ગુજરાત સરકારે શિક્ષણને અધોગતિનાં એવાં સ્તરે મૂક્યું છે કે તેની પડતી આપોઆપ જ થતી રહે. સરકાર કાન પણ, નિયમિતરૂપે અવળા જ પકડે છે. તેનું મૂળ કારણ તેની દાનત ખોરી છે તે છે. સરકાર શૈક્ષણિક લાયકાતમાં કોઈ બાંધછોડ નથી કરતી, ટેટ-ટાટની પરીક્ષામાં કોઈ કન્સેશન નથી આપતી ને આટલી કસરત કરાવ્યાં પછી કાયમી શિક્ષકની નિમણૂક કરવાની આવે છે, તો તેનાં ગાત્રો ગળવાં માંડે છે. બને ત્યાં સુધી કોઈને કશું વધારે ન અપાઈ જાય તેની તે સતત કાળજી રાખે છે. તેનાં મંત્રીઓ, સચિવો, અધિકારીઓ પૂરો પગાર લે છે. તેઓ રોજ પર નથી, પણ માસ્તરો તે રોજ પર, નહીં, તાસ પર રાખે છે. ચિત્ર-સંગીત શિક્ષકોનો ભાવ 50 રૂપિયા રાખે છે. વળી રાજીખુશીથી કોઈ આવવા તૈયાર ન થાય એ ઇરાદે ભાવતાલ નક્કી થાય છે. આનાં કરતાં તો મજૂરોનો રોજ વધારે હોય છે, પણ શિક્ષકોને ચામડી નથી, એટલે આવું ચાલે છે, તો તેમનું રૂંવાડું ય ફરકતું નથી. ઘેટાંબકરાં પણ અવાજ કરે છે, પણ શિક્ષકોને વાણી નથી. સરકારી સ્કૂલોનાં શિક્ષકો અંગૂઠા પકડીને ઊભા છે અને પીઠ પર ડેટા, પરિપત્રો, વસ્તી ગણતરી, રસીકરણ જેવી ઈંટો મુકાતી રહે છે, પણ તેમનો ઊંહકારો સંભળાતો નથી, એનો અર્થ એ થયો કે હજી ઈંટો વધે તો એ વફાદારી છોડવાના નથી. વફાદારીમાં કૂતરાનો નંબર બીજો આવે છે, કારણ પહેલે નંબરે હવે શિક્ષકો છે.
કેટલાક શિક્ષકો એટલા ચાલાક છે કે તેઓ ચામડી બચાવીને જવાબદારીઓમાંથી કેમ છટકવું તે જાણે છે, એટલે એમનો બોજ પણ બીજાની પીઠે ગોઠવાતો રહે છે. એમાંના ઘણાં પગાર મળે છે, તેટલાથી રાજી છે. એ જો વર્ગશિક્ષણ વગર મળતો હોય તો સોનામાં સુગંધ ભળે. એનું પરિણામ એ આવ્યું છે કે કેટલાં ય બાળકો શીખ્યાં વગર જ પાસ થતાં રહે છે. એ છેલ્લે બોર્ડની પરીક્ષાઓમાં અટકે છે. અહીં પણ 80માંથી 5 માર્ક આવે તો 21નું ગ્રેસિંગ અપાયાનું નોંધાયું છે. ભણવું, શીખવું હવે મહત્ત્વનું નથી, પાસ થવું જ મહત્ત્વનું છે ને તેની ગરજ વિદ્યાર્થી કરતાં શિક્ષણ બોર્ડની વધુ છે. આમ છતાં ગુજરાતમાં, ગુજરાતીના વિષયમાં દોઢ–બે લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય તો પણ સરકાર ને સંસ્થાઓ માતૃભાષા દિવસ ઉમંગથી ઉજવે છે ને ગુજરાતી સ્કૂલો બંધ પણ થતી રહે છે. આપણે એટલાં અબૂધ છીએ કે ઉઠમણાં વખતેય ઉત્સાહ તો ઉજવણાંનો જ રાખીએ છીએ. દેખાડો એ આજનો રાષ્ટ્રીય રોગ છે.
2020માં નવી શિક્ષણ નીતિ દાખલ તો કરી દીધી, પણ એને અમલમાં મૂકનારું તંત્ર જૂનું અને રેઢિયાળ છે. પૂરતા શિક્ષકો વગર, કામચલાઉથી કામ લેવામાં કરકસર થતી હશે, પણ શિક્ષણનો દાટ વળે છે. અભણ આ સમજે છે, પણ સરકારે સમજવું નથી. એવું નથી કે સરકારને સમજાતું નથી, પણ બધી જ કંજૂસાઈ એ શિક્ષણમાં જ કરે છે. એમાં બને છે એવું કે કસર તો નથી થતી, પણ વચેટિયાઓ હોજરી ભરીને સરકારને જ ખાડામાં ઉતારે છે. એક દાખલાથી આ વાત સમજીએ. નગર પ્રથમિક શિક્ષણ સમિતિ, સુરતે એક જ હેતુ માટે આ વખતે બે પ્રકારના શિક્ષકો રાખ્યા. એકને 10,500નો પગાર ને એને જ એજન્સી રાખે તો 17,500નો ભાવ. આ વધારાના 7 હજાર શિક્ષકને મળતા હોત તો ધૂળ નાખી, પણ એ એજન્સીનું કમિશન ગણાયું. એટલે સરકારના 17,500 ખર્ચાય, તો પણ, શિક્ષકને તો 10,500 જ મળે, આમાં સરકારને લાભ ન હોય તો આવા વેપલા કરવાને બદલે સીધા કાયમી શિક્ષકો રાખવામાં શું વાંધો આવે તે સમજાતું નથી.
શિક્ષણતંત્રની માનસિકતા મનોરોગીની હોય તેમ તે છાશવારે એટલા તુક્કા લડાવે છે કે ઘણીવાર તો મનોરોગી તંદુરસ્ત લાગે. એક સવારે તુક્કો આવ્યો કે હવેથી શિક્ષા સહાયકો, વિદ્યા સહાયકો ન રાખવા, તેને બદલે માસ્તરો જ્ઞાન સહાયક તરીકે કોન્ટ્રાક્ટ પર રાખવા અને તેમને વધારે પગાર આપવો. બીજો તુક્કો એવો આવ્યો કે પ્રવાસી શિક્ષકો ન રાખવા, કારણ એ તાલીમી નથી. વર્ષો પછી સમજાયું કે પ્રવાસી શિક્ષકો તાલીમી નથી ! આ અખતરાઓ કોઈ પણ પૂર્વ વિચારણાનું પરિણામ નથી. સત્ર જૂનમાં શરૂ થયું, પછી મહિને, બે મહિને થયું કે ‘પ્રવાસી’ ને સ્વર્ગવાસી કરો, ત્યાં જ થયું કે જ્ઞાન સહાયકો નીમવામાં તો સત્ર પૂરું થઈ જશે, એટલે એ નિમણૂકો થાય ત્યાં સુધી ભલે પ્રવાસી શિક્ષકોની નિમણૂક થતી રહે. જ્ઞાન સહાયકોનું પણ ઠેકાણું પડ્યું નથી, એટલે આ યોજનાનો હવે વિરોધ શરૂ થયો છે. બન્યું છે એવું કે કરાર આધારિત આ નોકરી માટે ઉમેદવારોએ જ ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો છે. એમને એવું છે કે જ્ઞાન સહાયકોની ભરતીનાં ફોર્મ ઉમેદવારો જ ન ભરે તો સરકારને કાયમી શિક્ષકો નીમવાની ફરજ પડે. બધાં જ જો ઉમેદવારી ન નોંધાવવાનું નક્કી કરે તો સરકારને વિચારવાની ફરજ પડે જ, પણ થોડાં પણ ફોર્મ ભરાય તો વિરોધનો અર્થ ન રહે. ખરેખર તો યોજનાનો જ સાર્વત્રિક વિરોધ થવો ઘટે, કારણ કરાર આધારિત આ યોજના મુજબ તો 11 મહિને કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય અને એમ થતાં કોઈને કાયમી કરવાનો પ્રશ્ન જ ન રહે. વધારે પગારની લાલચ આપીને રાજ્યમાંથી જ કાયમી નિમણૂકને દેશવટો આપવાનું સરકારે તર્કટ કર્યું છે. જો મંત્રીઓ, હોદ્દેદારો, અધિકારીઓ કાયમી નોકરીના પગાર, પેન્શન, રજા જેવા લાભો મેળવતા હોય તો શિક્ષકને કાયમી કરવામાં શું તકલીફ છે? કોઈ પણ કામચલાઉ શૈક્ષણિક યોજનાઓનો જડબેસલાક વિરોધ થવો જોઈએ અને જો યુનિયનો ગુજરી ન ગયાં હોય તો તેમણે યુદ્ધને ધોરણે આ મેટર હાથ પર લેવી જોઈએ. એટલું છે કે જ્ઞાન સહાયકનું ભૂત કાયમી રીતે ઘર કરી ગયું તો કાયમી શિક્ષક, ભૂતકાળની ભુતાવળ થઈને રહેશે.
સ્કૂલોમાં જ્ઞાન સહાયકનો પ્રશ્ન છે, તો ઉચ્ચ શિક્ષણમાં પણ ડખો નથી એવું નથી. ગુજરાત સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવાની તજવીજ શરૂ કરી છે. રોગીને સનેપાત ઉપડે એથી વધુ ઝડપે સરકારને તુક્કાઓ ઉપડે છે. એમાં પણ નીતિ એકધારી અને એકસરખી નથી. ખાનગી યુનિવર્સિટીઓને તમામ નિયંત્રણોમાંથી મુક્ત કરીને બેફામ થવાની સગવડ સરકારે પૂરી પાડી છે, તેનાં મોનિટરિંગની વ્યવસ્થા પણ નથી રાખી, તો બીજે છેડે આમ પણ સરકારી દબાણ હેઠળ રહેતી સરકારી યુનિવર્સિટીઓને વધુ દબાણ હેઠળ લાવવાનો ઉદ્યમ કોમન એક્ટ હેઠળ શરૂ થયો છે. આ સરકારીકરણ એ હદનું છે કે તેનો વિરોધ કરવાની કોઈ પણ સ્વાયત્ત સંસ્થાને ફરજ પડે. આ એક્ટથી યુનિવર્સિટીની તમામ સ્વાયત્તતા ખતમ થાય એમ છે. એક જ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બને ને સરકારી વધુ શોષિત બને આ સ્થિતિ કોઈ રીતે યોગ્ય નથી. કેટલીક યુનિવર્સિટીઓ તો કોમન એક્ટ લાગુ થઈ જ ગયો છે એમ માનીને ડીનની. વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીથી અલગ થઈ ગઈ છે ને લોકશાહી પદ્ધતિથી થનાર ચૂંટણીમાં ન માનતી હોય તેમ વર્તવા લાગી છે. કોમન એક્ટ લાગુ થાય કે ન થાય, સરકારી યુનિવર્સિટી રોજિંદી ગતિવિધિઓથી દૂર થાય એમાં જ ગુલામી માનસિક્તાને સ્વીકૃતિ અપાતી હોય એમ લાગે. આવું વર્તન તો કોમન એક્ટ કોઈ પણ સંજોગોમાં લાગુ થશે જ તેની આગાહી કરે છે.
એ જ કારણે કોમન યુનિવર્સિટી એક્ટનો, ઓલ ઇન્ડિયા સેવ એજ્યુકેશનનાં નેજા હેઠળ 20થી વધુ શૈક્ષણિક સંગઠનોએ, ગુજરાત યુનિવર્સિટી નજીક ધરણાં પ્રદર્શનો કરીને વિરોધ કર્યો છે, ત્યાં ઉપસ્થિત શિક્ષણવિદોએ કોમન એક્ટને ફાસીવાદી અને એટલે જ ‘ફાંસીવાદી’ ગણાવ્યો છે. સંગઠનોએ આ વિરોધ વ્યાપક કરવા અન્ય યુનિવર્સિટીઓ અને કોલેજોને પણ આહ્વાન આપ્યું છે. આ કોમન એક્ટ લાગુ કરવા રાજ્ય સરકાર અગાઉ પણ પ્રયત્ન કરી ચૂકી છે. એનો એકથી વધુ વખત વિરોધ થયો છે ને સરકારે નમતું જોખવું પડ્યું છે, પણ કોમન એક્ટ લાગુ કરવાનું ઝનૂન એટલું તીવ્ર છે કે વધુ એક વખત સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવા સૂચનો મંગાવ્યાં છે. જુદી જુદી સંસ્થાઓ અને સંગઠનોએ સૂચનો મોકલ્યાં પણ છે. એ સૂચનોનો અમલ થયો કે કેમ તેની વિગતો તો બહાર આવી નથી, પણ એક્ટ લાગુ કરવાની સરકારને ઉતાવળ છે, ત્યારે અધ્યાપક મંડળ સહિતનાં વિવિધ સંગઠનોએ કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ ન થાય એ માટે વિરોધ ચાલુ રાખવાનો રહે. એમ લાગે છે કે સરકારને ઉપદ્રવોમાંથી મનોરંજન મેળવવાની ટેવ પડી ગઈ છે. એ સાચું હોય તો સરકારે વિરોધ વેઠવાની તૈયારી પણ રાખવાની રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 સપ્ટેમ્બર 2023