મા સ્વરાજ શા માટે ખુલાસા કરે? તેઓ તો નામ પૂરતા પ્રધાનો છે.
દરમ્યાન અત્યાર સુધી આ બાઈયું ક્યાં હતી, અને કેમ મૂંગી રહી એમ કહેનારા પુરુષો પણ આપણા સમાજમાં છે. તેઓ સત્તાના સ્વરૂપ અને સ્વભાવ વિષે કાંઈ જાણતા નથી અને પોતે પુરુષ તરીકે સત્તા ભોગવી રહ્યા છે એની પણ તેમને સભાનતા નથી. માત્ર ભારતમાં નહીં, અાખા જગતમાં સાંસ્કૃિતક સંકટ ઘેરાઈ રહ્યું છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 અૉક્ટોબર 2018
કાર્ટૂન સૌજન્ય : કાર્ટૂનિસ્ટ – કેશવ : "ધ હિન્દુ", 10 અૉક્ટોબર 2018