તમે કેટલી વખત તમારા ઈસ્ત્રીવાળાને કહ્યું હશે કે બિલ બે દિવસ પછી લઇ જજે? તમે તમારા ફેરિયાને કેટલી વખત એવું કહ્યું હશે કે પેપરના પૈસા કાલે લઇ જજે? તમે તમારા કેબલવાળાને પણ એવું કહ્યું હશે કે કેબલના પૈસા આવતા બિલમાં સાથે આપીશ. આપણા ઘરે કામ કરવા આવતા કે સેવા પ્રદાન કરવા આવતા માણસોને તેમની મહેનત અને સેવાના પૈસાની ચુકવણીમાં ‘આજે નહીં પણ કાલે’ કરવાની આપણા સૌમાં સહજ વૃતિ હોય છે.
આપણને તેમાં અજુગતું લાગતું નથી. મહેનતના પૈસા ચુકવવામાં આમતેમ થાય એ બહુ મોટી વાત નથી અને કામ કરવાવાળા લોકો પણ લાંબા ગાળાના વ્યવસાયિક સંબંધોની જાળવણી માટે થઈને એ ચલાવી પણ લે છે, પરંતુ કોમ્યુનિસ્ટ વિચારધારામાં આ જ બાબતને મજદૂરોના શોષણ તરીકે જોવાઈ હતી.
આ વાતને, 1983માં આવેલી અમિતાભ બચ્ચનની બહુચર્ચિત ફિલ્મ ‘કૂલી’માં બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી. ‘કૂલી’ ફિલ્મ બચ્ચનના લગભગ ઘાતક કહી શકાય તેવા અકસ્માતના કારણે બહુ ચર્ચામાં રહી હતી. એ બોક્સ ઓફિસ પર સુપરહિટ પણ એટલે જ નીવડી કે અમિતાભ તેના શુટિંગ દરમિયાન જખ્મી થઈને મરતાં-મરતાં બચ્યા હતા.
26 જુલાઈ 1982ના રોજ બેંગલોર યુનિવર્સિટી કેમ્પસમાં, સહ-કલાકાર પુનિત ઇસ્સર સાથેના ફાઈટ-સીનમાં ટેબલનો ખૂણો તેમના પેઢુમાં એવો જબ્બર રીતે વાગ્યો હતો કે છ મહિના સુધી તે સારવાર હેઠળ રહ્યા હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અમિતાભ થોડી મિનિટો માટે ‘ક્લિનિકલી ડેડ’ પણ થઇ ગયા હતા. એ દિવસોમાં વડા પ્રધાન(ઇન્દિરા ગાંધી)થી લઈને આમ જનતા સુધી સૌએ તેમના જીવતદાન માટે અનેક પ્રાર્થનાઓ કરી હતી.
છ મહિના પછી, જાન્યુઆરી મહિનાથી, ફિલ્મના નિર્દેશક મનમોહન દેસાઈએ ‘કૂલી’નું શુટિંગ ત્યાંથી જ ફરી શરૂ કર્યું, જેમાં અમિતાભને જીવલેણ અકસ્માત થયો હતો. છ મહિના પછી ફિલ્મ રિલીઝ થઇ ત્યારે થિયેટરોના પડદા પર એ શોટ સ્થિર કરી દેવામાં આવ્યો હતો જ્યાં હીરોને પેટમાં વાગ્યું હતું. કહેવાની જરૂર નથી કે ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઇ હતી.
મૂળ સ્ક્રીપ્ટમાં અમિતાભ બચ્ચન ફિલ્મના વિલેન કાદર ખાનની ગોળીથી મૃત્યુ પામે છે, પરંતુ અકસ્માત પછી દેશના લોકોમાં અમિતાભ માટે એટલી બધી સહાનુભૂતિ હતી કે મનમોહન દેસાઈએ તેનો અંત બદલી નાખ્યો અને હીરોને હાજી અલીની દરગાહમાં અલ્લાહના નામે છાતી પર અનેક ગોળીઓ ઝીલીને જીવી જતો બતાવ્યો હતો. છેલ્લે, ઇકબાલ સાજો થઈને એ જ રીતે રેલવે હોસ્પિટલની બાલ્કનીમાં કૂલીઓ સામે આવે છે જે રીતે અમિતાભ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર ચાહકો સામે આવ્યા હતા.
‘કૂલી’ ફિલ્મની રીલ-લાઈફ અને રીયલ-લાઈફ ભેગી થઇ ગઈ એમાં સિને પ્રેમીઓઓનું સમગ્ર ધ્યાન ફિલ્મના હીરો ઇકબાલ ખાન પર જ રહ્યું, પણ એમાં ફિલ્મની અમુક બારીક વાતો નજર બહાર રહી ગઈ. જેમ કે, ‘કૂલી’ ફિલ્મમાં કોમ્યુનિસ્ટ વિચારધારાનો હેવી ડોઝ હતો. મનમોહન દેસાઈ મસાલા ફિલ્મો માટે જાણીતા છે. ફિલ્મો બનાવાનો તેમનો મુખ્ય હેતુ દર્શકોનું મનોરંજન કરવાનો અને પૈસા કમાવાનો હતો.
તેમ છતાં, તેમની ‘કૂલી’માં પૂંજીપતિઓ અને શ્રમજીવીઓ વચ્ચેના સંઘર્ષને માર્મિક રીતે પેશ કરવામાં આવ્યો હતો. અમિતાભે ઘણી ફિલ્મોમાં એન્ગ્રી યંગ મેન અથવા વન-મેન આર્મીની ભૂમિકાઓ કરી છે, પરંતુ મનમોહન દેસાઈએ ‘કૂલી’માં પહેલીવાર તેને વર્કિંગ ક્લાસ હીરો તરીકે રજૂ કર્યો હતો. એક તો એ અનાથ છે. તેની માતા સલમા (વહીદા રહેમાન) સાથે મૂડીવાદી ખલનાયક ઝફર ખાન (કાદર ખાન) અન્યાય કર્યો છે. ઇકબાલ એક રેલવે કૂલીને ત્યાં ઉછરે થાય છે. એ કૂલી તરીકે મોટો થાય છે અને રેલવે પ્લેટફોર્મ પર એક ટ્રેનના આગમન વખતે તેને એ જ નાલાયક ઝફર અને તેના બદતમીઝ દીકરા વિકી(સુરેશ ઓબેરોય)નો ભેટો થાય છે. એ દૃશ્યમાં અમિતાભની પહેલીવાર ‘એન્ટ્રી’ થાય છે.
આ દૃશ્ય બહુ અગત્યનું છે. આ પહેલાં જ દૃશ્યમાં મનમોહન દેસાઈ ફિલ્મની વાર્તાના વર્ગ-વિગ્રહને નાટ્યાત્મક રીતે રજૂ કરે છે. કૂલીઓની જિંદગી કેવી છે તેનો પરિચય અહીથી થાય છે. ઈકબાલ તેમનો નેતા છે. ઝફર અને વિકી પૂંજીપતિઓના પ્રતિનિધિ છે. પ્લેટફોર્મ પર જ બંને વર્ગ વચ્ચે સંઘર્ષ થાય છે. ફિલ્મી બોલચાલની ભાષામાં આપણે જેને ‘નંબરિયાં’ કહે છે તે ટાઈટલ્સની શરૂઆત જ અમિતાભના ‘હડતાળ’ના આહ્વાન સાથે થાય છે.
પૂંજીપતિ બાપ-દીકરો એક કૂલી સાથે ગેરવ્યવહાર કરે છે અને ઇકબાલની આગેવાનીમાં કૂલીઓ પ્લેટફોર્મ પર હડતાળ કરે છે. એ વખતે ઇકબાલ એક યાદગાર સંવાદ બોલે છે; “મજદૂર કા પસીના સુખને સે પહેલી ઉસકી મજદૂરી મિલ જાની ચાહીએ, જનાબ.” અમિતાભના લાર્જર ધેન લાઈફ ચારિત્ર્યનાં કારણે આ સંવાદ બહુ ઓછા લોકોના ધ્યાનમાં રહ્યો હશે, પરંતુ ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર એમાં સમાયેલો છે.
ફિલ્મના લેખક કાદર ખાને આ સંવાદ લખ્યો હતો. કાદર ખાન અભ્યાસુ લેખક હતા. તેમણે ઇસ્લામિક શાસ્ત્રો અને કોમ્યુનિસ્ટ સાહિત્ય સારું એવું વાંચ્યું હતું. ‘કૂલી’ ફિલ્મમાં કોમ્યુનિસ્ટ અને સૂફી પરંપરાનાં ઘણાં પ્રતીકોનો ખૂબસુરતીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ કે, હાજી અલીની દરગાહના અંતિમ દૃશ્યમાં ઇકબાલ ‘શાહદા’ (લા ઈલ્લાહા ઇલ્લ લાહ) બોલતાં-બોલતાં ઝફરનો પીછો કરે છે. ઝફરને ધક્કો મારતી વખતે ઇકબાલ ‘તદબીર’ (અલ્લાહુ અકબર) બોલે છે. ઇકબાલના બાવડા પર કૂલીનો બેઝ છે તેમાં ઇસ્લામનો પવિત્ર નંબર 786 છે.
તેવી જ રીતે, ઇકબાલ જ્યારે વિકીના વૈભવી ઘરમાં તોડફોડ કરે છે ત્યારે તેની હાથમાં દાતરડુ અને હથોડો હોય છે. દાતરડુ અને હથોડો રશિયન ક્રાંતિ વખતે શ્રમજીવીઓ અને ખેડૂતોની લડતનું પ્રતીક હતું. ‘મધર ઇન્ડિયા’ નામની સુપરહિટ ફિલ્મ બનાવનારા મહેબૂબ ખાનની ફિલ્મ કંપનીના લોગોમાં દાતરડુ અને હથોડો હતો. એમની ફિલ્મોમાં પડદા પર લોગો ઉભરે ત્યારે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવતો – “મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા હોતા હૈ.”
મનમોહન દેસાઈએ એ જ પ્રતીકોનો ઉપયોગ કરીને ‘કૂલી’ ફિલ્મના પોસ્ટર્સમાં દાતરડુ અને હથોડો સાથે અમિતાભનું ચિત્ર મુક્યું હતું. બાકી હોય તેમ, કૂલી તરીકે તેનો લાલ યુનિફોર્મ કોમ્યુનિસ્ટ ક્રાંતિનો પણ રંગ હતો. અમિતાભને અકસ્માત ન થયો હોત અને મનમોહન દેસાઈએ લોકોને રીઝવવા માટે ફિલ્મનો અંત બદલ્યો ન હોત તો, શ્રમજીવી વર્ગના કલ્યાણ માટે શહીદ થઇ જતા નાયકના રૂપમાં ઇકબાલ અમર થઇ ગયો હોત.
મજાની વાત એ છે કે ‘કૂલી’નું નિર્માણ એ જ વખતે થયું હતું જ્યારે મુંબઈમાં સૌથી મોટી મિલ હડતાળ પડી હતી અને બે વર્ષ ચાલી હતી. ક્રાંતિકારી મજદૂર નેતા દત્તા સામંતની આગેવાનીમાં અઢી લાખ મિલ મજદૂરોએ કામ બંધ કરી દીધું હતું, જેના કારણે 8 લાખ લોકોને તેની સીધી અસર પડી હતી. એ હડતાળથી મુંબઈના સામાજિક-રાજકીય સમીકરણો બદલાઈ ગયાં હતાં.
મનમોહન દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમણે મુંબઈના વી.ટી. સ્ટેશન પર લાલ કૂર્તા, સફેદ ધોતી, બાવડા પર બિલ્લા અને મોઢામાં બીડીવાળા કૂલી જોયા હતા. એ લોકો એક સાથે પ્લેટફોર્મ પર બેસતા અને રાત પડે બધાના પૈસા એક ચાદરમાં ભેગા કરીને સરખા ભાગે પહેંચી દેતા. તેમણે અમિતજીને અમર, અકબરમાં એન્થનીમાં બૂટલેગર અને નસીબમાં વેઈટર બનાવ્યા હતા પણ કૂલીઓને જોયા પછી તેમને ઇકબાલનું પાત્ર સુજ્યું હતું.
એક રસપ્રદ વાત એ છે કે કાદર ખાને ઇકબાલ માટે જે સંવાદ લખ્યો હતો તે વાસ્તવમાં મહોમ્મદ પૈગમ્બરે કહેલી વાત છે. આજથી 1450 વર્ષ પહેલાં, અરબમાં ગુલામો પાસે મજદૂરી કરાવવામાં આવતી હતી ત્યારે, ઇસ્લામનો પૈગામ આપવાનું કામ કરતા હજરત અલીએ લોકોને સલાહ આપી હતી કે, “મજદૂરોની મજદૂરી તેમનો પરસેવો સુકાઈ જાય તે પહેલાં અદા કરી દો.” ઇસ્લામના અભ્યાસુ અને ખુદ પોતે દારુણ ગરીબીમાંથી મોટા થયેલાં કાદર ખાને એ વાતને ઇકબાલના મોઢે મૂકીને તેને અમર બનાવી દીધી હતી.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 30 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર